કંસારા બજાર/વિષાદ
Jump to navigation
Jump to search
વિષાદ
આ જ વાદળાંઓ હતાં,
આ જ વૃક્ષો હતાં,
આમ જ, ગરમાળાનાં પીળાં ફૂલો
રસ્તા પર ખરી રહ્યાં હતાં.
છતાં આજે સાંજમાં વિષાદ છે.
અકારણ આજે મને વિચાર આવે છે
મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં
મરી ગયેલાં ઘેટાંઓનો
અને પોતાની મોંઘી મિરાત ઘેટાંઓ માટે
આંસુ સારતી રબારણ આઈમાનો.
ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ છે.
એ ગમગીની આજે મને પણ ઘેરી વળી છે.
આનંદના કોઈ અકુદરતી આવેગમાં
ખેંચાઈ જવા હું ઇચ્છું છું.
પણ રહી રહીને મને યાદ આવે છે
ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ.
એ દિવસે ડામર-રોડ ૫૨
ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા.
વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા,
તે પછી અનેક ઋતુઓ પસાર થઈ ગઈ છે.
હું હજી આ શહેરમાં
શોધું છું, એક માંસલ સ્પર્શ.
સાંજ વધારે નિસ્પૃહ થતી લાગે છે.