કથાવિવેચન પ્રતિ/કૃતિ-પરિચય
પ્રમોદકુમાર પટેલનું વિવેચન સિદ્ધાન્તચર્ચાથી લઈને ઐતિહાસિક પ્રવાહો સુધી અને ગ્રંથવિવેચનથી લઈને સ્વતંત્ર કૃતિવિશેષ સુધી, એકસરખી અભ્યાસશીલતાથી તથા અધિકારથી પ્રસરતું રહ્યું છે. ‘કથાવિવેચન પ્રતિ’ પુસ્તક, એનું નામ બતાવે છે એમ કથાસાહિત્ય (Fiction : નવલકથા અને ટૂંકીવાર્તા)ના વિવેચન વિશેના લેખો સમાવે છે. અહીં ‘નવલકથાની કળા’ તથા ‘ટૂંકી વાર્તાની વિભાવના’ જેવા સિદ્ધાન્તચર્ચાના લેખો છે; સામ્પ્રત ગુજરાતી કથાસાહિત્યને તેમજ મુનશી, ધૂમકેતુ, જયંત ખત્રી જેવા કથા-લેખકોની સર્જકતાને તપાસતા લેખો છે તેમજ ‘મળેલા જીવ’ (પન્નાલાલ પટેલ), ‘તેજ, ગતિ અને ધ્વનિ’ (જયંત ખત્રીનો વાર્તાસંગ્રહ) વિશેની સમીક્ષા કરતા તેમ જ સુરેશ જોષીની વાર્તા ‘થીંગડું’, કિશોર જાદવની આધુનિક વાર્તા ‘સરકસના કૂવામાં કાગડાઓ’ વગેરે કૃતિઓની વિશ્લેષક-આસ્વાદક ચર્ચા કરતા લેખો છે. પ્રમોદકુમારની ચર્ચા સર્વસમાવેશી અને વ્યાપક રહેતી હોવા છતાં સર્જક અને કૃતિના મર્મસ્થાનો બતાવી આપનારી વિદ્વાન અધ્યાપકની ઝીણવટો પણ એમાં દેખાય છે. નિઃશેષ કથનને કારણે એમના લેખો લાંબા ફલક-પથરાટવાળા ખરા, પણ લંબાવેલા હોતા નથી. એમને કોઈ વિચારણીય મુદ્દો રજૂ કરવો હોય ત્યારે જ એ વિવેચન કરે છે. નિઃશેષ વિમર્શ પ્રમોદભાઈની વિશેષતા પણ છે ને વિલક્ષણતા પણ છે. આ પુસ્તકના લેખો દ્યોતક છે ને વાચકની સજ્જતા વધારનારી પ્રસન્નતા પ્રેરે એવા પણ છે.
– રમણ સોની