કથાવિવેચન પ્રતિ/‘કાગડો’ : એક સમર્થ ચેતોહર ફૅન્ટસી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘કાગડો’ :
એક સમર્થ ચેતોહર ફૅન્ટસી

આપણા નવી પેઢીના વાર્તાલેખકોમાં ઘનશ્યામ દેસાઈએ એમની પ્રાણવાન સર્જકશક્તિના બળે આજે આગવું સ્થાન મેળવી લીધું દેખાય છે. થોડા સમય પર જ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટોળું’ પ્રગટ થતાં એક પ્રતિભાશાળી લેખક તરીકે તેમની નિજી મુદ્રાવાળી સરસ છબી ઊપસી આવી છે. માત્ર સંખ્યાદષ્ટિએ જ જોઈએ તો, તેમણે ઝાઝી વાર્તાઓ આપી નથી. વીતેલા દાયકામાં માંડ દોઢ-બે ડઝન કે તેથી થોડીક જ વધુ કૃતિઓ તેમણે આપી હશે. પણ એ રચનાઓ કળાદૃષ્ટિએ ઊંચી કોટિની બની આવી છે. એટલે, એ અલ્પ કૃતિઓ પણ તેમને પ્રથમ હરોળના લેખકમાં સ્થાન અપાવે છે એમ કહી શકાય. ખરી વાત એ છે કે સાહિત્યકળાના તેઓ ઊંડા મર્મજ્ઞ અને રસજ્ઞ રહ્યા છે – એક જાગૃત અને સન્નિષ્ઠ સંપાદક તરીકે તેમને વિભિન્ન શૈલીના જૂના-નવા સાહિત્યના સતત સંપર્કમાં રહેવાનું થયું છે-એટલે, પોતાના સર્જન માટે તેમણે ઊંચાં ધોરણો નજર સામે રાખ્યાં હોય એમ જણાશે. સર્જનમાં, તેમ વિવેચનમાં પણ, તેઓ જાણે કે પોતે જ સ્વીકારી લીધેલાં કઠોર સંયમ અને સચ્ચાઈને જાળવીને ચાલ્યા છે. ‘ટોળું’માં આરંભે મુકાયેલી તેમની કૃતિ ‘કાગડો’, માત્ર તેમની જ નહિ, આપણા સમસ્ત વાર્તાસાહિત્યની એક નોંધપાત્ર કૃતિ છે. તેમની સર્જકચેતનાનો એક અતિવિલક્ષણ આવિષ્કાર એમાં જોઈ શકાશે. આજે આપણે જેને ‘ફૅન્ટસી’ને નામે ઓળખીએ છીએ, એનું એક સમર્થ ચેતોહારી રૂપ એમાં જોવા પામીએ છીએ. ફૅન્ટસીનો આટલો બલિષ્ઠ અને પ્રભાવક ઉન્મેષ આપણા કથાસાહિત્યમાં બહુ ઓછી વાર જોવા મળ્યો છે. ‘કાગડો’નું કથાવિશ્વ એ રીતે આપણું સવિશેષ ધ્યાન ખેંચી રહે છે. ફૅન્ટસીની કોટિનું વિશ્વ પણ એના સર્જકની વિલક્ષણ કલ્પનાશક્તિનું નિર્માણ છે, પણ એનું મંડાણ જરા જુદી રીતે થયું હોય છે, અને એમાં જે કંઈ ઘટના બને છે તેની ગતિવિધિ નિરાળી હોય છે. અલબત્ત, આપણે એ પણ જાણીએ છીએ કે દરેક કથાવિશ્વ વત્તેઓછે અંશે fictive હોય છે, આપણે એ પણ જાણીએ છીએ કે, આવા દરેક કથાવિશ્વના મંડાણમાં કેટલાક નિયમો (ground rules) પ્રવર્તતા હોય છે, એમાં રજૂ થતી વિગતો કે વ્યક્તિઓને જોવાને અમુક પરિપ્રેક્ષ્યો (set of perspectives) પણ સૂચિત રહ્યા હોય છે, અને દરેક કૃતિ માટે એને આગવો frame of reference પ્રાપ્ત થયો હોય છે. પણ, ફેન્ટસીની રચનામાં જો આવા કોઈ મૂળભૂત નિયમોની સ્થાપના થાય છે, તો પછી સમયે સમયે તેનું ખંડન પણ થતું આવે છે. એમાં જો વિગતો કે વ્યક્તિઓને જોવા-સમજવાને આ કે તે પરિપ્રેક્ષ્ય રચાય છે, તો તેનો પછીથી લોપ પણ થાય છે. એમ કહીએ કે, અમુક કથાવિશ્વમાં અમુક કોટિની વાસ્તવિકતા સ્વીકારીને સંભવાસંભવનાં અમુક ધોરણો કે નિયમો જેવું રચાતું લાગે ત્યાં, તેથી સાવ ઊલટું, નકલ્પ્ય કે અસંભવિત જ બની આવતું લાગે! કૃતિમાંનાં પાત્રો, પ્રસંગો, સંકલનાસૂત્ર અને સંભવાસંભવનાં અમુક ધોરણો સ્થપાતાં લાગતાં હોય, ત્યાં તેના એ મૂળભૂત નિયમનો જ વિપર્યય થઈ જવા પામે. વાચક માટે એ રીતે કશુંક અણધાર્યું કે અનપેક્ષિત બને છે, એટલું જ નહિ, અને એમ પણ નહિ; ધાર્યું હોય તેથી સાવ ઊલટું, અપેક્ષિત હોય તેથી સાવ વિરુદ્ધનું, એમાં બની આવે. ફૅન્ટસીના વિશ્વમાં, આ રીતે, અતિમાનવીય અતિપ્રાકૃતિક અને અસંભાવ્ય લાગે, એવી કલ્પનાઓ કામ કરી રહી દેખાશે. આવી કલ્પનામાંથી જન્મતી સંભાવ્ય અને અસંભાવ્ય સર્વ ઘટનાઓની વિલક્ષણ શૃંખલા સહૃદયને મૂંઝવણ સાથે આઘાત અને આશ્ચર્યનો અનુભવ કરાવે છે. મૂળભૂત નિયમો અને પરિપ્રેક્ષ્યોના આ જાતના સતત ઊલટાતા-પલટાતા ક્રમને લીધે ફૅન્ટસીના વિશ્વનો અર્થબોધ સરળ હોતો નથી. પણ એય સાચું કે સમર્થ રચેલી ફૅન્ટસી કોઈ તરંગી કે હવાઈ વસ્તુ હોતી નથી. માનવચિત્તના ગહનતમ, અતિગહનતમ સ્તરની કોઈક આદિમ વૃત્તિ, આદિમ ઝંખના કે આદિમ પ્રકૃતિમાં નીહિત રહેલી કોઈ ગ્રંથિના સંચલનનો અણસાર એમાં સંભવે છે. સર્જકની કળાદૃષ્ટિ વિકસિત હોય તો ફૅન્ટસીનું વિશ્વ એક પ્રતીકાત્મક અર્થનું વિશ્વ બની રહે એમ બને. ‘કાગડો’નું વિશ્વ આપણને અતિપરિચિત સમાજથી દૂરનું, આ૫ણને પરિચિત વાસ્તવિકતાથી દૂરનું એવું એક કપોલકલ્પિત વિશ્વ છે : કોઈ સ્વપ્નલોક કે સર્‌રિયલ જગત કે પૌરાણિક જગતની આબોહવા એમાં પ્રસરી રહી છે. એક બાજુ સાગરપટ, બીજી બાજુ સરુનાં વૃક્ષોનો પરદો, ત્રીજી બાજુ સાગરતટની પીળી રેતીમાં માનવદેહની સ્થિતિ અને ઉપર આકાશી વિસ્તાર. આ દશ્યપટ ખરેખર તો વૈશ્વિક સંદર્ભ રચી દે છે : એનું અપાર્થિવ વાતાવરણ આદિમતાનો અવકાશ પ્રસારી રહે છે. રેતીના કણોમાં અર્ધ દટાયેલો માનવી અહીં જે અતિમાનવીય કે અતિપ્રાકૃત અનુભવની વાત રજૂ કરે છે, તે તો કેવળ ‘સાક્ષીભૂત ચેતના’ સમો લાગે છે. જ્યારે એની સામે આવતો ‘કાગડો’ એક અતિપ્રાકૃતિક સત્ત્વ સમો લાગે છે. લેખકે સાગર-પટની આદિમ નિર્જનતા વચ્ચે કાગડાનું અવતરણ, માનવદેહનો ભક્ષ્ય, કાગડા સાથે માનવીનું ઉડ્ડયન, અને અંતે પોતાને ‘કાગડો’માં રૂપાંતર પામેલો જોતી અને કાંઠા પરના માનવદેહનો ભક્ષ્ય કરતાં એમાં પોતાની જ ઓળખ કરી લેતી, સાક્ષીભૂત ચેતનાનું કોઈક ગૂઢ સંચલન રજૂ કર્યું છે. અહીં કાગડાને પ્રતીક રૂપે ઘટાવી આપવાનું સરળ નથી. માનવચિત્તના ગહનતમ સ્તરે ઉદ્‌ભવતી કોઈક આત્મધ્વંસની ક્ષણિક વૃત્તિનો આદિ સંચાર એમાં જોઈ શકાય; અથવા, મનના ઊંડાણમાંથી ડોકિયું કરતા સેતાનની છાયા કે પછી evil કે devilની છાયા એમાં પ્રતીક રૂપે પ્રગટતી જઈ શકાય; અથવા માનવમનના ઊંડાણમાંથી ઊઠતી આત્મપીડન કે આત્મવિદારણની વૃત્તિ એમાં જોઈ શકાય; અથવા, વિરાટ વિશ્વમાં નિગૂઢ રહેલી આદિમ ક્રૂરતાનું અહીં મૂર્ત રૂપ જોઈ શકાય : આ વાર્તામાં ‘કાગડો’ આ બધાનું સંકુલ રૂપ છે; અને એથીયે કંઈક વિશેષ છે. ‘કાગડો’ના રસાનુભવમાં એનું રચનાતંત્ર કેવી રીતે ભાગ ભજવે છે, તે અવલોકવું જેટલું બોધપ્રદ છે, તેટલું જ રસપ્રદ છે. અહીં એ કૃતિના કેટલાક strategic points જોઈશું. કૃતિના આરંભના પરિચ્છેદમાં રજૂ થતો વૈશ્વિક સંદર્ભ ફૅન્ટસીની પ્રથમ આઘાત અને આશ્ચર્યની ક્ષણો પૂરી પાડે છે : “આંખો ખોલીને જોયું તો ડાબી બાજુ સમુદ્ર ઊછળેલો, પણ ઊછળીને અટકી ગયેલો દેખાયો. એનાં સફેદ ટોચવાળાં મોજાં ઠેર ઠેર ઊંચાં થયેલાં વાંકાં વળેલાં થોડાંક પાણીનાં ટીપાં ઉપર કે નીચેની દિશાએ જતાં હવામાં અદ્ધર લટકેલાં, ને દરિયાનો નીચેનો ભાગ વાંકીચૂંકી લીટીઓ વડે દોરેલો હોય એવો, પડી ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઊભેલાં સરુવૃક્ષોનો પડદો આકાશમાં ખીલી મારીને ટિંગાડેલો હોય એમ, હાલ્યાચાલ્યા વિનાનો, સ્થિર પીળી રેતીથી કિનારો ચમકતો-ક્યાંક સેંકડો શંખલાંછીપલાંની ભાતવાળો, ક્યાંક કાબરચીતરો, પણ આખા કિનારા પર એકે જીવજંતુ નહિ, દર પણ નહિ. અને ભીની રેતીમાં હું એકલો સૂતો હતો...” આ ખંડમાં ‘આંખો ખોલી જોયું તો’ શબ્દોથી ‘સાક્ષીભૂત ચેતના’ની અનુભવકથા આરંભાય છે. (આ પૂર્વે નિદ્રાની કે એના જેવી કોઈ સુષુપ્ત દશા હતી એમ સૂચવાઈ જાય છે.) ડાબી બાજુ વિસ્તરેલો સમુદ્ર આ ક્ષણે એની એક ઉછાળાની સ્થિતિમાં સ્થગિત થઈ ગયેલો છે. સમુદ્રની સ્થગિતતા ફ્રૅન્ટસીને જન્મ આપે છે, બાજુનાં સરુવૃક્ષોના ‘પડદા’ની જડ સ્થિરતા પણ એને સમર્પક બને છે. સમગ્ર વાતાવરણ એક સ્થગિતતાની સ્થિતિમાં હતું ત્યાં, ‘આંખો’ ખૂલે છે, અને આ કથાવિશ્વમાં એક ઘટના ઊભી થવાની સંભાવના રચાય છે. અહીં ‘પીળી રેતી’નો નિર્જન વિસ્તાર, શંખલાંછીપલાં વગેરે જે એક આદિમ આબોહવાનો અણસાર આપે, પણ અહીં જીવજંતુની અનુપસ્થિતિનો ઉલ્લેખ વળી નિર્જનતાને ઉત્કટતા અર્પે. રેતીમાં દટાયેલો માનવદેહ લગભગ શબવત્‌ પડ્યો છે. ‘ફિક્કાં સફેદ રંગનાં આંગળાં’ એની આસપાસ મૃત્યુની શ્વેતતા અને ભેંકારનો સંકેત કરે છે. આવા નિર્જન સ્થગિત વાતાવરણમાં ‘આંખો ખૂલી’, તે સાથે તેની દૃષ્ટિ સામે અલૌકિક ઘટના આકાર લેવા માંડે છે. આકાશમાં ‘કાળું ટપકું’ દેખાય છે, જે પછીથી કદમાં વિસ્તરે છે, અને સમુદ્ર-પટ પર ‘કાગડા’ રૂપે પ્રત્યક્ષ થાય છે. ‘અણિયાળા’ પ્રકાશમાં ‘કાળા ટપકા’નો ઉદ્‌ભવ કે તેનું પ્રત્યક્ષીકરણ અહીં સૂચક છે. અસ્તિત્વના અતિસભાન સ્તરે અંદરના (કે બહારના) અવકાશમાં પ્રત્યક્ષ થતા કોઈ અંધ તમિસ્ર કે પ્રાકૃત અંશનું એમાં સૂચન જોઈ શકાય. ‘પીળા રંગમાં ઝબોળાઈને એ પીળું તો નહિ બની જાયને’ એ જાતની ભીતિનું આલેખન પણ ધ્યાનમાં લેવાનું છે. કાળા ટપકા જેવું એ સત્ત્વ અલગ સ્વરૂપે ટકી રહે, અને એ સ્વરૂપે એને પોતે ઓળખી શકે, એવી કંઈક ‘સાક્ષીભૂત ચેતના’ની અજ્ઞાત ઝંખના એમાં જોઈ શકાય. અને, એ કાળા ટપકાના પ્રત્યક્ષીકરણ સાથે જ સાગરનાં મોજાંઓ અને સરુનાં વૃક્ષો એકદમ કંપી ઊઠે છે, ગતિશીલ બને છે, અને ‘સાક્ષીભૂત ચેતના’ એક નવા જ અનુભવના વર્તુળમાં પ્રવેશે છે... આ ક્ષણથી ‘સાક્ષીભૂત ચેતના’ પોતાની સામે પેલું ટપકું જે રીતે ‘કાગડો’ બનીને વિસ્તરે છે, અને એ ‘કાગડો’ જે રીતે પોતાનો ભક્ષ્ય કરવા પ્રવૃત્ત થાય છે તેની અતિઉત્કટ સભાનતાથી નોંધ લે છે. ‘પછી’, ‘હવે’, ‘ત્યારે’, ‘ત્યાં જ’ જેવા પ્રયોગોથી એક પછી એક વાક્યો જોડાતાં આવે છે. એમાં, જોકે, ઐતિહાસિક સમયનું પરિમાણ કોઈ જોેવા પ્રેરાય એમ બને; પણ એને ‘સાક્ષીભૂત ચેતના’ને ઉત્કટતાથી નિહાળેલી ક્ષણોને magnify કરવાની પ્રયુક્તિ તરીકે જોવાનું વધુ રસપ્રદ બને એમ છે. આકાશમાં પ્રત્યક્ષ થતું ‘કાળું ટપકું’ હવે એક ‘કાગડા’ રૂપે પ્રગટ થયું. એ ‘કાગડો’ કાંઠા પર રેતીમાં અર્ધ દટાયેલા માનવદેહનો ભક્ષ્ય કરવા નજીક આવ્યો. અને, પછી એ માનવદેહની પાંસળીઓ વચ્ચેથી ચાંચ નાખી નસોનું જાળું બહાર ખેંચી તેને ટોચે છે. આ આખીય ઘટના કૃતિના અંતમાં એક જુદા જ સંદર્ભમાં જુદા રહસ્ય સાથે પુનઃ રજૂ થાય છે.) ‘સાક્ષીભૂત ચેતના’ આકાશમાંથી ઊતરી આવતા ટપકાને ‘કાગડા’ રૂપે વિસ્તરતું જુએ છે. અંતમાં, એ કાગડા સાથે આકાશમાં ઉડ્ડયન કરતી ‘સાક્ષીભૂત ચેતના’ને ખબર પડે છે કે ‘કાગડો’ અલોપ થઈ ગયો છે, ત્યારે આકાશની એ નિર્જન એકલતામાં એની બુભૂક્ષા જાગી પડે છે. ત્યાંથી દૂર કિનારા પર તેને એક કાળું ટપકું દેખાય છે, અને પછીથી તેમાં માનવદેહની આકૃતિ વરતાવા લાગે છે. આરંભમાં થયું હતું તેમ, આ તબક્કે પણ, તેને એવી ભીતિ જાગે છે કે, એ ‘કાળું ટપકું’ પીળા રંગમાં ભળી તો નહિ જાયને. છેવટે એ માનવદેહ આગળ તે પહોંચે છે ત્યાં તે પોતે ‘કાગડા’નું રૂપ પામી ચૂકી હોય, એમ અનુભવે છે. પેલી કિનારા પરની માનવાકૃતિનો ચહેરો પોતાનો જ છે, એવા ભાન સાથે ચોંકી ઊઠે છે ત્યાં કૃતિ પૂરી થાય છે. અહીં આરંભની ક્રિયા અંતની ક્રિયા સાથે સંધાઈ જાય છે : એમ કહી શકાય કે, વિસ્તૃત રહસ્યમય અનુભૂતિનાં એ બે પાસાં છે. અહીં સાક્ષીભૂત ચેતનાનું કાગડા રૂપે અવતરણ, અને એ કાગડાની પેલા માનવદેહમાં પોતાની આત્મઓળખ, એ જાતની ઘટનામાં ફ્રૅન્ટસીનું તત્ત્વ ઉત્કટતાથી પ્રવર્તતું જોઈ શકાય. એને સ્વપ્નજગતની સ્વરૂપાંતરની પ્રક્રિયા કહો, સર્‌રિયલસૃષ્ટિની ઘટના કહો, જે કહો તે, કશુંક રહસ્યાવૃત્ત બની જાય છે. ‘સાક્ષીભૂત ચેતના’ની સામે ખડો થયેલો ‘કાગડો’ એ સામાન્ય પંખી નથી : વિશ્વજીવનમાં નિગૂઢ રીતે વ્યાપી રહેલી કોઈ આદિમ વૃત્તિનું મૂર્ત રૂપ છે. એટલે જ એનું રાક્ષસી રૂપ ધીમેધીમે છતું થવા માંડે છે. “છાતી ફુલાવીને એ એવી છટાથી ચાલતો હતો કે જાણે દરિયાને ખેંચીને કિનારે ઘસડી ન લાવતો હોય! પાછળ દરિયો અને આગળ કાગડો એમ બેઉ થોડી વાર ચાલ્યા.” અહીં ‘કાગડા’ પાછળ દરિયો ખેંચાઈ આવતો હોવાની કલ્પના સૂચક છે. સ્થગિત થયેલા સમુદ્રને ‘કાગડા’ના અવતરણ સાથે જ તો ગતિ અને ક્ષોભ મળ્યાં હતાં! આ ‘કાગડો’ પોતાનું ‘રાક્ષસી બળ’ પ્રગટ કરે છે તેથી ‘પીળી રેતી’માં દટાયેલા માનવીની સાક્ષીભૂત ચેતના ભયની લાગણી અનુભવે છે. એ કાગડાનું વર્તન જ વિચિત્ર હતું. એની આંખો ‘ભયાનક’ હતી. અને ‘કોઈ તીવ્ર દબાયેલી લાલસાને લઈને એના ડોળા ચકળવકળ ફરતા હતા!’ પછી તો કાગડો માનવશરીરને પીંખવા પ્રવૃત્ત થાય છે : “પછી ધીમેથી મારી આંખો સામે તાકતો તાકતો મારા ઘૂંટણ પરથી કૂદીને એ મારી દૂંટી પર એક ક્ષણે બેઠો. કાળા રંગના બ્રહ્મા મારી દૂંટીમાંથી ન ફૂટી નીકળ્યા હોય એમ એ ઘડીક સ્થિર થઈ ગયો. પછી ચાંચ ઊંચી કરી આકાશ ભણી તાકી રહ્યો. પછી એકદમ નીચું જોઈ પટક પટક એણે પાંસળીઓ પર ચાંચ ઘસવા માંડી” – અને એ સેતાની ‘કાગડા’ની આંખ પેલી ‘સાક્ષીભૂત ચેતના’ને એવી પરવશ કરી મૂકે છે, કે તેનાથી પોતાની દૃષ્ટિ ખસેડી શકતો નથી. જે કંઈ evil કે devil રૂપ છે તેની દૃષ્ટિ પણ કેવી લોભામણી હોય છે! અને કેવો છદ્મવેશ તે રચે છે! અસ્તિત્વના અંતરાલમાં પડેલો આ સેતાની અંશ મોહિનીનું રૂપ ધરી શકે છે! અહીં ‘કાગડા’ તરફ ‘સાક્ષીભૂત ચેતના’ આકર્ષાવા લાગે છે, બીજી બાજુ ‘કાગડો’ છાતી કોચવાની શરૂઆત કરે છે!... “થોડુંક ખોતર્યા પછી પટ દઈને બે પાંસળી વચ્ચે ચાંચ ખોસી દીધી. મને અસહ્ય વેદના થઈ, પણ એકે હરફ, મોંમાંથી નીકળી શક્યો નહિ. એણે પાંસળીઓમાંથી ચાંચ બહાર કાઢી ત્યારે, એના પરથી લાલ પ્રવાહી ટપકતું હતું. પછી ચાંચ અરધી ખોલી, કાગડાએ આકાશ તરફ જોયું, તેથી થોડુંક પ્રવાહી એના ગળામાં ઊતર્યું. ઘટક એવો અવાજ થયો.” આમ ‘કાગડા’ની આખીય પ્રવૃત્તિનું અત્યંત વિગતે ચિત્ર રજૂ થાય છે. એમાં એની લોકોત્તર સત્તાનો અણસાર મળતો રહે છે. માનવશરીરમાંથી નસ ખેંચી કાઢતાં પહેલાં એ ‘હસી પડે છે’ અને એને કોચતી વેળા તેને ખરેખર કોઈ ‘અનેરો આનંદ’ થાય છે. આનંદમાં એ ફેરફુદરડી પણ ફરે છે. એ આ માનવશરીરનાં રુધિરનસ ચૂંથતો હતો, ત્યારે સાક્ષીભૂત ચેતનાને એથી અસહ્ય વેદના થતી હતી, પણ તેની ચીસ જન્મી શકતી નહોતી! અને, પછી તો, એની પાંખોના પ્રસારથી આખું આકાશ ઢંકાઈ જાય છે! ચોતરફ ઘોર અંધારું છવાઈ જાય છે! એમાં દેખાય છે માત્ર એની તગતગી રહેલી આંખો. એ આંખોની સ્થિર તાકી રહેલી દૃષ્ટિરેખાથી છૂટવું અશક્ય હતું! છેવટે એ મહાપંખીની સાથે ઊડવાનું જ રહ્યું. પણ, આકાશમાં પહોંચતાં એ ‘કાગડો’ અદૃશ્ય થઈ જાય છે. એ ક્ષણે – “આકાશમાં હું એકલો જ હતો અને જાણે કે જન્મનાળથી વિચ્છેદાઈ ગયો હોઉં એવી એકલતા અનુભવવા લાગ્યો. હવે મારું ધ્યાન મારી તરફ દોરાયું.” – અને, એવા ઉગ્ર ભાન સાથે એ સાક્ષીભૂત ચેતના ફરીથી કિનારા પર ઊતરી આવે છે. ત્યાં એ જ પેલું ‘કાળું ટપકું અને એનો એ જ માનવદેહ રૂપે વિસ્તાર, અને એનો એ ‘ચહેરો’ તે પણ પોતાનો જ! ‘કાગડો’ આખાયે આકાશને ઢાંકી દેતો પાંખો ફેલાવે છે, તેમાં, તેની વૈશ્વિક સત્તાનો પરિચય મળી જાય છે. (લોરેન્સની ‘The Snake’ કવિતામાં સર્પનો પણ આવી વૈશ્વિક સત્તા રૂપે પ્રસાર થતો વર્ણવાયો છે.) એ પાંખોના ફેલાવાથી જે અંધકાર વ્યાપી રહે છે, તેમાં તેની બે આંખો તગતગ્યા કરતી પ્રત્યક્ષ થાય છે. વિભીષિકાનું આ રૂપ કરાલ છે, પણ એનુંય વળી આગવું કામણ છે. અહીં અનુભૂતિના વ્યાપમાં કશાક mystic તત્ત્વનો સંસ્પર્શ વરતાય છે. ‘સાક્ષીભૂત ચેતના’ની અપાર વેદના અને થીજી ગયેલા ચિત્કારોની નિઃશબ્દતા અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાં અંતિમ ઘટના આરંભાય છે. એ મહા પંખીની પાછળ સાક્ષીભૂત ચેતના અદમ્ય બળથી ખેંચાય છે. આરંભમાં એ ‘કાગડો’ પોતાની પાછળ ‘દરિયો’ ખેંચી આણતો હોય એ ક્રિયાની સામે, અંતની આ ક્રિયા વિરોધમાં સરસ ઊપસી આવે છે. અવકાશમાં એ ‘કાગડો’ જ્યાં અદૃશ્ય થઈ જાય છે, ત્યાં એ ‘સાક્ષીભૂત ચેતના’ને એ ખાલી અવકાશમાં વજનરહિત સ્થિતિમાં મુકાઈ ગયાનો અનુભવ થાય છે. પેલા આદિમ આવેગનો સ્રોત કપાઈ જતાં પોતે દિશાશૂન્ય બની જતો અનુભવે છે : એની સામેના પેલા devil (કે evil) જોડેની જન્મ-નાળ કપાઈ જતાં ક્ષણભર ભયંકર એકલતાનો અનુભવ થાય છે. પણ ત્યાં તો એ ક્ષણે પોતાના પેટમાં જ બુભૂક્ષાનો અગ્નિ ભડભડ બળી રહ્યો હોવાનું તેને લાગે છે. દૂર કિનારા પર પ્રથમ એક ‘કાળું ટપકું’ દેખાય છે. (આરંભમાં સાક્ષીભૂત ચેતનાએ આકાશમાં એવું જ ‘ટપકું’ જોયું હતું.) પછી એક ભયનો સંચાર તેનામાં થઈ જાય છે. રખેને એ ‘ટપકું’ ‘પીળા રંગ’માં ભળી તો નહિ જાયને! (આરંભમાં આકાશના ‘કાળા ટપકા’ માટે તેને આવી જ ભીતિ જાગી હતી.) અને, પછી કિનારા પર ઊતરી માનવશરીર સુધી પહોંચે છે, તેના ઘૂંટણને બળથી ભીંસે છે, એનો ભક્ષ્ય કરવા વળે છે, ત્યાં એનો ‘ચહેરો’ જોઈ છળી ઊઠે છે! પરકાયા પ્રવેશની આ આખીયે લીલા જેટલી રોમાંચક છે, તેટલી જ સંક્ષોભક પણ છે. ઘનશ્યામે રચેલી એક સમર્થ ફૅન્ટસી, આમ, અહીં એક ચેતોહર કલાત્મક રૂપ પામ્યાનો પરિતોષ અર્પે છે. આવી ફૅન્ટસી સર્જનની અનંતવિધ શક્યતાઓ તરફ સંકેત કરી રહે છે.