કથાવિવેચન પ્રતિ/‘સરકસના કૂવામાં કાગડાઓ’ : સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન
સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન
સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું સર્જન કરવા ચાહતી કિશોર જાદવની નવલિકાઓ આપણા આજના નવલિકાસાહિત્યમાં એક અતિવિલક્ષણ ઉન્મેષ બની રહે છે. વાસ્તવવાદી રીતિની વાર્તાઓની સામે છેડે ‘પ્રતિ નવલિકા’ જેવી, એ રચનાઓ લાગે છે. સ્વપ્નસૃષ્ટિના જેવો અતિબૌદ્ધિક ઘટનાક્રમ એમાં પ્રવર્તતો દેખાય છે. સ્વપ્નજગતમાં જોવા મળતી અતિપ્રાકૃતતા અને આદિમતા અહીં સમયાતીત પરિવેશમાં વ્યાપી રહ્યાં દેખાય છે. માનવચેતના અને પ્રાકૃતિક સત્ત્વો અહીં પરસ્પરમાં ભળી ગયાં છે. માનવવિશ્વ અહીં સતત રીતે vegetational worldમાં રૂપાંતર પામ્યા કરે છે; તો, એ vegetational world માનવવિશ્વમાં વિસ્તર્યા કરે છે! આદિમ ચેતનાનું નિરંતર સ્વરૂપાંતર આ કથાવિશ્વની પ્રથમ લાક્ષણિકતા છે. પરિચિત સ્થળકાળમાં બદ્ધ વાસ્તવિકતાનો આપણે જે ખ્યાલ કેળવીને ચાલીએ છીએ, તેનો ભાગ્યે જ કોઈ નિયમ અહીં સ્પષ્ટ રૂપમાં પકડી શકાય. સ્વપ્નઘટનાની જેમ અહીં બધું જ અતાર્કિક, અસંગત અને અસંબદ્ધ રીતે બન્યા કરે છે. પરિચિત વાસ્તવિકતાને આપણે બૌદ્ધિક માળખામાં ગોઠવીને જોતા આવ્યા છીએ. અહીં કશું જ એવા માળખામાં બંધબેસતું થતું નથી. આદિમ આબોહવાના ધૂંધળા પરિવેશમાં, ક્યારેક જ સ્ફુટ પણ ઘણી વાર અર્ધસ્ફુટ કે અલ્પસ્ફુટ આકારો તર્યા કરે છે; બલકે, કશાય તર્કસૂત્ર વિના એવા આકારો એકબીજામાં ભળતા ને ઓગળતા જાય છે, સંયોજાતા ને વિચ્છેદાતા જાય છે. ધૂંધળી આદિમ આબોહવામાં પ્રાકૃતિક સત્ત્વો અને માનવછાયાઓ સતત પરસ્પરમાં રૂપાંતર પામે છે. તેથી આખાય ઘટનાક્રમમાં કશુંક લોકોત્તર તત્ત્વ ભળી જતું વરતાય છે. કપોલ-કલ્પિત અને અસંબદ્ધ લાગતાં તત્ત્વો એમાં સતત જોડાતાં રહે છે. સ્વપ્નસદૃશ એવા આ વિશ્વમાં ક્યાંય કોઈ વિચાર કે વિભાવ નિર્ણાયક બનતો દેખાતો નથી. સ્વપ્નઘટના અહીં સર્વથા અપરિચિત ચિત્ર-વિચિત્ર આકારો દ્વારા સંચલિત થાય છે. રહસ્યમય આવરણમાં અર્ધપ્રચ્છન્ન એવા એ આકારો સ્વયં પ્રતીકનું મૂલ્ય ધરાવે છે. કિશોરની રચનાઓમાં આવા અનેક સંદર્ભો આદિમ વૃત્તિઓનો બલિષ્ઠ પ્રતીકાત્મક આવિષ્કાર સૂચવે છે. સ્વપ્નસૃષ્ટિની દરેક ઘટના માનવ-ચિત્તમાં ગહન સ્તરની અશ્મીભૂત વાસનાઓ વૃત્તિઓ ઇચ્છાઓ ઝંખનાઓ આદિ પ્રવેગોનું રૂપાંતરિત પ્રગટીકરણ હોઈ શકે. મનોવૈજ્ઞાનિકોએ એનું વ્યાકરણ રચવાના પ્રયત્નો પણ કર્યા જ છે. પણ અહીં એવું વ્યાકરણ શોધવાનું આપણને અભિમત નથી. અલબત્ત, કિશોરની કૃતિઓમાં અનેકવિધ સ્વપ્નિલ ઘટનાઓ કે ઘટનાસંદર્ભો પરસ્પરમાં જે રીતે સંકળાતાં આવે છે, તેની ભીતરમાં અમુક ચૈતસિક સંચલનોનો અણસાર મળ્યા કરે, એમ બનવાનું. અને, એમ પણ જોઈ શકાશે કે, કલ્પનો અને પ્રતીકોની પ્રચ્છન્ન ભાતમાં, જ્યાં આવાં આંતરિક પરિબળોની ઓળખ થઈ જાય છે ત્યાં, એ સંદર્ભ વધુ વ્યંજનાસભર પ્રતીત થતો રહ્યો છે. કિશોરની નવલિકાઓ આ પ્રકારના સ્વપ્નસદૃશ વિશ્વને કારણે આપણા ઘણાખરા સાહિત્યરસિકોને ભારે મૂંઝવનારી નીવડી છે. વિદગ્ધ અભ્યાસીઓ પણ એ રચનાઓ ખરેખર નવલિકાનું રૂપ પામી છે કે કેમ, તે વિશે મતભેદ ધરાવતા જણાય છે. એમના અત્યાર સુધીમાં પ્રગટ થયેલા બે નવલિકાસંગ્રહો ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ અને ‘સૂર્યારોહણ’માં ગ્રંથસ્થ થયેલી કૃતિઓ વિશે ઉપેક્ષાભર્યું મૌન સેવાયું હોય, તો તે કદાચ તેમની કૃતિઓની આ જાતની પ્રચ્છન્ન આકૃતિ અને દુર્બોધતાને કારણે જ હોઈ શકે, એમ લાગે છે. અને, હકીકતમાં કિશોરની મોટા ભાગની રચનાઓમાં આકૃતિ કે રૂપસંવિધાનની મુખ્ય રેખાઓ પકડવાનું મુશ્કેલ બની રહ્યું છે : એમાં સંકેતોનું જો કોઈ તંત્ર હોય કે અર્થસમૃદ્ધિની જો કોઈ ભાત હોય, તો તેની પાછળનું આંતરિક સૂત્ર હાથમાં આવતું નથી. અલબત્ત, આવી રચનાઓમાં પણ કલ્પનો અને પ્રતીકોની તાજગી, તેનું ભાવસમૃદ્ધ ધ્વનન, તેનો રોમાંચક સ્વપ્નિલ પરિવેશ, એવું બધું અલગ રૂપમાં સ્પર્શી જાય, એમ બનવાનું. પણ, અહીં ખરો પ્રશ્ન કૃતિના સર્જનમાં પ્રવર્તતા નિયમનો, તેની ચોક્કસ ભાતનો, તેની સાંકેતિક યોજનાનો છે. કિશોરના અભ્યાસી સામે આ પ્રશ્ન સતત ઊભો રહેવો જોઈએ. ‘સરકસના કૂવામાં કાગડાઓ’ એ કિશોરની લાક્ષણિક સર્જકતાનાં લગભગ બધાં જ લક્ષણો પ્રગટ કરતી એક નોંધપાત્ર કૃતિ છે. તેમની બીજી બધી રચનાઓમાં જોવા મળતું સ્વપ્નસદૃશ નિર્માણ અહીં પણ ધ્યાન ખેંચે તેવું બલિષ્ઠ છે. તેમાંનાં વૈચિત્ર્યપૂર્ણ કલ્પનો અને પ્રતીકો અહીં પણ વાચકને પ્રભાવિત કરે છે. સ્વપ્નિલ પરિવેશમાં તરતાં ધૂંધળાં દૃશ્યો, તેમાં પદાર્થની અર્ધસ્ફુટ તગતગતી રેખાઓનું અપાર્થિવ વાતાવરણ, છાયાપ્રકાશની રહસ્યમય ગૂંથણી, એ બધું જ અહીં સંતર્પક બની રહે છે. અહીં એ કૃતિના રસકીય સંદર્ભો નોંધ્યા છે. તે સાથે બદલાતાં દૃશ્યોનું આંતરસૂત્ર શોધવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિનું શીર્ષક ‘સરકસના કૂવામાં કાગડાઓ’ અહીં મહત્ત્વનો સંકેત બની રહ્યું હોવાનું સમજાય છે. ‘કાગડાઓ’ આ રચનામાં જુદા જુદા સંદર્ભે યોજાતું રહેલું પ્રતીક છે. પણ એની વાત પછીથી. અહીં પહેલાં તો શીર્ષકમાંના ‘સરકસના કૂવા’ શબ્દનો ઉલ્લેખ લક્ષમાં લઈશું. કૃતિમાં સંવિત્નું આધારબિંદુ ‘વ’ છે. (એને પરિચિત અર્થમાં પાત્ર ન કહી શકાય.) એ ‘વ’ના અસ્તિત્વની અંતિમ ગતિનું ચિત્ર આ રીતે કિશોરે રજૂ કર્યું છે : “પેલા શહેરમાંથી પ્રેક્ષકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. પોતે જાણે સરકસના મોતના કૂવાના ખેલમાં ઝૂઝતો હતો. આ કૂવાના ઘેરાવામાં, બેફામ વેગે, વાયુમંડળની જેમ, ‘વ’ મારફાડ ઘૂમી રહ્યો હતો. ત્યાંથી હવે એ નીચે જઈ શકતો નહોતો, ઉપર આવી શકતો નહોેતો ને ઝીણવટથી એણે જોયું તો એનાં અંગેઅંગ પર લીલા ઘાસનું વન ઊગી નીકળ્યું હતું. ને ઘાસમાં પંખીઓએ માળો ગૂંથ્યો હતો, ને સાંકડી પગદંડીઓ પર, કીડીઓની હાર જેવી, નાગાબાવાની જમાત ક્યાંક ચાલી જતી હતી.” – આ આખુંય સ્વપ્ન વાસ્તવિકતાનું રૂપ છે. ‘સરકસના કૂવા’માં ‘વ’ બેફામ ઝઝૂમી રહ્યો છે. અને એમાંથી બહાર નીકળી શકતો નથી. (અર્થહીન દિશાહીન અસ્તિત્વના ક્રમને સંઘર્ષો સહીને પણ માનવી ટકાવી રાખવા મથે છે, અને લેબિરીન્થ સમા આ વિશ્વના ચકરાવામાંથી તે મુક્ત થઈ શકવાનો પણ નથી – એવો ભાવ અહીં રણકી ઊઠે છે.) એટલે કે, ગત્યાત્મક છતાં નિર્ગતિક અને વંધ્ય સ્થિતિમાં તે મુકાઈ ગયો છે. અંતે ‘વ’ પોતાને લીલા તૃણના વનથી આચ્છાદિત ગ્રહ રૂપે જુએ છે. એક માનવવિશ્વનું vegetational worldમાં અહીં રૂપાંતર થઈ જાય છે. ‘વ’ ‘સરકસના કૂવા’માં ઝઝૂમતો હતો. પણ લેખકે શીર્ષકમાં ‘વ’નો ઉલ્લેખ નથી કર્યો, ‘કાગડાઓ’નો ઉલ્લેખ કર્યો છે. એથી કૃતિની વ્યંજનાને નવું પરિમાણ મળી જાય છે. હવે કૃતિમાંના ‘સફેદ કાગડાઓ’ ‘સરકસના કૂવા’માં ચકરાવા લઈ રહ્યા છે. અસ્તિત્વમાં રહેલી વિષમતા કે વિસંગતિનો ભાવ અહીં વધુ ધારદાર બની આવે છે. આ રચના એકલદોકલ માનવવ્યક્તિની કથા નથી, સમસ્ત માનવજાતિની કથા છે. અથવા, એમ કહો કે, માનવજાતિની નહિ, અસ્તિત્વની આ કથા છે. એમાં સર્જકચેતનાનું આલંબન બનનાર ‘વ’ કોઈ માનવચરિત્ર ધરાવતી વ્યક્તિ નથી, સંવિત્નો એક આકાર માત્ર છે. શરીરધારી, માનસધારી, એવું પુરુષચૈતન્ય એ નથી. કેવળ અસ્તિત્વપરક અભિજ્ઞતા માત્ર છે. એમાં માનવચિત્તનાં ગહનતમ સંચલનોનું પ્રસંગે આવિષ્કરણ જોઈ શકાય. પણ એ કોઈ ઐતિહાસિક સીમામાં બદ્ધ વ્યક્તિત્વ નથી. ‘વ’ અને બીજું નારીપાત્ર ‘સુપ્રિયા’ બંને અશરીરી સત્ત્વ માત્ર છે. કૃતિના પ્રથમ સંદર્ભની આપણે હવે ઓળખ કરીએ : “ઓરડાની મધ્યમમાં ‘વ’ આવી ઊભો. ચારે દીવાલો પરથી નીતરતા પ્રકાશમાં, પાંખો પ્રસારીને બેઠેલાં અસંખ્ય પતંગિયાંની જેમ એના પડછાયાઓ ફરકતા હોય એમ લાગ્યું. સામે, બારીના કાચની બાજુએ, આંખો પર ઊતરી આવતા પડળ જેવા ધુમ્મસની છત પર એક ખૂંધાળી આકૃતિ ઊભેલી જણાઈ. એ એની પ્રતિકૃતિ હતી કે કશોક આભાસ? ખાતરી કરવા ‘વ’ સહેજ હલ્યો. પડછાયાઓ એકમેકને ભેદતા છિન્નભિન્ન થઈ ગયા. જોયું તો પેલી આકૃતિ પંખાળા પગે ત્યાંથી નાસતી હતી.” આ સંદર્ભની કલ્પન-પ્રતીકની સમૃદ્ધિ તરત જ ધ્યાન ખેંચે છે. ‘વ’ ઓરડાની બરોબર વચ્ચે આવી ઊભો એ વિગત સૂચક છે. ‘ઓરડા’ના સીમિત વિશ્વમાં પોતે કેન્દ્રસ્થાને આવી ઊભો છે. (અહીં આ વિશ્વમાં પોતે જ કેન્દ્રસ્થાને છે એવી સભાનતા ઊગી હોવાનું સમજાશે.) પણ ઓરડો કોઈ ભૌતિક ઇમારત નથી. એની ચારેય ‘દીવાલો’માંથી પ્રકાશ નીતરી રહ્યો છે. એ પ્રકાશમાં પોતાના પડછાયાઓ રચાય છે, જે ‘પાંખો પસારીને બેઠેલાં અસંખ્ય પતંગિયાંની જેમ ફરકતા’ રહ્યા છે. (ઉપમાભાવવાળું પતંગિયાંનું કલ્પન અત્યંત આકર્ષક છે.) પણ અહીં પરિસ્થિતિમાં એક મૂળભૂત વિસંગતિ રહી જણાય છે. જે ‘દીવાલો’માંથી પ્રકાશ નીતરે છે, તે સ્વયં અપારદર્શી ભીંત પણ છે. (અસ્તિત્વની ઉગ્રતમ સભાનતા પણ આવી જ કોઈ અપારદર્શી ભીંત રચી રહે છે, અસ્તિત્વપરક પ્રબોધ પણ પ્રકાશિત ઓરડા જેવો સીમિત ખંડ માત્ર છે, એમ અર્થ વાંચી શકાય.) ‘વ’ના પડછાયાઓનું ફરક્યા કરવું, તેજમાં કંપ્યા કરવું, ચંચલ તરલ રૂપે વિકસ્યા કરવું, એ ‘વ’ને માટે, કદાચ, પ્રથમ રોમાંચક ઘટના હશે. Shimmering shadowsની આ કલ્પના રહસ્યમયતાનો સ્પર્શ પામી છે, એમ પણ કહી શકાય. પણ, ‘વ’ને ‘બારીના કાચની બાજુએ, આંખો પર ઊતરી આવતા પડળ જેવા ધુમ્મસની છત પર’ એક ‘ખૂંધાળી આકૃતિ’ જણાય છે, એ ‘આકૃતિ’ પોતાની જ ‘પ્રતિકૃતિ’ છે કે પછી એ ‘આભાસ’ માત્ર છે, તેની ખાતરી કરવા ‘વ’ હલી જુએ છે. તે સાથે જ તેના ‘પડછાયાઓ’ ‘એકમેકને ભેદતા’ છિન્નભિન્ન થઈ જાય છે, અને એ સાથે પ્રસ્તુત રચનામાં દૃશ્યાંતર રચાય છે. અહીં ‘ખૂંધાળી આકૃતિ’ સ્વયં કૌતુકનો વિષય છે. પ્રકાશમય ઓરડાની બહાર (અને એ રીતે પ્રકાશમય સંવિત્તિની બહાર), ઉપસ્થિત થયેલી એ આકૃતિ પોતાની ‘પ્રતિકૃતિ’ છે કે ‘આભાસ’, એ પ્રશ્નની ખોજમાં ‘વ’ પોતાના કેન્દ્રસ્થાને હલ્યો. તેનું સ્થિર અધિષ્ઠાન કેન્દ્ર એથી હચમચી ઊઠ્યું, અને એ સાથે જ ‘વ’ની રઝળપાટ શરૂ થઈ! (‘ખૂંધાળી આકૃતિ’ને કુંઠિત ચેતનાનું પ્રક્ષેપણ કહી શકાય? એમાં વિકૃત ચેતનાનું દર્શન કરી શકાય? ‘વ’ની ભીતિમાંથી ઉદ્ભવેલી ભૂતાવળ કહી શકાય? વગેરે પ્રશ્નો અહીં જન્મી શકે.) કૃતિમાં કથનકેન્દ્ર કે દૃષ્ટિકેન્દ્ર બદલાતું રહે છે. સર્જકની શબ્દચેતનામાં ‘વ’ દૃષ્ટિફલકની કોર પર આવે છે, તો વળી કેન્દ્રમાં પણ આવે છે. અને ‘વ’ સર્જકચેતનાનું તત્સમરૂપ બની રહે છે. સતત રૂપાંતર પામતી સ્વપ્નિલ સૃષ્ટિમાં ‘વ’ સ્વયં એક વિવર્ત રૂપ છે. સ્વકેન્દ્રમાં હચમચી ઊઠેલ ‘વ’ પેલી ‘ખૂંધાળી આકૃતિ’ પાછળ ઘસડાય છે. તે સાથે જ પોતાની આસપાસ રચાયેલી ‘પડછાયાઓની ભાત’ પણ લુપ્ત થઈ જાય છે. ‘વ’નો દિશાશૂન્ય આ રઝળાટ હતો? કે કશીક અદીઠની ખોજ તેને પ્રેરી રહી હતી? કે કશીક ઝંખના તેનામાં સળવળી ઊઠી હતી? “ચોપાસ ઊમટતાં મૃગજળના અજગરી ચટાપટા જોઈને દિશાશૂન્ય બનેલું ઊંટ ગાંગરતું હતું, દોડતું હતું. ભીની માટીને, પગનાં ચાપકાં પર દાબી રચેલાં નાનકડાં ઘરોથી ખીચોખીચ શહેર, ક્ષિતિજમાં તરતું દેખાયું. એ હર્ષોલ્લાસમાં ઊંચે દૃષ્ટિ કરી. સફેદ કાગડાઓ કોઈક પારધીએ નાખેલી જાળ સાથે ભયત્રસ્ત અવાજ કરતા, જાણે હાલરડાં ગાતા હોય એમ એક કતારમાં પેલા શહેર તરફ એના માથા પરથી અદ્ધર ઊડતા જઈ રહ્યા હતા. હમણાં જ વરસી ગયેલા વરસાદનાં બાઝી રહેલાં ફોરાં રસ્તાની આજુબાજુ તગતગતાં હતાં. થોડેક દૂર અટૂલા મકાનમાં બારણાં વચ્ચે ઊભેલી વ્યક્તિ આ તરફ પ્રતિક્ષિત ચહેરે વકાસી રહી હતી – જાણે ‘વ’ના આગમનને આવકારવા.” સ્વપ્નિલ દૃશ્યો અહીં ત્વરાથી એકબીજામાં સંક્રમિત થતાં આવે છે. ‘મૃગજળના અજગરી ચટપટા’, ‘દોડતું ગાંગરતું ઊંટ’, ‘ક્ષિતિજમાં તરતું શહેર’, ‘શહેરનાં નાનકડાં ઘર’, ‘સફેદ કાગડાઓની કતાર’, ‘રસ્તા પર આજુબાજુ તગતગતાં વરસાદનાં ફોરાં’, ‘અટૂલું મકાન’ – આ દૃશ્યાવલિઓ સરકતી જાય છે. (‘વ’ની ચેતનામાં વિવિધ લાગણીઓનું સંકુલ કામ કરી રહ્યું હશે એવાં એંધાણ મળે છે. કદાચ એકાકિતા, દિશાશૂન્યતા, આધારહીન દશા, પંગુતા જેવા ભાવો ‘વ’માં ઘૂંટાતા રહ્યા હશે.) અહીં ‘સફેદ કાગડાઓ’નું પ્રતીક ધ્યાન ખેંચે છે. આખી કૃતિમાં એ કેન્દ્રીય ચુંબકબળ પૂરું પાડે છે. ‘સફેદ રંગ’ની કાગડાની આકૃતિ જ આ લોકોત્તર ઘટનાનો સંકેત બની રહે છે. એ ‘સફેદ કાગડાઓ’ ક્ષિતિજમાં તરતા પેલા ‘શહેર’ તરફ ઊઠી રહ્યા છે. અહીં ‘શહેર’ એ આદિમ ઝંખનાનું પ્રતીક બની રહેતું દેખાય છે. ‘સફેદ કાગડાઓ’ આ ઘટનાસંદર્ભે ‘પારધીની જાળ’માં ફસાયેલા હોવાનો જે નિર્દેશ કરવામાં આવ્યો છે તે સૂચક છે. કૃતિના પાછળના સંદર્ભમાં આપણે જોઈશું કે એ ‘કાગડાઓ’ ત્યાં ‘જાળ’માંથી મુક્ત બની જાય છે અને પેલા ‘શહેર’ને પોતાની સફેદ પાંખોથી ઢાંકી દે છે! કૃતિમાં પછીના ઊઘડતા દૃશ્યમાં ‘અટૂલું મકાન’ અને તેના બારણામાં પ્રતીક્ષા કરતી ‘આધેડ વ્યક્તિ’નો ઉલ્લેખ આવે છે. અગાઉના દૃશ્યની ‘ખૂંધાળી આકૃતિ’ જોડે આ ‘આધેડ’નું અનુસંધાન હોય એમ સહજ લાગે. પણ આ ‘આધેડ’ ‘વ’ને ચિરપરિચિત લાગવા માંડે છે! એની ‘લપસણી જીભ’ ‘વ’ને કોઈ ‘અવાવરુ વાવ’ જેવી લાગે છે. એની ચેષ્ટામાં જીર્ણતાની છાયા વરતાઈ આવે છે. પણ ‘વ’ની દૃષ્ટિમાં એ વ્યક્તિ ભ્રમણા રૂપે ચકરાયા કરે છે. એવામાં એ ‘અણશિખાઉ હાથે કળીચૂનાથી દોરેલા ચિત્ર શો’ સ્થિર ખોડાઈ જતો લાગે છે. પણ એકાએક તેનામાં ચેતનાનો નવસંચાર થાય છે! હવે તે અવિરતપણે કશુંક બોલ્યે જ જાય છે. ત્યારે ‘વ’ને ‘એના અવાજની પેલે પાર’ ‘એક વિશ્વ સળવળતું દેખાય છે.’ આ વિશ્વ કેવું હતું? – “ઘેઘૂર વડલાનો પથાર દૃષ્ટિમર્યાદાની બહાર વિલસી રહ્યો હતો. લટકતી વડવાઈઓની આંટીઓમાં ‘વ’ અને સુપ્રિયાનું કાલું કાલું હાસ્ય હીંચોળાતું હતું...” આ આખો સંદર્ભ બારીકાઈથી જોવા જેવો છે. ‘વ’ને પ્રત્યક્ષ થતું એક ઝંખનાનું વિશ્વ સુપ્રિયા જોડેની એ ગોષ્ઠીની ક્ષણ પેલા ‘આધેડ’ના અવાજ અને દૃષ્ટિની મર્યાદા બહાર રહી ગયું હોય છે! અને ‘વ’ને પેલું ‘શહેર’ દૃષ્ટિ સમક્ષ ઊઘડતું દેખાય છે. જુસ્સા સાથે તે બોલી ઊઠે છે : “આ શહેરમાં હું જન્મ્યો હતો.” પેલા ‘આધેડ’ને એ ‘શહેર’ બતાવવા ચાહે છે, પણ તેને તે દેખાતું નથી. આથી ‘વ’ ‘બારીના ધૂળિયા કાચ’ પર ‘હાથનું પોતું’ ફેરવે છે. પણ તોય ‘આધેડ’ને ત્યાં ‘ક્ષિતિજની કિનાર પર સરકતા એક શ્વેત ધાબા સિવાય’ બીજું કશું વરતાતું નથી. આવેશમાં ‘વ’ પેલું ‘શહેર’ બતાવવા આંગળી ચીંધી રહે છે. ‘સફેદ કાગડાઓ’ના વાદળથી ઢંકાયેલું એ ‘શહેર’ આસ્તે આસ્તે ઊઘડી રહ્યું હતું... પણ એ ‘શહેર’ પર દૃષ્ટિ પડતાં એકાએક પેલો ‘આધેડ’ તૂટી પડે છે : અને એ ઘટનામાં ‘વ’ને ‘જાણે જીર્ણશીર્ણ ભીંત તૂટી પડતી હોય’ એમ લાગે છે. (કૃતિના આરંભમાં પ્રકાશ નીતરતી ‘દીવાલો’ સામે આ જીર્ણશીર્ણ ભીંતનો વિરોધ ભાવકના ખ્યાલમાં આવશે.) અને ‘વ’ને ‘પેલાના શરીરના ભાંગી ગયેલા પોપડાઓની ભુક્કી’ ‘પોતાના હાથમાંથી વેરાઈ જતી લાગે છે.’ કપોલકલ્પિતના અંશોવાળી આ ઘટના કૃતિમાં સ્પષ્ટ સ્થિત્યંતર દાખવે છે. ‘સફેદ’ આવરણ દૂર થતાં એ ‘આધેડે’ ‘શહેર’નું જે દર્શન કર્યું તે સાથે તેના અસ્તિત્વનો રહ્યોસહ્યો બરડ અંશ શીર્ણવિશીર્ણ થઈ તૂટી ૫ડતો દેખાય છે. ‘વ’ને આ ઘટનામાં, કદાચ, પોતાના અસ્તિત્વનો જ એક અંશ લુપ્ત થઈ ગયાનો ભય લાગ્યો હશે એ કારણે, અથવા ‘આધેડ’ના લોપ સાથે પોતાનું નગ્ન અસ્તિત્વ ખુલ્લું પડી ગયાનો ભય લાગ્યો હોય એ કારણે, અથવા પોતાના અસ્તિત્વની આ જ નિયતિ છે એવું કોઈ ભાન જાગ્યું હોય એ કારણે, ‘વ’ ભયંકર એકલતાની લાગણી અનુભવી રહેતો સમજાય છે. અથવા, ‘વ’ની આ મનોગતિ અકળ રહી જાય છે. જેની સાથે વર્ષોથી વસતો હતો એ પોતાનો જ પડછાયો જાણે ખાંધ પર ‘વ’ને ઉપાડીને પૂરપાટ દોડી રહ્યો હતો. અને, અપહૃત થયેલો ‘વ’ પેલા ‘શહેર’માં પ્રવેશે છે. એની ઝંખનાનું એ જગત તેને માટે કેવળ લેબિરીન્થ બની રહે છે. “માઈલોનું અંતર માત્ર પલકવારમાં કાપીને આધેડના મકાનની પછવાડે આવેલા આકાશમાં ઝબૂકતા પેલા શહેર વચ્ચે વહેતા રસ્તાની ધોરી નસ પર આંગળી મૂકીને આ સૃષ્ટિના ધબકારા ગણવાનું મન થઈ આવ્યું. ઊઠી ગયેલા સાપે ઉતારી નાખેલી કાંચળી જેવી શેરીઓ વચ્ચેથી એ પસાર થયો. આ દરમ્યાન, કોઈકની સાથે આડીઅવળી વાતચીત કરવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. પણ ચારેકોર ખુલ્લાં રહી ગયેલાં સહસ્ર બારીબારણાંમાંથી કશા જીવનો સંચાર સુધ્ધાં પામી શકાતો નહોતો. શેરીઓની આંટીઘૂંટીઓમાં ફેંદાતો ઘૂમી ઘૂમીને જ્યાંથી નીકળતો હતો, એ જ સ્થળે ફરી આવી એ અટવાતો હતો...” લેબિરીન્થની ભૂલભૂલામણીઓમાં અટવાતા ને ભ્રમણામાં રૂંધાતા જીવનું આ વર્ણન છે. અહીં ક્યાંય ચૈતન્યનું સંચલન નથી. શૂન્યતાનો કેવળ પ્રસાર અહીં છે. બધી જ વસ્તુઓ અહીં મૃત્યુની છાયા અડતાં નિશ્ચેષ્ટ બની ગઈ છે. આ નિર્જનતા વચ્ચે ‘વ’ બૂમ પાડી ઊઠે છે : “કોઈ છે?” અને ત્યાં જાણે ખાલીખમ ઈંડાના કોચલાની બેબાકળી નીરવતા પડઘમી ઊઠે છે. (અત્યંત બલિષ્ઠ કલ્પનનો અહીં તીવ્ર અનુભવ થશે.) આ નીરવતાથી ભયત્રસ્ત બનેલો ‘વ’ ‘શ્વેત-પંખા’ નગરમાં ભાગે છે. (અહીં ‘સફેદ કાગડાઓ’ શહેરને ઢાંકી રહ્યા છે. તેના પગની જાળ હવે નષ્ટ થઈ ગઈ છે.) અહીં અર્ધા ભાગમાં ‘આ મારું રહેણાક છે’ એમ ‘વ’ને ઓળખ થાય છે. (પોતાના આદિજગતની ઝંખના અહીં પૂરી થાય છે એમ કહીશું?) અને એના ‘અધખુલ્લા બારણા’ને હળવેકથી ધક્કો મારી ઉઘાડવા જાય છે ત્યાં ‘પાંખોના ઝુંડનો ફફડાટ એને અડફટમાં લેતો બહાર ધસી વિખેરાઈ જાય છે.’ આ પ્રસંગે ‘વ’ને સ્મરણ થાય છે કે આ ‘શહેર’ને અવરોધરૂપ બનેલા પેલા ‘ઘેઘૂર વડ’ને વહેરી નાખવામાં આવ્યો છે! (જેની વડવાઈઓમાં સુપ્રિયા જોડે પોતાને ‘વ’એ ઝૂલતો જોયો હતો તે ‘ઘેઘૂર વડ’ હવે નષ્ટ થયો છે!) હતાશ થઈ ગયેલો ‘વ’ એના થડનાં ‘ચકામાં’ નિહાળી રહે છે અને એ ‘ચકામાઓ’ જોઈ તેના આયુષ્યની ગણતરી કરવા માંડે છે, અને તે સાથે જ તે ‘વર્ષોના પોલાણ’માં ઊંડે ને ઊંડે ગરકતો જાય છે! આ સમયમાં ડૂબવાનું દૃશ્ય અંતના ‘સરકસના કૂવા’માં સંક્રમિત થઈ જાય છે. મોતના કૂવામાં મારફાડ ઝઝૂમતો ‘વ’ એમાંથી બહાર નીકળી શકતો નથી. પેલા ‘શહેર’માંથી પ્રેક્ષકોનાં ટોળેટોળાં ઊમટ્યાં છે. સૌ તેને થંભી જવાને કહે છે. પણ હવે તે કશું જ સાંભળતો નથી. છેવટે ‘અંગેઅંગ પર લીલા ઘાસનું વન’ ઊગી નીકળ્યું હોય તેવી દશાનો અનુભવ કરી રહે છે... કિશોરની આ કૃતિમાં જે સ્વપ્નઘટના રજૂ થઈ છે તેનાં કેટલાંક મહત્ત્વનાં સ્થિત્યંતરો જ અહીં રજૂ થઈ શક્યાં છે. પણ આટલા સંદર્ભોય તેમની સર્જકતાની ગતિવિધિનો અણસાર આપી શકે, એમ લાગે છે. કલ્પનો અને પ્રતીકોથી ખચિત એવા કથાવિશ્વમાં કશું ક્રમશઃ બનતું નથી. એક સમયાતીત અવકાશમાં બધી ઘટના યુગપદ્ બની જાય છે. અહીં એનાં દૃશ્યોનું સંકુલ જે રીતે કલ્પનો અને પ્રતીકોના વિવિધરંગી પરિમાણોમાં વિસ્તર્યું છે તેમાં ઊર્મિકવિતાના જેવી ઉત્કટ સંવેદના અનુભવાય છે. પણ એ કેવળ ગદ્યકાવ્ય નથી. નવલિકાની ઓળખ આપી શકાય તેવા સંકેતો પણ એમાં પડ્યા છે, એટલો અણસાર મળે છે.
– રમણ સોની