કમલ વોરાનાં કાવ્યો/34 આઠ પતંગિયાં

આઠ પતંગિયાં

રાતું પતંગિયું

પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.

સોનેરી પતંગિયું

સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પળે
એક સોનેરી પતંગિયું
ક્યાંયથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું

જાંબલી પતંગિયું

અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું...

ગુલાબી પતંગિયું

હું
પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ

પીળું પતંગિયું

અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન
હાથ લંબાવી
ઊંચકી લે છે

સફેદ પતંગિયું

કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખોમાં

રંગ વગરનું પતંગિયું

હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું
હવાથી યે હળવો
ને
પારદર્શક હતો

આ પતંગિયું નથી