કળા, સાહિત્ય અને વિવેચન/એરિસ્ટોટલના ટ્રૅજડિની વિભાવના અને વર્તમાન સંદર્ભ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એરિસ્ટોટલની ટ્રૅજડિની વિભાવના અને વર્તમાન સંદર્ભ

મારા વક્તવ્યના સંદર્ભે આરંભમાં જ હું એમ સ્પષ્ટ કરી લેવા ચાહું છું કે પ્રસ્તુત વિષયનો વ્યાપ ખરેખર ઘણો મોટો છે. કોઈ અભ્યાસી એને સર્વગ્રાહી રૂપમાં જોવા ચાહે તો, નીચે દર્શાવ્યા પ્રમાણેના પરસ્પરસંકલિત એવા અનેક મુદ્દાઓ તેણે ધ્યાનમાં લેવાના રહે એમ મને લાગે છે. ૧. એરિસ્ટોટલે પોતાના ‘કાવ્યશાસ્ત્ર’(Poetics)માં ટ્રૅજડિના નાટ્યસ્વરૂપની જે વિભાવના રચી, તેના મૂળ આધારરૂપ ગ્રીક ટ્રૅજડિઓના વિશિષ્ટ સ્વરૂપનો આગવી રીતનો ઉદ્‌ભવ વિકાસ પડેલો છે. ઍસ્કિલિસ, યુરિપીડિસ અને સોફોક્લિસ એ ત્રણ અગ્રણી નાટ્યકારોમાં એ સ્વરૂપની કળાત્મકતા પરાકાષ્ઠાએ પહોંચતી દેખાય છે. કેટલાક અભ્યાસીઓના મતે સોફોક્લિસની ‘The Oedipus King’ જેવી કૃતિ ગ્રીક ટ્રૅજડિઓમાં અનન્ય છે, અને ગ્રીક ટ્રૅજડિનું સાચું સ્વરૂપ એમાં પ્રગટ થયું છે. અહીં એમ સૂચવવું છે કે ટ્રૅજડિને અનિવાર્ય એવી tragic situation, tragic spirit અને tragedyના નાયકની ચેતના એ સર્વ મૂળભૂત બાબતોમાં એ સમયની અન્ય કૃતિઓ કરતાં અનોખો આવિર્ભાવ દર્શાવે છે. ઍસ્કિલિસ અને યુરિપીડિસની ટ્રૅજડિઓના સ્વરૂપમાં કેટલુંક જુદાપણું છે. ટ્રૅજડિના નાયકની જિંદગીની ઘોર આપત્તિઓ catastrophe છતાં અંત સુખદ હોય એવી રચના મળશે. એટલે ગ્રીક ટ્રૅજડિઓનું સાહિત્ય સ્વયં એક વિશાળ ફલકનું અધ્યયનક્ષેત્ર બને છે. ૨. એરિસ્ટોટલે એમના જમાનાની અસંખ્ય ટ્રૅજડિઓ જોઈ હોવાની અટકળ કરવામાં આવી છે. પણ તેમણે આ સ્વરૂપની આંતરક્ષમતાનો જેમાં વિરલ ઉન્મેષ પ્રગટ્યો હોય એવી રચનાઓને ધ્યાનમાં રાખી આ સ્વરૂપની વિભાવના રચી હોવાનો અનેક અભ્યાસીઓનો મત છે. ટ્રૅજડિમાં તેમણે કવિતાકળાની પરાકાષ્ઠા નિહાળી હતી. ૩. વચ્ચેની દસબાર સદીઓમાં એરિસ્ટોટલનું ‘કાવ્યશાસ્ત્ર’ લગભગ અંધારપટમાં રહ્યું છે. પંદરમી સદીમાં ઇટાલિના પુનર્જાગૃતિકાળમાં એ ફરી પ્રકાશમાં આવ્યું. એ પછી યુરોપના જુદા જુદા દેશોમાં native language / vernacular languageમાં નવી રીતનું સાહિત્ય નિર્માણ થવા લાગ્યું. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્પેઈન વગેરેમાં નવાં સાહિત્યસ્વરૂપો વિકસ્યાં. અંગ્રેજી સાહિત્યમાં શેક્સપિયરે ગ્રીક ટ્રૅજડિઓથી જુદી જ રીતિની ટ્રૅજડિઓ રચી. આ સમયથી ગ્રીક પ્રશિષ્ટ ટ્રૅજડિ અને નવી રચાતી ટ્રૅજડિઓ વચ્ચે સ્વરૂપગત ભેદ કરવાના પ્રસંગો આવ્યા. બદલાતા રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવાહો વચ્ચે જન્મેલી ટ્રૅજડિઓને અનુલક્ષીને એરિસ્ટોટલની વિચારણાનું re-interpretation કરવાના પ્રયત્નો થયા. ઓગણીસમી સદી અને વીસમી સદીમાં ચેખવ, ઇબ્સન, બર્નાર્ડ શૉ, યુજિન ઑનિલ, ટેનેસી વિલિયમ્સ વગેરે અનેક લેખકોએ માનવજીવનની tragic vision આગવી આગવી રીતે પોતાનાં નાટકોમાં સાકાર કરવા પ્રયત્ન કર્યો, પણ ગ્રીક પ્રશિષ્ટ ટ્રૅજડિ કરતાં આધુનિકોની કૃતિઓ કેટલીક મૂળભૂત બાબતોમાં જુદી પડતી હતી છતાં ‘ટ્રૅજડિ’ સંજ્ઞા પ્રચારમાં રહી. ૪. છેલ્લાં ત્રણસોચારસો વર્ષોમાં લેખકો, વિવેચકો અને તત્ત્વજ્ઞાનીઓનું ધ્યાન ટ્રૅજડિના હાર્દને પામવા તરફ ગયું છે. અનેકોને એમ લાગ્યું કે પ્રાચીન ગ્રીસની ટ્રૅજડિઓ અને શેક્સપિયરની ચારપાંચ ટ્રૅજડિઓ genuine tragedy છે. એ પછી આધુનિક સમયમાં લખાતી રહેલી કૃતિઓ, એની સામે, માત્ર ટ્રૅજડિના આભાસરૂપ કૃતિઓ છે. જ્યૉર્જ સ્ટાય્‌નર જેવા અભ્યાસીઓએ પોતાના જાણીતા ગ્રંથ The Death of Tragedyમાં આધુનિક યુગના મંડાણ પછી આ સ્વરૂપ ક્રમશઃ કેવી રીતે લુપ્ત થતું ગયું તેનો સૂક્ષ્મ અભ્યાસલક્ષી અને રસપ્રદ આલેખ આપ્યો છે. બીજા અનેક અભ્યાસીઓ આધુનિક માનવસંયોગો વચ્ચેય ટ્રૅજડિને અવકાશ હોવાનું કહે છે. આર્થર મિલર Tragedy and the Common Man શીર્ષકવાળા લેખમાં એવો મત રજૂ કરે છે. આપણા વક્તવ્યનું શીર્ષક ‘એરિસ્ટોટલની ટ્રૅજડિની વિભાવના અને વર્તમાન સંદર્ભ’ ફરી ધ્યાનમાં લઈએ તો વર્તમાન સમયમાં ટ્રૅજડિના વિશાળ સાહિત્યને અનુલક્ષીને કેટલાક સૌથી પાયાના પ્રશ્નો જે રીતે ઊભા કરવામાં આવ્યા છે તે ઘણા મહત્ત્વના છે. ક. ટ્રૅજડિ સ્વરૂપનું સાચું સારસત્ત્વ/હાર્દ (true essence) ક્યાં રહ્યું છે? Tragic sense/tragic spirit શી વસ્તુ છે? Tragic substance એ ટ્રૅજડિના નાટ્યસ્વરૂપ પૂરતી સીમિત બાબત છે કે નાટ્યકૃતિથી નિરપેક્ષ એવું કોઈ બાહ્ય મેટાફિઝીકલ તત્ત્વ છે? હેગલ, નીત્ઝે, કિર્કેગાર્દ ને હાઇડેગરની આ વિશેની વિચારણા ઘણી દ્યોતક છે. ખ. ટ્રૅજડિ તરીકે ઓળખાતી કૃતિઓમાં અનિવાર્યપણે રજૂ થતા વિષમ માનવસંયોગોની જે તે નાટ્યકારની અવધારણામાં death awareness, human destiny, fate, fortune કે chanceનું સ્થાન કેવું છે? એની પાછળ વિશ્વવ્યવસ્થા (the world order) અને નીતિધર્મતંત્ર(the moral order)ની કેવી ભૂમિકા છે? Tragic conflictના મૂળમાં કયાં તત્ત્વો રહ્યાં છે? ગ. ટ્રૅજડિનો નાયક કેવું ચારિત્ર્ય(character) ધરાવે છે? તેની મનોઘટના કેવી છે? તેના ચારિત્ર્યમાં nobility, heroism, integrity, authenticity કેવી રીતે પ્રગટ થાય છે? પોતાની સામેના દારુણ સંયોગો વચ્ચે તે શી રીતે વર્તે છે? તેની existential કે moral awareness ક્યાં અને કેટલી? Tragic condition વચ્ચે તે કેટલો સ્વતંત્ર, કેટલો victim? તેની જવાબદારી ક્યાં, કેટલી? ઘ. ટ્રૅજડિનો પ્રયોગ જોતાં/કૃતિનું વાચન કરતાં સામાજિકને કેવો અનુભવ થાય છે? એ શુદ્ધ આનંદરૂપ છે કે tragic experience તત્ત્વતઃ જુદી વસ્તુ છે? ચ. આજના વૈજ્ઞાનિક/સાંસ્કૃતિક સંદર્ભોના દબાવ નીચે ગ્રીક ટ્રૅજડિઓમાં પૂરેપૂરા રસલીન થવાનું શક્ય છે? ગ્રીકોનું સાંસ્કૃતિક/સાહિત્યિક જગત આજે ટકી રહ્યું નથી ત્યારે ગ્રીક ટ્રૅજડિઓમાં ફરી પ્રવેશ શક્ય છે? અને આજના સંયોગોમાં ગ્રીક ટ્રૅજડિ જેવી ટ્રૅજડિ રચવાનું શક્ય છે ખરું? વગેરે. આમ, એરિસ્ટોટલની ટ્રૅજડિની વિભાવનાને અનુલક્ષીને આપણા યુગમાં ઘણી મૂળભૂત બાબતો ચર્ચાવિચારણાના કેન્દ્રમાં આવી છે. અહીં એ બધી બાબતોને સ્પર્શવાનું શક્ય નથી, અને આમ પણ આ વિષયની મારી જાણકારી ઘણી સીમિત છે; એટલે પ્રસ્તુત વિષયને લગતા થોડાક ત્રૂટક વિચારો રજૂ કરીને મારું વક્તવ્ય પૂરું કરવા ચાહું છું.

: ૨ :

એરિસ્ટોટલના ‘કાવ્યશાસ્ત્ર’માં આરંભનાં પાંચ પ્રકરણોમાં કવિતાકળાની વ્યાપક ભૂમિકાએથી ચર્ચાવિચારણા મળે છે. કવિતા, સંગીત, ચિત્ર આદિ કળાઓના પ્રાણભૂત વ્યાપાર લેખે તેમણે એ સ્થાને ‘અનુકરણ’ (imitation)ની પોતીકી સમજ રજૂ કરી છે. આ ‘અનુકરણ’ વ્યાપાર જુદી જુદી કળાઓમાં (૧) જુદાં જુદાં સાધન અર્થાત્‌ માધ્યમના વિનિયોગને કારણે, (૨) રચનાપ્રસ્તુતિના જુદા જુદા ઢાંચાઓ(modes) લિરિક, મહાકાવ્ય અને નાટ્યને અનુરૂપ ઢાંચાઓને કારણે, અને (૩) અનુકરણના આગવા પદાર્થો/વ્યક્તિઓ/વસ્તુઓને કારણે જુદું રૂપ લે છે. આ ભૂમિકાએથી ટ્રૅજડિની વ્યાખ્યાવિચારણા તેઓ આરંભે છે. નોંધવું જોઈએ કે કવિતાકળાનો ચરમ વિકાસ તેઓ ટ્રૅજડિમાં જુએ છે : તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે : ‘તો, ટ્રૅજડિ એ સમુચિત પરિમાણના ઉમદા/ગંભીર અને સંપૂર્ણ કાર્યનું અનુકરણ છે; ભાષાનો વિનિયોગ એમાં એ રીતે થાય છે કે નાટ્યકૃતિના જુદા જુદા ભાગોમાં અલગઅલગ રીતે યોજતાં વાણીના દરેક પ્રકારનાં અલંકરણો દ્વારા કળાત્મક ઉત્કર્ષ એમાં સધાય છે. કૃતિ કથનના ઢાંચામાં નહીં, નાટ્યાત્મક પ્રસ્તુતિની રીતિએ રજૂ થાય છે અને દયાજનક (pitiable) અને ભયાવહ (fearful) બનાવોના સંવિધાન દ્વારા એવા દયાજનક અને ભયાવહ બનાવોનું કેથાર્સિસ થાય છે.’ એરિસ્ટોટલે, દેખીતી રીતે જ, એક વિજ્ઞાનીનો ચુસ્ત અને ચોકસાઈભર્યો અભિગમ સ્વીકારી ટ્રૅજડિનાં વ્યાવર્તક લક્ષણો અહીં નોંધ્યાં છે. પણ આ વ્યાખ્યાવિચારમાં તેમ અન્ય સંદર્ભે યોજાતી રહેલી બીજભૂત સંજ્ઞાઓ ગ્રીક ભાષાની હોઈ તેના સાચા અર્થો/સૂચિતાર્થો પામવામાં આધુનિક અભ્યાસીઓને ઘણી મથામણ કરવી પડી છે. એરિસ્ટોટલના બીજા ગ્રંથો politics, rhetorics વગેરેનો આધાર લઈને એ સંજ્ઞાઓ સ્પષ્ટ કરવાના પ્રયત્નો તેમણે કર્યા છે. પણ એવા પ્રયત્નોને પરિણામે એમાં જુદાં જુદાં અર્થઘટનો સંભવ્યાં છે. ઓ.બી.હાર્ડીસન(જુનિયર)ના મતે, એરિસ્ટોટલે ટ્રૅજડિના સંદર્ભે જે ‘કાર્ય’ના અનુકરણની વાત કરી છે તે, નાટકના પ્રયોગમાં નટનટીઓના અભિનયને નહિ, પણ સમગ્ર નાટ્યકૃતિમાં ચાલતી ‘પ્રક્રિયા’નો સંકેત સૂચવે છે. કૃતિ સમગ્રમાં single action પ્રવર્તે છે અને વસ્તુતઃ આદિથી અંત સુધીના પરિવર્તનની સમગ્ર પ્રક્રિયાને લક્ષે છે. એ કાર્ય ઉચિત પરિમાણનું હોય અને સ્વતઃ પૂર્ણ હોય એમ તેમને અભિમત છે. ટ્રૅજડિના સ્વરૂપવિશેષને લક્ષીને તેઓ તેના કૅથાર્સિસના કાર્યનો નિર્દેશ કરે છે. એરિસ્ટોટલની કૅથાર્સિસની સંજ્ઞા ઘણી વિવાદાસ્પદ રહી છે. આગળના અનેક અભ્યાસીઓએ એના purgation અને purification એવા અર્થો કર્યા છે. એના મૂળમાં દયાજનક અને ભયાવહ બનાવો નિમિત્ત બને છે એમ તેઓ કહે છે પણ એ અર્થઘટનમાં purgation કે purification એ ભાવકના માનસિક જીવનના છુટકારાનો ખ્યાલ છે અને દયાજનક, ભયાવહ બનાવોને પરિણામે જન્મતી સહજ natural/ bio-logical પ્રક્રિયા છે. ઓ.બી. હાર્ડીસન (જુનિયર) કૅથાર્સિસની ઘટનાને ટ્રૅજડિના દયાજનક અને ભયાવહ બનાવોના સૂક્ષ્મસંકુલ સંયોજનની અંતર્ગત સાકાર થતી વિશિષ્ટ ચેતના રૂપે જુએ છે. હાર્ડીસનના અનુવાદ પ્રમાણે ‘દયાજનક, અને ભયાવહ બનાવોના પ્રતિનિધાન દ્વારા એવા દયાજનક અને ભયાવહ બનાવોનું કૅથાર્સિસ સિદ્ધ કરે છે.’ હાર્ડીસનના મતે અનુકરણાત્મક કળાઓમાં પ્રાપ્ત થતા pleasureની એ એક વિલક્ષણ એવી tragic variety માત્ર છે. હાર્ડીસનનું કહેવું એમ છે કે કાવ્યશાસ્ત્ર એ ટ્રૅજડિની રચનાકળા-(techne)ને લક્ષે છે, નહિ કે ભાવકની માનસિક દશાને. ગ્રીક શબ્દ ‘કૅથાર્સિસ’માં જેમ purgation કે purification તેમ clarification નો અર્થ પણ સૂચિત છે. એરિસ્ટોટલે ‘અનુકરણ’ દ્વારા કોઈ સાધારણ pleasureની નહિ પણ પરિસ્થિતિ/પ્રક્રિયાના વિશિષ્ટ જ્ઞાન દ્વારા મળતા વિશિષ્ટ pleasureની વાત કરી છે. આ પૂર્વે બુચરે પણ એ વાતની નોંધ લીધી હતી કે કૅથાર્સિસને ટ્રૅજડિમાં આલેખાતા બનાવો વિશેની ઉત્કટ અભિજ્ઞતા સાથે કોઈક સંબંધ રહ્યો હોય છે. કેમ કે ટ્રૅજડિમાં તેનો સર્જક એવા બનાવો યોજે છે જે તેના અર્થબોધમાં અંતરાય રચતા આકસ્મિક અંશોથી મુક્ત હોય. ટ્રૅજડિ – કાવ્ય માત્ર – ઇતિહાસથી એ રીતે જુદી પડે છે કે ઇતિહાસમાં કાળબદ્ધ અર્થયુક્ત અને અર્થહીન બનાવોનો સમુચ્ચય થાય છે. કવિતા એમાં universal truthને ઉદ્‌ભાસિત કરતા બનાવોને જ ગૂંથે છે. ટ્રૅજડિનો સર્જક અંતસ્તત્ત્વની રીતે pitiable અને fearful બનાવોની રચના કરે છે. ટ્રૅજડિમાં ખરેખર તો સંપૂર્ણપણે અનિવાર્ય કે સંભવિત બનાવો ગૂંથવાની અપેક્ષા છે તે ખાસ નોંધપાત્ર છે. એરિસ્ટોટલે એમ પણ દર્શાવ્યું છે કે જે પદાર્થો, દૃશ્યો બહારના જગતમાં બેડોળ, સંક્ષોભક, આઘાતક કે જુગુપ્સક લાગે છે તે કળાના વિશ્વમાં pleasure આપે છે પણ કળાના વિશ્વના pleasureના મૂળમાં જ્ઞાનવ્યાપાર રહ્યો છે. ટ્રૅજડિના નિર્માણમાં pity અને fear જન્માવતા બનાવોની વિચારણા કરતાં હાર્ડિસન એરિસ્ટોટલના કાવ્યશાસ્ત્રમાંથી તેમ તેમના rhetoricમાંથી વ્યાખ્યાઓ નોંધે છે : ‘સર્વસામાન્યપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ બનાવ અન્ય વ્યક્તિના જીવનમાં બને છે કે તેમને ધમકીરૂપ સંભવે છે અને જે આપણામાં ભીતિની લાગણી જગાડે છે – તે આપણામાં દયા/કરુણા/અનુકંપાની લાગણી જગાડે છે.’ એરિસ્ટોટલે rhetoricમાં એની વ્યાખ્યા આ રીતે આપી છે : ‘જે વ્યક્તિ એવી શિક્ષાપાત્ર નથી તેના પર જ જ્યારે કોઈ વિનાશકારી/ધ્વંસક કે યાતનાસભર આપત્તિ આવી પડે અને આપણે પોતે પણ એવી વિનાશકારી કે યાતનાસભર આપત્તિ આવી પડશે એવી દહેશતની કલ્પના કરતા હોઈએ તો એવા દુરિત(evil)ના દૃશ્યને જોઈને આપણે જે વેદના અનુભવીએ છીએ તે જ pity.’ હાર્ડિસન એવું અર્થઘટન આપે છે કે અન્ય વ્યક્તિઓમાં જે કંઈ યાતનારૂપ જોઈએ છીએ તે માટે વેદના અનુભવીએ છીએ, અને અન્યોમાં જે કંઈ ભયાવહ આવી ઊભે છે તે જોઈ આપણે યાતના અનુભવીએ છીએ. ટ્રૅજડિના બનાવો સંભવતઃ એ કારણે pitiable છે કે એ પ્રસંગો undeserved પ્રતીત થાય છે, અને આપણને એ ભયાવહ લાગે છે તો તે એ કારણે કે આપણેય એવા પ્રસંગોનો સામનો કરવાનો આવે. એરિસ્ટોટલ પોતે શું કહેવા માગે છે તેને ચુસ્તપણે લઈએ તો ટ્રૅજડિને અંતે આપણે એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે એમાં આલેખાયેલા પ્રસંગો ‘સંભવિતતા’ (probability) કે ‘અપરિહાર્યતા’/‘અનિવાર્યતા’ (necessity)ના ખ્યાલને અનુરૂપ સંભાવનાને રજૂ કરે છે. પણ એમાં કાવ્યન્યાય(poetic justice) કે ameliorationનો ખ્યાલ સૂચિત નથી. રાજા ઇડિપસ અને હેમ્લેટ જેવા નાયકોને તેમના અપરાધ કરતાં ઘણી વધારે યાતના ભોગવવી પડે છે. એરિસ્ટોટલ પાછળ તેરમા પ્રકરણમાં નાયકના ચારિત્ર્યમાં (hamartia) – ટ્રૅજિક ક્ષતિ(tragic error)નો ખ્યાલ રજૂ કરે છે. તેને લક્ષમાં લેતાં નાયક અને તેના ભાગ્ય (destiny)ના સંબંધનો પ્રશ્નય મહત્ત્વનો બને છે. જોકે hamartiaનો ખ્યાલ ઠીક ઠીક સંદિગ્ધ રહી ગયો છે. Hamartia - tragic error એ નાયકના સ્વભાવમાં રહેલી કોઈ જન્મજાત ખામી છે કે પ્રસંગોપાત્ત નિર્ણય કરતાં કરેલી ભૂલ છે તે વિશે પૂરતી સ્પષ્ટતા નથી. ટ્રૅજડિ જોઈ રહેલા સામાજિકને અંતમાં નાયકને એની tragic errorના પ્રમાણમાં જ સહન કરવાનું આવ્યું છે એ વિશે નિશ્ચય કરવાનું મુશ્કેલ બની રહે છે. પણ નાયકના ચરિત્ર અને તેની અંતિમ દશા વચ્ચે સંગતિ જોઈને તે સમાધાન કેળવી રહે છે. પુનર્જાગૃતિકાળમાં કેથાર્સિસના ખ્યાલને નૈતિક સિદ્ધાંતમાં ઘટાવવામાં આવ્યો હતો. ટ્રૅજડિનો સર્જક આવા દોષિત માણસોનો અંત કેવો ખરાબ હોય છે તે બતાવવા ચાહે છે. અથવા ઈશ્વરના શાસનમાં બધું અગોચરપણે વ્યવસ્થિત ચાલે છે. દુઃખો પણ અંતે કલ્યાણકારી જ નીવડે છે, એવો ઈશ્વરી શ્રદ્ધાભાવ સમર્થન પામે છે. કેટલાક અભ્યાસી એમ કહે છે કે રાજા લિયર અને હેમ્લેટ જેવા નાયકોને જે યાતના સહેવાની આવી છે તેના બદલામાં તેઓ ‘આત્મબોધ’ પામે છે કે ‘ઉમદાપણું’ મેળવે છે. પણ, હકીકતમાં, એરિસ્ટોટલ કેથાર્સિસનો જે ખ્યાલ રજૂ કરે છે તેમાં એવા નૈતિક બોધ કે ઈશ્વરના ન્યાયતંત્રનો ખ્યાલ અભિમત જણાતો નથી. ટ્રૅજડિનાં છ અંગો એરિસ્ટોટલે નોંધ્યાં છે : ૧. Plot (muthos), ૨. Character (ethos), ૩. Thought (dianoia), ૪. Diction (lexis), ૫. Melody (Melos), અને ૬. Spectale (opsis). આ પૈકી પહેલાં ત્રણ અંગો ઘણાં મહત્ત્વનાં છે. અનુકરણ વ્યાપારના પાયાના સિદ્ધાંતો-અનુકરણનાં સાધનો, ઢાંચો અને પદાર્થને લગતા સિદ્ધાંતો – એ સર્વને શાસિત કરે છે. એરિસ્ટોટલની ટ્રૅજડિની વિભાવનામાં plot, character અને thought મહત્ત્વનાં અંગો છે. એ પૈકી પ્લૉટ કૅરેક્ટર કરતાં વધુ અગ્રસ્થાને છે. કહો કે ટ્રૅજડિનું એ પ્રાણભૂત તત્ત્વ છે. એની રચનામાં એ સૌથી પહેલું અને પ્રાથમિક તત્ત્વ છે. ચરિત્રનું નિર્માણ એને અનુષંગે જ થાય છે. પ્લૉટમાં અંતર્ગત ગતિશીલ કાર્ય(action)ને આગળ લઈ જવા એ એક સહાયક અંગ છે. ટ્રૅજડિના અનુકરણનો પદાર્થ છે an action involving agent. agent છે કાર્યસાધક વ્યક્તિ. ‘ચારિત્ર્ય’ અને ‘વિચાર’ એના જ ગુણધર્મો છે. ટ્રૅજડિના ‘કાર્ય’નું નિર્માણ ‘ચારિત્ર્ય’ અને ‘વિચાર’ પર અવલંબે છે. Plot - વસ્તુરચના એ બનાવોની વ્યવસ્થા માત્ર છે. ટ્રૅજડિમાં જે ‘કાર્ય’ રજૂ થાય છે તેનું કળાત્મક વસ્તુરૂપ તે વસ્તુરચના છે. ‘વિચાર’ એ ટ્રૅજડિનું પાત્ર પોતાના કથયિતવ્યમાં જે કંઈ point/મુદ્દો સ્પર્શે છે તે તત્ત્વ છે અથવા એ કોઈ સાર્વત્રિક સત્ય પણ હોઈ શકે. એરિસ્ટોટલની દૃષ્ટિએ કાર્ય/વસ્તુરચનાને આરંભથી અંત સુધી ચાલતી પ્રક્રિયા માત્ર છે. વ્યક્તિ માત્રના જીવનમાં પણ સતત પરિવર્તનપ્રક્રિયા જોવા મળે છે. સુખી માણસનું જીવન અણધારી રીતે દુઃખમાં ધકેલાતું રહે કે દુઃખી માણસના જીવનમાં સુખનો સૂરજ ઊગેય ખરો. તેના જીવનમાં ભાગ્યના પલટાઓ જોવા મળે. ટ્રૅજડિ એ રીતે નાયકના જીવનના પલટાઓની કથા છે. એરિસ્ટોટલ પ્લોટની મૂળભૂતતાનો સ્વીકાર કરતાં એમ કહે છે કે ‘નાયક’/‘ચરિત્ર’ વિના ટ્રૅજડિ સંભવે, પણ પ્લૉટના અભાવમાં એ સંભવતી નથી. પ્લૉટમાં કાર્યની એકતા અને આંતરસંગતિ પર તેઓ મોટો ભાર મૂકે છે. ટ્રૅજડિના કાર્યવિકાસના સંદર્ભે reversal અને recognitionની ઘટના મહત્ત્વની છે. ટ્રૅજડિનો પ્રભાવ જન્માવવામાં એ ઘણી નિર્ધારક છે. એ તત્ત્વો ચરિત્રના ભાગ કરતાંય વધુ તો પ્લૉટના ભાગ બને છે. એરિસ્ટોટલ (૧) સાદો પ્લૉટ અને (૨) સંકુલ પ્લૉટ એવા પ્રકારો પાડે છે. સાદા પ્લૉટમાં બનાવોની વિકાસરેખા સીધેસીધી ચાલે છે. સંકુલ પ્લૉટમાં reversal અને recognitionનાં તત્ત્વો સાથે નાટકીય ઉત્કટતા સધાય છે. એવા complex plotમાં અણધારી રીતે પરિસ્થિતિ પલટાવા લાગે છે, અને કાર્યદિશા બદલાય છે. Reversal એ પ્રમાણમાં એક સાદી સરળ વિભાવના છે. નાટકના કાર્યમાં ભાગ્યના પલટાનો ખ્યાલ એમાં સૂચિત છે. આખી પરિસ્થિતિનો એમાં વિપર્યાસ થતો જોવા મળે છે. એ પ્રકારના પ્લૉટમાં પરિસ્થિતિ સુખદમાંથી દારુણ દુઃખમાં પલટાય ત્યારે તે fatal complex plot કહેવાય છે. રાજા ઇડિપસમાં સંદેશવાહક દેખીતી રીતે તો રાજાને મદદરૂપ થવા આવ્યો છે, પણ અણજાણપણે જ રાજા ઇડિપસની સાચી ઓળખ આપીને તેના વિનાશનું તે કારણ બને છે. Recognition સંજ્ઞા ઘણી જટિલ છે. એની પહેલી વ્યાખ્યા ઠીક ઠીક વિસ્તૃત રહી છે. Recognition... is a change from ignorance to knowledge. કાર્યમાં જોડાયેલાં ચરિત્રો સાથે મૈત્રી કે દુશ્મનાવટનો સંબંધ એ સાથે જન્મે છે. Reversal સાથે જોડાતાં એ સૌથી વધુ પ્રભાવક નાટ્યતત્ત્વ બની રહે છે. રાજા ઇડિપસની ટ્રૅજડિ એનું ઉત્તમ દૃષ્ટાંત છે. માનવપરિસ્થિતિની અકળ રહસ્યમયતાનું દયાજનક અને ભયાનક જ્ઞાન પ્રાપ્ત થતાં પાત્રો યાતના અનુભવી રહે છે. આ યાતનાની કે ભાવોદ્રેકની ક્ષણોમાં, બદલાતાં રહેતાં visionsની સાથે, પોતાની પરિસ્થિતિનું એક નવું જ ગ્રહણ પ્રાપ્ત થાય છે. જોકે હાર્ડિસન આ અર્થઘટનને વ્યાપક ગણે છે. તેઓ એમ કહે છે કે પ્લૉટમાં ગૂંથાયેલા બનાવોને પરિણામે અજ્ઞાનમાંથી જ્ઞાનની દશામાં સંક્રાન્ત થવાની એ ઘટના છે. બીજું, એ નવી જ્ઞાનદશાના જન્મ સાથે ‘કાર્ય’માં પરિવર્તન આવે છે. કાર્યમાં આવતું પરિવર્તન એ જ પ્લૉટમાં વધુ નિર્ણાયક તત્ત્વ બને છે. અગિયારમા પ્રકરણના અંત ભાગમાં પ્લૉટના અંગરૂપે incident of suffering (pathos) – દુઃખદાયી પ્રસંગની ચર્ચા કરી છે. In reversals and recognitions, the pity and fear are enhanced by the structure of the action. કાર્યની સંરચનામાં reversal અને recognitionના સંયોજન દ્વારા દયા અને ભય જગાડનાર બનાવો ઉત્કટ બને છે. ઘણાંખરાં નાટકોમાં એવો એક કે વધુમાં વધુ બે બનાવો, પરાકાષ્ઠાની પરિસ્થિતિને અનુવર્તીને યોજાતા હોય છે. સંકુલ પ્લૉટના ચાર પ્રકારો છે : બે fatal complex અને બે fortunate complex. ૧. અસાધારણ સારો નાયક → દુઃખ પામે→ માત્ર આઘાતક નૈતિક ભાનને અરુચિકર. ૨. અત્યંત દુષ્ટ નાયક → સુખ પામે → ઘૃણા ૩. Villainous નાયક → ભીતિ નહિ. ૪. સારો ગણી શકાય તેવો માણસ. – ઉપરનાં ત્રણે દૃષ્ટાંતોમાં બતાવેલા આત્યંતિક કોટિના નાયકોથી વચલી કોટિનો, કોઈક ગણતરીભૂલ/ક્ષતિ/દોષ(hamartia)ને કારણે ભૂલ કરે અને યાતના ભોગવે. પણ, પ્રશ્ન નૈતિક દૃષ્ટિના ન્યાયબોધનો નથી. એરિસ્ટોટલના મતે આ ચોથા પ્રકારના નાયકની નિયતિ એ જ સૌથી આદર્શ ટ્રૅજડિનો પ્લૉટ છે, એની નિયતિ તરફ દોરી જતા બનાવોમાં poetic justice – સારા/સદ્‌ગુણો માણસને મોટા લાભ, અને દુર્ગુણીનો નાશ શોધવાને અવકાશ રહેતો નથી. એરિસ્ટોટલે જે fatal complex plotનો મહિમા કર્યો છે, તેનું ઉત્તમ દૃષ્ટાંત સોફોક્લિસની ટ્રૅજડિ ‘The Oedipus Rex’ હોવાનું તેમને જણાયું છે. જોકે એ ટ્રૅજડિમાં ઇડિપસની પુરાણકથાનો જે રીતે વિનિયોગ થયો છે તેમાં માનવસમાજ/માનવલોકથી ઊંચે પર્વતીય પવિત્રધામમાં રહેતા દેવતાનો વૃત્તાંત પણ ઉલ્લેખાયો છે. એક રીતે આ ટ્રૅજડિમાં માનવલોકની સાથે દેવતાની કથાના તંતુઓ જોડાયેલા છે. રાજા ઇડિપસના જીવનમાં – પ્રસ્તુત ટ્રૅજડિને ધ્યાનમાં લઈએ તો – જે ઘોર આપત્તિ આવી ઊભે છે તેને ક્યાંક દેવતાઈ સૃષ્ટિ સાથે સંબંધ પણ છે. એ ખરું કે નાટકમાં બનતા બનાવો દેખીતી રીતે તો માનવ્યલોકમાં બને છે. રાજા ઇડિપસ સ્વયં થિબ્સ નગરરાજ્યમાં માનવીઓમાં પહેલો છે. તેની નિયતિ વિશે ડેલ્ફિના દેવતાને જ્ઞાન હતું, પણ રાજા ઇડિપસને એનો રજમાત્ર અણસાર નહોતો. નગરદ્વારે સ્ફિંક્સના ગૂઢ કોયડાનો ઉત્તર આપી તે આ નગરમાં પ્રવેશી શક્યો હતો, એટલું જ નહિ અજાણપણે પિતાની હત્યા કરીને તે અહીં આવ્યો હતો, અને એટલા જ અણજાણપણે પોતાની માતા યોકસ્ટા-અહીંની સામ્રાજ્ઞી-ને પરણી ચૂક્યો હતો. એ સામ્રાજ્ઞી સાથેના લગ્નજીવનથી તેને ત્રણ સંતાનો થયાં છે. થિબ્સના નગરરાજ્યનો અને સામ્રાજ્ઞી યોકસ્ટાનો એ સ્વામી સુખવૈભવમાં રાચે છે. ત્યાં થિબ્સમાં મહામરકીનો રોગ જંગલના દાવાનળની જેમ વ્યાપી વળે છે. એ આપત્તિની સાથે રાજા ઇડિપસનું દુર્દૈવ આરંભાય છે. આપત્તિના મૂળમાં જતાં તેને પોતાની સાચી ઓળખનો પ્રશ્ન ઊભો થાય છે. અંધ દૃષ્ટા ટિરેસિયસ જ તેને અપરાધી ઠેરવે છે. રાજા ઇડિપસની પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતા એ વાતમાં રહી છે કે તે હવે પૂર્ણતમ સત્ય જાણવા વ્યાકુળ બન્યો છે. પિતાની હત્યા અને માતા સાથેના અવૈદ્ય સંબંધના અભિજ્ઞાન સાથે રાજવી દંપતી વિનાશમાં ધકેલાય છે. યોકસ્ટા આત્મહત્યા કરે છે, તો રાજા ઇડિપસ પોતાની બંને આંખોને ધગધગતા સળિયાથી જલાવી દે છે અંતે તે રખડતો ફરતો અંધારમાં અટવાય છે. ઇડિપસની પુરાણકથામાં ગર્ભિત રહેલી human conditionsને તેના નગ્ન રૂપમાં અહીં રેખાંકિત કરવામાં આવી છે. એરિસ્ટોટલે એના પ્લૉટની રચનામાં એની ઉત્કૃષ્ટતા જોઈ છે. Reversal અને Recognitionની ઘટના અહીં અસાધારણ રીતે પ્રભાવક છે. આરંભથી અંત સુધીના બધા બનાવો ચુસ્તપણે અને સંગતિપૂર્વક ગૂંથાયા છે. પ્રસિદ્ધ જર્મન અભ્યાસી વૉલ્ટર કાફમેનના મતે, એરિસ્ટોટલ રાજા ઇડિપસ શા માટે દુર્દૈવમાં ધકેલાય છે તેનો કોઈ ખુલાસો આપતા નથી. Hamartiaની સંદિગ્ધ સંજ્ઞા તેમને જાણે કે ઉગારી લે છે. જે અભ્યાસીઓ એનો અર્થ સ્વભાવની ક્ષતિ tragic flaw ગણે છે તેઓ રાજા ઇડિપસના અવિચારી, ઉતાવળિયા સ્વભાવને તેના દુર્ભાગ્ય માટે કારણભૂત ગણે છે, જેઓ hamartiaથી માત્ર error of judgementનો અર્થ સૂચિત થતો જુએ છે તેઓ તેનાં માતાપિતાની ઓળખ કરવાની નિષ્ફળતામાં દુર્ભાગ્ય જુએ છે. પણ બંને દૃષ્ટાંતોમાં hamartia એ ટ્રૅજડિના ક્ષેત્ર બહાર રહી જાય છે અને એ કારણે ટ્રૅજડિ એ માત્ર દુર્દૈવમાં ડૂબકી માત્ર બની રહે, અને ટ્રૅજડિના આરંભ પૂર્વે જ એ નિર્ણિત થઈ ચૂક્યું હોય તો તો ઘટનાઓને કોઈ અર્થવત્તા રહે જ નહિ. એટલે નાટકમાં જ તેના દુર્દૈવનું કારણ શોધવાનું રહે. અંધ ટિરેસિયસ સાથે તેમ ક્રિયોન સાથેના તેના ઉચ્છૃંખલ વર્તનમાં દોષ રહ્યો છે. છતાં એ તેના સમગ્ર વિનાશ માટે એટલું મોટું કારણ નથી. કૉફમેન, આથી જ, એમ સ્વીકારે છે કે ઇડિપસની ટ્રૅજડિ એ tragedy of fate છે, અને રાજા ઇડિપસની બાબતમાંય futile struggle to escape ineluctible destiny બની રહે છે. એમાં આંશિક તથ્ય છે. આ સંદર્ભમાં ફ્રોય્‌ડના આ વિશેના અર્થઘટનને તેમાં તપાસમાં લે છે. ફ્રોય્‌ડના અર્થઘટન પ્રમાણે ઇડિપસ આપણા સૌનો પ્રતિનિધિ છે અને ઇડિપસનાં બે મહાન ઉલ્લંઘનો તે બાળપણની અવરુદ્ધ fantasiesને સાકાર કરે છે. ૧. Oedipus is a play about man’s radical insecurity. ઉદાત્ત પ્રકૃતિના રાજાનો કરુણ અંજામ સૂચવે છે કે આપણા અંત વિશે આપણને કોઈ પૂર્વજ્ઞાન હોતું નથી. આ જગતમાં માણસ મૂળભૂત રીતે અરક્ષિત છે. આ પ્રકારનાં માનવીઓની યાતના ઘણી ઉત્કટ હોય છે. ૨. Oedipus is a tragedy of human blindness. રાજા ઇડિપસ જે મહાન અભિશાપ ભોગવી રહ્યો છે તેની અતિશય વક્રતા તો એ છે કે તે પોતાની સાચી ઓળખ બાબતે અંધ છે. અંધ ટિરેસિઅસ જે જોઈ શકતો હતો તે ઇડિપસ પોતે જોઈ શક્યો નહોતો અને અંતે તે પોતાના સંયોગો જોઈ શક્યો ત્યારે તે પોતે જ પોતાને આંધળો કરી મૂકે છે. ખરેખર તો તે પોતાનાં માતા અને પિતાનેય ઓળખી શક્યો નથી. ઇડિપસ અંતે અંધ બને એ ઘટના એવી કોઈ સાર્વત્રિક નથી, છતાં તે જે સંયોગો વચ્ચે મુકાયો છે તે સાર્વત્રિક છે. ૩. Oedipus is the tragedy of the curse of honesty. જેઓ પ્રામાણિકતાનો ઊંચો આદર્શ ધરાવે છે તેઓ સત્યનો અંતિમ નિર્ણય કરતાં ઘણી મુશ્કેલીઓ વેઠે છે. જે કંઈ ઉપલક જાણકારી તેમને મળે છે તેથી તેમને સંતોષ હોતો નથી. બીજાઓ તેને સત્યની તપાસમાં આગળ ન વધવાનું કહે છે ત્યારેય તેઓ પ્રશ્ન કરતા રહે છે, અને આખરી સત્યની ખોજમાં મંડ્યા રહે છે. ઇડિપસ આ પ્રકારની અસાધારણ પ્રામાણિકતા પ્રગટ કરે છે. તેનામાં ઘણું શાણપણ છે. માનવસંયોગો વિશે તે બીજાઓ કરતાં ઘણું વધારે જ્ઞાન ધરાવે છે. સ્ફિંક્સના ગૂઢ સમસ્યારૂપ પ્રશ્નનો ઉત્તર તે આપી શકે છે. જ્ઞાન અને સત્યના બોધ અર્થે તે અવિરત મથી રહે છે. કૉફમેનના મતે, ઇડિપસની સત્ય માટેની વણથંભી ખોજની આસપાસ આખાય પ્લૉટની સૉફોક્લિસે રચના કરી છે. મૂળની મિથમાં આ સત્યખોજની ઘટના નથી. Mythical Traditionમાં સૉફોક્લિસ આ રીતે જુદા પડ્યા છે. ટ્રૅજડિના કાર્યનો કેન્દ્રવર્તી સ્રોત તેનું fate નહિ, સત્યની ખોજ માટેનો તેનો અથાગ પ્રયત્ન છે. ટિરેસિઅસ તેને સત્યની ખોજમાં આગળ ન વધવાની સલાહ આપે છે, કેમકે એવું પરમ જ્ઞાન ભયંકર નીવડશે. છતાં તે પોતાના અંગત સુખને જતું કરીનેય સત્ય જાણવા મથી રહે છે. નાટકના સંઘર્ષના મૂળમાં તેની આ ખોજવૃત્તિ જ છે. આખરના એક દૃશ્યમાં સામ્રાજ્ઞી યોકસ્ટા પણ તેને એવા સત્યની ખોજ કરવાની ના પાડે છે. આમ આ નાટકમાં આત્મવંચના કરીને જીવ્યે જવાની તેને સલાહ મળે છે. સૉફોક્લિસના નાયકો બીજા કવિઓ કરતાં હોમરના મહાકાવ્યના નાયકોને વધુ મળતા આવે છે. દુર્નિવાર દુઃસત્ય યાતનાઓની ભયંકરતાનો તળથી તેઓ તાગ લેવા ઝંખે છે પણ તેમનો મુકાબલો આધ્યાત્મિક કોટિનો છે. બીજા tragic heroની સાથે હિંમતનો ગુણ ધરાવે છે. સૉફોક્લિસનો ઇડિપસ એ પ્રકૃતિ, સમાજ અને પોતાની જાતથી પરાયા બનેલા માણસનું દૃષ્ટાંત છે. સોફોક્લિસની બધી જ ટ્રૅજડિઓ alienationનાં જ અધ્યયનો છે. જોકે ઍસ્કિલિસની બધી રચનાઓ માટે એમ કહી શકાય નહીં. સોફોક્લિસનાં સૌથી હૃદયદ્રાવક દૃશ્યોમાં એકલવાયો નાયક બીજા માણસ સાથે કોઈ પ્રકારનો સંબંધભાવ સ્થાપવા મથતો હોય છે. ૪. Oedipus is a play about a tragic situation; a drama that shows how some situations are characterised by the inevitability of tragedy. ટ્રૅજડિના હાર્દમાં અટળ/અફર દુઃખદ પરિસ્થિતિ રહેલી છે. રાજા ઇડિપસને અંતિમ સત્ય સુધી પહોંચવું હતું, કેમ કે થિબ્સની પ્રજા મહામરકીના રોગમાં વિનાશ પામી રહી હતી, એટલે એવા સત્યની ખોજને છોડી દેતાં પોતાની પ્રજાને બેવફાઈ કરવા જેવું હતું અને સત્યની ખોજ તેને તેના પોતાના અને રાણીના જીવનની દારુણ ઘટનામાં દોરી ગઈ. નાટકને આરંભે સૉફોક્લિસે રાજા ઇડિપસને જે પરિસ્થિતિ વચ્ચે મૂક્યો છે તેમાં તે ભયંકર અપરાધબોધ અનુભવે છે. આ પણ સૉફોક્લિસની પ્રતિભાની પ્રાપ્તિ છે, મૂળ મિથમાં એ ભાવ નથી. ઇડિપસ એ રીતે વ્યાપક માનવસંયોગોના પ્રતિનિધિરૂપ છે. ૫. Oedipus is a play about justice. ન્યાયભાવનાને બે રીતે અને બે સ્તરે એમાં પડકાર છે. આપણને સૌને એવો પ્રશ્ન કરવાની ફરજ પડે છે કે ઇડિપસ અને યોકસ્ટાનો વિનાશ એ કોઈ ન્યાયસંગત ઘટના છે? તેઓ જે કોઈ બનાવોમાં ભીંસાઈ રહે છે તેને માટે તેઓ શિક્ષાપાત્ર ઠરે છે? ઉત્તર એ કે, એટલાં શિક્ષાપાત્ર નહિ. બંનેની ક્યાંક ભૂલો થઈ છે. તોપણ તેમના કૃત્યની સામે અતિ દારુણ સંયોગોમાં તેઓ ધકેલાયાં છે. પિતાની હત્યા કંઈ જાણીકરીને કરેલું કૃત્ય નહોતું. અજાણ્યા માર્ગે અણજાણપણે સ્વરક્ષણ અર્થે આચરેલું કૃત્ય હતું. This does not rule out the possibility that tragedy strikes terror into hearts that deeply sense how their most confidently championed moral value, are shown to be problematic. આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ આધુનિક યુરોપમાં પુનર્જાગૃતિના આરંભે vernacularમાં જે સાહિત્ય રચાવા લાગ્યું તેમાં અંગ્રેજ નાટ્યકાર શેક્સપિયરની ટ્રૅજડિઓ ઘણી મહાન ઉપલબ્ધિ છે. ગ્રીક ટ્રૅજડિ કરતાં એનું સ્વરૂપ ઠીક ઠીક જુદું છે. Hamlet, Macbeth, King Lear અને Othello એ ચાર ટ્રૅજડિઓનું જૂથ શેક્સપિયરની ટ્રૅજડિઓનું વિશિષ્ટ રૂપ છતું કરે છે. Tragic Situation, Tragic Hero, Tragic Action and Plot અને એનો World Order એ સર્વ પ્રશિષ્ટ ટ્રૅજડિઓથી જુદાં છે. છતાં શેક્સપિયર પછીની સદીઓમાં બદલાયેલા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંયોગો વચ્ચે યુરોપના જુદી જુદી ભાષાના નાટ્યકારોએ ટ્રૅજડિની રચના કરવાના પ્રયત્નો કર્યા તે શેક્સપિયરથી ઘણા જુદા છે. એક રીતે શેક્સપિયરની ટ્રૅજડિઓ ગ્રીક ટ્રૅજડિઓની નજીક રહે છે ત્યારે ચેખવ, ઇબ્સન, બર્નાર્ડ શૉ, આર્થર મિલર, ટેનેસી વિલિયમ્સ, યુજિન ઑનિલ જેવા નિકટના, ભૂતકાળના અને વર્તમાન યુગના નાટ્યકારોની ટ્રૅજડિ – એ માટે વારંવાર પ્રયોજાતો શબ્દ – Social Tragedy – ગ્રીક અને શેક્સપિરિયન ટ્રૅજડિથી કેટલીક મૂળભૂત બાબતોમાં જુદી પડે છે. ચેખવની કૃતિ – Three Sisters, ઇબ્સનની The Doll’s House, Ghosts કે The Master Builder, આર્થર મિલરની The Death of a Salesman જેવી રચનાઓને સામાન્ય રીતે આપણી ટ્રૅજડિ સ્વરૂપની લેખીને ચાલીએ છીએ. પણ ગ્રીક ટ્રૅજડિઓમાં પ્રતીત થતી રહસ્યસભરતા, ઉદાત્તતા અને ગરિમાની સામે આપણા યુગની સામાજિક ટ્રૅજડિઓ પ્રમાણમાં સાધારણ અને પ્રભાવહીન લાગે છે. મૂળ ગ્રીકમાં ટ્રૅજડિ શબ્દ સાતત્યપૂર્વક યોજાતો રહ્યો છે, પણ આ નવા યુગની કહેવાતી ટ્રૅજડિઓ ખરેખર Genuine Tragedy કહેવાય કે કેમ એવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. જ્યૉર્જ સ્ટાય્‌નર જેવા અભ્યાસીએ પોતાના The Death of Tragedy એ શીર્ષકવાળા પુસ્તકમાં સાચુકલી ટ્રૅજડિનું અવસાન થઈ ચૂક્યું હોવાનું પ્રતિપાદિત કર્યું છે. છેલ્લાં ત્રણસો ચારસો વર્ષોની નાટ્યલેખનની પ્રવૃત્તિનો તંતુ પકડીને ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ, સ્પેનિશ નાટ્યકારોએ ટ્રૅજડિ સ્વરૂપને જે રીતે બદલાતા જતા પ્રજાજીવનના સંદર્ભે ખેડ્યું તેની સૂક્ષ્મ તપાસ આદરી છે. બીજા અભ્યાસીઓ છેલ્લા બે સૈકાની કૃતિઓમાં ટ્રૅજડિનું સ્વરૂપ હજીય ટકી રહ્યું હોવાનું કહે છે. ટ્રૅજડિના જેવા મહાન સ્વરૂપના સ્વીકાર અસ્વીકારનો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ What is tragic? What is a tragic situation? How the genuinely tragic emotion is produced? What is the structure of tragic feeling? વગેરે વગેરે પ્રશ્નોની ચર્ચામાં દોરી જાય છે. Tragedy સંજ્ઞા પ્રાચીન ગ્રીક નાટ્યકારોની, શેક્સપિયરની, ઇબ્સનની ટ્રૅજડિઓ માટે યોજાતી રહી છે. એ સંજ્ઞા સદીઓથી ઊતરી આવી છે, જ્યારે એ સંજ્ઞાથી ઓળખાવાતી કૃતિઓના હાર્દમાં કશોક ફેરફાર આવ્યો છે. મૂળ વાત એ છે કે ગ્રીક ટ્રૅજડિઓ એ યુગમાં વ્યાપક પ્રચારમાં રહેલા mythologyમાંથી પોતાની વર્ણ્યવસ્તુ (theme) લે છે અને આગવી રીતે તેનું કળાવિશ્વમાં રૂપાંતર કરે છે. સૉફોક્લિસ, યુરિપીડિઝ કે ઍસ્કિલિસની ટ્રૅજડિઓમાં જે જે મિથ(Myths)નો વિનિયોગ થયો છે તે તેની પૂર્વે અનેક સદીઓ સુધી ગ્રીક પ્રજાના માનસિક/સાંસ્કૃતિક જીવનમાં જીવંત હતી અને વ્યાપકપણે આખીય પ્રજાની માન્યતાઓ, ક્રિયાકાંડો, રીતભાતો, નીતિમત્તા અને કાયદાકાનૂનની ભાવના સાથે સંકળાયેલી હતી. પ્રજાજીવનનાં સુખદુઃખ, હિતાહિત, જયપરાજય એમની દેવતાઈ સૃષ્ટિ સાથે સંકળાયાં હતાં. ઇડિપસ રાજા કે એન્ટિગોનની ટ્રૅજડિ એ તેમના અંતરમાં જીવંત સ્મૃતિરૂપે ટકી રહેલાં પ્રાણવાન કથાનકો અને તેનાં રહસ્યોનું કવિનિર્મિત નાટ્યસૃષ્ટિરૂપે નવસર્જન હતું. એ પુરાણકથાઓ કોઈ એક વ્યક્તિની ઉપજાવી કાઢેલી સૃષ્ટિ નહિ, સમગ્ર પ્રજાના અંતરને, તેના તારેતારને, સાંધતી રચનાઓ હતી. તેમને ઇષ્ટ એવાં નગરરાજ્યોના રાજવીઓની કથાઓ એમાં હતી, પણ પર્વત પરના દેવતાઓની દખલગીરી એમાં હતી. એમના બૃહદ્‌ વિશ્વમાં માનવસમાજ અને તેની પાછળ દેવતાઓનું જગત હતું. ગ્રીકો પાસે આધુનિક તત્ત્વચિંતકો જેને religion કહે છે તેવો religion નહોતો. પણ માનવપરિસ્થિતિ પર નિયંત્રણ ધરાવતા દેવો અને બીજાં અતિપ્રાકૃતિક બળોનો એમાં સ્વીકાર હતો. આ દેવતાઓ જ વારંવાર માનુષી ચરિત્રો માટે fate, fortune કે destinyનો સંકેત આપતા હતા. શેક્સપિયરની ટ્રૅજડિઓમાં પણ રાજકુટુંબ, સેનાધિપતિ કે અમીરઉમરાવનાં પાત્રો આવ્યાં. એમાં હેમ્લેટ, મૅક્‌બેથ, કિંગ લિયર કે ઓથેલો જેવી ટ્રૅજડિઓ tragedy of character તરીકે ઓળખાવાઈ છે. નાયકના સ્વભાવમાં રહેલી કોઈ ઊણપ તેના પતનમાં કારણભૂત બને છે. પણ શેક્સપિયરના ટ્રેજિક નાયકોમાં આત્મવિનાશની પરિસ્થિતિ વચ્ચેય અમુક વીરતા, ગૌરવ અને ઉદાત્તતાના ગુણો પ્રગટ થાય છે. સરેરાશ વ્યક્તિ કરતાં તેનું માનવીય અસ્તિત્વ કશુંક મહદ્‌ રૂપ છતું કરે છે. આ નાયકો પણ રાજકુમાર, સેનાધિપતિ કે રાજવી કોટિના છે. તેમની સામે જે tragic situation ઊપસે છે તેમાં નાયકની કેવળ અંગત એષણાનો પ્રશ્ન રહેતો નથી. રાજકીય સત્તાની પ્રાપ્તિઅપ્રાપ્તિના પ્રશ્નો એમાં છે જે તેમની જાહેર નીતિમત્તા અંગેના ખ્યાલોને સ્પર્શે છે. સોળમી, સત્તરમી અને અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્પેન જેવા દેશોમાં ટ્રૅજડિ લખવાના જે પ્રયત્નો થયા તેમાં પ્રશિષ્ટ(ગ્રીક) ટ્રૅજડિઓ અને મધ્યકાલીન ક્રિશ્ચિયન ટ્રૅજડિઓ – એ બંનેના પરસ્પરવિરોધી સિદ્ધાંતો અને ધોરણો પ્રેરક બળ રહ્યાં. ઓગણીસમી સદીમાં ઇબ્સન પહેલા એવા ટ્રૅજડિ સર્જક છે જે પ્રાચીન ગ્રીક ટ્રૅજડિઓ કે શેક્સપિયરની ટ્રૅજડિઓના આદર્શોને ફગાવીને ચાલ્યા છે. પ્રખર બૌદ્ધિકતાવાદ અને વિજ્ઞાનવાદના પ્રભાવ નીચે પ્રાચીન પુરાણકથાઓમાંથી જીવંત સક્રિય માન્યતાઓનું તત્ત્વ લુપ્ત થવા આવ્યું હતું. નવી રાજકીય, સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે પુરાણકથાઓનો સર્વથા નવી દૃષ્ટિએ વિનિયોગ થવા લાગ્યો કે નવા કાલ્પનિક વિષયો લઈ ટ્રૅજડિઓ રચવામાં આવી. આધુનિક યુગના માનવીને બુદ્ધિની પકડમાં આવતા જગતમાં વિશેષ રસ હતો. ગ્રીક ટ્રૅજડિઓ જોનારા પ્રેક્ષકો તો ચોક્કસ માન્યતાઓ અને મૂલ્યોમાં સહભાગી એવું એકરૂપ સમાજજીવન જીવતા હતા. શેક્સપિયરના પ્રેક્ષકોમાંય એવી સમાન માન્યતાઓ અને મૂલ્યોની ઠીકઠીક વ્યાપક ભૂમિકા હતી. પણ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદી દરમિયાન જે રીતે democratic જીવનરીતિ વિકસતી રહી, ઉદારમતવાદ અને વ્યક્તિવાદને પ્રોત્સાહન મળ્યું અને વૈજ્ઞાનિક વલણો સક્રિય બન્યાં તેથી પૂર્વેના પ્રજાજીવનની માનસિક એકતા ખંડિત થઈ. નવા જન્મેલા મધ્યમ વર્ગમાં ધાર્મિક માન્યતાઓ નષ્ટ થતી રહી. નવી સામાજિક, રાજકીય હિલચાલોને કારણે સમાજજીવનનું જૂનું સમસંવાદી માળખું તૂટતું ગયું. માનવજીવનની દારુણ પરિસ્થિતિના મૂળમાં સામાજિક આર્થિક વિષમતા રહી છે. અને માનવવ્યક્તિના જીવનમાં જે કંઈ દુઃખદાયી અને યાતનાપૂર્ણ પરિસ્થિતિ જોવા મળે છે તે માટે ઊંચા પર્વતશિખરે રહેતા દેવતાઓ કે એવાં અતિમાનુષી પરિબળો જવાબદાર નહિ, પણ માનવવ્યક્તિમાં અને સમાજવ્યવસ્થામાં અંતર્હિત રહેલાં વિઘાતક બળો જવાબદાર છે એવી સમજ પ્રવર્તી. તે સાથે કેટલાક ચિંતકો અને અભ્યાસીઓ માનવીય કરુણતાના મૂળમાં કશુંક existenceમાં રોપાયેલું દુરિત (evil) તત્ત્વ છે એમ માનવા પ્રેરાયા. ગ્રીક પ્રશિષ્ટ ટ્રૅજડિઓ, એલિઝાબેથયુગીન શેક્સપિયરની ટ્રૅજડિઓ, ઓગણીસમી સદીની social tragedies એમ પાશ્ચાત્ય પરંપરામાં ‘ટ્રૅજડિ’ સંજ્ઞાથી ઓળખાવાતી નાટ્યકૃતિઓની એક દીર્ઘ પરંપરા રચાવા પામી છે. ટ્રૅજડિ સંજ્ઞાનું સદીઓ સુધી સાતત્ય રહ્યું. પણ મોડર્ન ટ્રૅજડિ સંજ્ઞાથી ઓળખાવાતી ટ્રૅજડિઓમાં tragic situation અને tragic sense બદલાયાં છે. પણ ભિન્ન ભિન્ન સમયની ટ્રૅજડિઓમાં tragic તત્ત્વ ખરેખર એકરૂપ છે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અભ્યાસીઓના મોટા વર્ગમાં એક વ્યાપક સંમતિ પ્રવર્તે છે કે વ્યક્તિના જીવનમાં ટ્રૅજડિનો અહેસાસ એ સાર્વત્રિક ઘટના પણ સાચા અર્થમાં વિશિષ્ટ નાટ્યસ્વરૂપ લેખે ટ્રૅજડિ એ પાશ્ચાત્ય સંસ્કૃતિની વિલક્ષણ એવી ઉપલબ્ધિ છે. ત્રણ માળની સિલ્ક મિલ પત્તાંનાં મહેલની જેમ ક્ષણબેક્ષણમાં તૂટી પડે અને ત્રણસો કામદારો કાટમાળમાં દટાઈ મરે, કોઈ શાળાના ઉત્સવમાં શમિયાણો એકાએક સળગી ઊઠે અને નિર્દોષ બાળકો હોમાઈ જાય, કોઈ એક વૃદ્ધ દંપતીના એક માત્ર પુત્ર-પુત્રવધૂ અને સંતાનો સૌ કારઅકસ્માતમાં ગુજરી જાય – એવી એવી ઘટનાઓને આપણે ટ્રૅજડિ લેખાવીએ છીએ. પણ પાશ્ચાત્ય પરંપરામાં જે રીતે ટ્રૅજડિનું સ્વરૂપ જન્મ્યું, વિકસ્યું અને ક્ષીણ થયું તેમાં the tragic/tragic sense/tragic feelingનો સાવ નિરાળો ખ્યાલ કામ કરતો રહ્યો છે. લાયનેલ આબેલ જેવા આભ્યાસી એમ કહે છે કે ટ્રૅજડિ/ટ્રેજિક એ સંજ્ઞાઓના હાર્દમાં ગ્રીક ચેતના રહી છે : ગ્રીકોએ પોતે નિપજાવેલા ટ્રૅજડિ સ્વરૂપ અર્થે તેમણે યોજેલી એ ગ્રીક પરિભાષા છે. લાયનેલ આબેલ કહે છે કે – We are interested in tragedy, value it, and are not sure what tragedy is. Tragedy for us is a problem. પ્રશ્ન એટલા માટે જન્મે છે કે આપણી સામે ભયંકર વિરોધાભાસ જન્મ્યો છે. એક બાજુ આપણને એમ લાગ્યા કરે છે કે આપણા યુગને ટ્રૅજડિ સાથે કંઈક વિશેષ પ્રકારનો સંબંધ છે. બબ્બે વિશ્વયુદ્ધોની દારુણ માનવહત્યાઓ, ગેસચેમ્બરમાં લાખો યહૂદીઓનાં મૉત, શ્રમછાવણીઓમાં અને કેદખાનાઓમાં હજારો નિર્દોષોની અમાનુષી હત્યા, શાંતિ અને વ્યવસ્થાના બહાના હેઠળ વિરોધીઓનો નાશ, ત્રાસવાદ – આંતરરાષ્ટ્રીય એ સર્વ કંઈ ઓછા કરુણ નથી, છતાં ગ્રીક ટ્રૅજડિના જેવી અસાધારણ ગહનકરુણ દર્શનવાળી ટ્રૅજડિ આપણને હવે મળતી નથી. ગ્રીક ટ્રૅજડિના સાચા હાર્દ સુધી પહોંચવામાં આપણો યુગ અંતરાયરૂપ બન્યો છે. ટ્રૅજડિઓમાં જે રીતે ટ્રૅજિક કન્ડીશન્સ/સીચ્યુએશન્સ પ્રસ્તુત થાય છે તેમાં અંતે નાયકનું મૃત્યુ થાય એ હંમેશાં જરૂરી નથી. કેટલીક ટ્રૅજડિઓમાં અંત કંઈક આશાસભર હોય એમ પણ જોવા મળશે. પણ ઘણું ખરું આ સ્વરૂપમાં કશીક catastrophe કે અણધારી આપત્તિ કે ભયાવહ/દયાજનક પરિસ્થિતિ/પ્રસંગ ગૂંથાયેલો જોવા મળે છે. નાયકના જીવનમાં જે દારુણ ઘેરી આપત્તિ સર્જાય છે તેમાં કશુંક અટળ, કશુંક છટકી ન શકાય એવું તત્ત્વ પડ્યું હોય છે. માનવબુદ્ધિની પકડમાં ન આવે અને માનવ-અસ્તિત્વની સામે દુર્જેય સત્તા રૂપે તોળાઈ રહે એવી એ સંજ્ઞા છે. કેટલાક અભ્યાસીઓએ મેટાફિઝીકલ ચિંતનના સ્તરેથી વિચાર કરતાં આ સંઘર્ષ તત્ત્વને વિશ્વવ્યવસ્થામાં રહેલા દુરિત તત્ત્વ તરીકે સ્વીકાર્યું છે. માનવવ્યક્તિના જીવનમાં દારુણઘેરી આપત્તિ સર્જનાર આ અજ્ઞાત અને અજ્ઞેય તત્ત્વને વારંવાર human destiny, human fate કે fortune સાથે સાંકળવામાં આવે છે. વિશ્વવ્યવસ્થામાં કશુંક ધૂની, મનસ્વી અને અબૌદ્ધિક તત્ત્વ પડેલું છે, જે વ્યક્તિના ભાગ્યને પલટી નાખવા સમર્થ છે પણ એની ગતિવિધિઓનો કોઈ બૌદ્ધિક ખુલાસો હોતો નથી. ટ્રૅજડિનો નાયક એનો આછો અણસાર પામે અને એનો ચાહીને પ્રતિકાર કરવા સંઘર્ષમાં ઊતરે તોયે તે એટલું જ દુર્જેય અને દુર્ઘર્ષ પુરવાર થાય છે. આ રીતના અભિજ્ઞાન પછી ટ્રૅજડિનો નાયક પૂર્ણ સભાનતાથી પોતાના human resourcesને હોડમાં મૂકે છે તેમાં તેની human dignity રહે છે. દુર્ઘર્ષ સત્તા સામે તે વિનાશ નોતરે છે ત્યારેય કશુંક હ્યુમન(humane) તત્ત્વ પૂરું ખીલે છે. એમાં જ તેનું ગૌરવ છે. ટ્રૅજડિનો નાયક જે કટોકટીભરી પરિસ્થિતિનો સામનો કરે છે તેમાં તેની મનોદશા કંઈક સંદિગ્ધ સ્વરૂપની સંભવે છે. પોતે વિષમ પરિસ્થિતિમાં સર્વ કંઈ ખોઈ બેઠો છે એવો નર્યો હતાશાવાદ એમાં હોતો નથી, તો પોતે વિજયી બનીને બહાર આવશે એવો પૂરો આશાવાદ(optimism) પણ એમાં હોતો નથી. મૂળભૂત રીતે કશાક અનિર્ણયવાદની મનોદશામાં તે સક્રિય છે. ધર્મનીતિલક્ષી નાટકો(morality plays)માં નાયકના જીવનમાં એક પછી એક આપત્તિનો સામનો કરવાનો આવે, તેના શીલની કસોટી થાય, પણ અંતે જતાં ઈશ્વરની કૃપાદૃષ્ટિ(grace)થી તેનું જીવન દુઃખમુક્ત બને તો એવાં નાટકોમાં નાટ્યકાર, ચરિત્ર, ભાવક સૌ એવા ઈશ્વરીતંત્રમાં આસ્થા ધરાવતા હોય ત્યાં ટ્રૅજડિને અવકાશ નથી. એવી કોઈ શ્રદ્ધા, આસ્થા કે પ્રતીતિ કેળવીને નાયક સંઘર્ષ વેઠે તેમાં ક્યાંય tragic situation નથી. યાતના, દુઃખ, વેદના સહી લેતા નાયકને એવી કશીય resurrection કરનારી સત્તામાં આસ્થા જન્મી હોય તો ત્યાં pity અને fearને અવકાશ નથી. કૃતિના અંતે ઈશ્વરીતંત્રની કામગીરીનું જ્ઞાન થતાં સૌને ઊંડું નૈતિક/આધ્યાત્મિક સમાધાન થાય છે. સાચી ટ્રૅજડિમાં નાયકને, અને ભાવકને, એવી કોઈ સમાધાનકારી ક્ષણની ખબર હોતી નથી. બલકે, પોતે પોતાની જીવનશક્તિને કોઈ અકળ, અફર અને દુર્નિવાર અંધ સત્તા સામે વ્યય કરી રહ્યો હોવાના અહેસાસ સાથે તે તેનો પ્રતિકાર કરે છે. મેલોડ્રામામાં નાયક સામે દુઃખદ આપત્તિ આવે છે પણ ટ્રૅજડિ કરતાં તેની નિરૂપણરીતિ અને પ્રસ્તુતિમાં કેટલોક સૂક્ષ્મ ભેદ છે. ટ્રૅજડિનો નાયક જે માનવીય સંયોગો વચ્ચે મુકાયો છે, અને જેનો તે મુકાબલો કરવા મથી રહે છે તેનું પૂરું પ્રામાણિક અને શ્રદ્ધેય ચિત્રણ તેનો લેખક કરે છે. મેલોડ્રામામાં ભાવકની લાગણીઓને ઉત્કટ કરે એ રીતે તેના પ્રસંગો અને સંવાદોમાં અતિશયોક્તિ હોય છે અને નાયક પ્રતિ અનુકંપા ઉત્કટ રહે તે રીતે તેની આસપાસ દયાજનક બનાવો રચાય છે અને તેની સામે ભયજનક બનાવો અને પરિસ્થિતિના ભાગ રૂપે ખલનાયકની ઉગ્ર અમાનુષી ક્રિયાશીલતા રચાય છે. ટ્રૅજડિના નાયકને જે યાતના સહન કરવાની આવે છે તેમાં તેની સામેના સંયોગોમાં જ કશુંક અકળ, અટળ અને દુર્નિવાર સત્તારૂપે રહેલું પ્રતીત થાય છે. જ્યાઁ જિરાદુએ ટ્રૅજડિના સ્વરૂપને અનુલક્ષીને કહ્યું છે : What is tragedy? Tragedy affirms a horrible link between humanity and a destiny greater than the human destiny. In tragedy, man is pulled away from his quadruped’s stands on all fours by a leash, which holds him up-right, whose rule he is ignorant of, whose tyranny he knows by heart. (ટ્રૅજડિ શું છે? ટ્રૅજડિ માનવતા અને માનવનિયતિથીય વધુ મહાન નિયતિ સાથેની ભયંકર કડીની ખાતરી કરાવે છે. ટ્રૅજડિમાં leash (સાંકળ, બેડી, જંજીર) દ્વારા માણસને તેની ચતુષ્પાદ દશામાંથી ટટ્ટાર ખડો કરી દેવામાં આવે છે, જેના શાસનની તેને જાણ નથી, પણ તેના જુલ્મ વિશે તેનું અંતર સાક્ષી પૂરે છે.) ડબલ્યુ એચ. ઑડેન ટ્રૅજડિની બે કોટિઓ પાડે છે ૧. Tragedy of necessity : ગ્રીક ટ્રૅજડિ એ કોટિની છે. ૨. Tragedy of possibilities, Christian Tragedy એ કોટિની છે. ગ્રીક ટ્રૅજડિને જોઈ પ્રેક્ષક એવો પ્રતિભાવ પાડે છે : ‘આમ જ ઘટના બની આવે એ કેટલું દયાજનક છે!’ ક્રિશ્ચિયન ટ્રૅજડિને જોઈ પ્રેક્ષક એવો પ્રતિભાવ આપશે. ‘આ ઘટના બીજી રીતેય આગળ વધે એવી સંભાવના હતી તોપણ આ રીતે જ બની આવી એ કેટલું દયાજનક છે!’ આ બે પ્રતિભાવોનો ભેદ તપાસવા જેવો છે. ક્રિશ્ચિયન ટ્રૅજડિના tragic eventsના સંયોજનમાં તેના નાયક સામે એકથી વધુ માર્ગની સંભાવના હતી, અને જે માર્ગે તે આગળ ગયો તે સિવાય બીજા વિકલ્પ તેની સામે ખુલ્લા હતા. ગ્રીક ટ્રૅજડિના નાયક સામે તે જે વિષમ સંજોગોમાં મુકાયો છે તેની વચ્ચે ક્યાંય કોઈ વિકલ્પ નથી. તેના અટળ, અફર ભાવિ તરફ તે ધકેલાતો જાય છે. વળી, ગ્રીક ટ્રૅજડિના નાયકના ચારિત્ર્યમાં ક્ષતિરૂપ ગર્વિષ્ઠતા એ છે કે પોતે અત્યંત બળવાન છે અને એ બળને કોઈ હલાવી શકે નહિ એવી ભ્રાંતિ કેળવે છે. ક્રિશ્ચિયન ટ્રૅજડિના નાયકના ચારિત્ર્યમાં એવું અભિમાન પાપરૂપ છે કે પોતે નિર્બળ છે છતાં પોતાના પ્રયત્નોથી એ નિર્બળતાને ઓળંગી જઈ બળવાન બની શકશે એવી ભ્રાંતિમાં રાચે છે. યોસેફ વુડ ક્રચે The Tragic Fallacy એ શીર્ષકના લખાણમાં ગ્રીક ટ્રૅજડિઓની ટ્રૅજિક અનુભૂતિ અને આપણા યુગના માણસ વચ્ચે રચાઈ ચૂકેલી અર્ધપારદર્શી દીવાલની ચર્ચા કરી છે. તેમનું વક્તવ્ય એ છે કે સોફોક્લિસ કે શેક્સપિયરની ટ્રૅજડિ વાંચતાં(કે તેનો કોઈ પ્રયોગ જોતાં) આજના પ્રેક્ષકો ઝાંખો ધૂંધળો અનુભવ પામે છે. ઘેરી છાયાવાળા કાચમાંથી આપણે માત્ર ‘જોઈએ છીએ’, અને એના મૂળ અનુભવના પરિમાણની નજીક પહોંચી ગયા હોવાનું લાગે તેટલો સંવિદ્‌ વિસ્તાર સાધી શકીએ ત્યારેય, એવી ચરમ ક્ષણોમાંય, માત્ર ટ્રૅજિક તત્ત્વને ઓળખીએ છીએ. ખરેખર તો આજનો આપણો યુગ એ ટ્રૅજિક હાઇટને પહોંચવા અશક્ત છે. સૉફોક્લિઝ કે શેક્સપિયર જે આકાશમાં ઉડ્ડયન કરે છે તેમાં શ્વાસ લેવાનું આપણે માટે મુશ્કેલ છે. આપણે એમ માનીએ છીએ કે આપણે ટ્રૅજડિને appreciate કરી રહ્યા છીએ, વાસ્તવમાં માત્ર વિસ્મય પ્રગટ કરીને જ આપણે રહી જઈએ છીએ. માનવજીવન વિશેના જે ભવ્યોજ્જ્વલ દર્શન(glorious vision)માંથી તે જન્મી છે તેમાં આપણે માટે સહભાગી બનવાનું બનતું નથી. ગ્રીક ટ્રૅજડિના વિજયી સ્વરો અત્યંત દૂરના ભૂતકાળના છે, અને જે heroic world હવે અસ્તિત્વમાં જ રહ્યું નથી તેનો નિર્દેશ કરે છે. જ્યારે એના યુગના પ્રેક્ષકો માટે તો એ immediate realities રૂપ હતા, અને તેઓ પોતે જે સંયોગો વચ્ચે જીવી રહ્યા હતા તે inner meanings તેઓ તેમાં જોતા હતા. આજે એ પ્રકારની ટ્રૅજડિઓ લખવાનું શક્ય રહ્યું નથી. વાસ્તવમાં સૉફોક્લિસ અને શેક્સપિયરનું વિશ્વ જુદું છે. ચેખવ અને ઇબ્સનનું વિશ્વ જુદું છે. ચેખવ કે ઇબ્સન પાસે હજુ મોટી પ્રતિભા હોત તોય ગ્રીક ટ્રૅજડિ જેવી ટ્રૅજડિ લખવાનું શક્ય નહોતું. એ યુગનાં cosmos, god, man અને nature એ સર્વનુ સ્વરૂપ બદલાયું છે. માણસનું જીવન અલ્પ અને તુચ્છ બન્યું છે. કળાઓના ક્ષેત્રમાં વાસ્તવવાદ/પ્રકૃતિવાદને જન્મ આપનારી વિચારધારાએ માનવજીવનની તુચ્છતા જન્માવી. આજની ટ્રૅજડિઓમાં સામાન્ય રીતે માણસના જીવનનાં જે દુઃખો વર્ણવાય છે અને જે દુઃખદ પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં સાચેસાચ કશું જ ટ્રૅજિક તત્ત્વ નથી. ગ્રીક અને શેક્સપિયરની ટ્રૅજડિઓ સામે મૂકીને જોતાં એમાં ભાગ્યે જ કશું સમાન તત્ત્વ મળશે. ભાવક/પ્રેક્ષકમાં એ માત્ર depressionનો ભાવ જ જગાડે. શેક્સપિયરે તેના નાયકો સામે જે બાહ્ય આપત્તિ રચી છે તેથી એ નાયકો ઊંચે ઊઠીને કોઈક પ્રાણોલ્લાસ કે પ્રાણોદ્રેક અનુભવે છે. માનવનો આત્મા એમાં જે કારમી યાતનામાંથી પસાર થાય છે તેમાં human spiritની મહત્તા તેઓ બિરદાવે છે. એની સામે આપણા યુગમાં માનવીની પ્રાણશક્તિ ક્ષીણ અને નિર્માલ્ય થઈ છે. એરિસ્ટોટલે ટ્રૅજડિની વ્યાખ્યા કરતાં તે imitation of noble action હોવાનું કહ્યું છે. યોસેફ વુડ ક્રચના મતે ટ્રૅજડિમાં માનવ આત્માની ઉદાત્તતા/મહત્તા રજૂ થઈ હોય છે. આપત્તિની ક્ષણે એ માનવહૃદયની mighty passions અને supreme fortitude પ્રગટ થાય છે. Tragedy is essentially an expression not of despair, but of the triumph over despair and of confidence in the value of human life. આર્થર મિલરે ટ્રૅજડિના નાયકો વિશે સાવ જુદા જ દૃષ્ટિકોણથી વિચાર્યું છે. (લેખ : Tragedy and the Common Man) તેઓ એમ કહેવા ચાહે છે કે આજે આપણી વચ્ચે કોઈ વીર પુરુષ નથી, એટલે સાચી ટ્રૅજડિ માટે અવકાશ નથી એવો એક ખ્યાલ પ્રવર્તે છે, પણ તે બરોબર નથી. ટ્રૅજડિ કંઈ રાજવીકુળના કે બીજા ઉચ્ચતમ સત્તાધારી માણસોના જીવનમાં જ સંભવે એવું નથી. સામાન્ય માનવીમાંય ટ્રૅજડિ સંભવે. સામાન્ય માણસ પણ personal dignity અર્થે ઝઝૂમે, એ માટે સ્વાર્પણ કરવા તત્પર બને, ત્યારે tragic feelingને અવકાશ રહે છે. આર્થર મિલરનું એમ કહેવું છે કે ઓરિસ્ટસથી હેમ્લેટ સુધીના નાયકો જે આંતરસંઘર્ષ વેઠે છે તે પોતપોતાના નગરરાજ્ય/સમાજમાં ન્યાયી સ્થાન મેળવવા જ કરે છે. તેમના ભીતરમાં wound of indignity પડ્યો છે જે તેમનામાં રોષ જન્માવે છે. આ દૃષ્ટિએ જોતાં Tragedy, then, is the consequence of a man’s total compulsion to evaluate himself justly. (ટ્રૅજડિ, એ રીતે, માનવી પોતાના ન્યાયપૂર્ણ સ્થાન મેળવવાના સંદર્ભે પોતાની જાતનું મૂલ્યાંકન કરવાને પૂર્ણપણે દબાણ અનુભવે તેનું પરિણામ માત્ર છે.) Tragic flaw કંઈ રાજામહારાજાઓ પૂરતી સીમિત બાબત નથી. સામાન્ય જનમાંય એ નિર્બળતા સંભવે. પણ જે scheme of things તેને degrade કરતી લાગે તેની સામે તે પ્રતિકાર કરે, ક્રિયાશીલ બને, અને તે સાથે નિર્માણ થતા સંજોગો વચ્ચે ક્યાંક terror કે fearનો અનુભવ સંભવે છે. એ ક્ષણે આપણે જે કંઈ ભયમાત્રથી કે જે કંઈ સંવેદનશૂન્ય બન્યાથી કે માત્ર અજ્ઞાનને લીધે, અત્યાર સુધી સ્વીકારી લઈને ચાલ્યા હોઈએ તે આખીય ભૂમિકા હચમચી ઊઠે છે. તેનું પરીક્ષણ કરતાં, અત્યાર સુધી આપણી આસપાસ ઘેરાયેલું એ વિશ્વ હલી જતાં, માનવવ્યક્તિ તેની સામે આક્રમણ કરે છે. અપરિવર્ત્યશીલ લાગતા એ environmentના તીવ્ર કંપનમાંથી જન્મે છે terror અને fear. પ્રશિષ્ટ ટ્રૅજડિઓમાં જોડાયેલાં એ terror અને fear આજના માનવીય સંયોગો વચ્ચે ફરીથી પ્રત્યક્ષ થાય છે. બીજી રીતે કહીએ તો, માનવવિશ્વ અને માનવવ્યવસ્થા અંગે આ પૂર્વે જે કંઈ unquestioned રહી ગયું હોય તેને વિશે total questioning માટે હજીય એટલો જ અવકાશ છે, અને તે કંઈ સામાન્ય માનવીની મનોક્ષિતિજોની બહારની વસ્તુ નથી. આગલા યુગમાં tragic hero ઊંચા રાજવીકુળનો હોય અને તેના કાર્યમાં ઉમદાપણું હોય એ વાત પર બધો ભાર મુકાયો. પણ એ બાબતો તો બાહ્ય છે. ટ્રૅજડિના મૂળમાં જતાં તો, આ વિશ્વમાં આપણે કોણ છીએ, શું છીએ તે વિશે આપણે આપણને રુચતી chosen imagesથી ઉતરડાઈ જવાનો, તેમાંથી ફેંકાઈ જવાનો, અને એમાંથી સંભવતા disasterમાં ભીંસાવાનો ભય જન્મે છે. The revolutionary questioning of the stable environment is what terrifies. માણસ પોતાની પૂર્ણ આત્મસિદ્ધિ અર્થે પૂરી સચ્ચાઈથી અને પ્રામાણિકતાથી પોતાના અંદરના ભયો અને ભૂતાવળોનો સામનો કરતાં હ્રાસ પામે એમાં કંઈ ઓછું tragic તત્ત્વ નથી.