કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૧. અરીસો
એક સુખ હોય છે, પોતાના ચહેરાને જોવાનું.
કંઈ સમજીએ તે પહેલાં જ
સામે જોઈ સહેજ મલકી જતી આંખો
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.
કાંઠેકાંઠે હારબંધ સરુવૃક્ષોમાં તડકો
રખડીરખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે.
પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
લીલશેવાળને કારણે હાથમાંથી સરકી જતો
તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
અરીસો
એક કદરૂપું સત્ય હોય છે
ચહેરાના
સુંદર દંભથી શણગારાયેલ.
ધાતુની ફ્રેમ સ્પર્શતાં જ
ત્વચા સોંસરી ઊતરી જાય છે સાપના પેટની સુંવાળપ
લોહીમાં ફુત્કાર ફરી વળે રોમરોમમાં
લપકારતી જીભ ઠંડી ક્રૂરતા ફેલાવતી જાય
ડંખેડંખે ચુસાતી ચુસાતી લીલીકાચ
ધુમાડામાં આછી ઊપસતી આકૃતિ
ઘુમરાતી ધુમાડાતી રહે શેષ.
પાષાણયુગમાંથી એક પથ્થર વછૂટતો ગોફણવેગી
અને ચહેરો ક ર ચ ક ર ચ થઈ અરીસામાં
ખૂંપી જાય
હાથથી પંપાળી શકાતો નથી હવે હોઠથી ચૂમી શકાતો નથી.
શીળિયાતા ડાધા બચ્યા છે કેવળ મૂડીમાં.
આપણા ચહેરાને ચાહ્યો હોય છે કોઈએ ક્યારેક
એટલે આપણે ચાહી શકીએ છીએ આપણા ચહેરાને હંમેશ.
અને શોધ્યા કરીએ છીએ આપણા ચહેરાને
ચાહનાર ચહેરો અરીસાની આરપાર.
અરીસાની આરપાર
ક્યારેક ભુલભુલામણી ભરેલું વન ઊગી નીકળે છે
જંગલી છોડઝાડ, ઝેરી જંતુઓ, રાની પશુઓનું વિશ્વ
જેમાં પોલાં હાડકાં સોંસરા સૂસવતા તીણા અણિયાળા અવાજો સંભળાય
અને ચહેરા પર ઓઢી લેવો પડે છે
અરીસામાંથી પ્રતિબિંબાતો સનાતન પિંગળો પ્રકાશ.
અરીસામાંથી સત્ય ઉલેચવાનો પ્રયત્ન કરનારને
હાથ લાગે છે કેવળ કીચડ
અરધે સુધી પહોંચતાં તો પગ માટીમાં વિખેરાઈ જાય
દરેક પગલામાં પગ ઊંડે સુધી દટાતા જાય
પગને દટાતા રોકી શકતું નથી કોઈ. કોઈ કાળે.
પવન કશે પણ ઉડાવી જતો નથી ભેજ
એવી સ્થગિતતા વધુ ઘટ્ટ બન્યા કરે છે અરીસામાં.
અરીસો ઢાંકી દે છે આપણી પારદર્શકતાને
તેના બદલામાં આપણે પામીએ છીએ
પોતાના ચહેરાને જોવાનું સુખ જે ઝબકી જતું હોય છે
અવકાશને ચીરતી વીજળી જેમ ઘડીક ફરી
અંધકારની દીવાલ વધુ નજીક સરકી આવે એ માટે.