કાફકા/2

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભમરડો

એક ફિલસૂફને એવી ટેવ કે બાળકો રમતાં હોય ત્યાં જઈને જોયા કરે, અને જ્યારે કોઈ છોકરાના હાથમાં ભમરડો જુએ ત્યારે તો એ ટાંપીને બેસી રહે. જેવો ભમરડો ચાક લેવા માંડે કે તરત એ ફિલસૂફ એની પાછળ દોડે અને એને પકડી લેવાનો પ્રયત્ન કરે. છોકરાઓ ઘોંઘાટ મચાવી મૂકીને એનો વિરોધ કરે અને એને એમના રમકડાથી દૂર રાખવા મથે તેથી એ જરાય વિક્ષુબ્ધ થાય નહીં. ભમરડો ચાક લેતો હોય ને એને હાથમાં લઈ શકે તો એને ભારે આનંદ થાય, પણ એ એક ક્ષણ પૂરતો જ. પછી તો ભમરડાને એ ભોંય પર ફેંકી દે અને ચાલ્યો જાય; કારણ કે એ એમ માનતો કે કશાની પણ વિગત સમજવી, દા.ત. ચાક લેતા ભમરડાની, તે બધી વસ્તુને સમજવાને માટે પૂરતું છે. આથી એ મોટી મોટી સમસ્યાઓમાં પરોવાતો નહીં. એ શક્તિ વેડફવા જેવું એને લાગતું; એક વાર નાનામાં નાની વિગતને બરાબર સમજી લઈએ કે તરત બધું જ સમજાઈ જાય. તેથી જ તો ચાક લેતા ભમરડામાં જ એણે મનને પરોવેલું; જ્યારે જ્યારે ભમરડા ફેરવવાની તૈયારી ચાલે ત્યારે એને આશા બંધાય : આ વખતે તો હું સફળ થઈશ જ. જેવો ભમરડો ફરવા માંડે ને એ એની પાછળ હાંફતો દોડે કે તરત એ આશા નિશ્ચિતતામાં ફેરવાઈ જાય; પણ એ મૂરખ લાકડાના ટુકડાને એ હાથમાં લે ને એને ઉબકો આવે, ને પછી, અત્યાર સુધી નહીં સંભળાયેલી બાળકોની ચીસાચીસ એના કાનને વીંધી નાખે ને એને દૂર ભગાડી મૂકે. કોઈ અણઘડ હાથે વીંઝેલા ભમરડાની જેમ એ કાતરિયું ખાઈને દૂર જઈ પડે. એતદ્ : જૂન, 1979