કાવ્ય-આચમન શ્રેણી – ગુલામમોહમ્મદ શેખ/૪૦. જેસલમેરનાં સ્વપ્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૦. જેસલમેરનાં સ્વપ્ન

ધોળા ઢૂવાની ડીંટડીએ બાઝેલા થોરના ટીંબાને
ભરડો લેતી ઊની હવાના નિસવાટા
વગડાની વાંઝણી જાંઘે દૂઝે.
આઠ વરસથી પાણીનું પગેરું લૂછતી લૂ,
પાદરની ધૂળમાં ઝાંઝવાંના તંબૂઓના રેલા,
ઉકરડાનાં તણખલાં ઊંચકી ચડતી આંધી
ઉંબરે ઉંબરે ભૂતડી થઈ ધૂણે.
સો સો વરસના ચરકથી ગંધાતી હવેલીઓ ફરતી ચોંટેલી
કિલ્લાની રતૂમડી છાલ,
એના પેટે રમરમતી તરવારોના ડાઘ.
મૂએલ અસવારોની માટીનાં ઢેફાંને ચૂંથતી,
તુલસીનાં પાંદડાં પીંખતી,
બંધ બારીબારણાંની તિરાડે સળવળતી,
રોતા છોકરાની આંખમાં, એકલદોકલ ગૃહિણીની ઉદાસ યોનિમાં
સૂઈ રહેલ ભેજને ચાટતી સૂરજની ભૂંડ-જીભ.
રોજ ને રોજ
રોજ ને રોજ
આજ નવમા ચોમાસાની સાંજે
કિલ્લાની રાંગે ટટ્ટાર ઊભેલી હવેલીનું ટોચકું પંપાળતી
ધોળી બકરીઓ જેવી વાદળીઓ
આભને એક છેડેથી બીજે છેડે હડિયાપટ્ટી કરે.
ખેડુ રજપૂતની ભૂખી જીભે સળગે લ્હાય :
‘વાંઝણી રણનગરીને દાબું અંગૂઠે, ચડું કોટને કાંગરે,
ધોળી વાદળીને ઝાલું બાવડે
કરું ગાભણી, ફોડું એનું પેટ.’

સપ્ટેમ્બર, ૧૯૭૦
(અથવા અને, પૃ. ૧૦૩)