કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૦. થોડો વગડાનો શ્વાસ

જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)