કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/મિડાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૦. મિડાસ

ભમું જગતબાગમાં ચિર પિપાસુ સૌન્દર્યનો.
અહો જગતબાગ રૂપ, રસ, રંગ, ગન્ધે લચ્યો!
સુપૂર્ણ રસપાત્ર આતુર પિપાસુ ઓષ્ઠે ધરું.
અરે, અમૃત થાય હોઠ અડતાં જ હાલાહલ!
વસ્યું મુજમહીં અસુન્દર જ તત્ત્વ એવું કશું,
સુરૂપ સઘળું કુરૂપ થઈ જાય સ્પર્શે મુજ;
સહું તરસ ઘોર શાપિત મિડાસ જેવો સદા.
હવે જગતમાં ભમું નવ પિપાસુ સૌન્દર્યનો.
રહે નયન ઢૂંઢતાં અસલ કોઈ તેજાબને;
પીવો પરમ પેય એ સભર સૌ શિરાઓ મહીં.
દ્રવે પ્રખર અગ્નિના મલિનતા ગ્રસાતાં બધી,
વિશુદ્ધ અણુ યે અણુ, નવલ જન્મને ધારતાં,
સદૈવ રમણીયતા વિલસશે જ અંતર્બહિ :!
(‘નાન્દી’, પૃ. ૧૯)