કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. સાચા શબદ


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)