કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/તમામ ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૪. તમામ ગઝલ

પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ,
પછી લખાય તો એનું છે એક નામ ગઝલ!

કરું છે એમાં મહોબ્બત કશીય બીક વિના,
કરે છે કેવું કાળજી ભરેલું કામ ગઝલ!

ડૂબે છે એમાં કોઈ, કોઈ માત્ર સ્પર્શે છે,
કદી શરાબ ગઝલ છે, કદી છે જામ ગઝલ!

સમયનો સાથ નથી મળતો એ છે લાચારી,
નહીં તો લખતો રહું હુંય સુબ્હ શામ ગઝલ.

હજાર મંથનો, દિલના ઉજાગરા અગણિત,
વસૂલ આમ કરી લે છે ખુદના દામ ગઝલ!

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત ’મરીઝ’,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ!
(નકશા, નવી આવૃત્તિ, ૨૦૦૨, પૃ. ૧૧)