કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/‘હા’ હોવી જોઈએ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯. ‘હા’ હોવી જોઈએ

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું તે સજા હોવી જોઈએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
ન્હોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઈએ.

બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ,
બસ, તારા હાથથી જ સિફા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.
(આગમન, પૃ. ૪૭)