કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૬.ચાસમાં ઓરાતો હોઉં એવું


૩૬.ચાસમાં ઓરાતો હોઉં એવું

રાવજી પટેલ

ચાસમાં ઓરાતો હોઉં એવું
થાય :
કેટલીય કીકીઓ ગડગડી
ઝરી ગઈ ! ધીરે ધીરે શ્વાસ
ક્યાંક છોડવાની જેમ ઊગે !
તોય પગ મૂકવાની ઓસરી
જ્યાં નથી એક
સૂંઘવાની નથી એકે આંખ
બચબચ હાલરડાં પીવાની
જ્યાં નથી કોઈ તક, તોય
ભૂરી ભૂરી છાતીની
અનંતશ્રી તો પોચી પોચી
ચોતરફ લાગે.
ગ્રહ પર ઘૂંટણિયે ગબડીને
જાઉં – મનને વિચાર અડે એવું.
(અંગત, પૃ. ૬૩)