કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અવાજ ક્યાં છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧. અવાજ ક્યાં છે?

પોતાની હયાતીને ઓળખવા માટે
પડઘાઓથી રમનારા મારા મિત્રો
તમારો અવાજ ક્યાં છે?

અવાજનો ઉદય તો સૂર્યની જેમ થતો હોય છે.
અવાજ આકાશમાં ઊગે છે અને પૃથ્વી પર પ્રસરે છે.
બર્થડે પાર્ટીના રંગીન ફુગ્ગાઓ, એ અવાજ નથી.
શબને સ્મશાને લઈ જતા ડાઘુઓની રામધૂન, એ અવાજ નથી.

અવાજ ખુલ્લી છાતીનો દરિયો છે.
પડઘાઓના રણમાં
અવાજનું મૃગજળ ક્યારનું ચળક્યા કરે છે.
ને તમે રૂના હરણની જેમ ભટક્યા કરો છો.
તમને તરસનું તીર પણ વીંધી શકે એમ નથી.
તમારી હયાતીને તમારે ઓળખવી હોય તો,
— ચૂપ રહો, મારા મિત્રો!

૨૯-૩-૧૯૭૨(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨૫૨)