કિંચિત્/કળા પાસે ભાવકની અપેક્ષા
સુરેશ જોષી
કળાકૃતિની પાસે આપણે કઈ અપેક્ષાઓ લઈને જઈએ છીએ તે પ્રશ્ન રસાસ્વાદની પ્રક્રિયાની વિચારણામાં મહત્ત્વનો છે. કોઈ વાર્તા વાંચ્યા પછી ઘણી વાર વાચક આવો ઉદ્ગાર કાઢતો હોય છે: ‘જોયું ને, હું નો’તો કહેતો, જે આવું વર્તન કરે તેને મોડોવહેલો ભગવાન શિક્ષા કર્યા વગર છોડે નહીં.’ ઇઝાક બાબેલની ‘ઇસુનું પાપ’ નામની વાર્તા વાંચીને એક મિત્રે કહ્યું: ‘આમાં તે શી મોટી વાત કહી નાંખી છે કે તમે અનુવાદ કરવાના થયા? સ્ત્રીને બહુ દુ:ખ હોય છે, પુરુષો લંપટ હોય છે ને દારૂબંધી થવી જોઈએ કારણ કે આ બધાંનાં મૂળમાં દારૂ રહ્યો છે – આટલું જ લેખકને કહેવું છે ને?’ મને લાગે છે કે આ પ્રકારના ભાવકો પોતે પરમ્પરા પાસેથી ઉછીની લઈને પંપાળેલી કોઈ નૈતિક માન્યતા સાથે લેખકે (એમને મતે) પ્રકટ કરેલી નૈતિક માન્યતાનો તાળો મળે છે કે નહીં એટલું જ જોતા હોય છે. એની પાછળ રહેલા સન્તોષનું સ્વરૂપ કંઈક આવું છે: ‘મારી નૈતિક માન્યતાને લેખક પણ કબૂલ રાખે છે માટે મારી માન્યતામાં વજૂદ છે, હું સાચો છું.’
મને લાગે છે કે કળાકૃતિના સાચા આસ્વાદમાં આવી મનોવૃત્તિ વાસ્તવમાં વિઘ્ન રૂપ બની રહે. હમણાં જ હેમિંગ્વેના ‘The Snows of Kilimanjaro’ વિષે ચર્ચા નીકળી. એક સાહિત્યરસિક તથા સર્જક મિત્રે કહ્યું: ‘આ વાર્તામાં હેમિંગ્વેએ એક મહત્ત્વનું સત્ય આલેખ્યું છે. સર્જનની પ્રારમ્ભ દશામાં મળેલી કીતિર્થી લુબ્ધ બની જો સર્જક સાચા સર્જનને માટેની અવિરત સાધનાને છોડી દે, પ્રમાદને વશ થાય, અન્ય પ્રલોભનોને વશ થાય તો એનો શતમુખ વિનિપાત થાય.’ એમને કૃતિ ગમી તે આ મહત્ત્વનું સત્ય એ દ્વારા રજૂ થયું છે તે કારણે. અહીં પણ ખરું જોતાં નૈતિક માન્યતાનો તાળો મેળવવાની જ વૃત્તિ કામ કરી રહેલી દેખાશે.
હેમિંગ્વેની એ કૃતિનો આસ્વાદ લેવો હોય, હેમિંગ્વેને ન્યાય કરવો હોય તો કદાચ એ કૃતિને બીજી રીતે જોવી જોઈએ. વાર્તા દ્વારા જે સત્ય માહિતીને રૂપે રજૂ થાય છે તેમાં ભાગ્યે જ કશી અસાધારણતા હોય છે. એવાં સર્વસામાન્ય સત્યો માનવજાતિ દીર્ઘ કાળના અનુભવના પરિપાક રૂપે સંચિત કરતી આવી જ છે. નંગ મહત્ત્વની વસ્તુ નથી, પણ એને સોનામાં જડવામાં જે કારીગરી વાપરવામાં આવે છે તે મહત્ત્વની વસ્તુ છે. આ વાર્તામાં આફ્રિકાના જંગલમાં ગેન્ગ્રીનથી મૃત્યુવશ થવા આવેલો લેખક પોતાના જીવન પર દૃષ્ટિપાત કરે છે. આ આપણી આખી સંસ્કૃતિ વિશે લેખકને કશુંક કહેવું છે. એક વ્યક્તિ સુધી જ એ વક્તવ્ય પર્યાપ્ત રહેતું નથી, એના રચનાકૌશલને કારણે એની વ્યાપ્તિ એથી વિશેષ છે. ધ્રુવપદ જેવું કાનમાં રણકી ઊઠતું આ વાક્ય લો: ‘આ ગિરિશૃૃંગની આટલી ઊંચાઈએ દીપડો શાની શોધમાં હતો?’ એ દીપડો પાછળ અવશેષમાં માત્ર એનું હાડપિંજર મૂકી ગયો છે. ને તરત પ્રકાશ પડે છે: માનવજાતિ તેની મહત્ત્વાકાંક્ષાની હરણફાળ પાછળ કદાચ અસ્થિપિંજર જ મૂકી જશે કે શું! ત્યાંથી આગળ ચાલો. એને જે જે પ્રસંગો યાદ આવે છે તે જુઓ. એ પ્રસંગો આપણી સંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિ રૂપ નથી લાગતા? જેને આધારે માનવને જીવનનું સંવર્ધન કરવાનું ફાવતું તે જ પ્રેમ, કીતિર્ વગેરે માનવના જીવનને આજે ઊધઈની જેમ કોરી ખાય છે. એમ શા માટે બનતું હશે? ને સર્જકને થયેલો ગેન્ગ્રીનનો રોગ જુઓ. એ આગળ વધતો જાય છે. શરીરમાંથી પોષણ પામીને શરીરને મારતો જાય છે. ભૂતકાળની કીતિર્ના પર જીવવાની લેખકની વૃત્તિ આ ગેન્ગ્રીન જેવી જ છે. એનું સુન્દર સૂચન લેખકે કર્યું છે. એ ગેન્ગ્રીન સાથે બીજી બે telescopic images પણ લેખકે યોજી છે: ગીધ અને તરસની. આ બન્ને બીજાએ કરેલા શિકારના અવશેષને કે અજીઠાને ખાનારાં છે. લેખક પણ પોતે જ પ્રાપ્ત કરેલી ભૂતકાળની કીતિર્ ભક્ષીને જીવી રહ્યો છે. આ પણ અત્યન્ત સમર્થ રીતે સૂચવાયું છે. આ રીતે જોતાં આ વાર્તામાં લેખકે પ્રયોજેલી વિશિષ્ટ આયોજનપદ્ધતિને કારણે ટૂંકી વાર્તાના લઘુ સ્વરૂપમાં epic tenor – મહાકાવ્યના વિશાળ વિસ્તારનો અણસાર લેખક આપણને બતાવી શકે છે, ને એમાં જ એની સાર્થકતા છે.
આ વાર્તાની ચર્ચા કરતાં બીજી પણ એક વસ્તુ ભૂલવાની નથી. હેમિંગ્વેના પર સ્પેનની ઘણી અસર છે. સ્પેનના ચિત્રકાર ગોયાની પ્રખ્યાત કળાકૃતિ ‘Nada’ – nothingnessથી એ ખૂબ પ્રભાવિત થયો છે. આજની સૃષ્ટિમાં માનવી ચારે બાજુથી ઊછળતા શૂન્યતાના જુવાળ વચ્ચે ઘેરાયો છે. એમાંથી ઘડી બે ઘડી ટકી રહેવા પૂરતો એક રણદ્વીપ એ ઉપજાવે છે, ને આખરે એ પણ ભ્રાન્તિ જ હતી તેનું એને ભાન થાય છે. અહીં કિલિમાંજારોનું હિમાચ્છાદિત શિખર તે આ Nada – શૂન્યતાની વચ્ચેના આશ્રયસ્થાન રૂપ દ્વીપ જેવું છે, પણ યન્ત્રમાં ગરબડ થવાને કારણે વિમાન એ શિખર પર ઊતરી શકતું નથી, ને એ રીતે એ ભ્રાન્તિનો અન્ત આવે છે. હેમિંગ્વેની અન્ય કૃતિઓમાં પણ આ શચગચના પ્રભાવને બતાવી શકાશે. માનવ મરણિયો બનીને બચવા નવી નવી ભ્રાન્તિઓનું સર્જન કરતો જાય છે તે એણે ઘણી કૃતિઓમાં બતાવ્યું છે.
આ Nadaની જેમ ‘Men without Women’ એ પણ હેમિંગ્વેની એક પ્રિય માન્યતા છે. પુરુષ પુરુષ વચ્ચેના હાદિર્ક સખ્યમાં સ્ત્રી અન્તરાય રૂપ નીવડે છે. પુરુષના પૌરુષને એ ધાર વગરનું બૂઠું કરી નાંખે છે. આ વાર્તામાં પણ એની આ ભાવના સ્પષ્ટ વરતાઈ આવે છે.
‘A Cat in the Rain’ કે ‘Canary for One’ જેવી બીજી વાર્તાઓમાં પણ હેમિંગ્વેની આયોજનપદ્ધતિનો આવો પરિચય સહૃદયને થશે. ‘Canary for One’ની વાર્તા જ લઈએ: એક બહેરી ડોશી પાંજરામાં કેનેરી પંખી લઈને મુસાફરી કરે છે. એની સાથે, છૂટાછેટાનો આખરી વિધિ પૂરો કરવા જઈ રહેલું, એક યુગલ પણ મુસાફરી કરતું હોય છે. ડોશી જરા વાતોડિયણ છે (બહેરાઓ ઘણું કરીને હોય છે તેમ!). કેનેરી કેમ અને ક્યાં લઈ જાય છે તેનો ઇતિહાસ સવિસ્તર આપતાં એ કહે છે કે એની દીકરી કોઈ સ્વિસ એન્જિનિયરને પરણવા ઇચ્છતી હતી, પણ પરદેશીઓ સાથેના લગ્ન એને મંજૂર નથી માટે દીકરીને એણે પરણવા દીધી નથી. આથી દીકરી દુ:ખી છે ને સુકાતી જાય છે. આ કેનેરી તરછોડાયેલું એકલું ક્યાંક બેસી રહ્યું હતું. તેને એ દીકરીના મનોવિનોદ માટે લઈ જાય છે. ને પછી વાતવાતમાં ડોશી કહે છે: ‘અમેરિકનો જ પતિ તરીકે તો આદર્શ કહેવાય.’ હવે, છૂટાછેડા લેવા જતાં યુગલમાં પતિ અમેરિકન જ છે. ડોશીની આ કેવી મોટી ભ્રાન્તિ છે! પણ ડોશી બહેરી છે, એના સુધી આ સત્ય – એની સાવ નિકટ, એની માન્યતાના નક્કર પ્રતિવાદ રૂપે રહેલું, સત્ય એ ડોશી સુધી પહોંચી શકે એમ નથી, કારણ કે એ બહેરી છે. આ રીતે આપણે દરેક સંરક્ષાત્મક બધિરતા જાણેઅજાણ્યે કેળવતા હોઈએ છીએ, તેનું લેખક અહીં સૂચન કરે છે. પેલું કેનેરી પંખી પણ પ્રતીક જ બની રહે છે. એને જે પ્રાપ્ત થયું નથી તેની અવેજીમાં એ આશ્વાસન રૂપે ગળે બાઝે છે. ને તે કેનેરીય કેવું? – તરછોડાયેલું!
એટલે પ્રશ્ન એ છે કે જો આ પ્રકારની પ્રતીકયોજના ન કરી હોત, ડોશીની પડખે અમેરિકન યુગલને મૂક્યું ન હોત, કેનેરીને ન આણ્યું હોત તો વાર્તામાં જે અભિવ્યક્તિની વેધકતા આવી છે તે આવી શકી હોત ખરી? જે સત્ય કહેવાનું છે તેને તો સાદાસીધા એક વાક્યમાં આપણે નીતિવચનને રૂપે મૂકી શકીએ. પણ એને કહેવાને માટેનું જે સંવિધાન તેને જ ઊંચી કોટિની સર્જનશીલતાની અપેક્ષા રહે છે, નહીં તો આપણા કાવ્યગ્રન્થો સ્મૃતિગ્રન્થો જ બની રહે!
આથી સાહિત્યમાં આપણને જે રસ પડે છે તેનું મૂળ આપણી આ સર્જનશીલતાની લીલામાં રહેલું છે. આ મહત્ત્વની વસ્તુ આપણા વિવેચને ઉવેખી લાગે છે. ઉશનસ્ના ‘પ્રસૂન’નો પરિચય કરાવતાં આપણા એક પ્રાધ્યાપક વિવેચકે (!) એમને સર્વોદયના કવિ કહ્યા. મને એમાં અચરજ પામવા જેવું ન લાગ્યું. કાવ્યની પાછળ લીલા કરી ગયેલી માનવચિત્તની સર્જનશીલતાને જોવાને બદલે કવિ નીતિસૂત્રોનું હાટિયાણું માંડીને બેઠો છે એમ માનીને એની પાસેથી સુપથ્ય નીતિનાં પડીકાં બંધાવી લેવાની આપણી વૃત્તિ એક દિવસ રસાસ્વાદની નૈસગિર્ક વૃત્તિને સાવ કુણ્ઠિત કરી નાખશે એવો ભય રહે છે. આપણી નૈતિક આલમ્બનને માટેની આવશ્યકતા અને આપણી નૈસગિર્ક રસાનુભવને માટેની ઝંખના – આ બેને જો ભિન્ન ગણીએ તો કળાકૃતિના નિર્માણનું કે એના ગૌરવનું પ્રયોજન જ રહેશે નહીં.
આથી આપણો કવિય બિચારો પ્રચલિત સૂત્રોના ‘લેબલ’ લગાડીને પડીકાં બાંધવા બેસી ગયો છે. ફાગણનાં ગીત રેડિયો પર ગાવા જોઈએ છે? લો, લેતા જાવ, અમારો ભાવ સસ્તો છે, બધાને પરવડે એવો છે. ભૂમિદાનનું ગીત જોઈએ છે? જરૂર આપીશ. વિનોબાજીની હાકલ પડી છે ને હું મૌન સેવું? લો, આ તમને ઘણું ઉપયોગી નીવડશે. આવું ગીત તમને બીજે ક્યાંય નહીં મળે હોં! શું કહ્યું? ઋતુવર્ણન? – અરે, એય અમે કરી જાણીએ છીએ. કહેતા હો તો વાલ્મીકિ કે કાલિદાસની શૈલીમાં કરી આપીએ. એક વાર અમારો માલ જુઓ, પસંદ નહીં પડે તો કહેજો. માનવજાતિનું દુ:ખ? અરે ભાઈ, અમે તે કવિ છિયે કે હજામ? અમને એનું દુ:ખ ન થાય તો કોને થાય? – એ દુ:ખની કવિતાનો પણ અમારી પાસે સારો જથ્થો છે.
આમ આપણો કવિ બિચારો પરાણે સર્વોદયવાદી – બધાની પિપૂડી વગાડનારો થઈ ગયો છે! વિવેચન જો જાગ્રત હોય તો આમ ન બને.