ગંધમંજૂષા/બોધિજ્ઞાન
બોધિજ્ઞાન
હે સારિપુત્ત !
હે મહામોગ્ગ્લાન !
હે વચ્છનંદ !
હે આનંદ !
હે ભદંતો !
હે ભિખ્ખુઓ !
હે શ્રાવકો !
હે શ્રમણો !
જગત આખુંય કાર્યકારણની શૃંખલાથી
કર્મ ધર્મ મર્મના અંકોડા મંકોડાથી જડબદ્ધ છે
છતાં
કોઈ આંખ અકારણ આંસુઓથી લભગ ભરાઈ આવે છે
તો તેને સત્ય માનો.
અકારણ જ કોઈ કોઈ પર ઓળઘોળ થઈ જાય તો
તેને મિથ્યા ન માનો.
શોધવા ન બેસો કોઈ અર્થ કોઈના સહજ હાસ્યનો.
અને હવે,
આ વયે મને શું ખબર નથી કે
અર્થ નથી હોતો આ ઉપદેશનો
ને અંત નથી હોતો આ મીમાંસાનો ?
ભિખ્ખુણીઓના સંઘમાં ભૂલી પડેલી
મુંડિત શિરવાળી આ મારી વલ્લભા
યશોધરાનું આ વિરૂપ રૂપ એ સત્ય નથી.
સત્ય છે તેના ધૂપધોયા કેશનો
મારા ચહેરા પર ઢોળાતો સુગંધિત શ્યામ પ્રપાત !
સત્ય છે તેનાં બાહુ પિંડીઓનું ગરમ નરમ માંસ.
સત્ય છે તેના શ્વાસની ઉષ્ણઘ્રાણ.
રાતોની રાતો જેમાં રહ્યો છું રમમાણ.
સત્ય છે દૃષ્ટિને ઇજન આપતી
ત્રિવલ્લીની વલ્લરી.
સત્ય છે
અંધકારમાં મારા સ્પર્શથી આકાર લેતા
નમણાં નાકની ચિબુકથી શરૂ થઈ
પગનાં ટેરવે પૂરા થતા પ૨મ ઢોળાવો.
બનાવી છે આ કાયાને રૂક્ષ
હતું જે મારું કલ્પવૃક્ષ,
નિમિષ માત્રમાં ચમકી ગયું વિદ્યુલ્લતાસમ
ને ઉજાળી ગયું તમસઘેર્યા ભૂમિખંડો.
અજવાળી નાખ્યો અવકાશ
એક મરણ પછી બીજા મરણના ચીખતા
સિંચતા આ ચક્રમાં
આ જન્મે ફસાયો ન હતો
કફ વાત પિત્તના ત્રિદોષથી ભરી ભરી,
જરા વ્યાધિ ઉપાધિથી જકડાયેલી
આ કંકાવતિ કાયામાં કશુંક જોયું છે
ચિત્તને ઝક્ઝોરતું
દેહમાં કશુંક જોયું છે વિદેહી
ભલે હોય ભંગુર
પણ તોય બંધુર મધુર છે આ જીવન.
નિર્વાણનાં વહાણો ભલે લંગર ઊઠાવી જાય
અદૃશ્ય ભૂમિની શોધમાં.
જવું હોય તેને ચડી જવા દો વહાણે.
ભલે વહેતું વહાણ.
ભલે વાતાં વહાણાં.
પડી રહેવા દો મને
તજ તમાલ દ્રુમથી
વન્યા કન્યાથી ભરી ભરી આ તટભૂમિ પર.
ભલે મારી છાતી પર ઊગી જતું ઘાસ,
જેમાં હો કીટકુંજરનો વાસ.
ઇન્દ્રિયોના રાજવી પાસે
નજરાણું લઈને ઊભું છે આ જગત.
ઊભું છે માઘનો કોકિલ બનીને
વસંતનો સમીરણ બનીને
હેમંતનું ધૂંધળું વ્રીડાનત પ્રભાત બનીને
વર્ષાનો મેઘ બનીને
ગ્રીષ્મના અલસ કામ્ય સાંધ્ય પ્રહરો થઈને.
પવનગંધ પી બહેકું,
માટીમાં માટી થઈ મહેકું.
ફરી આવીશ.
હા નિર્વાણ નહીં,
પણ ફરી આવીશ
આ નિલામ્બરા હરિતા ધરિત્રિ પર
કોઈ વા૨ વહેલી સવારનું ધુમ્મસ થઈ.
કોઈ વાર ચાષ થઈશ
વનમહિષ થઈશ.
શ્રુતકીર્તિ રાજાનો કુંવર થઈશ
મૃગ થઈશ,
મઘમઘતો મોગરો થઈશ.
હે યશોધરા,
પીન પયોધરા
ફરી લઈ ચાલ મને આ સંસાર સાર મધ્યે.
પ્રિયે, ભિક્ષા નહીં
ગાર્હસ્થ્યની દીક્ષા આપ.
ફરી જીવિત કર મને
તારા ચિરંજીવ ચુંબનથી
આપાદ સ્પર્શી લોપી દે લોપી દે મને
પ્રિયે !
ફરી વિદ્ધ કર મને તારા ઉત્ફુલ્લ આસ્ફાલન થકી.
તટસ્થ હું,
તાણી જા મને તું ગાંડીતૂર નદી બનીને
મૃત્યુના કળણ તળમાં ઝૂકતા
કાયાના આ સ્તૂપને આધાર આપ.
હે વત્સ આનંદ,
સિધાવ તું તારા સ્વગૃહે.
ગૃહે ભલે ન લક્ષ્મી,
ગૃહે ગુંજરિત ગૃહલક્ષ્મી.
જા ભદંત નંદ !
ગચ્છ ગચ્છ વચ્છ
તું હજી વચ્છ
તારે હોઠે ગઈ કાલનું દૂધ સુકાય.
સુંદરીનું ચુંબન સુકાય.
ને સુંદરીને લલાટે તેં આળખેલ વિશેષક સુકાય.
છોડો ભિખ્ખુઓ,
છોડો.
છોડો આ સંઘ !
છોડો આ ચૈત્યો !
આવો આ ચતુર્દિશ ચંદરવા નીચે,
છોડો આ વિહારોનાં જટાજૂટ અંધારાં !
ભલે ઊધઈ કોરતી તેને
આવો વિહરો આ પૃથ્વી પર !
જોડો તમારી જાતને
કોઈ અમથી એવી વાત સાથે !
નાશ પામશે
સ્થિર ઊભા આ સ્થંભો સ્તૂપો પ્રસાદો.
નાશ પામશે
આ મગધ શ્રાવસ્તી લિચ્છવી.
વિદિશા અને વારાણસી.
રહેશે પરિવર્તનશીલ
રહેશે અચલ આ ચલિત આકાશ -
ક્ષયિષ્ણુ એ જ વિષ્ણુ
ક્ષણજીવી એ જ ચિરંજીવી
આવો ફરી
આ લખલખતા તડકામાં,
જ્યાં ગીત ગાતું ગાંડું થયું છે ચંડોળ.
જુઓ ત્યાં હાથણીની પીઠ પર હળવી સૂંઢ
મૂકી ઊભો છે હાથી !
હમણાં જ નાહીને લીલા પત્રસંપુટોમાંથી
મરકત મોતી દેડવે છે આ કેળ !
જુઓ ત્યાં વરસાદના ડહોળા જળના
રતુંમડા ખાબોચિયામાં
કોઈ શિશુ તરતી મૂકે છે હોડી.
ત્યાં પણે ભીની લઘુક કાયા છટકોરી
ભીની પાંખ પસવારે છે ચકલી.
ગેંડીના શિંગડા પર હજીય ચોંટ્યો રહ્યો છે
તાજા વરસાદનો ભીનો કાદવ.
વસ્તુમાત્ર વ્યયધર્મી છે
વસ્તુમાત્ર ક્ષયધર્મી છે તે વાત સાચી
પણ આ સાચોસાચ
નાનું લાલ ચળકતું ભરેલું તસતસતું તંગ બોર
રમાડો તમારા ટેરવાં પર,
રોમ રોમ રોમહર્ષણ પામો.
સ્પર્શના રાજ્યાભિષેકનો.
દીક્ષિત કરો દેશાંતર ગયેલી દૃષ્ટિને
ગંધારૂઢ થઈ વિહરો આ પૃથ્વી પર.
પીવો આ હાથીઓની સૂંઢથી પીવાતો
નૈઋત્યનો પવન.
ઝરમર ઝીલો આ ઝાપટું,
હે સ્થવિરો !
ધમ્મ બમ્મ અગડંમ
આ સંઘબંઘને છોડો,
છોડો કૌપીન કષાય,
છોડો ચિવ૨ ચીંથરા,
હે ધીવર ધરો ચિનાંશુક દેહે.
સુખદ છે આ અસ્તિની હસ્તિ.
હે આર્ય તે જ મારું આર્યસત્ય
માર માર કરતો આવે છે માર
માર તું મને માર.
છિન્ન આ સૂત્રને તું ગૂંથ તારા ગોંફમાં.
એક એક ઇન્દ્રિય ઊંડું ઊંડું મીઠું મીઠું
વેધે છે મને.
જાતિસ્મર હું
ભૂલવા મથ્યો મારી જાતને.
ફરી કોઈ જાતક બની કહીશ જાત જાતની કથા.
પરલોક નહીં
ઈહલોકના આ લોકમાં
દેખાય છે બધું પરમલોક.
રાહુલ બનીને ઊભું છે આ જગત.
ને જગત બની ઊભો છે આ રાહુલ.
બુદ્ધ હું બુદ્ધ
આજે થયો પ્રબુદ્ધ.
જેતવનમાં નહીં
પણ
વને વને વૃક્ષ વૃક્ષે પર્ણો પર્ણો હવે લાધે બોધિ.