ગાતાં ઝરણાં/પ્રસંગ નાચે છે


પ્રસંગ નાચે છે


કરી મૂકે છે જમાનાને દંગ, નાચે છે,
જીવનના મંચ ઉપર જે પ્રસંગ નાચે છે.

અહીં અમારી નજરને એ સર્પ ડંખે છે,
૫ણે કોઈના ખભા પર ભુજંગ નાચે છે.

પ્રસંગ શોકનો ઉત્સવ બની ગયો જાણે!
ડુબાડી નાવને, સાગર-તરંગ નાચે છે.

હશે એ રૂ૫ અને પ્રેમની કયી મંઝિલ !
કે દીપ ધ્રૂજી ઊઠયો છે, ૫તંગ નાચે છે.

શરીર એનું પડી જાય છે કદી જૂઠું,
કદી ચમનનાં બધાં અંગે અંગ નાચે છે.

હસી પડે કોઈ પાગલ તો જાણજો નિશ્ચય,
ખુશીનો વેશ લઈ ક્રૂર વ્યંગ નાચે છે.

જીવે તો જીવ ‘ગની’ જીવવાનાં સાધનવિણ,
અહીં તો ગાય છે મૂગા, અપંગ નાચે છે!

૧૨-૬-૧૯૫૩