ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સાહિત્યસામયિકની ધરી : સંપાદકલેખકવાચક-સંબંધ
ડાંડિયાથી લોકોનું કલ્યાણ થતું હોય કે નહીં તેનો લોકે વિચાર કરવો. ડાંડિયો પહેલેથી તે આજ સુધી વખણાતો આવ્યો છે, તેને સારુ અમે મગરૂબ નથી પણ એક વાત જે હમણાં સપનામાં ન્હોતી, તેથી અમે મગરૂબ છૈયે. તે આ છે કે, ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે. – નર્મદ
સાહિત્યનું સામયિક એના સભાન, જાગરૂક સંપાદકને ક્યારેક આવો – નર્મદને થયો એવો – સુખદ અણધાર્યો અનુભવ પણ કરાવે. કેમકે કોઈપણ સામયિક એક જીવંત, સદા સક્રિય એવું પર્ફોર્મન્સ છે – હોવું જોઈએ. જેમ કયો સંવાદ, કયો પરિસ્થિતિ-વિશેષ એકાએક જ ઊંચકાઈ જઈને પ્રેક્ષક-સમુદાયને ઉત્તેજિત કરશે એ, ક્યારેક એના દિગ્દર્શકને પણ, નાટક ભજવાય ત્યારે સમજાય; એવું સાહિત્યના સામયિકનું પણ છે. પુસ્તકનો મુદ્રિત શબ્દ ક્યારેક ઠાવકો – કોલ્ડ પ્રિન્ટ રૂપ – હોઈ શકે, સામયિકનો શબ્દ છપાયેલો છતાં તરત આંદોલિત કરનારો સંચરણશીલ હોય છે. લેખક, જૂનો હોય કે નવો હોય, એની કૃતિ પહેલી વાર સામયિકમાં જ મંચ પર આવે છે. વળી સામયિકમાં કોઈ એક લેખક નથી, લેખકવૃંદ છે; ત્યાં કોઈ એક રૂપ-સ્વરૂપનો કૃતિસમુદાય નથી, વિવિધરૂપા કૃતિવૃંદ છે ને એ બધું દિક્-દર્શક સંપાદકના રચનાવિશેષથી આયોજિત હોય છે. એટલે સામયિકમાં શિલ્પકૃતિઓ લેખકોની હોય છે પણ સ્થાપત્યરચના સંપાદકની હોય છે. આખું સામયિક, એનો અંક, એ સંપાદકનો કૃતિવિશેષ છે. એમાં વિચારશીલ યોજકશક્તિની સાથે જ ઉડ્ડયનશીલ કલ્પનાશક્તિ હોય છે. સુધારાને પ્રેરક-ઉત્તેજક બનાવવા આરંભાયેલું ડાંડિયો ગદ્યગ્રંથોની વાચનપ્રેરકતા સુધી વિસ્તરે છે ને એમ – સુધારકયુગીન સાહિત્યનાં – ‘સુધારો’ અને ‘સાહિત્ય’ એવાં બંને વાનાં સિદ્ધ કરે છે, ‘મગરૂબ’ રહીને કરે છે. સામયિકના સંપાદકના બે ગોઠિયા – એનો એક હાથ લેખકના ખભે છે ને બીજો વાચકના ખભે. પણ આ બંને હાથ, પોતાના પગનો ભાર બીજાને ખભે નાખનારા આશ્રિત હાથ નથી. એ તોફાની સ્નેહ કરનારા મિત્રના હાથ છે. એ ખભો દબાવે : ‘લખ, મારા ભાઈ, લખી આપ.’ ક્યારેક પીઠ પસવારે, ક્યારેક ધબ્બો મારે, અછો અછો વાનાં કરે, પણ શરત ધરેલી રાખે : ‘જો, મારી હથેળી ફેલાયેલી છે તારી રચના માટે, પણ જેટલું નક્કર નહીં હોય એટલું આંગળીઓ વચ્ચેની જગામાંથી ખરી જશે. મારે તારું નામ બગાડવું નથી, ઊંચકવું છે; પણ મારું યે એક નામ છે. નેપથ્યે છું પણ નગણ્ય નથી.’ વાચકના ખભે રાખેલો હાથ વધુ હૂંફાળો ને વધુ સાવધ પણ છે; કેમ કે એ ખભા વધુ સંવેદનશીલ ને વધુ નટખટ છે. વાચકના એ બેય ખભા એકસરખા નથી, ઊંચા-નીચા છે, જરાક ટેઢા! આ બધો માયાનો ખેલ વાચક માટે તો છે. હા, વાચકરાજ્જા. પણ રાજાસમુદાયમાં ક્યાંક વાજાં પણ હોવાનાં અને ક્યાંક.... એટલે વાચકની માયાની ઝપટમાં આવ્યા વિના જ સંપાદકે એને આ સાહિત્ય-કલાની માયામાં ખેંચવાનો; પ્રેમના તંતમાં સંત ઝાલે, એમ. પેટલીકરે કહેલું, પ્રકાશનલોભી નવા લેખકને, કે ‘હું વાચકો માટે સામયિક ચલાવું છું,૧ એ ય સાચું ને આનંદશંકરે કહેલું કે, ‘દેશની વર્તમાન સ્થિતિમાં લોક જેને ‘રસિક’ લખાણ કહે છે એવાં લખાણોમાં મગજ અને હૃદયનું તેજ ક્ષીણ કરવું એ અમને દેશદ્રોહ સમાન લાગે છે’ ને એટલે ‘આ પત્રને લોકપ્રિય કરવાનો અને વધારે ગ્રાહકો આકર્ષવાનો’ અમારો ‘ઉદ્દેશ’ નથી.૨ એ ય સાચું જ છે. વાચકોના દૃશ્ય-અદૃશ્ય ખભા સંપાદકે સ્પર્શથી વરતી લેવાના હોય છે; ગ્રાહક એની જરૂરિયાત છે પણ વાચક તો એેની અનિવાર્યતા છે – નર્યો ગ્રાહક શોધવા એણે બીજો ધંધો શોધી લેવો જોઈએ. તો, મિત્રો, આટલીક ભૂમિકા પછી મારી વાત બે વિભાગોમાં વહેંચીને, સ-ઉદાહરણ કહેવી છે : સંપાદક-લેખક સંબંધ અને સંપાદક-વાચક સંબંધ.
સંપાદક-લેખક-સંબંધ જેને આપણે સાહિત્યિક પત્રકારત્વ કહીએ છીએ એમાં પત્રકારત્વના શુદ્ધિકૃત અને ખુલ્લાશવાળા ગુણવિશેષોનું ગ્રહણ અને ગ્રથન હોય છે. પહેલી જ વાત છે ‘અદ્ય’તાની. આ ક્ષણે, આજકાલ, શું ચાલે છે, ચારે બાજુ? (અને એમાં એ પણ ઊપસે, કે એ કેવી રીતે ચાલવું જોઈએ. પત્રકારી પરિભાષામાં કહીએ તો સમાચારની સાથેસાથે જ મત, દૃષ્ટિકોણ અને સમીક્ષા – ન્યૂઝની સાથે સાથે જ વ્યૂઝ અને રિવ્યૂઝ.) સાહિત્યિક પત્રકાર અદ્યને સુપેરે રજૂ કરતાંકરતાં જ નિયંત્રિત કરે, ઘાટ આપે, કેમ કે ભવિષ્યમાં આ અદ્યમાંથી આદ્ય કંડારાવાનું છે એ અંગે એ સભાન-સજાગ છે. બીજી વાત છે વ્યાપની. પત્રકાર આ માટે સર્વસુગમતા (સર્વને સુગમ)ની અને સદ્યપ્રભાવકતાની ભાષા-શક્તિને ખપમાં લે છે. હા, સાહિત્યિક પત્રકારત્વે આમાંથી જરૂર શીખવાનું છે. ભાષા અકારણ વ્યવધાન બનીને ઊભી ન રહે એ જોવાનું છે. સુરુચિની પણ એકલક્ષી બદ્ધતામાંથી છૂટી સુરુચિઓની વિવિધતાના સ્વીકાર સુધીની મોકળાશ રાખવાની છે પરંતુ અદ્યતા-વ્યાપકતા-સુગમતાનાં ભયસ્થાનો બલકે કળણસ્થાનો પણ સમજી લેવાનાં છે, ને એમાંથી સંપાદકને સતત બચાવનારું રક્ષાકવચ છે વિવેક. અને આ વિવેક એ કોઈ સુલભ પેકેજ કે સૉફ્ટવૅર નથી. એ જરાય સૉફ્ટ નથી, બીજાઓ વિશે તેમજ પોતાને વિશેય, એ હંમેશાં કઠિન મથામણ છે. શોધ; નવી શોધ, નવેસર શોધ, ને સતત શોધ. થાક્યા તો, ત્યારથી, ગયા! જરીક મજાક કરીએ તો : છાપું કેમ પહોળું હોય છે ને કેમ એનાં પાનાં છુટ્ટાં હોય છે? તો કે, એક સાથે બે જણ, પાનાનો ડાબો ભાગ ને જમણો ભાગ વાંચી શકે; એકસાથે બે ચાર જણ છૂટાંં પાનાં વાંચી શકે. લાઈબ્રેરીના સ્ટેન્ડ પર સાંજ સુધી ફરફરે પણ વધુ ઉપયોગ મધ્યાહ્ન પહેલાં થઈ જાય. લાઈબ્રેરીમાં જરાક અંદર, સામયિકોનો ઘોડો છે. મધ્યાહ્ન પછી પણ, એની બાજુના ટેબલ પર, અડિંગા લગાવનાર હોય છે. છેક બીજા મહિનાની શરૂઆતમાં પૂછે – પણ ત્યારે તરત પૂછે : નવો અંક આવ્યો નથી? હજુ જરાક અંદરના ઓરડામાંથી આછા અજવાસવાળી, ઊંચા ઘોડાઓની વિથિઓ વચ્ચેથી વળી લાઈબ્રેરિયનને સ્હેજેક અકળાયેલો અવાજ સંભળાય છે : અરે ભાઈ, સાસુ વહુની લડાઈ કેમ જડતી નથી? આ જ મજા છે સાહિત્યિક પત્રકારત્વની એટલે કે સામયિક પત્રની. એ કેવળ વર્તમાનપત્ર(-વર્તમાનપરિસીમિત પત્ર) નથી, કે નથી પાકા પૂંઠાની આવૃત્તિક્ષમ ચોપડી. એનું લક્ષણ આવૃત્તિ નહીં પણ ગતિ. અને સમય ગયે, એને છાપાં સાથે જ પસ્તીમાં નાખનારનો હાથ પણ અટકી જવાનો; કેટલાંક સામયિકો તો રાખ્યાં જ છે, આ પણ રાખી લઉં? અરે એમાંનાં આ થોડાંક પાનાં તો મારી ફાઈલમાં સાચવી લઉં. પત્રકારત્વ ઉદ્યોગ છે. સમાચારનું અને નીતિ (પૉલિસી)નું એમાં પ્રાધાન્ય છે. લખનાર કરતાં લખાણ આગળ છે. વળી એમાં પત્રકાર એ જ એક લેખક બલકે લેખણહાર છે. સામયિકમાં સંપાદક હોય છે અને લેખક હોય છે; સંપાદક પોતે એમાં થોડું કે વધુ લખનાર હોય ત્યારે પણ એ લેખક અને સંપાદક તરીકે જુદોજુદો છે. એ સંપાદક તરીકે જ નક્કી કરે છે કે – પોતે લખવું કે કેમ; અને એણે પોતે પણ લખવું તે કઈ રીતે અનિવાર્ય છે. લેખક તરીકેનો વલવલાટ સંતોષવા એ સંપાદક થયો હોતો નથી. છેક વીસમી સદીના આરંભકાળે શરૂ થયેલા ‘સાહિત્ય’ સામયિકમાં એકવાર એના તંત્રી મટુભાઈ કાંટાવાળાએ ત્યારની સામયિકસંખ્યા વિશે આકરી ભાષામાં લખેલું કે, ‘હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય એટલો બધો વધારો થતો જાય છે. કોઈને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું – અગર કોઈનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઈ ચૂક્યો નવા માસિકનો જન્મ.’૩ પોતાના ઉદયકાળે લેખકનો સંપાદક સાથેનો સંબંધ એક સંભારણારૂપ હોય છે. લખ્યું હોય, છેકછાક ટાળીને, બેત્રણ વાર, સુઘડ રીતે ફરી લખીને મોકલ્યું હોય માનનીય સંપાદકશ્રીને; સ્વપ્નભરી, ઉચાટભરી રાહ જોઈ હોય ને એક દિવસ એ ‘કૃતિ’ સાભાર પરત થઈ હોય. (પહેલાં આવી, આભારપૂર્વક પાછું મોકલવાની, સંપાદકીય કાળજી રખાતી. હવે તો, રાહ જુઓ અને માંડી વાળો અથવા છપાયેલું ભાળો.) બચુભાઈ રાવત જેવાએ તો ઝીણા મરોડવાળા અક્ષરે, કેમ ‘સાભાર પરત’ એની, બે વાત ગાંઠે બંધાવતી, મિતાક્ષરી પણ લખી હોય! પાછું વળ્યું હોય લખાણ એથી લેખકને જરા ધક્કો લાગે પણ વળી એ બળ આપે. વધુ કાળજી. બે ચાર વાર સાભાર પરત. ને પછી એક સુંદર સવારે કે સાંજે, કૃતિ પહેલી વાર છપાઈને સાક્ષાત્ થાય ત્યારે લખનારો ધન્ય, પરિપ્લાવિત! પહેલીવાર ‘લેખક’ તરીકે દીક્ષિત થયાનો તૃપ્તિભર્યો આનંદ. પહેલું પુસ્તક પ્રકાશિત થાય ત્યારે થતો આનંદ પણ આ, પહેલી કૃતિ છપાઈ એના આનંદની તોલે ન આવે. પણ, આ પહેલો સંબંધ કાચો પુરવાર ન થવો જોઈએ. એટલે સાચો સંપાદક લેખક તરફ આ પહેલો આનંદ ઝટ ગબડાવી દેતો નથી. સ્વીકૃતિ (રૅકગ્નિશન)ને સહેલી બનાવી દેતો નથી. તપ વિના, વાચન-અધ્યયન-ઓજારની સજ્જતા વિના ‘કલા’કૃતિ કે ‘અભ્યાસ’ લેખ સુધી પહોંચી શકાતું નથી એની પ્રતીતિ લેખકને થવી જોઈએ. સંપાદક લેખન-ઘેલા કે લેખન-શૂરાને અટકાવે ને તણખાવાળાને પણ ઘાટઘૂટ સુધી રાહ જોવડાવે; આભાને નહીં પણ સાચા ઉદયને પારખી લે એ સંપાદકની ખરી લેખક-મૈત્રી. દરેક જમાને લેખકો ઉભરાતા હોય છે. વીસમી સદીના આઠમા દાયકામાં ખ્યાત ‘Poetry’ સામયિકના સંપાદક ડોરિલ હાઈને લખેલું કે એના સામયિક પર ૫૦૦૦ કાવ્યો આવીને પડ્યાં છે! આપણે ત્યાં ‘પરબ’માં ૧૯૮૯ના એક અંકમાં તંત્રીનોંધ હતી, કે, કાવ્યો કે ગઝલો ઝૂંડમાં ન મોકલતાં એક બે જ મોકલો. ઘણાં સામયિકો, છેક આજ લગી, આવી જાહેરાત/વિનંતી કરતાં રહ્યાં છે – ઘણો ભરાવો થઈ ગયો છે, હમણાં કોઈને કૃતિ (ખાસ તો કાવ્યકૃતિ) ન મોકલવા વિનંતી. સંપાદક એ પહેલી, મહત્ત્વની ગળણી છે. એ મોટાં કાણાંવાળી થઈ જાય તો ઘણી કાચી કૃતિઓ પણ છપાતી રહે ને પછી ગૉળ-ખૉળનો ભેદ ઓછો થઈ જાય. પરિણામે ‘કાયમી અપક્વ’ લેખકો, કુંઠિત લેખકો વધવા લાગે. કુમારના તંત્રી બચુભાઈ રાવતે માત્ર કવિતા માટેનું એક નાના કદનું ને ૧૬પાનાનું ‘અનિયતકાલીન’ સામયિક શરૂ કરેલું ત્યારે કહેલું કે ૧૬ પાનાં ભરાય એટલી [નક્કર] કવિતા પણ મળતી નથી. આજે તો માત્ર કવિતાનાં જ ત્રણ-ચાર સામયિકો છે, એમને એ મુશ્કેલી જાણે નડતી જ નથી! ‘સાભાર પરત’ની પહેરેગીર રોનક ગઈ શું? અકારણ પ્રોત્સાહનના અભાવે કોઈ સાચો લેખક કદી ટુંપાઈ ગયો નથી, શક્તિ હશે એ તળ ફોડીને પ્રગટશે; પણ અધકચરાં લખાણોથી સામયિક નિર્માલ્ય બને ને પરિણામે ધોરણોની ઊંચાઈ ઘટતી જાય – સ્તંભોને બદલે ખીંટીઓનું પ્રમાણ વધે. ચાંપશી ઉદેશીએ બરાબર કહેલું કે ‘સામયિક’નાં પૃષ્ઠો એ કંઈ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી.’૪ એટલે, નબળા લખાણનો પ્રવેશ અટકવો જોઈએ, પરંતુ નવોદિતના નબળા લખાણનો પ્રવેશ અટકાવવાનું તો સરળ છે પણ પ્રતિષ્ઠિતના નબળા લખાણનું શું? ત્યાં લેખક-સંપાદકસંબંધ કસોટીએ ચડે છે. કૃતિનો જ મહિમા હોય, કર્તાનો નહીં – એવું વિવેચનવિચારમાં કે કૃતિ છપાઈ ગયા પછી કહેવું સહેલું છે પણ એનો મુદ્રણ-અસ્વીકાર કે ફેરલેખન-વિનંતી કરવાની આવે ત્યારે? કૃષ્ણલાલ શ્રીધરાણી સ્વીકૃત અને તેજસ્વી કવિ અને પરિપક્વ વિચારક તરીકે પરદેશ ગયા ત્યાર પછીનો એમનો અનુભવ નોંધવાસરખો છે : એમણે કહેલું કે, એક પણ છેકછાક વિના કવિતા લખવાનો ને એ તરત જ છપાયાનો મને ફાંકો હતો. પણ મારો એક લેખ અમેરિકી સામયિકમાં સ્વીકારાતાં ને છપાતાં વરસ નીકળી ગયું ત્યારે મને લેખન અને સંપાદન (એડિટિંગ) શું છે એનું ભાન થયું.૫ આપણે ત્યાં તો માત્ર એકવાર બંધાયેલી શાખ પર જ, કોઈ લેખકનું સરેરાશ કે નબળું લખાણ પણ પ્રગટ થયા કરે છે, કેમ કે એ ‘પ્રતિષ્ઠિત’ છે. પરંતુ આવું ધોરણ વિનાનું લખાણ પોતાના સામયિકમાં છાપવાનું હોય તો પછી ‘સંપાદકની પ્રતિષ્ઠાનું શું?’ એવો સ્વમાન અને જવાબદારીભર્યો પ્રશ્ન એકવાર જયંત કોઠારીએ ઊંચકેલો.૬ કદાચ આમ કરીને પ્રતિષ્ઠિત લેખકની પણ પ્રમાદમાં ઝોલો ખાઈ ગયેલી સાચી પ્રતિષ્ઠા સંપાદક સાચવી લેતો હોય છે, ભલે કેવળ લેખકના લાભમાં નહીં – સામયિકના અને સાહિત્યના લાભમાં તો એ જરૂર હોય છે જ. એટલે, વિવેચન (નવા) લેખકનું ઘડતર કરે? – એ મુદ્દો વિવાદાસ્પદ રહેવાનો પણ સંપાદક/સામયિક નવા લેખકની શક્તિને ઘાટ આપે ને પછી એને મંચ પૂરો પાડે એ સંભવને નકારી શકાય નહીં. સામયિક એક પ્રકાશનમાત્ર નથી, એ પ્રયોગશાળા પણ છે ને એ રીતે એ સાહિત્યિક વાતાવરણને અને લેખકના શક્તિવિશેષોને માર્ગ આપે, ક્યારેક ચકાસે, ક્યારેક પ્રેરે-ઉત્તેજે એ બનતું હોય છે. નવાં નવાં વિષયકેન્દ્રો ઊભાં કરીને, વિશેષ સ્તંભો રચીને એ લેખકોને નિમંત્રણ/આહ્વાન આપે છે. શક્તિવાળા, પણ ઓછું લખનારાને એ લખવા પ્રેરે છે. ૧૯૬૩માં, નવલરામ જન્મશતાબ્દી વર્ષે, ‘સંસ્કૃતિ’નો વિવેચન-વિશેષાંક કર્યો ત્યારે નિવેદનમાં ઉમાશંકર જોશીએ કહેલું કે, લેખકસમાજ પર ‘અણધાર્યો છાપો’ મારીને ઉત્તમ લખાણ કઢાવવાનું પણ સંપાદકનું કામ છે. સંપાદક-લેખક સંબંધ અહીં બહુ લાક્ષણિક બની આવે છે. કોઈ એક વિષય પરની લેખમાળાઓ વળી એક બીજો લાક્ષણિક પ્રયોગ છે. આવી લેખમાળાઓ જ્યારે ગ્રંથરૂપે પ્રકાશિત થાય છે ત્યારે લેખકના નિવેદનમાં એક આભારવચન મહદંશે વાંચવા મળે જ છે : સંપાદકે ન કરાવ્યું હોત તો આ કામ ન થયું હોત. સંપાદક પોતાનામાંના લેખકને પણ આ રીતે લખતો, લેખનપ્રવૃત્ત, કરે છે : રામનારાયણ પાઠક વાર્તાકાર દ્વિરેફ થયા એના મૂળમાં એમના ‘પ્રસ્થાન’માં વાર્તાઓની જરૂરિયાત પણ કારણરૂપ હતી. સંપાદકીય લેખોનાં પુસ્તકો થયાની આપણે ત્યાં મણિલાલ દ્વિવેદીના ‘સુદર્શન ગદ્યાવલી’થી શરૂ થતી મહત્ત્વની પરંપરા છે ને છેક ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, મંજુ ઝવેરી, રમણ સોની વગેરે સુધીનાંનાં સંપાદકીય લખાણોનાં પુસ્તકો વિચાર અને વિવેચનનાં મહત્ત્વનાં પુસ્તકો તરીકે નીવડી આવેલાં છે. બીજું પણ ઘણું કહી શકાય, પણ હવે બસ. ઈતિ સંપાદક-લેખક-સંબંધ-વૃત્તાંતઃ...
સંપાદક-વાચક-સંબંધ ટપાલીના હાથમાંથી ટપકે એ અવાજ અને પછી પાનાં ખોલ્યાની સુગંધ અને પછી અનુક્રમ પર ફરી વળતી આંખનું દર્શનસુખ – એ, સામયિક મળ્યાનો પહેલો ઇન્દ્રિયઅનુભવ જ તાજગીભરેલો છે. વાચક માટે સામયિક આમ તાજગીનો, સામ્પ્રતનો, નવાં વિસ્મય-જિજ્ઞાસાનો વિષય હોય છે. ગમતા લેખકનું પુસ્તક એક પ્રકારની સ્મરણસંહિતા છે પણ સામયિકમાં પ્રગટી આવેલી એની કૃતિ એ તો પહેલો પ્રેમ છે. આ આખા આનંદ-ઑચ્છવનો યોજક છે સંપાદક. આમ વાચક-સંપાદકનો પહેલો પરિચય પરોક્ષે રચાય છે. પછી સામયિકનાં લખાણોના આયોજનમાં, મુદ્રણસજ્જામાં, પહેલા પાના ઉપરની એની સંપાદકીય નોંધ કે લેખરૂપ વાતચીતમાં સંપાદક સીધો જ વાચકને મળે છે, કે થોડોક નેપથ્યે રહીને હાથ લંબાવે છે, મેળવવા. ભિન્નરુચિ જનોનું લગભગ સરખું સમારાધન કરતું નાટક એના પ્રેક્ષકને સીધું જ, પ્રત્યક્ષરૂપે મળે છે; ભિન્નરુચિ વાચકોને વિવિધતાથી તોષતું સામયિક એના ભાવકને થોડુંક પ્રત્યક્ષે, થોડુંક પરોક્ષે મળે છે. ગ્રાહક થનારો, જો રસિક જિજ્ઞાસુ વાચક હશે તો એ ઓળખ ધીમેધીમે કંઈક વિશેષ પરિચયમાં પરિણમશે. પ્રતિભાવ દ્વારા પ્રતિપોષણ એનો મહત્ત્વનો તંતુ છે... એ બરાબર, પણ સંપાદક વાચકને શું આપવા માગે છે (બીજા અર્થમાં, એણે શા માટે આ સામયિક-પ્રકાશન-ઉદ્યમ આદર્યો છે) – એનો નકશો, ક્યારેક એનો ચોખ્ખો મુદ્રાલેખ તે પહેલેથી જ આંકી દે છે. બચુભાઈ રાવતે ‘કુમાર’ માટે મુદ્રાલેખ આપ્યો હતો : આવતી કાલના નાગરિકો માટેનું માસિક. એ કેવો તો ચરિતાર્થ થયો! મનુષ્યચિત્તના કેટલા બધા વિષયોમાં, કેવી રસપ્રદતાથી તેમજ રસજ્ઞતાથી એ સંપાદક ફરી વળેલા! ઝીણી પરખવાળી પસંદગીથી ને એવી જ ઝીણી સૂઝવાળી મુદ્રણકળાથી કલાસમુચ્ચય અને વિદ્યાસમુચ્ચય, એમણે પેશ કર્યો હતો. લેખકો સાથે જેવો કાયમી સીધો સંબંધ – બુધસભાથી અને નિયમિત પત્રવ્યવહારથી, એવો જ સંબંધ વાચકો સાથે. ‘વાચકો લખે છે’ શીર્ષકના પ્રતિભાવપત્રો સૌથી વધારે કદાચ ‘કુમાર’ને મળ્યા હશે. પુસ્તકથી વાચકની રુચિનું ઘડતર થાય, ઘડાયેલાની રુચિ વધુ પક્વ ને સમૃદ્ધ થતી રહે – એ સિદ્ધ હકીકતની તો વધારે શી વાત કરવી? પુસ્તક એક મોટી, બલકે પ્રચંડ ઘટના અને પ્રચંડ શક્તિ છે. વિસ્મય-જિજ્ઞાસાવાળો વાચક ને વિદગ્ધ વાચક બંને પુસ્તક તરફ જાય છે, ખેંચાય છે. જ્યારે સામયિક વાચક તરફ જાય છે, સામે આવીને ઊભું રહે છે; છેક તમારા ઘરના ઉંબર સુધી – ડોર સ્ટૅપ લગી. રુચિની ખિલવણી માટે સામયિક પહેલો ઉષ્મ સ્પર્શ પણ આપે ને પછી રુચિને એક દિશા પણ આપે. અને પછી સામ્પ્રતનો સઘન સ્પર્શ. હા, પુસ્તક કરતાં ય સામયિક વધુ સામ્પ્રત છે. વિવિધ પ્રવાહો, નવા પ્રવાહો, નવા પ્રયોગો, વ્યાપક પ્રયોગો – દુનિયાભરમાં સાહિત્ય અને વિદ્યાનાં ખૂલતાં નવાં દ્વારો, નવીન સંદર્ભો; રૂઢિભંજક મિજાજો અને વિદ્રોહો; ભવિષ્યે ઇતિહાસમાં નોંધાનારા મહત્ત્વના વળાંકો, – વૈવિધ્યનો આલેખ એમ વિકસતાં ધોરણોનો પણ આલેખ. ક્યાંક તરસ્વી તોફાની પ્રવાહ, ક્યાંક સ્થિર લેખાતો પણ ખાતરીપૂર્વકનો ઊંડો પ્રવાહ. સામયિક એટલે પ્રવહમાન ઘ-ટ-ના, ભલે ક્યારેક પુસ્તકના જેવી એકદમ નીવડેલી સિદ્ધ ઘટના ન હોય, પણ, બંધાતી ને બંધાવા મથતી ઘટના હોય. વાચકને માટે એક સામયિકમાં પણ વૈવિધ્ય હોય ને વિવિધ સામયિકોની મુદ્રા અલગઅલગ હોય – સામ્પ્રત ભાતીગળરૂપે પ્રગટતો હોય ને એમાં દરેક વાચકનું પોતાનું પ્રિય, કે થોડાંક પોતાને વધુ પ્રિય, સામયિકો હોય. એ સામયિકની, એના નવા અંકની એ રાહ જોતો હોય. ઉમાશંકર જોશીએ એક સરસ વાત લખી છે કે, ‘જેને આ પદાર્થ [સાહિત્યસામયિક]નો ચસકો છે તે ભર્યે ભાણે બેઠો હશે ને ટપાલમાં આ ટપકી પડ્યું તો આખા પર નજર નાખ્યા વગર આગળ કોળિયો ભરી શકશે નહીં’૭ સામયિકની આવી આગવી મુદ્રા રચવામાં સંપાદકની કુશળ, કલ્પનાશીલ આંગળીઓ ફરતી રહી હોય. સાહિત્ય-સમય એમાં આકૃત થતો જતો હોય, ને સાહિત્ય-સમયને, સાહિત્યના સામ્પ્રતને એથી લાભ થતો હોય, એને એક ઉઠાવ મળતો હોય. વાચકને મળતો લાભ એ પરોક્ષ હોય... હા, વાચકનું સીધું આરાધન કરવા સંપાદક, દૈનિકના કે લોકપ્રિય સામયિકના તંત્રીની જેમ તરકીબી મથામણ કરતો ન હોય. ગ્રાહક-વાચકની ભેળસેળ એ કરતો નથી. પ્રથમતઃ એ વાચક છે માટે જ એ ગ્રાહક (થયો) છે – એ વિશે એ સંપાદક સ્પષ્ટ હોય છે. એ રંજક રુચિને પંપાળતો નથી. ફરી આનંદશંકર ધ્રુવ યાદ આવે. એ કહે છે કે, ‘જેટલો ખરી કવિતા માટે અમને આદર છે તેટલો જ – તેટલા જ પ્રમાણમાં – એમના ખોટા અનુકરણ માટે અમને અનાદર છે અને અમે માનીએ છીએ કે એવાં ‘રસિક’ કહેવાતાં સો લખાણો કરતાં એક શુષ્ક આંકડાઓથી ભરેલું કોષ્ટક અનેકગણું વધારે કિમતી છે.’૮ અનુકરણીયા મનોરંજક કવિતા(!) અને એના ગ્રાહકો સામેનો સંપાદકનો રોષ અહીં દેખાશે. એટલે એ સ્પષ્ટ કહે છે કે, ‘આ પત્ર [‘વસંત’]ને લોકપ્રિય કરવાનો ને વધારે ગ્રાહકો આકર્ષવાનો અમારો ઉદ્દેશ નથી.’ આ પણ ખરેખર તો વાચકની કાળજી જ છે – સ્તરથી નીચે ઊતર્યા સિવાયનું રુચિસંવર્ધન. સંપાદકનો વાચકસંબંધ વાચકપસંદગી સુધી પણ જાય છે – જ્યારે કોઈ વિશિષ્ટ હેતુ માટે સામયિક શરૂ કર્યું હોય ત્યારે. ‘Little Review’ નામના સામયિકનો મુદ્રાલેખ હતો : A magazine of the arts making no compromise with the public taste.૯ અલબત્ત આ પબ્લિક ટેસ્ટ – લોકરુચિ –ની એક બીજી રીતની કાળજી ક્યારેક સંપાદકને ઉદ્દીષ્ટ હોય છે : ગેરમાર્ગે દોરતાં પરિબળોથી એનું રક્ષણ કરવું. અને એનું યોગ્ય માર્ગે સંવર્ધન (ઘડતર?) કરવું. ૧૯મી સદીમાં, મુદ્રણયંત્ર આવતાં પુસ્તક-પ્રકાશન જ્યારે બેસુમાર વધ્યું હતું. ન-છાપવા-જોગ પણ છપાયે જતું હતું ત્યારે નવલરામને, એક વિવેચક કરતાં ય વધુ એક હિતચિંતક સુધારક તરીકે પ્રજાની રુચિની ચિંતા થયેલી અને એમણે કહેલું કે અનિષ્ટ ગ્રંથોના અટકાવ માટે અને યોગ્ય તરફ ધ્યાન દોરવા માટે પુસ્તકસમીક્ષાના એક ત્રૈમાસિકની મોટી જરૂરિયાત છે. એમની નીરક્ષીરવિવેકી વિવેચકદૃષ્ટિ અને સુધારક દૃષ્ટિ એમના ‘શાળાપત્ર’ના સંપાદનમાં એકસાથે પ્રવૃત્ત થયાં હતાં. બીજી બાજુ, ૨૦મી સદીના ત્રીજા દાયકામાં, ‘કૌમુદી’ નામે, પહેલું શુદ્ધ સાહિત્ય સામયિક શરૂ કર્યું ત્યારે વિજયરાય વૈદ્યનો એક સંકલ્પ હતો, ‘નવાની નેકી, જૂના સામે બંડ.’ આ વિદ્રોહી અવાજમાં, નવલરામનો શુદ્ધીકરણનો ખ્યાલ જરાક જુદા રૂપમાં વિશેષ શુદ્ધિકૃત થાય છે. સંપાદકનો દૃષ્ટિકોણ વાચક સાથેના એના સંબંધનું રૂપ રચે છે. લેખક અને વાચક સાથેના આવા સંબંધવિશેષોમાંથી સંપાદકની એક સંપાદક લેખેની જે પ્રતિમા ઊપસે છે એની થોડીક વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરું.
સંપાદકની અતંદ્રતા સંપાદક થવું આમ તો બહુ સહેલું છે. એના નિમ્નતમ સ્તરે સંપાદક એક પ્રેસમૅનેજર જેવો છે. આવેલી-મેળવેલી સામગ્રી થોડીક ગોઠવી લઈને, પાનાંની મર્યાદા નક્કી કરીને, છાપવા આપવી. એકદમ યાંત્રિક, ઘરેડવાળી, નિરુપદ્રવી કામગીરી! પણ એમ તે કંઈ ચાલે – ભલે ને એવું થોડુંક ચાલતું હોય, તો પણ? સંપાદક કોઈ નિશ્ચિત ને નક્કર પ્રયોજનનો નકશો રચીને પછી જ સામયિક કાઢવા બેઠો હોય – હોવો જોઈએ. તો જ સમયની મુદ્રા સાથે એની પોતાની મુદ્રા પણ ઊપસશે, બલકે, એની પોતાની મુદ્રા રચાઈ હશે તો જ સમયની વિશિષ્ટ મુદ્રા એ ઉઠાવી આપી શકશે. નર્મદના વિલક્ષણ લેખક-સુધારક-વ્યક્તિત્વે ‘ડાંડિયો’ની મુદ્રા રચી હતી. ઇચ્છારામ દેસાઈએ ‘ગુજરાતી’ સામયિક શરૂ કર્યું ૧૮૮૦માં, ત્યારે સ્વતંત્ર રાજકીય વિચારણાથી અને પ્રાચીન સાહિત્યના પ્રાગટ્ય-પ્રયોજનની એમની વિશિષ્ટ મુદ્રા રચાયેલી હતી અને પહેલી જ વાર, ગુજરાતી લિપિના મરોડની નિજી મુદ્રાની સભાનતાથી એમણે, નવાં જ બીબાં કરાવ્યાં અને એમનો ‘ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ’ એવાં મુદ્રાંકિત પ્રકાશનોથી જાણીતો બન્યો. સંપાદકની આવી આગવી ધૂન કે જિદ – કે એને સંકલ્પ કહો તો એ – સમયેસમયે દેખાતાં રહ્યાં છે. ચાર જ વર્ષ ચાલીને, એના સંપાદક સાથે વિરમેલું, ‘વીસમી સદી’ આજે સો વર્ષે પણ આપણા સ્મરણમાં એના સર્વ રીતે સમર્પિત સંપાદક હાજી મહંમદ અલારખિયા શિવજીના નામથી એટલું જ તાજું છે. આવાં બીજાં સંપાદક-નામો પણ આપણા ચિત્તપટ પર ઊપસતાં જવાનાં. ‘સર્જન જો સાહસ છે તો સંપાદન પણ સાહસ છે’૧૦ એવું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે, સામ્પ્રતને હચમચાવીને નવા પ્રદેશોની સંપાદકની શોધના સંદર્ભમાં લખ્યું હતું. આવો આક્રમક સંપાદક ટકી રહેવાની, ટકી જવાની ખેવના ય કરતો નથી ને માંડવાળ પણ કરતો નથી. એણે એકાધિક સામયિકો ચલાવ્યાં હોય છે. આવાં બે વિલક્ષણ દૃષ્ટાન્તો છે – વિજયરાય વૈદ્ય અને સુરેશ જોષી. વિજયરાયે પાંચ સામયિકોનું સંપાદન કર્યું ને સુરેશભાઈએ છ સામયિકોનું!૧૧ દરેક વખતે નવું સંચરણ. બટુભાઈ ઉમરવાડિયાના ‘ચેતન’માં જોડાયા ત્યારે વિજયરાયની ઉંમર વીસેકની. મોટી સામાજિક-સાહિત્યિક પ્રતિષ્ઠાવાળા રમણભાઈ નીલકંઠે સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખીય વક્તવ્ય આપ્યું હતું એની વિજયરાયે જે આકરી, નિર્ભય ટીકા કરી હતી એ સંપાદકીય સાહસિકતાનું જ્વલંત ઉદાહરણ છે. સંપાદક સુરેશ જોષીએ વિવેચક સુરેશ જોષીને માટે એક મંચ રચી આપ્યો ને એમણે એક વિદગ્ધની આક્રમણશીલતાથી આધુનિકતાનું વાતાવરણ રચી દીધું – અનેક નવા સર્જક-વિવેચકઅવાજોને એમના સામયિક સાથે જોડીને એક મોટી સંપ્રેરકતા પણ ઊભી કરી. આ મુખ્ય મુષ્ટિ. એ ઉપરાંત સંપાદકને ‘ચાર હાથ’ પણ કરવા પડતા હોય છે : ઘણાં સામયિકો સંસ્થાના છત્ર વિના ચાલતાં રહ્યાં છે, કદાચ વધુ મોકળાશથી ચાલતાં રહ્યાં છે પરંતુ એનો બધો જ તંત્ર-ભાર સંપાદક પર આવતો હોય છે. ગ્રાહકસંખ્યા-કાગળ-પ્રેસ-ટપાલ એ આર્થિક વ્યવસ્થાતંત્ર સંભાળવાનું થાય – અને એ અધઝાઝેરાં સમય-શક્તિ ખાઈ જાય, પણ સંપાદક જેટલા રસથી લેખન-સંપાદન કરે એટલા જ રસથી મુદ્રણસજ્જા પણ કરે. ઉમાશંકર જોશીએ લેખકોને એમનાં પુસ્તકો વિશે પૂછેલું છે – ‘બે પૂંઠાં વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?’ સંપાદક તો આ બે પૂંઠાંનો ય વિચાર કરે; અંદર તો હૃદય-ચિત્ત-પ્રવેશ થયેલો જ હોય, તો પણ. સામયિક વર્તમાનને તો ધબકતો કરે જ છે, વળી એનું એવું તો બહુપરિણામી અંકન કરે છે કે ભવિષ્યકાળ માટે પણ એ જીવંત ભૂતકાળ કંડારી જાય છે. ગઈકાલનું સામયિક એ રીતે ય એક મહત્ત્વનો સાહિત્યિક દસ્તાવેજ બને છે. જૂનાં સામયિકોના અભ્યાસથી સાહિત્યના ઇતિહાસની ફેરતપાસ કરવામાં આવે તો કેટલીક ઝીણી, છુપાયેલી રેખાઓ ફરી ઊઘડે. ક્યારેક તો, સાહિત્યના ઇતિહાસમાં સ્થિર-સ્થગિત થયેલી કેટલીક રેખાઓ બદલાઈ પણ જાય. ઇતિહાસના ફેરમૂલ્યાંકન માટે ભૂતકાલીન સામયિકોનો અભ્યાસ એક ખૂબ મહત્ત્વનું પરિબળ બની શકે. એવાં જૂનાં-નવાં સામયિકોનો જીવંત ઇતિહાસ હવે, એમના અભ્યાસીઓ પાસેથી સાંભળવા મળશે એ આનંદ સાથે મારી વાત પૂરી કરું છું.
સંદર્ભનોંધ : ૧. ‘સંસાર’ના તંત્રી તરીકેનાં સંભારણાં, જુઓ સમાજધર્મ પૃ.૧૯. આ અને પછીનાં ઉદ્ધરણો તે તે સામયિક ઉપરાંત, એક સાથે બુંદ બુંદની સૂરત નિરાલી, સંપા. રમણ સોની, કિશોર વ્યાસ (૨૦૦૯) – એ પુસ્તકમાં પણ જોઈ શકાશે. ૨. ‘વસંત’ વર્ષ ૨, અંક ૧૨, પોષ સં. ૧૯૬૦ (ઈ. ૧૯૦૪) ૩. ‘સાહિત્ય’ ડિસે. ૧૯૧૬માં તંત્રીલેખ ૪. ‘નવચેતન’ વિશે સંસ્મરણ, જુઓ ‘સ્મૃતિસંવેદન’ (૧૯૫૪) પૃ.૧૭૬ ૫. ‘પુનરપિ’ કાવ્યસંગ્રહને છેડે કેફિયત ‘કાવ્યવસ્તુવિસ્તાર’-માંથી ૬. ‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક વિશેષાંક, પ્રકાશિત ગ્રંથ નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં, સંપા. રમણ સોની, (૧૯૯૬) પૃ.૫૯ ૭. ‘સંસ્કૃતિ’ ઓકટો. ડિસે. ૧૯૮૪માં ‘સંસ્કૃતિ વિદાય માગે છે’ એ તંત્રી લેખ ૮. ‘વસંત’ વર્ષ ૨, અંક ૧૨, પોષ સં. ૧૯૬૦ (ઈ. ૧૯૦૪) ૯. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પૂર્વાપરમાંથી ઉદ્ધૃત, પૃ.૧૪૬ ૧૦. એ જ, પૃ.૧૪૬ ૧૧. વિજયરાય વૈદ્ય : ‘ચેતન’, ‘ગુજરાત’, ‘કૌમુદી’, ‘માનસી’, ‘રોહિણી’, સુરેશ જોષી : ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’, ‘સેતુ’. એ ઉપરાંત કેટલાંક સામયિકો સાથે એ સંકળાયેલા હતા, પણ એના સંપાદક ન હતા.
● ‘ઉદ્દેશ’, જુલાઈ ૨૦૦૯ ● સાહિત્યસામયિકો : પરંપરા અને પ્રભાવ, સંપા. હસિત મહેતા, ૨૦૧૨ – માં પ્રકાશન
- ↑ * ૧૧મી જાન્યુઆરી (૨૦૦૯)એ, નડિયાદમાં યોજાયેલ ‘સાહિત્ય-સામયિકોનું પ્રદાન’ એ વિષય પરના પરિસંવાદમાં રજૂ કરેલું બીજ વક્તવ્ય, ઘણા ફેરફારો-ઉમેરણો સાથે.