ગુજરાતી ગઝલસંપદા/ કુલદીપ કારિયા ‘સારસ’
Jump to navigation
Jump to search
કુલદીપ કારિયા ‘સારસ’
રોજ સવારે તારું ગાવું કોયલ ટહુકે ઝાકળ વચ્ચે,
એક હૃદય ત્યાં એવું જાણે ફૂલો મહેકે ઝાકળ વચ્ચે.
એક હવાનું ઝોકું આવ્યું, સામે જોઈ તેં સ્મિત કર્યું, ને
ઝોકું પણ અવઢવમાં પડ્યું, અહીંયા રહું કે ઝાકળ વચ્ચે?
મસ્તીમાં હું બેઠો હોઉં ને ત્યાં જ અચાનક કોઈ આવીને
સરનામું જો તારું પૂછે, હું કહી દઉં કે ઝાકળ વચ્ચે.
મેં કહ્યું કે પ્રેમ કરું છું ને પૂછ્યું તું પ્રેમ કરે છે?
એણે પૂછ્યું, આનો ઉત્તર અહીંયા દઉં કે ઝાકળ વચ્ચે?
ફૂલો, ડાળી, પર્ણો કહે છે તારા સ્પર્શમાં એવો જાદુ,
વસંતને પણ વસંત ફૂટે, તું જો અડકે ઝાકળ વચ્ચે.