ગુજરાતી ગઝલસંપદા/ રમેશ પારેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રમેશ પારેખ

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.


ગઝલ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા ભંગડા ભંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ: કોઈ દાટો રે દાટો