ગુજરાતી ગઝલસંપદા/રતિલાલ ‘અનિલ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રતિલાલ ‘અનિલ’
1

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે, ક્યાંક સાધુ થાય છે રસ્તો.

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો!

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો!

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો!

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો!

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો!

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો!

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો!

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!

2

કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?