ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોકળજીનો વેલો
ગોકળજીનો વેલો
ઘનશ્યામ દેસાઈ
ગોકળજીનો વેલો (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) દોઢસો વર્ષ દરમિયાન ફૂલેલાફાલેલા વંશવેલાનો ઇતિહાસ રજૂ કરતાં નાયક જણાવે છે કે વડદાદા ગોકળજી ચોમાસા પહેલાંના વરસાદ દરમિયાન વાડામાં પથ્થર ઉઠાવ્યા વિના ઊંઘતા રહેતા અને પાણી ભરાઈ ઝઘડો થતાં એમણે વિવાહ ફોક કરેલો. સાથે સાથે તે ને તે જ દિવેસ જટીદાદીની સાથે વિવાહ કરી આવેલા-આવા વૃત્તાન્તમાં નાયક ઉમેરે છે કે આવું ન થયું હોત તો પોતે કદાચ ન હોત. આ વાર્તામાં વ્યક્તિઇતિહાસના લાંબા ભૂતકાળના અસંખ્ય વિકલ્પોની વચ્ચે અસ્તિત્વનો તાત્ત્વિક પ્રશ્ન અત્યંત કલાત્મક રીતે પડઘાય છે.
ચં.