ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અંજલિ ખાંડવાળા
કોશા રાવલ
આધુનિકતા એ સમયવાચી કરતાં ગુણવાચી સંજ્ઞા વિશેષ છે. પરંપરાના બીબામાં થતા સર્જનથી ત્રસ્ત સુરેશ જોષી, લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, રાધેશ્યામ શર્મા, મધુ રાય જેવા સર્જકોએ સાહિત્યમાં નાવીન્ય લાવવા, અરૂઢ શૈલીથી સાહિત્ય આલેખવાનું બીડું ઝડપ્યું. આ માટે ઘટનાતત્ત્વમાં સૂક્ષ્મતા, કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનોના વિનિયોગ સહ અનેક રચનાપ્રયુક્તિઓ ખપમાં લઈ પરંપરાથી મુક્ત પોતીકો અવાજ અને કૃતિકેન્દ્રી સર્જન કરવાની મથામણોએ, ગુજરાતીમાં આધુનિક સાહિત્યનો નવો ચીલો ચાતર્યો. આમાં પશ્ચિમી આધુનિકતાની અસર ખરી. પ્રયોગ અને વિખંડન દ્વારા ચીલાચાલુ પ્રવાહથી ઊફરા જઈ, સાહિત્યમાં નવો પ્રાણ ફૂંકાવાની નેમ સાથે અનેક નામીઅનામી સર્જકોએ આધુનિક પ્રવાહમાં સર્જનકાર્ય આગળ ધપાવ્યું, અંજલિ ખાંડવાળા પણ આ સર્જકોમાંનાં એક. સમયની દૃષ્ટિએ અનુ-આધુનિકયુગના સર્જક અંજલિ ખાંડવાળાનું સર્જન, લક્ષણોની દૃષ્ટિએ આધુનિક છે. એમની વાર્તાઓ કેનેડામાં, પશ્ચિમી સાહિત્યનું પરિશીલન અને અંદર વસતો સંવેદનશીલ ભારતીય નારીનો આત્મા; વાર્તાઓમાં નિજી ફોરમ લઈ આવે છે. ‘વાર્તાવિમર્શ’ ગ્રંથમાં શ્રી રઘુવીર ચૌધરીના શબ્દોમાં અંજલિબહેનનો પરિચય રસપ્રદ છે : “શ્રીમતી અંજલિ પ્રદીપ ખાંડવાળા (૨૧-૯-૧૯૪૦ – ૧૧-૪-૨૦૧૯) સાચું કહીએ તો સંગીતકાર છે. પણ એકવાર સમ પર પહોંચ્યા પછી એ પતિ સાથે લેખનસ્પર્ધામાં ઉતર્યાં છે. પણ આ સ્પર્ધા લય અને અર્થ વચ્ચેની છે. કોઈ જીતે તોય શું અને હારે તોય શું?.. ફિલસૂફી સાથે અભ્યાસ કર્યો હોય, કિરાના ઘરાનાની શાસ્ત્રીય તાલીમ લીધી હોય, મોન્ટ્રિયલની વેનિયર કૉલેજમાં ૧૯૭૦થી ૭૫ સુધી ભણાવ્યું હોય અને પતિ કરતાં વધુ સારું ગુજરાતી આવડતું તો પછી અંજલિબહેન શા માટે વાર્તા ન લખે?”૧
આધુનિક યુગનાં લક્ષણો સાથે, અભિવ્યક્તિનો સબળો અવાજ અંજલિ ખાંડવાળાની વાર્તાઓમાં જોવા મળે છે. ત્રણ વાર્તાસંગ્રહો આપનાર આ લેખિકાને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા તેમજ ક્રિટિક્સ ઍવૉર્ડનું બહુમાન મળેલ. આવા નિજી મુદ્રાયુક્ત અંજલિ ખાંડવાળાનો પરિચય એમની વાર્તાઓ દ્વારા મેળવીએ : અંજલિબહેને વેનિયર કૉલેજમાં વિદ્યાર્થીઓ માટે સ્વ-વિભાવના વિકાસનો વિશેષ અભ્યાસક્રમ રચ્યો હતો. યુવાનોમાં જોશ અને સાહસ ભરવાની એમની આંતર પરિષ્કૃત ચેતના એમની વાર્તાઓની પણ ધરી બની ગઈ. એમની વાર્તા કહેવાની રસપ્રદ શૈલીને કારણે ભોળાભાઈ પટેલ, ચંદ્રકાંત ટોપીવાળા જેવા સર્જક મિત્રોના આગ્રહથી એમણે વાર્તાલેખન સજગતાથી શરૂ કર્યું. એમની પાસેથી મળેલા ત્રણ વાર્તા સંગ્રહો છે, ‘લીલો છોકરો’ (૧૯૮૬), ‘આંખની ઇમારત’ (૧૯૮૮) અને મરણોત્તર વાર્તાસંગ્રહ ‘અરીસામાં યાત્રા’ (૨૦૧૯) છે. અંજલિબેનની વાર્તાઓનાં નોખાં લક્ષણ વિશેષો અહીં નોંધીએ : – એમની વાર્તાઓમાં વિવિધ પ્રયુક્તિઓ, પ્રતીકો, કલ્પનોની યોજના દ્વારા અભિવ્યક્તિની નવી તરેહો શોધવા મથામણ જોઈ શકાય છે. – એક સ્ત્રી તરીકેની વિશિષ્ટ સંવેદનાઓ વાર્તાઓમાં આગવો અવાજ પ્રગટાવે છે. – પ્રકૃતિ સાથેનો ગાઢ અનુબંધ તાજગી સભર શબ્દચિત્રો સરજાવે છે. અભિવ્યક્તિમાં મોકળાશ અર્પે છે. – તત્ત્વજ્ઞાન તેમજ મનોવિજ્ઞાનના અભ્યાસી હોવાને લીધે, એમની વાર્તાઓમાં આંતર વ્યાપારની સૂક્ષ્મતા જોવા મળે છે. એમની નૈસર્ગિક પ્રતિભાને આવકારતા શ્રી ચંદ્રકાંત ટોપીવાળાની નોંધે છે, “એમનો કિશોરકથાઓનો સંચય ‘લીલો છોકરો’ (૧૯૮૬) કિશોરો અને માબાપ બંને માટે છે. આ કેવળ બોધકથા નથી, એમાં વાર્તારસ જમાવવાનો પ્રયત્ન અને વાર્તા કલાત્મકતા બને, એ માટેની મથામણ જોઈ શકાય છે.”૨ પ્રથમ સંગ્રહ ‘લીલો છોકરો’માં કુલ દસ વાર્તાઓ છે. કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીને સ્વ-ની વિભાવના વિસ્તારવા માટે આ વાર્તાઓ કહેવાનું એમણે શરૂ કર્યું. આવી હેતુલક્ષી વાર્તાઓ દ્વારા કિશોરોને મૌલિકતા અને શ્રમનું મહત્ત્વ સમજાય, એવો ઘાટ રચવાનો એમનો અભિગમ. આ અભિગમથી લખાયેલી, સંગ્રહની વાર્તાઓમાં સ્વરૂપની ચુસ્તી નથી દેખાતી, બિનજરૂરી ઘટનાઓનો પ્રસ્તાર વાર્તાના ઘાટીલા કલેવરને રચવા માટે ઉપકારક બનતી નથી. સંગ્રહની મોટાભાગની વાર્તાઓ પાત્રપ્રધાન રહી છે. એકાદ ઘટના કરતા – જીવનકથા દ્વારા વ્યક્તિગત વિકાસક્રમની રેખા આલેખવા તરફ એમનો ઝોક રહ્યો છે. પાત્રોનાં મનોવલણો, જુસ્સો, સંવાદો વાર્તારસને જાળવી રાખે છે. આ સંગ્રહની વાર્તાઓમાં ધસમસતો કથાવેગ અને અવનવા શબ્દચિત્રો રચવાની કુનેહ વાર્તાઓને રસપ્રદ બનાવે છે. એમની પ્રથમ વાર્તા ‘લીલો છોકરો’ ધ્યાનાકર્ષક બની છે. ભોળાભાઈ પટેલે ‘હરા લડકા’ નામે કરેલ હિન્દી અનુવાદને ભારતીય જ્ઞાનપીઠનો ‘બાળસ્વરૂપ રાહી પુરસ્કાર’ મળ્યો. પ્રકૃતિ સાથેનો એમનો પ્રેમ ‘લીલો છોકરો’ વાર્તામાં અભિભૂત થાય છે. આ વાર્તાનું વિષયવસ્તુ કપોળકલ્પિત હોવા છતાં વાસ્તવિક લાગે છે. વનસ્પતિજ્ઞ પિતાનો પાંચ વર્ષનો પુત્ર પૌરવ વૃક્ષોને ખૂબ પ્રેમ કરે છે. એટલો સંવેદનશીલ છે કે એના હાથમાંથી કૂંડું પડી જાય ત્યારે પૌરવ કહે છે : “મા! આ નાનકડો છોડ મારા હાથમાંથી પડ્યો... એ ગભરાઈ ગયો... અને વાગ્યું હોય એમ રડવા લાગ્યો.” (‘લીલો છોકરો’, પૃ. પ) એની સંવેદનશીલતાની અતિમાત્રને લીધે એ કાળક્રમે વનસ્પતિની ભાષા સમજે છે એટલું જ નહીં, વૃક્ષોની પીડા સાથે એ તાદાત્મ્ય સાધે છે. અલગ અલગ રંગની લાઇટ દ્વારા વનસ્પતિને થતી ખુશી અને વેદનાને, એ વૈજ્ઞાનિક પદ્ધતિથી સિદ્ધ કરે છે. વૃક્ષ સાથેનું તાદાત્મ્ય પૌરવને એવાં અનુભૂતિ વિશ્વમાં લઈ આવે છે કે જાણે એનામાં લીલું લોહી વહેતું હોય! ‘રમાડી’ : આ વાર્તામાં સંયુક્ત કુટુંબમાં રહેતી, કાળી, સૂકલકડી રમા હીનભાવ અનુભવતી હોવાથી, અભ્યાસ કે ઘરકામમાં કશું ઉકાળી શકતી નથી. નવા વર્ગશિક્ષક દામિનીબહેનની નજરમાં રમાની ચિત્રકળાની નૈસર્ગિક સૂઝ ધ્યાનમાં આવે છે. એમના પ્રોત્સાહનથી રમામાં આત્મવિશ્વાસનો નવો સંચાર થાય છે. એ આગળ ભણવા માટે ઘર છોડી દામિનીબહેન સાથે બીજા શહેરમાં જવાની અને ટટ્ટાર ચાલે ચાલવાની હિંમત મેળવે છે. સામાન્ય વિષયની વાર્તા કથનશૈલીને લીધે નિર્વાહ્ય બની છે. વાર્તામાં આંતરિક અને બાહ્ય સંઘર્ષ પછી મળતી સફળતાવાળું કથાઘટક ‘પીટર’, ‘કરણ’, ‘તુફાન’ અને ‘કાળિયો’ વાર્તામાં જોવા મળે છે. વાર્તાનો ‘પીટર’ અત્યંત મેધાવી હોવાની સાથે જીવનમાં સતત પ્રયોગો કરવામાં માનતો હોય છે. કેનેડાના સુખી સંપન્ન પરિવારનું એકમાત્ર સંતાન પીટર ભારત આવે, અધ્યાત્મની યાત્રા કરતાં એ ઉન્નત ઊંચાઈ પર પહોંચે. ભિખારી શિક્ષક, અધિકારી આદિ ભૂમિકામાંથી પસાર થાય. અંતે સલોની જેવી આદર્શ પત્ની સાથે પોતાની શાળા શરૂ કરે, છતાં પણ હજુ નક્કી નથી એ આગળ શું કરશે? આમ અત્યંત પ્રતિભાશાળી બાળકોને વેઠવી પડતી તકલીફોનો ચિતાર આ વાર્તા આપે છે. દરેક પરિસ્થિતિમાં પસાર થતી વેળા એ પીટરની આત્મશોધ અહીં નિરૂપાઈ છે. જો કે ‘સિદ્ધાર્થ : હરમાન હેસ’ વાંચી હોય એને આ વાર્તા પર એના પ્રભાવ વિષે વિચાર આવે ખરો. ‘ભૂતોનો શિકાર’ વાર્તામાં બીકને પડકારવાની અને મનોબળ વધારવાની વાત વાર્તાનાયિકાના બાળપણના રંગે રંગાયેલી છે. જાતે કુદરતી રંગો બનાવી જીવન રંગ ભરતો ‘તુફાન’, ઘરનોકર ‘કાળિયો’ની ખેડૂત બનવાની સંઘર્ષ કથા, જાસૂસી કથા જેવી ‘ચમત્કાર’ વાર્તા આદિ મળે છે. આ સંગ્રહની વાર્તાઓમાં સંઘર્ષ-પરાક્રમ-સફળતાનો યજ્ઞ છે. આ વાર્તાઓ જેટલી પ્રેરણાદાયી છે એટલી કથાવસ્તુ, પાત્રવિકાસ કે વૈયેક્તિક સંઘર્ષ : જેવાં ટૂંકીવાર્તા માટેના અનિવાર્ય તત્ત્વની દૃષ્ટિ એ ખરી ઊતરતી નથી. ૦
બીજો વાર્તાસંગ્રહ ‘આંખની ઇમારતો’ની પ્રસ્તાવનમાં અંજલિબહેન નોંધે છે એમ, “આ વાર્તાઓ (લીલો છોકરો) પછી મારે હેતુલક્ષી વાર્તામાંથી મુક્તિ મેળવવી હતી. કળા અને હેતુ વચ્ચે જામતા દ્વંદ્વથી હું અકળાઈ ઊઠેલી.” હેતુલક્ષી વાર્તાઓમાંથી શિફ્ટ લઈ કળાકીય ઘાટ આપવાની રૂપલક્ષી વિભાવનાઓને સાક્ષાત્કાર કરતી વાર્તાઓ આ સંગ્રહમાં રચી. આ વાર્તાસંગ્રહ વિષે શ્રી જયેશ ભોગાયતા નોંધે છે : કોઈપણ વાદ-વાદી કે જૂથમાં સરક્યા વિના નિજી સંવેદનના બળે વાર્તા લખનારાં આ સર્જકની વાર્તાઓ ભાવકને રસપ્રદ લાગી છે. ઇન્દુભાઈ ગાયબ વાર્તાને ૧૯૮૫ની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા માટે સી.એસ.એસ. ઍવૉર્ડ મળ્યો છે. જે પુરસ્કારની ઘટના તેમની સર્જક પ્રતિભાના આધારરૂપ છે.”૩ આ સંગ્રહની વાર્તાઓમાં ‘ઇન્દુભાઇ ગાયબ’, ‘શક્તિપાત’, ‘ચાંદલાનો વ્યાપ’, ‘કાળુ ગુલાબ’, ‘બાટલીનો ઉંદર’ આદિ નોંધપાત્ર છે. આ સંગ્રહની સહુથી પહેલી નજરે પડતી વિશેષતા છે તેની સંવાદકળા. ટૂંકા સ્ફૂર્તિલા સંવાદોથી અનુભવાતી તાજગી અને એ સંવાદોને અજવાળતાં પાત્ર તેમજ પાત્રગત પરિસ્થિતિ સ્પૃહણીય છે.૪ ઇન્દુભાઈ ગાયબ : આ વાર્તા વિષે જયેશ ભોગાયતા નોંધે છે “કપોળકલ્પિત ઘટના વડે પ્રાપ્ય સામગ્રીનું કળા પદાર્થમાં રૂપાંતર સિદ્ધ થયું છે.’૫ આ વાર્તા ‘ઇન્દુભાઈ ગાયબ’માં કપોળકલ્પિત (fictitious) રચનાપ્રયુક્તિ પ્રયોજાઈ છે. ઇન્દુભાઇ પોતાના પ્રલંબ પડછાયાથી, સર્વ સત્તાધીશ હોવાના ખ્યાલમાં મહાલે છે. એક દિવસ અચાનક વિરાટ ઇન્દુભાઇ ઉપર વામન વાંદાનો હુમલો થાય છે. તે વાંદો ઇન્દુભાઈના પડછાયાને ખાઈ જાય છે ત્યારે ઇન્દુભાઇની બનાવટી મહાનતાના લીરેલીરા ઊડી જાય છે. ઇન્દુભાઈને વાંદામાં વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. વાર્તા અંતે ઇન્દુભાઇની ગેરહાજરીમાં ખાલી પડેલી ખુરશી માટે અંદરોઅંદર લોહીછાંટણા થાય છે, અંતે સૌથી મોટા પડછાયાવાળાનો ખુરશી અભિષેક થાય છે, જે ઇન્દુભાઇ ટુ તરીકે ઓળખાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે ખરેખર ઇન્દુભાઈ ગાયબ થયા છે ખરા? બીજું, લોકો પર આધિપત્ય જમાવનાર સરમુખત્યાર પોતે કેવા ડરપોક અને વામણા હોય છે! આ વાર્તાને ૧૯૮૫ની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાનો સી.એ.એસ. ઍવૉર્ડ મળેલ છે. ‘જીવતું ઘર’ વાર્તાની સંવેદનશીલ નાયિકા ઘર માત્ર પોતાનું નથી એમાં વસતાં જીવજતુંનું પણ છે, એવી પ્રતીતિ અનુભવે છે, વિષયની દૃષ્ટિએ આ વાર્તા આકર્ષક છે. ‘ચાંદલાનો વ્યાપ’માં કામવાળી બાઈ કાન્તા અને વાર્તાનાયિકા બંને વિધવા થાય છે. આ વાત વિરોધોની સન્નિધિકરણની (juxtaposition) પ્રયુક્તિ દ્વારા કહેવામાં આવી છે. થોડા દિવસ પછી પાછી ફરેલી કાન્તા દિયરવટુ કરી, ફરી બંગડી અને મોટો ચાંદલો કરી, વાર્તાનાયિકા પાસે આવે છે. એ જોઈ વાર્તાનાયિકાને એની ઑફિસમાં કામ કરતા રાજ સાથે, પુનર્લગ્નનો વિચાર ઝબૂકે છે. પરંતુ એ પ્રશ્ન તેને મૂંઝવે કે એક ચાંદલામાં બે જણ રહી શકે ખરા? એવું જીવન અપનાવતાં ભણેલી નાયિકાનું મન વિમાસણ અનુભવે છે. ‘કાળુ ગુલાબ’ની નાયિકા સરિતા કાળી હોવાથી આખી જિંદગી લોકોની અવહેલના પામી છે. હાલ એક મોલમાં સફેદ ચામડી ખરીદવા નીકળી છે. રૂપાળી બહેન સુરભિ ગૌર વર્ણની. એના ગૌરવર્ણને મળતું મહત્ત્વ જોઈ સરિતાને હંમેશા લઘુતા અનુભવાતી અઠ્ઠાવીસ વર્ષની થઈ, વાર્તા ફરી ફેન્ટસીની દુનિયામાં પ્રવેશે છે, જ્યાં બધા જ ધોળીયા; એના જેવો, કાળો ચામડીનો રંગ માગે છે. લોકો તેના ફોટા પાડે છે. સરિતા સમજી શકતી નથી કે કાળા પાષાણ જેવી શલ્યામાંથી ગૌરવર્ણની અહલ્યા, એ આ ઘટના પછી બની શકશે કે કેમ? ‘શક્તિપાત’ વાર્તામાં પાદરી બનવા તૈયાર થયેલ વાર્તાનાયકની પ્રેરણામૂર્તિ બનેલી શિવાની વર્ષો પછી શાળાના પ્રિન્સિપાલ તરીકે નાયકને મળે છે. પાદરી બનવા કમને તૈયાર થયેલ નાયકનું આખું જીવન, શિવાનીના એક પ્રશ્ને પલટાવી નાખ્યું હતું. પ્રેરણામૂર્તિ શિવાની ‘માત્ર ગૃહિણી’ બની સાંકડું જીવન વિતાવે છે, એ જાણી નાયક આઘાત અનુભવે છે. પોતાનું જીવન પલટાવનાર, દેવી રૂપે સ્થાપેલી શિવાનીમાં શક્તિનું સ્તોત્ર ખોળતો નાયક આ આઘાતને લઈને ‘શક્તિપાત’ અનુભવે એવો વાર્તાપ્રપંચ અહીં યોજાયો છે. વાર્તાનાયિકા શિવાનીના વ્યક્તિત્વના બે વિરોધોનું સન્નિધિકરણ નોંધપાત્ર બન્યું છે. ‘બાટલીમાં ઉંદર’ પિતરાઈ ભાઈ નરસિંહ સાથે પત્નીના અનૈતિક સંબંધોથી લાચારી, ગુસ્સો અનુભવતા ગટુલાલને જ્યારે ભાઈ નરસિંહને, છબીલદાસને ધંધા માટે બ્લેકમેલિંગ કરવા બદલ ખખડાવવાનો મોકો મળે છે ત્યારે બાટલીમાંથી ઉંદર છૂટ્યો હોય, એમ પોતાને વિજયી અનુભવે છે. પીછેહઠ(regression)ની બચાવ પ્રયુક્તિ અહીં યોજાઈ છે. આ ઉપરાંત ‘માર’, ‘અનવતરણ’, ‘સુખડી’, ‘બટકું’ જેવી વાર્તાઓ નોંધપાત્ર છે. વાર્તાઓમાં જમાપાસા રૂપે આધુનિકતાનાં લક્ષણો સમા કલ્પન પ્રતીક, કપોળકલ્પિત સંકેતોના વિનિયોગ કરવાની કુનેહ જોવા મળી છે. સાથે પરંપરાગત વાર્તાકારો માફક એમની વાર્તાઓ ઝીણવટવાળાં વર્ણનો અને સાંકેતિક કથનશૈલીનો પણ વિનિયોગ થયો છે. ભાષાનો રચનાત્મક ઉપયોગ કરવાની સભાનતાને લીધે યોજાયેલાં કલ્પનો તાજગીપ્રદ છે. જેમકે દડા જેવા પોપચામાંથી પાતળી લીટી શી આંખો (પૃ. ૧૦૧), શ્વાસનું લીલું પાન (પૃ. ૧૩૧) આદિ. ઉધારપાસામાં વાર્તાઓમાં સરેરાશ સમયની એકસૂત્રતા તેમજ ચુસ્તતા ઓછી જણાઈ છે. ઉપલક રીતે વાર્તા રસપ્રદ બનતી હોવા છતાં એની વાચાળતા બાબતે ડાહ્યાભાઈ પટેલનું નિરીક્ષણ નોંધનીય છે : “ટૂંકી વાર્તામાં વર્ણનનો વિસ્તાર આવી શકે નહિ તેમ આવે તો રસિક થઈ પડે નહિ. વર્ણનોમાં પણ જે કાંઈક વધારે આકર્ષક, મનોહર, સૂચક હોય તે જ આવવું જોઈએ.”૬ આ મર્યાદા એમની વાર્તાના ઉધારપક્ષે રહી છે. અભિવ્યક્તિની તાજગી, રસપ્રદ જીવંત વર્ણનો, વાર્તાસંગ્રહોમાં જમાપક્ષે રહે છે.
ત્રીજો સંગ્રહ, મરણોત્તર ‘અરીસામાં યાત્રા’ એમના શબ્દોમાં ‘વ્યક્તિત્વ પરિવર્તન’ આધારિત છે. વાંઝણીનું મહેણું ભાંગતી, વાર્તાનાયિકા ‘મંછી બા’ આદિવાસી નેતા બની જાય. તો અભણ મિનોતી, પોતાને તુચ્છકારતા-ભણેલા પતિને છોડી સ્વબળે આગળ વધી ‘મહાનદ’ જેવું ભર્યું જીવન વિતાવે. અન્ય વાર્તા ‘પ્રેમની જનની’માં વાર્તાનાયિકા ઘરવ્યવસ્થાના અસહ્ય બોજમાં તમાકુની બંધાણી બને. ફરી ઘરના લોકોની મદદથી બહાર આવે અને ભક્તિરસમાં ડૂબી જાય. આ ઉપરાંત કૂતરાના પ્રેમની વાર્તા, માતાના સ્વભાવની વાત કહેતી દીકરીઓની વાર્તા, કાળી કન્યાનો પ્રતિકાર દર્શાવતી વાર્તા : આવા વિવિધ વ્યક્તિ ચિત્રો રજૂ કરતી વાર્તાઓ મળે છે. અહીં એ નોંધવું રહ્યું કે આ સંગ્રહની વાર્તા જેટલી વ્યક્તિ ચિત્રની નજીક છે એટલી વાર્તા કળાની નજીક પહોંચી શકી નથી. પ્રેરણાદાયી પ્રસંગકથા તરીકે વિશેષ ઉપર્યુક્ત જણાય છે. સમગ્રતયા અંજલિ ખાંડવાળાને અનુ-આધુનિકયુગમાં નિજી મુદ્રા ઉપસાવવામાં સક્ષમ વાર્તાકાર કહી શકાય. નેવુમા દાયકામાં જ્યારે આધુનિકતાનાં વળતાં પાણી હતાં, સરેરાશ વાચકો આવી વાર્તાઓ પ્રત્યે લગભગ વિમુખ થઈ ગયા હતા, એવા સમયમાં વાર્તારસ સાદ્યન્ત જાળવી પોતીકી સંવેદનાને લીલીછમ અભિવ્યક્તિ આપનાર અંજલિબહેનની વાર્તાઓ પ્રેરણાત્મક વિષયો અને શબ્દચિત્રોની તાજપને લીધે નોંધપાત્ર છે.
સંદર્ભ નોંધ :
૧. ‘વાર્તાવિમર્શ’, રઘુવીર ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬, વાર્તા વિશેષ સંવર્ધન-ક્રમાંક ૪ : ૧૦ ‘લીલો છોકરો’, અંજલિ પ્રદીપ ખાંડવાળા.
૨. ગુજરાતી સાહિત્ય કોશ, ખંડ : ૨ અર્વાચીન કાળ, ઇન્ડેક્સ : ખાંડવાળા અંજલિ પ્રદીપ કુમાર : ચંદ્રકાંત ટોપીવાળા
૩. આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ : જયેશ ભોગાયતા, પાશ્વ પબ્લિકેશન, પ્ર. આ. ૨૦૦૧
૪. અધીત : ૧૩, ૧૯૯૦, રમેશ ર. દવે
૫. સંક્રાન્તિ, સર્જાતી ગુજરાતી પ્રતિનિધિ વાર્તા, સંપાદક : જયેશ ભોગાયતા, પાર્શ્વ પ્રકાશન, પ્ર. આ. ૧૯૯૪
૬. તથાપિ અંક ૨૨-૨૩, ડિસેમ્બર-મે, ૨૦૧૧
કોશા રાવલ
એમ.એ., પીએચ.ડી.
સંશોધક, વાર્તાકાર
વડોદરા
મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦