ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કેતન મુનશી
સતીશ પટેલ
સર્જક પરિચય :
વાર્તાકાર કેતન મુનશીનું મૂળ નામ નચિકેત દ્રપદલાલ મુનસિફ. વાર્તાકારનો જન્મ ૨૨ નવેમ્બર, ૧૯૩૦માં ને અવસાન ૮ માર્ચ, ૧૯૫૬માં. ઑપરેશન દરમિયાન ડૉક્ટરની ભૂલને લીધે શ્વાસમાં ઓક્સિજનને બદલે નાઇટ્રોજન અપાઈ જતા મુંબઈમાં ૨૬ વર્ષની વયે અવસાન. ઈ. સ. ૧૯૫૧માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ‘વ્યાપાર’ના તંત્રી વિભાગમાં કામ અર્થે જોડાયેલા. ‘કુમાર’, ‘કેસુંડા’, ‘નવજીવન’, ‘મિલાપ’, ‘કવિતા’, ‘સવિતા’, ‘સંસ્કૃતિ’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘નૂતન ગુજરાત’, ‘સાંજ વર્તમાન’ વગેરે જેવાં સામયિકો અને દૈનિકપત્રોમાં વાર્તાઓ પ્રકાશિત થયેલી. ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ (૧૯૬૨) – એ ત્રણ વાર્તાસંગ્રહો તેમના છે. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના વાર્તાસંગ્રહ વાર્તાયન શ્રેણી અંતર્ગત સુરેશ દલાલ અને જયા મહેતાએ સંપાદિત કરેલ ‘કેતન મુનશી : સમગ્ર વાર્તાઓ’ ૧૯૯૩માં પ્રગટ થયેલ છે. કેતન મુનશીની ‘અંધારી રાતે’ વાર્તા એ ‘કુમાર’ માસિકમાં વર્ષ ૧૯૪૯ની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કાર મેળવેલો તો ઉમાશંકર જોશીએ ‘વરસની શ્રેષ્ઠ વાર્તાઓ : ૧૯૫૧’માં સમાવેશ કરી હતી.
કૃતિ પરિચય :
‘અંધારી રાતે’(૧૯૫૨)માં દસ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. આ વાર્તાઓના અધિકરણ લેખન માટે ‘કેતન મુનશી : સમગ્ર વાર્તાઓ’ (સંપા. સુરેશ દલાલ અને જયા મહેતા) પુસ્તક ઉપયોગમાં લીધેલ છે. આ સંગ્રહ શ્રી શિરીષ સાંકળિયાને અર્પણ કરેલ છે. લેખકે શરૂઆતમાં પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થવાની ખુશીની સાથે વાચકોને વાર્તાઓ ગમશે કે કેમ એવી ચિંતા પણ પ્રસ્તાવનામાં વ્યક્ત કરી છે. તો સાથે મિત્રો અને મુરબ્બીઓએ લેખન પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી છે એમનો આભાર પણ માન્યો છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘શ્રીયુત પ્રથમ’ છે. વાર્તાકથક શ્રીયુત પ્રથમને આપઘાત કરતા રોકે છે. આપઘાતનું કારણ પૂછતાં તે જણાવે છે કે, દરેક જગ્યાએ પ્રથમ આવેલ પ્રથમ પ્રથમાના પ્રેમમાં પડ્યા પછી તેની સાથે લગ્ન કરવાની વાત આવે છે, ત્યારે પ્રથમા તેને કહે છે હું વિધવા છું. પ્રથમા વિધવા છે જાણ્યા પછી પ્રથમ તેને અનહદ પ્રેમ કરતો હોવા છતાં તેને છોડી આપઘાત કરવા જાય છે. અહીં શ્રીયુત પ્રથમ માટે બધે જ પ્રથમ આવવું એ શોખ ને જગ્યાએ સર્વસ્વ બની ગયું છે. પ્રથમા વિધવા છે અને વિધવા સાથે શ્રીયુત પ્રથમ લગ્ન કરે તો એ પ્રથમા સાથે લગ્ન કરનાર પ્રથમ પુરુષ બને નહીં. ‘સંવેદના’ વાર્તામાં સ્ત્રી પ્રત્યેનો અવિશ્વાસ કેન્દ્રસ્થાને છે. વાર્તાના અંતમાં મહેશને સરલા પ્રત્યે સંવેદના જાગે છે. મહેશનાં મમ્મીપપ્પાએ પ્રેમ લગ્ન કર્યાં હોવા છતાં મહેશની મમ્મીનું પિતાના મિત્ર સાથે ભાગી જવું એ મહેશ માટે અસહ્ય છે. તેથી મહેશ કોઈ સ્ત્રી પર વિશ્વાસ મૂકતો નહીં. મહેશને ટાઇફોઇડના સમયે ૨૧ દિવસ સરલા સેવા કરતાં નજીક આવે છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિનો વિનિયોગ વાર્તાની વિશેષતા છે.
‘લાલ ચીંદરડી’ સંગ્રહની મહત્ત્વની વાર્તાઓમાંની વાર્તા છે. લાલ ચીંદરડી વાર્તામાં પ્રતીક તરીકે આવે છે. વાર્તાનાયક જગમોહન કબૂતરને પકડી તેના પગમાં લાલ કપડાંની ચીંદરડી બાંધે છે. આ લાલ ચીંદરડીવાળા કબૂતરને જોઈને બીજાં કબૂતર તેની પાસે ચીંદરડીને જોઈને આવતાં નથી. આ કબૂતર એકલું પડી જાય છે. પત્ની શાંતાને ટાઇફોઇડ થવાથી ઘરમાં પૈસાની તંગી આવી જાય છે. બૅન્કમાંથી પાંચસો રૂપિયાની ચોરી જગમોહન કરે છે. તેની આ ચોરી પકડાઈ જવાથી નોકરી તો જાય છે તેની સાથે જેલ પણ થાય છે. જેલમાંથી જ્યારે જગમોહન આવે છે ત્યારે તે જુએે છે કે, પત્ની શાંતા સાસુની સેવા ન કરવી પડે તે માટે પિયર જવાનું કહે છે. પુત્ર બાલુ ચોર તરીકે જુએ છે. તો વળી મિત્રને ત્યાં જતા મિત્રની પત્ની તેના મિત્રને કહે છે : ‘એ ચોરને બહારથી જ વિદાય કરી દેજે, ઘરમાં નથી એમ કહેજે.’ આ શબ્દો સાંભળી જગમોહન હતાશ થઈ જાય છે. લાલ ચીંદરડીવાળા કબૂતરની જે દશા ભૂતકાળમાં થયેલી એવી દશા આજે જગમોહનની છે. જગમોહન સમગ્ર સમાજથી વિખૂટો પડી ગયો છે. ‘ચાળીસ સેકન્ડ’ વાર્તામાં નાયકના ભૂતકાળ અને વર્તમાનનું મનમાં આવન-જાવન જે ચાળીસ સેકન્ડ થાય છે તેનું વાર્તાનાયકના કથકસ્વરૂપ ‘હું’માં આ વાર્તા નિરૂપણ પામી છે. ચાળીસ સેકન્ડમાં ટ્રેન પસાર થઈ જતાં તે જાણે હોશમાં આવ્યો હોય એમ, જે પત્નીને તે અવગણતો તેની સાથે પ્રેમ થઈ જાય છે. આ ઘટના વખતે પત્નીને પ્રથમવાર રૂપા કહીને સંબોધે છે. ‘છબી’ વાર્તામાં નાયક રાજેન્દ્રને તેના ઘરમાં ટીંગાતી છબી ગમે છે. આ છબી કામિનીની છે, રાજેન્દ્રને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે કામિની જ તેને સુંદર લાગવા માંડે છે. ‘સૌમિલ અને સરયૂ’ વાર્તામાં વર્ણનાત્મક શૈલી ઉત્તમ છે. સૌમિલ અને સરયૂ કૉલેજથી જ સારા મિત્રો હોય છે. બંનેનાં લગ્ન થાય છે. એક અકસ્માતમાં સૌમિલ આંખો ખોઈ બેસે છે. મિત્ર જયંત સાથે સરયૂનું અફેર હશે એવી શંકા સૌમિલ કરે છે. સૌમિલ અને સરયૂને છોકરો જન્મે છે એમાં પણ સૌમિલ શંકા કરે છે. ‘અકસ્માત’ વાર્તામાં કહેવાતાં સભ્યસમાજ પર આકરો પ્રહાર છે. મુંબઈની તાજ હોટલ નજીક ચાર બાળકોની માતા જમનીને રસ્તા પર ગોરા રંગનું બાળક રઝળતું મળે છે. જમની આ બાળકને લઈને તેની માતાને શોધવાનો પ્રયત્ન કરે છે પણ મળતી નથી. જમનીની આ શોધખોળ વખતે તાજ હોટલ નજીક અકસ્માત થાય છે. બાળક બચી જાય છે અને જમની મૃત્યુ પામે છે. જમનીનાં ચાર બાળકો રડી રહ્યાં છે. જમની એક ભિખારણ હોવા છતાં બાળકના રડવાનો અવાજ તે સહન ન કરી શકતાં લાગણીવશ તેને લઈ લે છે જ્યારે આજે તેનાં બાળકો રડી રહ્યાં છે ત્યારે કોઈ તેમની સામે જોનાર પણ નથી. જમનીના મૃત્યુ પછી યુરોપિયન બાળક જમની ચોરી લાવી હશે એવી વાતો કહેવાતાં સભ્યસમાજનાં માણસો કરે છે. વાર્તામાં જમનીને ઉપકારનો બદલો અપકારથી મળે છે. નિઃસ્વાર્થ મદદ ‘પંદર રૂપિયા’ વાર્તાના કેન્દ્રસ્થાને છે. વાર્તાકથક તરીકે મનોહરનું પાત્ર છે. મરીનડ્રાઇવ પર ઘોડાગાડી ચલાવનાર રસુલ અને લછમન મુખ્ય પાત્રો છે. લછમન પાસે પંદર રૂપિયા વ્યાજના પઠાણ માંગતો હોય છે તો રસુલ પાસે તેની પત્ની પંદર રૂપિયાની નથણી લાવી આપવાની જીદ કરતી હોય છે. બંનેને પંદર રૂપિયાની જરૂર હોય છે. પાંચ યુવાન આવી રસુલ અને લછમનની ઘોડાગાડી એક એક રૂપિયામાં ભાડે કરે છે. ઘેલમાં આવેલા પાંચ મિત્રો રસુલ અને લછમનની ઘોડાગાડી વચ્ચે રેસ કરાવે છે. રસુલ રેસ જીતે છે પણ વધુ દોડવાથી લછમનનો ઘોડો આંખો પહોળી કરી ઢળી પડે છે. રસુલ પંદર રૂપિયા લક્ષ્મણને આપી ત્યાંથી રવાના થઈ જાય છે. ‘જીવનની સૌથી ખરાબ ક્ષણ’ વાર્તામાં ચાર મિત્રો તેમના જીવનની ખરાબ ક્ષણ એકબીજા સામે વ્યક્ત કરે છે. રામરાય વકીલ હોય છે. જીવનનો પ્રથમ કેસ વિધવા બહેનનો લડે છે. કેસ જીતે એમ હોવા છતાં સામેનો વકીલ અને જજ સંબંધી હોવાથી કેસ હારી જાય છે. સુંદરલાલે રૂના ધંધામાં દેવું કરેલું. ડૉ. સુરેશ ગામમાં દવા કરવા ગયેલા પાછા આવ્યા ત્યારે તેમની પત્ની મૃત્યુ પામેલી. વીમા કંપનીમાં નોકરી કરતા ચંદ્રવદન સૌથી વધુ દુઃખી હોય છે. એક સ્ત્રીના પ્રેમમાં લગ્ન કરતા નથી. સ્ત્રી લગ્ન કરવાની ના પાડી દે છે. મુંબઈ નાના ભાઈ પાસે રહેવું પડે છે. વાર્તાસંગ્રહની છેલ્લી વાર્તા ‘અંધારી રાતે’ પરથી જ વાર્તાસંગ્રહનું નામ પણ છે. રામલાલના પિતા માધવજી પટેલના મૃત્યુ પછી રામલાલને અભ્યાસ અધૂરો મૂકી કેબિનમૅનની નોકરી સ્વીકારવી પડેલી. રામલાલ અને ગૌરીની બાર વર્ષ અગાઉ સગાઈ રહેલી. પિતાના મૃત્યુ પછી સગાઈ તૂટે છે. ફ્રન્ટીયર નામની પેસેન્જર ટ્રેનમાં ગૌરીની જાન ગોધરા આવવાની હતી. વેર લેવાની ભાવનાથી રામલાલ ફ્રન્ટીયરને અકસ્માત થાય અને ગૌરીનો વર મૃત્યુ પામે તેવી ભાવનાથી તે લાઇન બદલે છે, પણ બને છે એવું આ કામથી કે ખરેખર બે ટ્રેન વચ્ચે થવાનો અકસ્માત થતો નથી. સ્ટેશન માસ્તર અને અધિકારી રામલાલને પ્રમોશન આપે છે. રામલાલ પસ્તાવાના સ્વરૂપે પ્રમોશન ન સ્વીકારતા નોકરીમાંથી રાજીનામું આપી દે છે. સર્જકની પ્રથમ સંગ્રહની દસ વાર્તાઓમાં આપઘાત, પ્રણય, ભય, દગો, અવિશ્વાસ જેવા વિષયોનું નિરૂપણ આવે છે ‘શ્રીયુત પ્રથમ’, ‘સંવેદના’ અને ‘પંદર રૂપિયા’ વાર્તામાં મુંબઈના દરિયાકિનારાનું વર્ણન આવે છે. ‘લાલ ચીંદરડી’, ‘ચાળીસ સેકન્ડ’, ‘અકસ્માત’, ‘છબી’, ‘સૌમિલ અને સરયૂ’ વાર્તામાં પતિ-પત્નીના ઝઘડા, વહેમ વગેરેનું નિરૂપણ જોવા મળે છે. ‘શ્રીયુત પ્રથમ’, ‘સંવેદના’, ‘જીવનની સૌથી ખરાબ ક્ષણ’ અને ‘અંધારી રાતે’ વાર્તામાં પ્રેમી અને પ્રેમિકાના અણબનાવ વિષયનિરૂપણ પામ્યા છે.
૨. ‘સ્વપ્નનો ભંગાર’
સર્જકનો આ બીજો વાર્તાસંગ્રહ ૧૯૫૩માં પ્રગટ થયેલો. વાર્તાસંગ્રહ કુંજને અર્પણ કરેલો છે. સંગ્રહમાં ૨૪ વાર્તાઓ છે. ‘નૈનિતાલની ઠંડી સાંજે’ સંગ્રહની પ્રથમ વાર્તા ૨૪ પૃષ્ઠની છે. નૈનિતાલના પહાડોમાં વસતાં આદિવાસીઓ, ખેરવાડી અને પહાડી ભાષાની વિશેષતા સર્જક બતાવે છે. સ્વતંત્રતા માટે બહારની દુનિયા સાથે સંપર્ક ન રાખતાં આ લોકો ઘણું બધું ગુમાવી બેસે છે. નૈનિતાલની ઠંડી સાંજે પ્રોફેસર અક્ષય ચેટરજી અને વાર્તાનાયક વચ્ચે સંવાદ રૂપે વાર્તા લખાયેલી છે. વાઘના આક્રમણથી પ્રોફેસરને ત્રાડસિંહ બચાવે છે. ત્રાડસિંહના શરીરની આકૃતિ સિંહ જેવી હોય છે. વિશાળદેવની પુત્રી કળી અર્જુનને પ્રેમ કરતી હોય છે. કળી દેખાવડી અને સુંદર હોવાથી ત્રાડસિંહને તેની સાથે પરણવું હોય છે. ત્રાડસિંહ રમતમાં હાર થયા પછી અર્જુનનું ખૂન કરી કળી સાથે લગ્ન કરે છે. કળી સમય જોઈ ત્રાડસિંહનું ખૂન કરે છે. ‘ફટકો’ વાર્તામાં ઘોંડુને કાશી નામની પ્રિયતમા હોય છે. કાશી કુમારિકા હોય કેશવ ભોળવીને તેને ઉપાડી જઈ લગ્ન કરી લે છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે લાઠીના ફટકા વડે કેશવનું માથું ફાડી નાખવાનો વિચાર ઘોંડુ કરે છે. કાશીના પતિ કેશવની હત્યા થાય તો કાશીની પુત્રી સોનબાઈ નિરાધાર થશે એવું વિચારી ફટકો મારતો નથી, પણ એટલામાં કેશવ ઘોંડુના માથામાં લાઠીનો ફટકો મારે છે અને તે મૃત્યુ પામે છે. ‘તાજની છાયામાં’ વાર્તા અલગ વિષય નિરૂપણ લઈને આવે છે. સમગ્ર વાર્તા પ્રથમ પુરુષ કથકના રૂપમાં કહેવાઈ છે. વાર્તાનાયક આગ્રા શહેરમાં આવેલ તાજની સુંદરતા જોવા શરદપૂર્ણિમાની રાતે જાય છે. એક સ્ત્રી એક પુરુષના માથામાં હાથ ફેરવી રહી હોય તેવું દૃશ્ય વાર્તાનાયક જુએ છે. થોડીવાર પછી પેલો પુરુષ ખિસ્સામાંથી પાકીટ કાઢીને પૈસા આપી ત્યાંથી નીકળી જાય છે. આ જોયા પછી વાર્તાનાયક વિચારે છે કે, આવી જગ્યાએ બજારુ સ્ત્રીઓ પણ આવે છે. વાર્તાનાયક જ્યારે એ સ્ત્રીની આપવીતી સાંભળે છે ત્યારે તે સ્ત્રી સારી છે અને તેના વિશે કરેલા ખોટા વિચારો પર પસ્તાવો થાય છે. વાર્તામાં એક પણ પાત્રનો નામોલ્લેખ નથી. ‘એક ક્ષણ’ પત્ર પ્રયુક્તિમાં લખાયેલી વાર્તામાં સવિતા અને અરુણ માથેરાનમાં મળ્યાં, લગ્ન કર્યાં. સવિતા સેવામાં કાર્યરત રહેતી હોવાથી સમય ના આપી શકવાના કારણે અરુણથી અલગ થાય છે. બંને સુખી દામ્પત્ય જીવનની એક ક્ષણની પ્રતીક્ષામાં જ અલગ પડી જાય છે. ‘જળદીવડો’ વાર્તામાં હરિદ્વારની ઘટના છે. ગંગા નદીના ઘાટ પર દીવડો જો વૃક્ષને વટાવી દે તો મરણપથારીએ પડેલ યુવાન સ્વસ્થ થઈ જાય એવી આસ્થાથી યુવાનની પત્ની અને મા ઘાટ પર આવે છે. યુવાન સ્વસ્થ પણ થાય છે. આસ્થાની આ વાર્તા છે. ‘સ્પોટલાઇટ’ સામાન્ય કક્ષાની વાર્તા છે. અશોક દેસાઈએ રજૂ કરવાની મોનોલોગની સ્ક્રીપ્ટ જડતી ન હોવાથી તે મૂંઝાય છે. સ્ક્રીપ્ટ વાચન વખતે સ્પોટલાઇટ પડે છે. અશોકભાઈ સુરેખાને બદલે તેમની પત્ની રેખાનું નામ સ્ક્રીપ્ટમાં વાંચે છે. આટલી નાની એવી ઘટના પર વાર્તા લખાયેલી છે. ‘લોગ ઉન્હેં જિપ્સી કહેતે હૈ...’ વાર્તામાં જિપ્સી જાતિ રોમાન્સ અને ક્રૂરતા માટે ખ્યાત હોય છે. આ સમુદાયના લચ્છી અને અબ્દુલ રહેમાન એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હોય છે. બંને વચ્ચે અણબનાવ થતાં લચ્છી બીજા પુરુષ જોડે અને અબ્દુલ બીજી સ્ત્રી સાથે વાર્તાકથકને જોવા મળે છે. આ પ્રકારના એમના વર્તનથી જ સર્જકે વાર્તાનું શીર્ષક ‘લોગ ઉન્હેં જિપ્સી કહેતે હૈ...’ આપ્યું છે. ‘મરીનડ્રાઇવના દીવા’ વાર્તામાં રાધી અને ખેમલો એકબીજાના પરિચિત છે. મુંબઈમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવનાર આ બંને પાત્રો સુખદુઃખની વાતો કરે છે. રાધી ખેમલાને આપવીતી જણાવતાં કહે છે કે, શેઠ દેવીદાસની પત્ની મહિના માટે પિયર ગયેલ હોવાથી તે મને તેમના ઘરે લઈ જાય છે. થોડાક દિવસ જાતીય સુખ માણ્યા પછી મારીને કાઢી મૂકે છે. રાધી સાચા દિલથી ખેમલાને ચાહે છે, તો બીજી બાજુ કામુકતામાં અંધ શેઠ રાધીનો ઉપયોગ કરે છે જે વાર્તાકારે juxta-positionની રચના પ્રયુક્તિથી વાર્તા કળાત્મક બની છે. ‘નૈનાં’ વાર્તામાં કેશવ સૌરાષ્ટ્રના નાના ગામમાંથી મુંબઈ કમાવવા માટે આવ્યો છે. મિત્ર સાથે ‘સુહાની રાત’ નામની ફિલ્મ જોતાં બહેન પ્રત્યેની સહાનુભૂતિ જાગે છે. તો ‘અસંબધ્ધ વાતો’ વાર્તામાં ડૉક્ટર પાસે દવા લેવા આવેલ બારામુલ્લાના વતની ચાચાજીની બાર વર્ષની દીકરી પર થયેલ બળાત્કારથી તેમની વેદના વ્યક્ત થઈ છે. આ ઘટનાથી ચાચાજીને મેન્ટલ ડિઝીઝ થયેલ હોય છે. વાર્તામાં ડૉક્ટરની સહાનુભૂતિ ચાચાજી પ્રત્યે જોવા મળે છે. ‘પ્રિયાને પત્ર’ વાર્તામાં હરીન્દ્ર અને કુસુમના, ‘નીલા’માં યોગેન અને નીલા, ‘લીઝા’માં એન્ટની અને લીઝા, ‘જિંદગીના સાથી’માં શૈલેશ અને સરોજ, ‘તારોં ભરી રાત’માં ચંદ્રકાન્ત અને પ્રભુનાં પાત્રો એકબીજાને પ્રેમ કરે છે. પ્રેમ કર્યા પછી લગ્ન થાય છે. દરેક વાર્તાના મધ્યમાં સંઘર્ષ આવે છે, તો સર્જકે અંત સુખદ નિરૂપ્યો છે. પ્રેમલગ્ન થયા પછી ઉપસ્થિત થતા પ્રશ્નો ઉપરની વાર્તાઓમાં કેન્દ્રસ્થાને છે. તો સાથે તેનું સમાધાન પણ વાર્તાઓમાં જોવા મળે છે. ‘પ્રથમ ચૂંટણી’ વાર્તા કેતન મુનશીની પ્રથમ વાર્તા ‘શ્રીયુત પ્રથમ’નું અનુસંધાન છે. ‘શ્રીયુત પ્રથમ’ નામની વાર્તાનું જ પાત્ર શ્રીયુત પ્રથમ સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણી લડવાનું નક્કી કરે છે. સ્વતંત્ર ભારતમાં ચૂંટણી હારનાર અને એ પણ ફરી મતગણતરીમાં તેવા વ્યક્તિ શ્રીયુત પ્રથમ, પ્રથમ હોય છે. વાર્તાની શરૂઆત સર્જક પોતાના નામના ઉલ્લેખ સાથે કરે છે જે વાર્તામાં નવી પ્રયુક્તિ જોવાય છે. બિનજરૂરી વર્ણન અને સંવાદ વાર્તાને નીરસ બનાવે છે. ‘વલ્ગર વાત’ નામની વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં વાર્તાકથક વાર્તા કહે છે. જયંત, રસિક, મહેશ, શાંતુ અને કેતન મિત્રો છે. અવનવી વાતો કરતા રસિક તેની સાથે દરિયાકિનારે બનેલી ઘટના કહે છે. દરિયામાં ડૂબી રહેલી છોકરીને રસિક દરિયાકિનારે તો લાવે છે પણ બચાવી શકતો નથી. મૃત્યુ પામતાં પહેલાં છોકરીના શરીર પર કપડાં ન હતાં એવું જ્યારે રસિક મિત્રોને કહે છે ત્યારે બધાને આ વાત વલ્ગર લાગે છે. વાર્તા અહીં પૂર્ણ થાય છે. ‘વેશ્યાનું લોહી’ વાર્તામાં નિવેદન આવે પછી વાર્તા અને પછી નિવેદન એ પ્રકારની પ્રયુક્તિ જોવા મળે છે. અલકા નામની નાયિકાનું વેશ્યાનું જીવન અને સહાનુભૂતિનું આલેખન છે. ‘મંગુની મજા’ વાર્તામાં અસ્મતજાન નામની નાયિકા જે વેશ્યાના વ્યવસાય સાથે જોડાયેલી છે તેની વેદના આલેખ પામી છે. ‘ચગડોળમાં’ વાર્તા સામાન્ય કક્ષાની વાર્તા છે. કાંતિલાલ અને રમેશ બે ભાઈ છે. કુંદન મેહતા નામની સ્ત્રી સાથે રમેશનાં લગ્ન કરાવવા કુંદન મહેતાને કાંતિલાલ સાચવે છે. બંનેનાં લગ્ન થાય છે અને ત્યાં વાર્તા પૂર્ણ થઈ જાય છે. ‘પેરિસની એક રાત’ વાર્તામાં બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના આક્રમણથી પત્ની અને દીકરીને ગુમાવી દીધા પછી એક સારા વાયોલિનવાદક મોંસ્યુને સામાન્ય કાફેમાં વાયોલિન વગાડવાનું કામ કરવું પડે છે. યુદ્ધ પછી ફુગાવાની અસરથી મોંસ્યુ મહાન વાયોલિનવાદક બનવાની જગ્યાએ સામાન્ય જગ્યાએ કામ કરે છે છતાં તેને આ કામનો કોઈ અફસોસ નથી. લાગણીસભર આ વાર્તા કોઈ કામ નાનું નથી એવો સંદેશો આપે છે. ‘વૈશાખી પૂનમ’ વાર્તામાં રમેશભાઈ નામક ચારિત્ર્યવાન પાત્ર જોવા મળે છે. મીનાને દરિયામાં ડૂબતાં બચાવતા રમેશભાઈ પ્રત્યે મીનાનું આકર્ષણ, રમેશભાઈને સંભોગ માટે આમંત્રણ આપવા છતાં તેમાંથી મીનાને બહાર લાવી તેને બહેન માને છે. વાર્તામાં રમેશભાઈની આર્થિક પરિસ્થિતિનું વર્ણન વાચકને તેમના પ્રત્યે સહાનુભૂતિ જન્માવે છે. ‘સ્વપ્નનો ભંગાર’ વાર્તા વાર્તાસંગ્રહનું શીર્ષક છે. શહેરના ધનવાન ગણાતા વિસ્તારમાં કાળુ સાફ-સફાઈનું કામ કરતો. કાળુ રૂડીને તેની સાથે લગ્ન કરવા કહે છે. રૂડી ઘસીને ના પાડી ત્યાંથી ભાગે છે. કાળુ પાછળ દોડી તેને પકડે છે. રૂડી ચીસાચીસ કરી મૂકતાં લોકો ભેગા થઈ કાળુને મારે છે. કાળુ ત્યાંથી ભાગી એક વેશ્યાખાનામાં જાય છે. ત્યાં પઠાણ ખિસ્સામાંથી ચાર આના પડાવી મારીને કાઢી મૂકે છે. કાળુ શો રૂમ આગળ આવી મૂકેલા પૂતળાને વહાલ કરે છે. પૂતળીને ઉઠાવીને તે ભાગે છે. રસ્તામાં શો રૂમનો દરવાન જોઈ જાય છે, રોકવાનો પ્રયત્ન કરે છે. હતાશ બનેલા કાળુના હાથમાંથી પૂતળી પડે છે. પૂતળીના ટુકડેટુકડા થઈ જવાથી કાળુ તેના સ્વપ્નના ભંગાર સામે તાકી રહે છે. ‘રાત’ વાર્તામાં મુંબઈ શહેરમાં એક આખી રાતે બનતી નવ ઘટનાઓ સર્જકે આલેખી છે. આરંભમાં સંધ્યાનું વર્ણન પછી આઠ વાગ્યાથી લઈ મધ્યરાત્રિ સુધી પ્રેમી-પ્રેમિકાનો વિયોગ, રાજકારણ, સર્જકની વાત, પતિ-પત્નીનો ઝઘડો, વેશ્યાવૃત્તિ, ન્યૂઝપેપર, ટ્રામ ડ્રાઇવરની વેદના, વિધવાના પુત્રનું મૃત્યુ અને નવવધૂનો રોમાન્સ – આ નવ ઘટનાઓ વાર્તામાં અલગ અલગ પાત્રો વડે સર્જકે નિરૂપી છે. ‘તાજની છાયામાં’, ‘મરીનડ્રાઇવના દીવા’, ‘વલ્ગર વાત’, ‘વૈશાખી પૂનમ’ અને ‘રાત’ વાર્તાઓમાં મુંબઈના દરિયાકિનારાનું વર્ણન જોવા મળે છે. ‘પ્રિયાને પત્ર’, ‘નીલા’, ‘લીઝા’, ‘જિંદગીના સાથી’માં પ્રેમલગ્નનો વિષય જોવા મળે છે. ‘સ્વપ્નનો ભંગાર’, ‘એક ક્ષણ’ વાર્તાઓમાં પ્રેમની ઊણપ નજરે પડે છે.
૩. ‘રક્તદાન’
‘રક્તદાન’ કેતન મુનશીનો મરણોત્તર પ્રકાશિત થયેલ ત્રીજો વાર્તાસંગ્રહ છે. ઈ. સ. ૧૯૬૨માં પ્રકાશિત થયેલ આ સંગ્રહ પૂજ્ય અમ્મા અને કાકાને (શ્રી લીલાવતી બહેન અને દ્રુપદલાલ મુનસીફ)ને અર્પણ છે. ૧૭ વાર્તાઓ સંગ્રહમાં સમાવિષ્ટ છે. ‘રક્તદાન’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. ફ્રાન્સ અને વિયેટમિન્હ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ને એમાં બહુ બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. વિયેટમિન્હ સૈનિકના શરીરમાં આન્દ્રે બેયોનેટ ઘુસાડી દે છે અને એ જ એને લોહી પણ આપે છે. આન્દ્રેનું માનસપરિવર્તનનું મર્મસ્પર્શી આલેખન સર્જકે કર્યું છે. ‘ઘેરૈયા’ વાર્તામાં નવરાતરના દિવસોમાં દામુ ફળિયાની ખીમાની ટોળી ખૂબ જ વખણાતી. સામા પક્ષની ટોળી પણ મજબૂત હતી. સામેની ટોળીના કેટલાંક તોફાની તત્ત્વો પથરા ફેંકતા ખીમાના દીકરાનું મૃત્યુ થાય છે. ખીમો આ મૃત્યુને ‘જેવી માતાજીની ઇચ્છા’ એવું કહી પ્રતિકાર કરતો નથી. ૬૨ વર્ષનો ખીમો સામસામે આવી ગયેલ ટોળી સામે પોતાની ટોળીને જીતાડવા માટે ખૂબ નાચે છે. નાચતાં નાચતાં તેનું મૃત્યુ થાય છે. ખીમાની માતાજી માટેની અસીમ શ્રદ્ધા વાર્તામાં જોવા મળે છે. ઘેરૈયાઓના ખુમારીનું યથાર્થ વર્ણન સર્જકે વાર્તામાં મૂકી આપ્યું છે. ‘ભૂત-નાટક’ વાર્તા સ્વપ્નનો ભંગાર સંગ્રહની વાર્તા ‘વલ્ગર વાત’નું અનુસંધાન છે. પાનકોર કાકીને ડરાવવા જગુ અને શાંતુ ભૂત છે એવું નાટક કરે છે પણ સફળ થતાં નથી. પાનકોર કાકીનો પુત્ર કૂવામાં પડી મૃત્યુ પામે છે એ જાણી જગુ અને શાંતુ પાનકોર કાકી પ્રત્યે સહાનુભૂતિ અનુભવે છે. ‘ટેલિફોન પર’ વાર્તામાં ટેલિફોનના માધ્યમનો વિનિયોગ કરી વાર્તાકારની અભિવ્યક્તિ ધ્યાનપાત્ર છે. બે બહેનપણીઓ શારદાબહેન અને મનોરમાબહેન ટેલિફોન પર સુખદુઃખની વાતો કરતી હોય છે. શારદાબેનની પુત્રી શ્વેતા અને મનોરમાબહેનનો પુત્ર શરદેન્દુ એકબીજાને પ્રેમ કરતા હોય છે. પણ વડીલોને કહી શકતાં નથી. બંને બહેનપણીઓને આ વાતની ખબર પડતા બંનેના લગ્ન કરાવવા માટે તૈયાર થાય છે. બાળકો પ્રત્યેની સહાનુભૂતિ વાર્તામાં જોવા મળે છે. ‘જાણભેદુ’ વાર્તા ૮ ઓગસ્ટ, ૧૯૪૨ની ઘટનાને વર્ણવે છે. રણજિતરાય અને તેમનો પુત્ર કિશોર ક્રાંતિકારી હતા. ‘ક્રાંતિ દળ’ના હુકમથી પાવરહાઉસ ઉડાવી દેવાની યોજના તૈયાર થાય છે. આનું સુકાન કિશોરના હાથમાં હોય છે. રણજિતરાય જ્યારે વિચારે છે કે, પાવરહાઉસ જો ધરાશાયી થશે તો તેની સાથે રાયચંદ હૉસ્પિટલ પણ નાશ પામશે. આ રાયચંદ હૉસ્પિટલમાં કિશોરની પત્ની બાળકને જન્મ આપવાની હોય છે. રણજિતરાય પોલીસને જાણ કરે છે કે, રાયચંદ હૉસ્પિટલમાં ખૂન થયું છે. પોલીસ આવી જવાથી કિશોર અને તેના સાથીઓ કામ અધૂરું મૂકી પાછા આવી જાય છે. આ દિવસે રણજિતરાય પૌત્રને જોઈને ક્યાં ચાલ્યા જાય છે તે કોઈને ખબર નથી. તેમના વિશે આપઘાતની, ગાંડા થવાની, ચાલ્યા જવાની અટકળો તેજ બને છે. વાર્તામાં રણજિતરાયનો મનોસંઘર્ષ લેખકે સરસ રીતે નિરૂપ્યો છે. વાર્તાનું શીર્ષક ‘જાણભેદુ’ સૂચક રીતે આપવામાં આવ્યું છે. ‘કલ્પના’ વાર્તા ફ્લેશબૅક ટેક્નિકનો ઉપયોગ કરી સર્જકે લખી છે. કલ્પના નીલકંઠના પ્રેમમાં હોય છે. તે છૂટાછેડા લઈને નીલકંઠ સાથે લગ્ન કરવા આતુર હોય છે. પણ નીલકંઠ કહે છે કે, હું તો તને દેવી માનું છું, શુદ્ધ પ્રેમ કરું છું, તારી સાથે સંભોગ ના કરી શકું. કલ્પના નીલકંઠની હાજરીમાં જ દરિયામાં પડી આપઘાત કરે છે. નીલકંઠ દરિયાકિનારે એકલો બેઠો આ સમગ્ર ઘટના વાગોળીને ખૂબ દુઃખી થાય છે. ‘ઉકેલ વિનાનો પ્રશ્ન’ વાર્તામાં આશા કૉલેજથી પાછાં ફરતાં વરસાદ હોવાથી સંતોષ નામના પાત્ર જોડે કારમાં લિફ્ટ લે છે. સંતોષ આશાનો હાથ પકડે છે અને કહે છે કે, તેનો ચહેરો કદરૂપો હોવાથી તેની સાથે કોઈ મિત્રતા કે લગ્ન કરવા તૈયાર નથી. આશા ઘરે જઈ સંતોષ સારો માણસ હશે કે ખરાબ તે વિશે વિચાર કરે છે. સામાન્ય ઘટના હોવા છતાં વાર્તાની વર્ણનકલા ઉત્તમ છે. ‘શીલા’ વાર્તા ભારત-પાકિસ્તાનના વિભાજન સમયની એક ઘટનાને વાચા આપે છે. સિંધના નાના શહેરમાં નીલા, ગીતા અને તેની બા રહેતાં હોય છે. એક દિવસ મુસલમાનોનું ટોળું હથિયાર લઈને તેમના બંગલામાં ઘૂસે છે. નીલા બહાર ઝાડીઓમાં સંતાય છે તો ગીતા અને તેની બા બંગલામાં હોય છે ત્યારે ગુંડાઓનું એક ટોળું બાનું ખૂન કરી ગીતાને ઉપાડી જાય છે. આ ઘટના પછી લીલા પુરુષજાતને ખૂબ જ નફરત કરતી હોય છે. એક દિવસ અચાનક ગીતા નીલાને મુંબઈમાં મળે છે, તે પોતાની આપવીતી જણાવતાં કહે છે કે, ચાર દિવસ ગુંડાઓએ મને પૂરી રાખી. મહામુસીબતે હું ત્યાંથી ભાગી અને અનવર નામના મુસ્લિમ યુવકે મને આશરો આપ્યો. આઠ મહિના અનવર સાથે રહ્યા પછી લગ્ન કર્યાં અને પાંચ વર્ષનો અકબર નામનો દીકરો છે. નીલા જ્યારે અનવરની સારી બાબતો જાણે છે એ પછી તેના બધા જ વિચારો, માન્યતાઓ બદલાય છે. વાર્તામાં હિન્દુ-મુસ્લિમ એકતાનો સૂર પ્રગટ થાય છે. ‘રોબર્ટ અને રોબૉટ’ વાર્તા સર્જકે ઈ. સ. ૨૦૫૦ના સમયની કલ્પના કરી લખેલી છે. ત્રીજા વિશ્વયુદ્ધમાં હાઈડ્રોજન બૉમ્બથી વિનાશ તો ચોથા વિશ્વયુદ્ધમાં હવા બૉમ્બથી વિનાશ થાય છે. વિશ્વયુદ્ધની અસરથી માનવીની પ્રજનનશક્તિ ઘટી, જેથી વૈજ્ઞાનિકો યંત્રમાનવ બનાવે છે. વાર્તા વાંચતા સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘રોબૉટ’ નજર સમક્ષ આવે છે. આ ફિલ્મની વાર્તા વચ્ચે મોટેભાગે સામ્યતા છે. રોબર્ટ રોબૉટને આબેહૂબ તેના જેવો જ બનાવે છે. રોબર્ટ સ્મિતાને પ્રેમ કરતો હોય છે. રોબૉટને જેવી લાગણી રોબર્ટને જન્મે એવી જ એને પણ જન્મે છે. રોબૉટ એક દિવસ સ્મિતાના ઘરે જઈ તેને પોતાની બાહોમાં લઈ ચુંબન કરતો હોય છે. એવામાં રોબર્ટ ત્યાં પહોંચી જાય છે. રોબર્ટ રોબૉટ ઉપર ગોળીબાર કરે છે, પણ રોબૉટ ધાતુનો બનેલો હોવાથી તે મૃત્યુ પામતો નથી. રોબૉટ પિસ્તોલ લઈ રોબર્ટ પર ગોળીબાર કરે છે. રોબર્ટ મૃત્યુ પામે છે સાથે રોબૉટ પણ મૃત્યુ પામે છે. સ્મિતા આ દૃશ્ય જોઈ જ રહે છે. યુદ્ધ હંમેશાં વિનાશ નોતરે અને માનવસર્જિત યંત્રમાનવ કુદરતનું સર્જન નથી જે વિશ્વને આખરે તો નુકસાનકારક જ, એવો બોધ વાર્તામાંથી પમાય છે. કેતન મુનશીએ આ વાર્તાની કલ્પના ઈ. સ. ૧૯૫૦ની આસપાસ કરી છે જે એમની એક વિશેષતા છે. ‘કેદી’ વાર્તાનો નાયક રામસિંગ પત્નીની સારવાર માટે બૅન્કમાં ઉચાપત કરે છે. પોલીસ પકડી જાય છે. જેલમાંથી ભાગવાની તક મળે છે છતાં દીકરી મીના અને પુષ્પાનું વિચારી ભાગતો નથી. આ વાર્તા ‘અંધારી રાતે’ સંગ્રહની વાર્તા ‘લાલ ચીંદરડી’ સાથે સામ્ય ધરાવે છે. ‘આત્માનું અમરત્વ’ વાર્તા Graham Greenની વાર્તા ‘Proof Positive’નો અનુવાદ છે. મેજર ફિલિપ વીવર આત્મા અમર છે એવું પુરવાર કરવા મથે છે. ‘છેલ્લો ઉપાય’ વાર્તામાં સુધીર અને છાયાની ઓળખાણ બેડમિન્ટન કોર્ટ પર થાય છે. બંનેને સાથે રહેવું હોય તો છેલ્લો ઉપાય લગ્ન જ હોય છે. ‘ડાકબંગલામાં’ વાર્તામાં રામદેવસિંગનું પાત્ર ભૂતકાળમાં એનું સ્ત્રીઓ સાથેનું વર્તન ખરાબ હતું પણ જ્યારથી લગ્ન થયાં ત્યારથી એ બદલાયો છે. આટલી ઘટનાને લઈને વાર્તા રચાય છે. ‘પ્રેમની ભૂકી’ વાર્તામાં રામપુર ગામના વૈદ દામોદર અને મિત્ર છબીલની ઘટના છે. દામોદર ખુશાલ પટેલની દીકરી કમળાને મનોમન ચાહતો હોય છે. બીજી બાજુ છબીલ કમળાને લઈને ભાગી જવાનો તખતો તૈયાર કરતો હોય છે. છબીલ કમળા વશમાં થઈ જાય એવી પ્રેમની ભૂકી દામોદર પાસે લેવા આવે છે. દામોદર ઈર્ષાસહજ ઊંઘની ભૂકી છબીલને આપે છે. છબીલ તે ભૂકી કમળાની જગ્યાએ ખુશાલ પટેલને પીવડાવી દે છે. છબીલ અને કમળાના લગ્નની વાત દામોદર સાંભળતા નિરાશા અનુભવે છે. ‘ત્રિપગા’ વાર્તામાં સૂરમાનું પાત્ર કેન્દ્રસ્થાને છે. જગદીશની કારથી સૂરમાનું અકસ્માત થતાં એક પગ કાપવો પડે છે. જયંત સાથે થયેલ સૂરમાનો વિવાહ તૂટી જાય છે. જગદીશથી થયેલી ભૂલને કારણે તે દરરોજ સૂરમાને મળવા જતો હોય છે. બંને ત્રિપગા રમતમાં પારંગત હતાં એવી ચર્ચા થાય છે. સૂરમા આજે ત્રિપગા સમાન છે જેનું દુઃખ તેને થાય છે. જગદીશ અને સૂરમા એકબીજા પ્રત્યે લાગણીથી જોડાય છે. બંનેનાં લગ્ન થયાં હશે કે કેમ સર્જકે એ વિચાર વાચકના મનમાં રમતો મૂકી દીધો છે. ‘એકલવ્ય’ વાર્તા રસાયણ વિભાગના અધ્યાપક ડૉ. બેનરજીનો હોશિયાર વિદ્યાર્થી સતીશ મજમુદારની ઘટના છે. સતીશ એવું રસાયણ તૈયાર કરે છે કે તેનાથી હિમાલયને પળવારમાં ઉડાવી શકાય. ડૉ. બેનરજીને આ વાતની જાણ થતાં સતીશને એ નોંધો ન છાપવા તેમ જ જીવનનો અંત આણવો એવું કહે છે. આધુનિક સમયનો આ એકલવ્ય ગુરુની આજ્ઞા માની આત્મહત્યા કરે છે. મહાભારતના એકલવ્યનો ઉલ્લેખ કર્યા વિના જ આ એકલવ્યનું અનુસંધાન કરાવી આપે છે. સર્જકની મહત્ત્વની વાર્તાઓમાં સ્થાન લઈ શકે એવી વાર્તા છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘ધરતીનાં આંસુ’માં રઘુનું ઉત્તમ પાત્ર નિરૂપાયું છે. કોલસાની ખાણમાં પાણી ભરાય જતાં અનેકનો જીવ બચાવી પોતાના જીવનનો અંત આણતો રઘુ લગ્નજીવનના સુખી દિવસોને યાદ કરે છે. રઘુની સ્વજનો પ્રત્યેની ભાવના સ્પર્શી જાય એવી છે. કેતન મુનશીની ૫૧ વાર્તાઓમાંથી પસાર થતાં તેમની વાર્તાઓ વિષયવસ્તુ, રચનારીતિ, કથનકળા અને પ્રયુક્તિની રીતે ઉત્તમ છે. રોબૉટ, મોંસ્યુ, આન્દ્રે, મોસેલ, ત્રાડસિંહ, કાળુ જેવાં વૈવિધ્યસભર પાત્રો વાર્તાઓમાં જોવા મળે છે. કેતન મુનશીની વાર્તાઓ વિશે શરીફા વીજળીવાળાએ નોંધ્યું છે : “વાર્તાકાર રૂપે કેતન મુનશીની બે લાક્ષણિકતાઓ તરત જણાઈ આવે છે. પહેલી એ કે એમણે, એમના પૂર્વવર્તી કે સમકાલીને કોઈ વાર્તાકારની સીધી અસર ઝીલી નથી. અલબત્ત, રા. વિ. પાઠકની માફક ‘મહેફિલે ફેસાનેગુયાન’ જેવા એકાદ-બે પ્રયોગ એમણે ‘યાદગાર વાત’ અને ‘ભૂત’ વાર્તાઓમાં કર્યા છે. એમની બીજી લાક્ષણિકતા છે વાર્તાને, જમાવીને લડાવીને, મલાવીને કહેવાની સહજસાધ્ય કથનકળા. વાર્તાના આરંભથી અંત લગી, વસ્તુગત નિરાળાપણું, પાત્રની સંકુલ મનોવૃત્તિનું કસાવદાર નિરૂપણ અને વાર્તાનાં પાત્ર, વસ્તુ તેમ જ પરિવેશ અનુસારી ગદ્ય પ્રયોજનથી કેતન મુનશી વાચકને જકડી રાખવાની અદ્ભુત ફાવટ ધરાવે છે. એમની ૫૧માંથી ૧૫ વાર્તાઓને સરેરાશ વાચક સરસ વાર્તા કહેશે, ખાસ કરીને ‘છબી’, ‘જિંદગીનાં સાથી’, ‘અસંબદ્ધ વાતો’, ‘મંગુની મઝા’, ‘સ્વપ્નનો ભંગાર’, ‘ઘેરૈયો’, ‘જાણભેદુ’, ‘ધરતીનાં આંસુ’ વગેરેને.” ‘રોબર્ટ અને રોબૉટ’ વાર્તાની આવી કલ્પના અને એ પણ એ સમયે કરી તે અદ્ભુત છે. બીજી એક વાત ચોક્કસ નોંધવી પડે કે કેતન મુનશીને કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયનું જ્ઞાન હતું. ‘પેરિસની એક રાત’માં પશ્ચિમી દુનિયા, ‘નૈનિતાલની ઠંડી સાંજે’માં આદિવાસીના રીતરિવાજ, ‘શીલા’માં ભારત-પાકિસ્તાન વિભાજનની વાત, ‘એકલવ્ય’માં વિજ્ઞાનની વાત લઈને આ સર્જક આવ્યા છે. પ્રથમ બે વાર્તાસંગ્રહમાં પસાર થતાં મોટાભાગની વાર્તાઓમાં સિગારેટનું સેવન, પ્રેમમાં દગો અને છેતરામણી, દરિયાકિનારાના સાંજનું વર્ણન, પતિ-પત્નીના ઝઘડા, નિરાશા, હાર, વરસાદનું વર્ણન, મુંબઈની ફેમસ રેસ્ટોરન્ટમાં ચા-નાસ્તો, સિનેમા જેવા પ્રસંગોનું પુનરાવર્તન જોવા મળે છે. તેમનો મરણોત્તર પ્રકાશિત સંગ્રહ ‘રક્તદાન’માં આ પુનરાવર્તન જોવા મળતાં નથી. ઓછી ઉંમરે જો એમનું અવસાન ના થયું હોત તો ગુજરાતી ટૂંકી વાર્તામાં એમનું યોગદાન વિશેષ હોત. અંતે ચન્દ્રકાન્ત ટોપીવાળાએ કહ્યું છે તેમ, “કેતન મુનશીની વાર્તાઓ પ્રસંગોની ગતિ વચ્ચે માણસના મનની ગતિ પકડવાનું અઘરું કામ કલાત્મક રીતે પૂરું કરે છે એમાં વાર્તાકારનો વિજય છે.”
સતીશ પટેલ
અધ્યાપક,
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પ્રાંતિજ
મો. ૬૩૫૩૫ ૧૪૯૫૩, ૯૪૨૮૬ ૪૨૪૬૭
Email : patelsatish૧૯૮@gmail.com