ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સમીરા પત્રાવાલા
કિશોર પટેલ
વાર્તાકારનો પરિચય :
સમીરા દેખૈયા પત્રાવાલા, જ. ૧૪-૦૭-૧૯૮૩. જન્મસ્થળ : ભાવનગર, વાસ્તવ્ય : મુંબઈ. અભ્યાસ : બી. ઈ. આઈ. ટી. વ્યવસાય : લેખન. બાળપણ ભાવનગરમાં, લગ્ન બાદ મુંબઈમાં સ્થાયી. સોફ્ટવેર એન્જિનિયર તરીકે થોડો સમય નોકરી કર્યા પછી હાલમાં લેખન પૂર્ણ સમયનો વ્યવસાય. દૂરદર્શન ધારાવાહિક શ્રેણીઓ અને ટૂંકી ફિલ્મો માટે પટકથાઓ લખી છે. બાળઉછેર અને ગર્ભયાત્રા વિષે પુસ્તકો લખ્યાં છે. હાલમાં ગુજરાતી ‘મિડ-ડે’માં ફીચર રાઇટર અને યુટ્યુબ કોન્ટેન્ટ ક્રીએટર તરીકે કાર્યરત. લેખન-વાચન ઉપરાંત ચિત્રકળા, સંગીત, અભિનય અને એન્કરીંગ કરવાનો શોખ છે. વિશેષ માહિતી : કળાક્ષેત્રે ભાવનગરનો દેખૈયા પરિવાર જાણીતો છે. પ્રખ્યાત સૂફી ગઝલકાર નાઝિર દેખૈયા ‘બેબસ’ સમીરાબેનના દાદા થાય. ગઝલ, સંગીત અને ચિત્રકળા માટે જાણીતા ડૉક્ટર ફિરદૌસ દેખૈયા સમીરાબેનના મોટાભાઈ થાય.
પ્રયોગાત્મક વાર્તાઓની રસલ્હાણ :
સમીરાબેનની વાર્તાઓમાંથી પસાર થતાં વિષય અને રજૂઆતનું વૈવિધ્ય નજરે પડે છે. જેટલી વાર્તાઓ એટલા વિષયો! વળી આ વાર્તાઓમાં કથક પણ અવનવા અજમાવાયા છે. એક વાર્તામાં કબ્રસ્તાનની દીવાલ પોતાની જુબાની આપે છે તો બીજી એક વાર્તામાં સૂમસામ રસ્તો વાતો કરે છે, સંગ્રહની પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ વાર્તાકાર કિરીટ દૂધાત નોંધે છે કે, ‘એમનાં કથકો સમકાલીન વાર્તાકારો કરતાં અલગ છે, ક્યાંક તો એવાં કથકો લીધાં છે જે એમનો વિશેષ બની રહે છે.’ કિરીટભાઈ વધુમાં કહે છે કે, ‘સમીરાની વાર્તાઓમાં મુખ્ય પાત્રો કોઈને કોઈ રીતે સમાજથી, કુટુંબથી કે ખુદ પોતાનાથી પણ કપાઈ ગયેલાં છે. એમની વાર્તાઓમાં આ રીતે કપાઈ જવું એ એક સતત ચાલતું રહેતું થીમ છે.’ વાર્તાલેખનની અસંખ્ય શિબિરો કરનારા વાર્તાકાર અને ફિલ્મલેખક રાજુ પટેલ નોંધે છે કે, સમીરાની વાર્તાઓમાં ભાવુકતાના પરપોટા નથી પણ અનુભૂતિનાં ફીણ છે. વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ એમના પુસ્તક ‘વાર્તાવિશેષ’(૨૦૧૭)માં સમીરાબેનની વાર્તા ‘ફકીરની પાળ’ પ્રસિદ્ધ કરી છે અને નોંધ્યું છે કે એમાં ફકીરનું રેખાચિત્ર સરસ ઉપસ્યું છે. દોરાના બોજથી લીંબડો અકળાય છે. પુત્રીના ઉલ્લેખ પછી વાર્તા આગળ વધે છે. કબ્રસ્તાનની દીવાલ કહે છે કે, ‘મારું નવું નામ છે ફકીરની પાળ. અહીં દરેક ધર્મના લોકો આવે છે. દુઃખનો વળી ક્યાં ધર્મ હોય છે?’ પ્રસિદ્ધ વિવેચક શરીફાબેન વીજળીવાળાએ સ્ત્રીલેખકોની વાર્તાઓનું સંપાદન કર્યું એમાં પ્રથમ વાંચને મન પ્રસન્ન થઈ જાય એવી વાર્તાઓ લખનારી બહેનોની નાનકડી યાદીમાં સમીરાબેનનું નામ સામેલ કર્યું છે. સમીરાબેનની એકથી વધુ વાર્તાઓ વિવિધ સ્પર્ધાઓમાં વિજયી નીવડી છે. ‘રોટલી’માં આપણા દેશની બહુમતી કન્યાઓની નિયતિ અંગે વિધાન થયું છે, પરણ્યા પછી સાસરે જઈને ગુલામી કરવાની. કન્યાઓ માટે શિક્ષણનો મુદ્દો એમના માવતર માટે ક્યારેય અગ્રક્રમમાં હોતો નથી. નાની બાળકી ચકીએ બનાવેલી રોટલીનો આકાર જોઈને એના મોટા બાપુ મોં બગાડે છે અને પુત્રવધૂને તાકીદ કરે છે કે ચકીને રોટલી સરખી બનાવતાં શીખવાડો. ચકીની માતા પુષ્પાને થાય છે કે પોતાની જેમ દીકરીનું આયુષ્ય પણ આમ જ એળે જવાનું છે. પુષ્પા દીકરીને મારવા લે છે. એના બૂમબરાડા અને સપાટા સાંભળીને બહાર બેઠેલા ઘરના પુરુષોને એવું લાગે છે કે પુષ્પા દીકરીને ઢોરમાર મારે છે, ઘરના પુરુષોને અપરાધભાવ થઈ જાય એવું કરપીણ દૃશ્ય પુષ્પા ઊભું કરે છે. ‘છાંટા’માં સ્ત્રીઓના માસિક ઋતુચક્રનો મુદ્દો છે. વિજ્ઞાનની પ્રગતિ પછી પણ સમાજમાં અનેક ગેરસમજો પ્રવર્તી રહી છે. ઋતુચક્રમાંથી પસાર થતી સ્ત્રીના સ્પર્શથી અભડાઈ જવાય જેવી માન્યતાઓને જૂની પેઢી પકડી રાખે છે. આ અંગે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કરે છે. ‘ફકીરની પાળ’ કબ્રસ્તાન જેવા ભેંકાર પરિવેશમાં આકાર લે છે. અહીં મુફલિસની જેમ પડી રહેતા એક વૃદ્ધને લોકો અવતાર સમજીને માન આપે છે. જે લીમડાની છાંયમાં એ પડેલો રહે છે એની ડાળીએ લોકો દોરો બાંધીને માનતા માને છે. એકની પાછળ બીજાઓ આવે છે અને ધીમે ધીમે એ જગ્યા ફકીરની પાળ તરીકે ઓળખાવા માંડે છે. ત્યાં આવેલી એક જુવાન સ્ત્રીનું નામ નૂરી સાંભળતાં જ ફકીરની ડાગળી ચસકે છે. કબ્રસ્તાન છોડીને એ ભાગી છૂટે છે. વાર્તાકારે કશી સ્પષ્ટતા કરી નથી પણ બની શકે કે નૂરી નામની એની દીકરીએ જાણ્યેઅજાણ્યે પિતાનું દિલ દૂભવ્યું હોય. ત્યાં આવેલી પેલી સ્ત્રી પોતે કદાચ નૂરી ના પણ હોય. ‘સુમી, તને નહીં સમજાય’માં નાયકની પત્નીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, ઑપરેશન થિયેટરનો દરવાજો બંધ થવાનું દૃશ્ય નાયકને શૈશવમાં લઈ જાય છે જે ખૂબ યાતનામય હતું. એના પિતા વ્યસની હતા. પિતાની એ કુટેવને કારણે માતા અને તેમ જ ઘરનાં અન્ય સહુએ ખૂબ ભોગવ્યું છે. ‘વાવણી’માં પિતાના મૃત્યુના પરિણામે નાયકમાં પરિપક્વતા આવે છે. ‘વાસ’ શબ્દના બે અર્થ થાય છે. એક રહેઠાણ અને બીજો ગંધ. વાર્તાનું નિરૂપણ આ બંને અર્થમાં થયું છે. અહીં હાંસિયામાં રહેતા સમાજની વાત થઈ છે. ઝૂંપડપટ્ટીમાં જાતજાતની વાસ આવતી હોય. નાયકના પિતા દેશી દારૂ વેચવાનો ધંધો કરે છે. વળી એ પોતે પણ એ પીણાંનું સેવન કરે છે. એની રહેણીકરણીને કારણે કુટુંબે પારાવર મુશ્કેલીઓ અનુભવી છે. એટલે જ નાયકે નક્કી કર્યું હોય છે કે પિતાના પગલે ક્યારેય ના ચાલવું. પણ પિતાના મૃત્યુ પછી સંજોગો એને નિર્ણય બદલવા મજબૂર કરે છે. ‘સિલવટ’માં આપણી વાર્તાઓમાં ભાગ્યે જ ચર્ચાતા વિષયનું નિરૂપણ થયું છે. અહીં સ્ત્રીના જાતીય આવેગનું આલેખન થયું છે. ‘ચંપાનો ગજરો’માં પણ વિરલ કહેવાય એવો વિષય છેડાયો છે. બે કન્યાઓ વચ્ચેના સજાતીય સંબંધની વાત છે. ‘ખોળો’માં એક પુરુષને માતૃત્વ અનુભવવાની અજબ ઝંખના થાય છે. એની પત્નીને ગર્ભ રહે એ પછી નાયક ઘરની બાલ્કનીમાં એક છોડ ઉછેરીને માતૃત્વ માણી લે છે. ‘સિગ્નલ વિનાની જિંદગી’માં અગણિત લોકોની અધૂરી ઇચ્છાઓનો કોલાજ રજૂ થયો છે. ‘રસ્તો’માં માણસજાતે પોતે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે તેની વાત થાય છે. ‘બાબુ ઘડિયાળી’માં ભિન્ન રસરુચિ ધરાવતાં સ્ત્રી-પુરુષ પણ નિકટ આવતાં એકબીજાના પ્રેમમાં પડી શકે છે એવું અધોરેખિત થયું છે. ‘રોજ રાતે’માં નાયકને ગજરાની સુગંધ ગમે છે એ અંગે એની આસપાસના લોકો એને શંકાથી જુએ છે. આમ માણસોને ચોક્કસ વ્યાખ્યાઓમાં બાંધી દેતા આપણા સામાજિક અભિગમ પ્રતિ વાર્તાકાર ઈશારો કરે છે. વ્યંજનામાં કહેવાયેલી વાર્તા ‘જોયું ન જોયું’માં માણસ નામના પ્રાણીમાં રહેલી આદિમ વૃત્તિનો ઉલ્લેખ થયો છે. સ્થૂળ રીતે એકબીજાથી દૂર થઈ ગયેલા બે મિત્રોને એકબીજાની ખોટ કેટલી તીવ્રપણે સાલે છે તે ‘મેટ્રો’ વાર્તામાં કહેવાયું છે. અહીં મિત્રો અને મેટ્રો એમ બે શબ્દો વચ્ચેનું સામ્ય નોંધનીય છે. કાલ્પનિક પરિવેશમાં આકાર લેતી વાર્તા ‘ઘા’માં વાત તો એક ભયાનક વાસ્તવિકતાની થાય છે. આદમીની સતત હિંસાથી કંટાળેલી સ્ત્રી એક દિવસ પ્રતિકાર કરવાનું નક્કી કરે છે. ‘દરવાજે કોઈ આવ્યું હતું, કોણ એ ખબર નહીં’માં દેશમાં ફેલાઈ રહેલી સાંપ્રદાયિકતા અંગે એક વિધાન થયું છે. દરેક ફકરાના આરંભે મૂકાયેલી ધ્રુવપંક્તિ ‘દરવાજે કોઈક આવ્યું હતું, કોણ એ ખબર નહીં.’ એક દહેશત નિર્માણ કરે છે.
ઉપસંહાર :
દરેક વાર્તામાં અવનવા વિષયો અને આગવીવેગળી રજૂઆત આ સંગ્રહની વાર્તાઓનું આગવું લક્ષણ છે. ટૂંકી વાર્તાક્ષેત્રે તાજગીભરી શરૂઆત કરનારાં સમીરાબેન પાસેથી ભવિષ્યમાં વધુ ને વધુ ઉત્તમ વાર્તાઓની અપેક્ષા રહેશે.
કિશોર પટેલ
ટૂંકી વાર્તાઓ લખવાનું અને લાંબી ક્રાઈમ-થ્રિલર નવલકથાઓ વાંચવાનું એમને પસંદ છે. મુંબઈના વિવિધ ગુજરાતી અખબારોમાં પંદરેક વર્ષ સુધી એમણે નાટ્યસમીક્ષાની અઠવાડિક કટાર લખી છે. ‘સ્ટેલમેટ’ નામની લઘુનવલ પ્રગટ થઈ છે. ‘વાત એક લીમડાની’ શીર્ષક હેઠળ પિતાનું જીવનચરિત્ર લખ્યું છે. એમના વાર્તાસંગ્રહ ‘ડિવોર્સ @ લવ.કોમ’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો રામનારાયણ પાઠક પુરસ્કાર (૨૦૧૦) અને હિન્દી નાટક ‘આઈને કે અંદર કા આદમી’ને સાહિત્ય કલા પરિષદ, દિલ્હીનો મોહન રાકેશ સન્માન પુરસ્કાર (૨૦૧૨) મળ્યો છે. હાલમાં સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાઓનો અભ્યાસ કરવામાં મગ્ન રહે છે.