ગુજરાતી નારીસંપદા : કવિતા/એ
દર્શિની દાદાવાલા
⯐
ગંદા, ગંધાતા, લીલ, શેવાળ અને કીડાઓથી ખદબદતા તળાવમાં
ખીલેલું ફૂલ
જોઈને
એણે વિચાર્યું
આ તો મારા હાથમાં જ હોવું જોઈએ.
એ તરત જ લપક્યો
તળાવની દિશામાં
ફૂલ હતું
આમ તો કિનારા પાસે જ.
એણે હાથ લાંબો કર્યો અને વિચાર્યું
આ આવી જ ગયું હાથમાં
પણ
પાણીમાં ઘૂસેલા હાથે વમળો સજર્યાં અને
ફૂલ તો સરકીને થોડું...
ખસી ગયું.
હવે
એને આગળ વધવું પડે એમ હતું.
એક પગ તળાવમાં મૂકવો પડશે એમ લાગ્યું.
બૂટ કાઢી નાખ્યા.
પાણીમાં પગ મૂકી..
થોડું વધારે ઝૂકી...
એણે હાથ લંબાવ્યો
પણ
પહોંચ થોડીક જ ટૂંકી પડી.
હવે તો ફૂલ સુધી પહોંચવા બીજો પગ અંદર મૂકવો પડે એમ લાગ્યું.
એણે તરત જ બીજો પગ પણ અંદર મૂક્યો અને
ફૂલ લેવા આગળ ધપ્યો.
એના પગ મુકાવાને કારણે પાણીમાં ખળભળાટ થઈ ગયો
એટલે
ફરી ફૂલ થોડું..સરકીને... એનાથી દૂર ગયું.
હવે તો એ તળાવમાં ઊતરી જ ગયો હતો.
કશું વિચારવાને અવકાશ નહોતો.
એ હજુ થોડો આગળ વધ્યો.
કપડાં પલળતાં ગયાં, ને અંદર ને અંદર ઊતરતો ગયો...
ઊતરતો ગયો, ઊતરતો ગયો, ઊતરતો જ ગયો.
પણ
ફૂલ સરકતું ગયું, સરકતું ગયું, સરકતું જ ગયું.
ત્યાં જ
માથું ઊંચું કરીને એણે જોયું.
અરે, કિનારો તો ક્યાંય પાછળ રહી ગયો.
અત્યારે તો એ
ગંદા, ગંધાતા, લીલ, શેવાળ અને કીડાઓથી ખદબદતા તળાવમાં ગળા સુધી
પૂરેપૂરો ફસાઈ ચૂક્યો હતો.
તરત જ એણે નજર ફેરવી.
પણ
ફૂલ હજુ તેની પહોંચની બહાર હતું...
એ કશું કરે એ પહેલાં તો
એને ફરી ખસકી જતું
એ જોઈ રહ્યો....
***