ગુજરાતી નારીસંપદા : કવિતા/જન્મ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જન્મ

રીના મહેતા

મારાં નહીં જન્મેલા બાળક!
વહી ગઈ છે મારાં શરીરમાંથી
પાંગરી રહેલી જીવંતતા.
થોડાં દિવસ પહેલાં ચકલીનો માળો તૂટી જવાથી
ઈંડા નીચે પડી તૂટી ગયાં હતાં.
ત્યારે હું ધ્રૂજી ઊઠી હતી-
પણ, સહેજ જ.
કેમકે ત્યારે હું એકલી નહોતી.
ચાલતી હોઉં,
આખો દિવસ ઘરકામ કરતી હોઉં
કે સાવ એકલી બેઠી હોઉં
અને સહસા આનંદિત થઈ જવાતું.
ત્યારે મારી વિસ્મિત પાંપણો
તારાં નાનકડાં પગલાંના
નહીં સંભળાતાં અવાજને પામતી હતી.
મારાંમાં
પળેપળ ધબકતી તારી સભરતા હતી.
પણ હવે
સાવ સૂક્કીભઠ્ઠ નદી બની ગઈ છું.
તારા માટેનાં બધાં હાલરડાં
ગળામાં અટવાઈ ગયાં છે.
તને કહેવા કલ્પેલી જાદુઈ લાકડીવાળી પરી-કથાઓ
તરફડીને ગૂંગળાઈ મરી છે.
હમણાં આપણાં ઘર સામે ચણાતા મકાનમાં
કામ કરતી, થાકીને ઢગલો થઈ ગયેલી મજૂરણને
સ્હેજ પોરો ખાવા મળશે.
કે તરત વળગાડી દેશે છાતીએ
પોતાના કાળા દુબળાં બાળકને.
મારાં સ્તનો તો હવે ભરાઈ ગયાં છે
ક્યારેય ન વહી શકે તેવાં આંસુઓથી.
અધૂરાં રહી ગયેલાં મોજાંનું.
બાકીનું ઊન ગૂંચવાઈ ગયું છે.
કદાચ
ચકલી ફરીથી માળો બાંધવા ખેંચી જશે એનાં તાંતણા.
કેલેન્ડરને મેં હવે ઉતારી લીધું છે.
કેટલી બધી કલ્પનાઓ કરી હતી તારી!
ધાર કે, તું હોત તો કોના જેવું હોત?
તારી નર્દોષ આંખોમાં
મારે માટે દુનિયાનો નવો અર્થ સમાઈ જતે,
મારાં સઘળાં અભાવો અને વેદના
ઓગળી જતે તારા કોમળ હોઠના સ્પર્શથી.
તું મારાં વાળ ખેંચતે અથવા
ચહેરા પર નખ વગાડતે
અને તો ય...હું..ચૂમી લેત
તારાં મુઠ્ઠી વાળેલાં હાથ.
તેમાં પડેલી નવજાત હસ્તરેખાઓ.
તારા મૃત્યુની પણ તને ખબર નથી પડી.
કારણકે
તારું હોવું ફક્ત મેં જ અનુભવ્યું હતું,
તારું ન હોવું પણ ફક્ત હું જ અનુભવી રહી છું.
કદાચ તું જન્મ્યું હોત મારાં હોવાપણાનો
અંશ લઈને
તો તારામાં મેં શોધી હોત
મારાં ભાંગેલા-તૂટેલાં અસ્તિત્વની પૂર્ણતા.
કદાચ, તું જન્મ્યું હોત
તો-
હું આ રીતે મૃત્યુ ન પામત.
હું પણ જન્મી શકતે તારી સાથે
ફરીથી.

***