ગુજરાતી બાળવાર્તા સંપદા/કબુતરનાં બચ્ચાં : લબુ ઢબુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કબૂતરનાં બચ્ચાં : લબુ-ઢબુ

સાકળચંદ. જે. પટેલ

ગામની ભાગોળે એક કૂવો હતો. તેમાં ઘણા સમયથી પાણી સુકાઈ ગયું હતું. તે કૂવો અવાવરો પડી રહ્યો હતો. કૂવાની દીવાલમાં મધ્ય ભાગે એક બખોલ હતી. એની બાજુમાં એક પીપળો ઊગ્યો હતો. એમાં સુગરી કબૂતર, ચકલી વગેરે પંખીઓ માળા બાંધતાં હતાં. છેલ્લાં પાંચ વર્ષોથી કબૂતરનું એક જોડું એ બખોલમાં માળો બાંધતું હતું. માળામાં મજાનાં બે બચ્ચાં હતાં. લબુ અને ઢબુ. એમને નાની-નાની પાંખો ફૂટી હતી. એમનો પીળો રંગ બદલાઈને વાદળી રંગ થઈ ગયો હતો. લબુ-ઢબુનાં માતા-પિતા ચણ ચૂગવા જતાં હતાં, ત્યારે બંને બચ્ચાં બખોલમાંથી બહાર આવીને, પીપળાની ડાળી ઉપર બેસતાં હતાં, અને નાની-નાની પાંખો ફફડાવતાં હતાં. એક વાર લબુ-ઢબુ પીપળાની ડાળી ઉપર બેઠા હતા, અને ઉપર આકાશમાંથી એક હેલિકૉપ્ટર પસાર થયું. હેલિકૉપ્ટર એકદમ નીચેથી ઊડી રહ્યું હતું, એટલે એનો અવાજ રાક્ષસ જેવો, કાન ફાડી નાખે તેવો આવતો હતો. અવાજ સાંભળીને લબુ-ઢબુ ગભરાઈ ગયા, અને એકદમ દોડીને બખોલમાં પેસી ગયા. થોડી વારમાં હેલિકૉપ્ટર જતું રહ્યું. અવાજ આવતો બંધ થયો, એટલે ઢબુએ કહ્યું : ‘લબુ, ચાલ, બહાર ડાળી ઉપર બેસીએ !’ પણ લબુ તો જબરો ગભરાઈ ગયો હતો, એટલે તેણે કહ્યું : ‘ના, રે બાપ ! મારે તો નથી આવવું. પેલો રાક્ષસ, ફરીથી આવે તો આપણને ખાઈ જાય !’ લબુ બહાર નીકળ્યો નહિ, એટલે ઢબુ એકલો બહાર આવીને બેઠો, થોડીવારે એમનાં માબાપ ચણ ચૂગીને પાછાં આવ્યાં. તેમણે બચ્ચાંની ચાંચમાં ચાંચ પરોવીને ખવડાવ્યું. પેટ ભરાઈ ગયું એટલે ઢબુએ કહ્યું : ‘પાપા, આકાશમાં એક રાક્ષાસ મોટો અવાજ કરતો કરતો પસાર થયો હતો.’ ‘હા, પાપા ! અમે તો ગભરાઈને બખોલમાં પેસી ગયાં હતાં. મને તો હજુય એની બીક લાગે છે.’ લબુએ કહ્યું ને ઉમેર્યું : ‘હું તો હવે બહાર નહિ બેસું.’ પછી ઢબુએ પણ કહ્યું : ‘પાપા, પહેલાં તો મનેય બીક લાગી હતી, પરંતુ હવે તો હું ગભરાતો જ નથી, અને બહાર આવીને ડાળી ઉપર બેસું છું.’ બીજા દિવસે ચારો ચગવા જતી વખતે કબૂતર માબાપે કહ્યું : ‘એ તો હેલિકૉપ્ટર હતું. તમે એનાથી ગભરાતાં નહિ, અને બહાર આવીને બેસજો.’ ઢબુ બહાર આવીને ડાળી ઉપર બેસતો હતો, પરંતુ લબુ તો બખોલમાંથી ચાંચ બહાર કાઢીને જોઈ રહેતો હતો, અને ઢબુના બોલાવવા છતાં તે ડાળી ઉપર તો આવતો જ ન હતો. હવે બંને બચ્ચાં મોટાં થઈ ગયાં હતાં. એમની આંખો લાલ-લાલ ચણોઠી જેવી દેખાતી હતી. એમની પાંખો રાખોડી રંગની થઈ ગઈ હતી. પાંખો પર કાળા રંગના પટા ફૂટી રહ્યા હતા. ઢબુ પાંખો ફેલાવીને એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર જતો હતો, પણ લબુ તો પાંખો ખોલતાં જ બીતો હતો. એક દિવસ કબૂતરપાપાએ કહ્યું : ‘લબુ, હવે તું મોટો થઈ ગયો છે. તારી પાંખો પણ ઊડી શકે એવડી થઈ ગઈ છે. તું ઊડવાનો પ્રયત્ન કર !’ પણ લબુ તો ડાળી ઉપર બેઠો હતો, તે બખોલમાં જઈને બોલ્યો : ‘ના, પાપા, ઊડતાં મને ડર લાગે છે, હું નહિ ઊંડું !’ સવારે ઢબુ બખોલમાંથી ડાળી ઉપર આવ્યો, પાંખો ફફડાવી, અને ડાળી ઉપરથી ઊડ્યો. તેણે કૂવામાં ચક્કર માર્યું, પછી તળિયે જઈને તેણે બૂમ પાડી : ‘મમા, મને ઊડતાં આવડી ગયું ! પપા, મને ઊડતાં આવડી ગયું !’ ‘શાબાશ, બેટા ! હવે હિંમત કરીને આ ડાળી ઉપર પાછો આવતો રહે !’ માબાપે કહ્યું. ઢબુએ ઊડવાના બેત્રણ પ્રયત્નો કર્યા, પછી ચોથા પ્રયત્ને તે ડાળી ઉપર આવીને બેઠો, અને ગટૂર ઘૂ કરવા લાગ્યો. બીજે દિવસે તેણ પૂછ્યું : ‘પપા-મમ, હું તમારી સાથે ચા૨ો ફૂગવા આવું ?’ ‘ચાલ !’ બંનેએ કહ્યું. ઢબુ આખો દિવસ બહાર ફર્યો. આકાશ, વાદળાં, વૃક્ષો અને ડુંગરા જોયાં. તેને ખૂબ મજા પડી. સાંજે ઘેર આવીને તેણે કહ્યું : ‘લંબુ, તું ઊડતાં શીખી જા, બહારની દુનિયા બહુ મજાની છે. તને જોવાની મજા પડશે.’ લબુએ કહ્યું : ‘ઊં-હું, મારે નથી ઊડવું. મને પેલા રાક્ષસની બીક લાગે છે.’ પછી ઢબુ થોડો મોટો થયો એટલે નિશાળે જવા લાગ્યો. નિશાળમાં તેને લંગડી, કબડ્ડી, ખોખો, આંધળાનો ગોળીબાર, સંગીતખુરશી, લોટગોળી જેવી રમતો રમવાની મજા પડતી હતી. રાતે ઘેર આવીને તે કહેતો : ‘લબુ, તું ઊડતાં શીખે તો હું તને મારી નિશાળ જોવા માટે લઈ જાઉં. એં ત્યાં ૨મવાની બહુ મજા પડે છે !’ તરત જ લબુ કહેતો : ‘ઊં-હું, મારે તારી નિશાળ નથી જોવી. મને રાક્ષસની બીક લાગે છે. મારે ઊડવું નથી.’ માબાપને પણ ચિંતા થતી હતી : ‘આ, છોકરો આવડો મોટો થયો, તોયે ઊડતાં શીખતો નથી. અરેરે, એ અપંગ તો નહિ રહે ને !’ રવિવારે મહાદેવના મંદિરે મેળો ભરાવવાનો હતો. ઢબુ તો રાજી-રાજી થઈ ગયો હતો. એ બધાંને કહેતો હતો : ‘ફુગ્ગા ફુલાવીશું, ચગડોળે બેસીશું, જલેબી ખાઈશું અને મદારીના ખેલ જોઈશું. મજા આવશે... લબુ, તારે મેળામાં આવવું છે ?.........’ લબુને એક વખત તો ઢબુની સાથે મેળામાં જવાની ઈચ્છા થઈ ગઈ, પરંતુ પછી પેલી બીકને લીધે એણે કહ્યું : ‘ના રે, મારે તો અહીં મજા છે. સુગરીનાં બચ્ચાં જોડે મને ૨મવાની મજા પડે છે. મારે મેળામાં નથી આવવું !’ બાપની ચિંતાનો પાર નહોતો : ‘આ લબુ ઢબુ કરતાંય મોટો છે, છતાં હજુ ઊડવાનું નામ લેતો નથી. શું થશે એનું ! ડૉક્ટરને બતાવવું પડશે કે શું !’ મા કહેતી : ‘ઊડશે, એનો સમય આવશે એટલે એય ઊડશે. મારો લબુ કાંઈ બહુ મોટો થઈ ગયો નથી. તમે એની ખોટી ચિંતા કરશો નહિ. બાપ કહેતો ? ‘શું ધૂળ ઊડશે ? એ મોટો ઊંટ જેવડો તો થયો, પછી ક્યારે ઊડશે ?’ એવામાં આખત્રીજે ઢબુનાં લગ્નનું નક્કી થઈ ગયું. વેવાઈએ કહ્યું : ‘વાજતે ગાજતે બધાં ભાઈ-ભાંડુ સાથે જાન લઈને આવજો, તમારા લબુને પણ સાથે લાવજો.’ જાન ઊઘલી ગઈ હતી. બધાં આવી ગયાં હતાં. એક લબુ જ બાકી હતો. બાપે ગીધ અને ગરુડને મોકલ્યા ‘જાઓ, ટીંગાટોળી કરીને એને લઈ આવો. ગીધ અને ગરુડે પીંપળાની ડાળે બેસીને કહ્યું : ‘લબુ, ચાલ, તારે જાનમાં નથી આવવું ? તારો ભાઈ પરણે છે ને ! લે, આ નવાં કપડાં પહેરી લે !’ કપડાં પહેરતાં-પહેરતાં લબુએ કહ્યું : ‘ઊં- મારે નથી આવવું !’ ‘અરે, ચાલ !’ કહીને ગીધ-ગરુડે ટીંગાટોળી કરીને એને ઉપાડ્યો. પછી બહાર મેદાનમાં એક ખુરશી પડી હતી તેમાં લઈ જઈને બેસાડયો. એ ખુરશીની આજુ-બાજુ આતિશબાજી ગોઠવેલી હતી. ‘આવી ગયો, બેટા !’ બાપે પ્રેમથી પૂછયું. પછી કાળુ કાગડાને આતિશબાજીમાં ચિનગારી મૂકવાનો ઈશારો કર્યો. ચિનગારી મૂકતાં જ દારૂખાનું ફટ-ફટાફટ ફૂટવા લાગ્યું. બધાં પંખીઓ ફ૨૨૨ કરતાં ઊડવા લાગ્યાં. લબુ ચીસો પાડીને રડવા લાગ્યો : ‘બચાવો ! મને બચાવો ! બચાવો, બાપા ! મને બચાવો ! હું મરી જઈશ !’ બાપે કહ્યું : ‘લબુ, તું પાંખો ફફડાવીને ઊડવા માંડ ! જો તું નહિ ઊડે તો બળીને ખાખ થઈ જઈશ !’ લબુએ પાંખો ફફડાવી. પગથી હવામાં ધક્કો માર્યો, અને… અને... એ તો ઊડ્યો. ઊડતો-ઊડતો તે બધાં પક્ષીઓની સાથે થઈ ગયો. પછી જે બાજુમાં આવે તેને તે કહે : ‘અરે, પોપટભાઈ ! ઊડવાની તો મજા પડે છે ! ઓ હોલીબહેન, હવામાં ફરવાની તો મજા આવે છે... ! બાપા, તમે કયાં છો ?’ પિતા પાસે આવીને લબુને ભેટી પડયા : ‘બેટા, તને કશું થયું તો નથી ને ?’ ‘ના, પિતાજી ! મને કાંઈ જ થયું નથી. બાપુજી, ઊડવાની તો મજા પડે છે, હવે કોઈથી પણ બીશ નહિ !’