ગુજરાતી બાળવાર્તા સંપદા/રાજા અને ચકલીઓ
વિનોદ ગાંધી
એક રાજા હતો. એના રાજમાં સુખ જ સુખ હતું. લોકો સુખી હતા. પશુઓ સુખી હતાં. પક્ષીઓ પણ સુખી હતાં. લોકોને રહેવાનું, ખાવાનું મળી રહેતું હતું. પશુઓને ચારો મળી રહેતો હતો અને પંખીઓને ચણ મળી રહેતું, પણ કહેવાય છે કે માણસને બધું સુખ હોય તોયે એ સુખમાંથીયે વાંકુચૂકું જોઈને દુઃખને શોધી કાઢે. માણસને સુખમાંયે સંતોષ જણાતો નથી. જેમ ચોખ્ખાચણાક ચોખામાંથી કાંકરા શોધનાર શોધી કાઢે તેમ માણસ પણ સુખમાંથી દુ:ખ શોધી જ કાઢે. એ રીતે સુખી રાજાને પણ એક દુ:ખ નજરે પડ્યું. રાજા આરામથી મહેલમાં રહે. ખાય-પીએ અને સૂએ. રાજા જે મહેલમાં રહેતો હતો એ મહેલના રાજાના સૂવાના ઓરડાની ભીંતે બે-ચાર બારીઓ હતી. એ બારીઓ પાસે એક-બે મોટાં ઝાડ હતાં. એ ઝાડની ડાળે ચકલીઓ માળો બાંધીને રહે. ચકલીઓ દિવસે ચણની શોધમાં નીકળી પડે અને સાંજે પાછી ફરી પેલા ઝાડની ડાળે ડાળે, માળે માળે સૂઈ જાય. એ ચકલીઓ પરોઢમાં, વહેલી સવારે જાગીને ચીંચીંચીં કરી મૂકે. ચકલીઓની ચીંચીંથી અને કલરવથી આખું ઝાડ અવાજથી ભરાઈ જાય. ચકલીઓનો આ કલરવ રાજાને શોરબકોર અને ઘોંઘાટ લાગે. અને રાજાને ઊંઘવું હોય તોયે જાગી જવાય. આથી રાજાને લાગે કે આ ચકલીઓ પોતાની ઊંઘ બગાડે છે. પોતે સુખી રાજના રાજા છે. રાજમાં કોઈ વાતનું દુ:ખ નથી. તો પોતે સુખેથી ઇચ્છે ત્યાં સુધી સૂઈ ના શકે ? કશાયે કારણ વગર વહેલા ઊઠી જવાનો શો અર્થ ? આ ચકલીઓ જ ચીંચીં કરીને પોતાની ઊંઘ બગાડે છે. ચકલીઓને ઉડાડવા માટે રાજાએ પહેલાં તો પોતે જ પોતાના હાથનો ઉપયોગ કર્યો. રાજા ‘હાટ હાટ’ બોલતો જાય અને ચકલીઓ ઉડાડતો જાય, પણ ચકલીઓની જાત ઊડે ખરી, પણ પાછી આવીને ડાળ પર બેસી અવાજ કર્યા કરે. વળી રાજા પોતે ચકલીઓ ઉડાડે છે એ જોઈને રાજમાર્ગ પરથી પસાર થતા નગરજનોને કૌતુક થયું. પછી નગરજનો ઊભા રહી જોતા, હસતા અને ચાલવા માંડતા. રાજાને આ વાતની ખબર પડી. પોતે ચકલીઓ ઉડાડે છે એ જોઈને લોકો હસે છે અને પોતે હાસ્યાસ્પદ બને છે. એ વાતે રાજા શરમિંદો બનવા લાગ્યો. રાજાએ ફરી થોડા દિવસ ચકલીઓ ઉડાડવાનું બંધ કર્યું, પણ ચકલીઓએ અવાજ કરવાનું ચાલું રાખ્યું. એથી રાજાની ઊંઘ તો બગડવા લાગી. રાજા ચકલીઓ પર અંદર ને અંદર ગુસ્સે થવા લાગ્યો. રાજાના ગુસ્સાનું કારણ શું છે એ જાણવા રાણીએ પ્રયત્ન કર્યો. કારણ જાણીને રાણી ખૂબ હસી. રાજા થઈને ચકલીઓથી હાર્યાં. છેવટે આખી વાત રાજસભામાં પહોંચી. વિદ્વાનોમાં ચર્ચા થવા લાગી. રાજાની ઊંઘ બગાડતી ચકલીઓનું શું કરવું ? કોઈએ કહ્યું કે ઝાડ કાપી નાંખો જેથી ચકલી બેસે નહીં. રાજાએ કહ્યું કે ઝાડ કાપવાથી તો મહેલની શોભા ઘટી જાય. કોઈ બીજાએ કહ્યું, કે મહેલની ઝાડબાજુની બારીઓ જ ચણીને બંધ કરી દો, જેથી ચકલીઓનો અવાજ જ ન સંભળાય. રાજાએ કહ્યું કે બારીઓ બંધ કરવાથી તો મહેલમાં આવતો પવન બંધ થઈ જાય. કોઈએ કહ્યું, કે ચકલીઓને શિકારીઓ દ્વારા મારી નંખાવો. રાજાએ કહ્યું કે નિર્દોષ ચકલીઓને મારવામાં તો બ્રહ્મહત્યાના પાપ જેવું પાપ લાગે. કોઈએ કહ્યું કે નવો મહેલ બનાવો અને ત્યાં રહો. રાજાએ કહ્યું કે ચાર ચકલીઓ માટે ચાર કરોડનો ખર્ચ કરી મહેલ બનાવવામાં તો મૂર્ખામી છે. રાજદરબારીઓને લાગ્યું કે રાજા કોઈ વાતે બંધાતા નથી. આપણે સુઝાડેલા બધા ઉપાયોમાંથી રાજાને કોઈ ઉપાય ગમતો નથી. રાજાને થયું કે આટલી નાની વાતનો ઉકેલ શોધી ન શકના૨ રાજદરબારીઓ મૂર્ખ છે. બધા રાજદરબારીઓને કાઢી મૂકવા જોઈએ અને નવા રાજદરબારીઓની નિમણૂક કરવી જોઈએ. રાજાએ રાજદરબારીઓને પાણીચું આપી દીધું. પણ દરબારીઓ વગરનો દરબાર કઈ રીતે શોભે ? અંતે રાણીએ એક યુક્તિ બતાવી. એ મુજબ નગ૨માં ઢંઢેરો પિટાવ્યો. ચકલીઓની રંજાડ અને રાજાની ઊંઘ બગડવી એ સમસ્યાનો ઉકેલ બતાવનારને રાજદરબા૨માં રાજદરબારી તરીકે નિમણૂક મળશે એવું પણ ઢંઢેરા દ્વારા જણાવવામાં આવ્યું. છેવટે નગરવાસીઓમાંથી નવ નગરવાસીઓનો પ્રસ્તાવ રાજાને ઠીક લાગ્યો. અંતે દસમા નગરવાસીએ જે પ્રસ્તાવ મૂક્યો એ રાજા અને રાણીને ખૂબ ગમ્યો. એ પ્રસ્તાવ મુજબ ન તો નવો મહેલ બનાવવાની જરૂ૨ પડી કે ન તો મહેલની બારીઓ ચણી લેવાની જરૂર પડી. ન તો ચકલીઓને મારવાની જરૂ૨ પડી કે ન તો ઝાડ કાપવાની જરૂર પડી. દસમા દરબારી તરીકે જેને પ્રવેશ મળ્યો એણે રાજાને પૂછ્યું, ‘તમે રાત્રે કયા પ્રહ૨માં સૂઓ છો ?’ ‘મધ્યરાત્રી બાદ સૂઉં છું.’ રાજાએ કહ્યું, ‘તેથી મને માંડ ત્રણ કલાકની જ ઊંઘ મળે છે. સવારે ચાર વાગે તો ચકલીઓ અવાજ કરીને જગાડી દે છે.’ છેવટે રાજાનું દિલ જીતી લેવા બીજીત્રીજી વાત કરી પેલાએ રાજાને વિનંતી કરી કહ્યું,
‘રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વી૨,
બળબુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’
તેથી હે રાજાજી, આપ આપની મોડા ઊંઘવાની ટેવ છોડી વહેલા ઊંઘવાની ટેવ પાડો. જેથી પૂરતી ઊંઘ મળી રહેશે અને ચકલીઓ જાગીને તમને હેરાન કરે એ પહેલાં તો તમે જ જાતે જાગી ગયા હશો, ઊઠી ગયા હશો તેથી વહેલા સૂઈને વહેલા ઊઠવામાં જ ફાયદો છે. પૂરતી ઊંઘ મળવાથી તમને ચકલીઓનો અવાજ ઘોંઘાટ નહીં લાગે પણ કલરવ લાગશે. ચકલીઓ તમને ગમવા લાગશે.’ વળી અટકીને એણે ઉમેર્યું, ‘શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સવારના ચાર વાગ્યાનો સમય ભગવાનનું નામ લેવા માટેનું બ્રાહ્મમુહૂર્ત ગણાય છે. આથી સવારે વહેલા ઊઠવાથી રાજની સમૃદ્ધિ અને સુખમાં વધારો થશે. વળી રાજા તરીકે આપ વહેલા ઊઠવાની ટેવ પાડશો તો નગરવાસીઓ પણ વહેલા ઊઠવા લાગશે.’ રાજારાણીએ આ વાતે વિચાર કર્યો, પછી તરત જ વહેલા સૂવાનો અને વહેલા ઊઠવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હવે રાજા વહેલા સૂવા લાગ્યા અને વહેલા ઊઠવા લાગ્યા. રાજા અને ચકલીઓ સાથે જાગી જતાં. રાજાને ચકલીઓના અવાજમાં ઈશ્વરનું નામ સંભળાવા લાગ્યું. રાજા પણ સવારે નાહી-ધોઈને ઈશ્વરનું નામસ્મરણ કરવા લાગ્યા. આમ ચકલીઓ બચી ગઈ. ઝાડ બચી ગયાં. બારીઓ બચી ગઈ અને રાજાયે રાજી રહેવા લાગ્યા. પેલા દસમા નગરવાસીને રાજાએ મુખ્ય દરબારી બનાવી દીધો. રાજા, પ્રજા બધા સુખી સુખી થઈ ગયા.