ગુજરાતી બાળવાર્તા સંપદા/સસ્સાભાઈના ઠસ્સા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સસ્સાભાઈના ઠસ્સા

રમેશ શિ. ત્રિવેદી

એક જંગલ હતું. આ જંગલમાં એક પણ સિંહ રહેતો નહોતો, તેથી જંગલનો રાજા કોને ગણવો ? વાઘ કહે : ‘હું જંગલનો રાજા છું !’ હાથી કહે : ‘જંગલનો રાજા તો હું જ છું !...’ આમ રીંછ, ચિત્તો, ગેંડો અને શિયાળ પણ પોતપોતાને જંગલનો રાજા માનતાં. જંગલમાં એક સસલું રહેતું હતું. એક વાર એણે એક ફેરિયાને જોયો. જંગલમાંથી એ પસાર થતો હતો. ખૂબ ગભરાઈ ગયેલો લાગતો હતો, દોડતો હોય તેમ ઉતાવળે ચાલતો હતો. એના થેલામાંથી કશુંક પડી ગયું. સસ્સાભાઈ ઝાડીમાં બેઠા બેઠા જોઈ રહ્યા હતા. એ દોડ્યા, જઈને જોયું તો સિંહનું નાનકડું મહોરું ! સસ્સાભાઈ તો રાજી-રાજી થઈ ગયા. એમણે મહોરું પહેરી લીધું. ઘેર ગયા. ઘેર જઈને ચશ્માં પહેર્યાં. ખભે ખેસ નાખ્યો, નકલી મૂછ લગાવી, હાથમાં સોટી લીધી. એ તો ભૈ, જંગલમાં મહાલવા લાગ્યા. રસ્તામાં જે મળે તે બધા એમને સલામ મારવા લાગ્યાં. સૌ કહેવા લાગ્યાં : ‘જંગલનો રાજા આવ્યો. હાથમાં મોટી સોટી લાવ્યો...’ શિયાળે તો કીધું : ‘વાહ ભૈ, વાહ ! વાહ ભૈ વાહ !’

વનરાજનો કેવો વટ !
સૌને કહે : હટ ! હટ !!

હવે તો સસ્સાભાઈથી વાઘ, હાથી, ચિત્તો અને રીંછ બધાંય ગભરાવા લાગ્યાં. સસ્સાભાઈ રોજ સવારે અને સાંજે જંગલમાં ફરવા નીકળે, એમને જોઈને શિયાળ સંતાઈ જાય, વાઘ રસ્તો બદલી નાખે અને ઝાડ પર કૂદીને હૂપાહૂપ કરતો વાંદરોય એકદમ ચૂપ, ને કા... કા... કરતો કાગડોય ચૂપ !.... સૌને નાના ટબૂકડા સિંહરાજનો ભારે ડર લાગવા માંડ્યો. સસ્સાભાઈ તો આ જોઈને મનમાં ને મનમાં બોલતા.

કેવા મજાના મહોરા
બંદા ચાલે પહોરા ?

હવે એક દિવસે એવું બન્યું કે સિંહની ડણક સંભળાઈ. ખરા બપોરે ઝોકાં ખાતું જંગલ ધ્રૂજી ઊઠ્યું. પંખી બધાં માળામાં ફફડી ઊઠ્યાં. વાઘ, ચિત્તો અને રીંછ ધ્રૂજી ઊઠ્યાં. શિયાળ ઊભી પૂંછડીએ દોડીને ઝાડીમાં સંતાઈ ગયું. ના, કોઈ બોલે કે ચાલે, બધાંય ચૂપ ! સાંજ પડી. સસ્સાભાઈ તો રોજની જેમ હાથમાં સોટી લઈ, ચશ્માં પહેરીને નીકળી પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એ એકાએક થંભી ગયા. ના, હાલે કે ચાલે. જોયું તો સામે જ વનરાજ ઊભા હતા. હવે? હવે શું કરવું ? મનમાં બોલ્યા : અરરર ! સિંહનો લાગે ડરરર !... સસ્સાભાઈના પગ ધ્રૂજવા લાગ્યા, પૂંછડી પટપટ થવા લાગી. નકલી મૂછ લબડી પડી. ચશ્માં નીચે પડી ગયાં. સિંહે ગર્જના કરી; ને કીધું :

‘સૂણ ભૈ સસ્સા !... સૂણ ભૈ સસ્સા !
શાને કરતો ઠાલા ઠસ્સા ! ?’

સસ્સાભૈ શું બોલે ? એમનું આખું શરીર ધ્રૂજતું હતું. સિંહે ડોળા કાઢ્યા ને કીધું : ‘મને શિયાળ મળ્યું હતું. એણે કીધું હતું, મહારાજ, અમારા જંગલમાં પધારો. અમારે ત્યાં તો બીકણ સસ્સાભાઈ વનરાજનો વેશ કાઢી, મહોરું પહેરીને સૌ પર રોફ જમાવે છે. બોલ, ખરી વાત છે આ ?...’ સસ્સાભાઈ તો ચૂપ, ઘડીક વિચારમાં પડી ગયા, મનમાં કીધું : ‘લુચ્ચા શિયાળે મારી પોલ ખુલ્લી કરી હોં ! હવે શું કરું ?...’ સસ્સાને ચૂપ ઊભેલો જોઈને સિંહ ગર્જી ઊઠ્યો. એણે કીધું :

સસ્સા, કહું છું કાનમાં,
સમજી લે તું સાનમાં.
સાદી-સીધી વાત છે,
બીકણ તારી જાત છે !

વનરાજનો કોપ જોઈને સસ્સાજી તો સાવ ઢીલા પડી ગયા. મોં પરથી મહોરું કાઢી નાખ્યું. ચશ્માં ફેંકી દીધાં, સોટી ફેંકી દીધી. નકલી મૂછેય કાઢીને ફેંકી દીધી ને સિંહના પગમાં પડી ગયા. એ ખૂબ કરગરવા લાગ્યા : ‘મહારાજ, આજથી તમે આ જંગલના રાજા ને હું તમારો સેવક, બસ !...’ સિંહનો ગુસ્સો ઠંડો પડ્યો નહોતો. એણે કીધું : ‘સસ્સા, મારી આગળ જરાય ચાલાકી કરીશ નહીં, મને ખબર છે તારા જેવા એક સસલાએ એક મૂરખ સિંહને કૂવામાં એનું પ્રતિબિંબ બતાવી, અંદર બીજો સિંહ છે એમ કહીને, એ અક્કલ વગરના સિંહને કૂવામાં કૂદકો મરાવીને મારી નંખાવ્યો હતો, પણ એ સિંહ જેવો હું કંઈ ડફોળ નથી હોં... ચાલ, ભાગ, અહીંથી, મારે તારા જેવો સેવક ના જોઈએ !’ ને પછી તો સસ્સાભાઈ જાય નાઠા... શિયાળ તો આ જોઈને ખૂબ હસવા લાગ્યું. એણે કીધું :

લ્યો, ઠાલા ઠાલા ઠસ્સા ગયા,
સસ્સા સીધા-સાદા થયા !