ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/“કાળો પ્હાડ” - ચિનુ મોદી.

૪. ‘કાળો પ્હાડ’ □ ચિનુ મોદી



૧.
એ જ છે, આ એ જ છે
બોગદાં કોતરી કાઢેલો
કાળો પ્હાડ.
પ્હાડની ટોચ પર
પથ્થરમાં પથ્થર થઈ બેઠા છે
શ્રેણીબંધ ચકરાવા
એ તો ગરજુ ગીધના ચકરાવા.
તળેટીમાં મારી આગળ ને પાછળ
 લાંબી કતારમાં
નર, નારી, નાન્યતર છે
કીર, કોયલ, કબૂતર છે
કીટ, કીડી ને કુંજર છે
હબ્સી છે ને હીજડા છે.
હવે મારુંય અપમાન કરશે હાડોહાડ
કાળો પ્હાડ.

૨.
પ્હાડમાં પ્રકાશનો જ પદસંચાર હશે ?
પવનનું બળવું, બઝાવું હશે ?
અંતહીન રસ્તાઓનું ગૂંચળું હશે ?
સઘન અંધકાર મૂશળધાર વરસે છે
પડેલું પગલું ભૂંસાય છે
પગ પીગળી જાય છે
ફરી ન જડે એમ કશુંક ખોવાય છે
એ નક્કી.
નક્કી, આ કાળો પ્હાડ
મારુંય અપમાન કરશે હાડોહાડ.
સો સો ચામાચીડિયાં કરતાં ઊડાઊડ
ઘૂક ઘૂંટાતાં ઘૂવડ
પોલાણોનાં ઉકલે પડ
તૂટે, ગબડે પથ્થર;
ઘબાક ઘડ્.
તોય બહારથી તો બોગદા નિશ્ચલ ને દૃઢ.
નહીં ઘોષ, નહીં પ્રતિઘોષ.
આખું આકાશ પાણીમાં પડે
ને પરપોટો પણ ન થાય.
આ પાણીપેટો પ્હાડ
મારુંય અપમાન કરશે હાડોહાડ ?

૪.
પૂછે છે શું ગાભરા ! આંખો મીંચી રાખ
અડખે પડખે પાંખને, પડયા ઘસરકા લાખ.
“હજી હમણાં જ
લંડનના આકાશમાં
બેઉ પાંખે નિર્બલ વિમાન
દિશાહીન ને દોલાયમાન કરતા
ઍર પોકેટમાં ધસી ગયું ત્યારે
વીંઝતી પાંખે ગીધ
આવી પહોંચ્યાં હતાં પાસે
ને
શ્વાસ થયા'તા, અધ્ધર ઊભડક.”
“અને ડિઝનીલૅન્ડમાં
ખાણમાંના કોલસાના ઠેકાણે
ખુલ્લા ડબ્બામાં
પટ્ટો બાંધી બેઠા ન બેઠા ને વ્હિસલ.
આંચકો.
ને ભૂરાંટા થયેલા ઢોર જેવો ગાંડો વેગ.
મુઠ્ઠી વળી જાય
પરસેવો વળી જાય
વેગીલા અંધકારમાંય જણાય.
પે... લો
અરે

અથડાતાંમાં જ ફુર્ચેફુર્ચા કરતો ખડક.
આંખો ખુલતાંમાં જ ભીડાય.
ફરી આંખો ખુલતાંમાં જ ખડક પસાર.
વળાંક વટતાંમાં જ
બમણા વેગથી
અધ્ધરથી ની.....ચે.
રુંધાય શ્વાસ.
ઘુમરાય ચીસ-
આ બોગદામાં.
ત્યાં તો પૂર્વનિર્ણિત વ્યવસ્થા અનુસાર
ખટાક ખ..ટ ખટાક્
ને સ્ટોપ.
થ્રીલ્સ ઍન્ડ સ્પીલ્સ ઓન અ રન વે
માઈન ટ્રેઈન
ધ વાઈલ્ડેસ્ટ રાઈડ.
મસાલા ભરેલા
પણ, ગીધના ચકરાવા દેખાડયા
ડિઝનીસર્જિત પ્હાડે-
તને સાંભરે રે ?
મને કેમ વીસરે રે ?”
“એકદા ભરબપોરે
રિક્ષામાં
બરફના ગચિયાની જેમ
સરકી ગઈ હતી સભાનતા !
ચાલક, વાહન, સડક, મકાન
એક સામટાં અંતર્ધાન.
અંધકાર કે તેજ નહીં
ચર્વિત કોઈ ઈમેજ નહીં
સ્ટેથોસ્કોપે કે હૉરોસ્કોપે કે પછી કો...ણે
કોઈએ હાથવગો કરી આપ્યો હતો પાછો
સરકી ગયેલો બરફ.
એકાધિક ક્ષણ સુધીના
પહેલી વાર અનુભવેલા અવકાશમાં
ભેંકાર આકાશમાં
ગીધ પણ જોયાનું યાદ નથી.
પ્હાડ જોયાનું પણ યાદ નથી.”

૫.
ઘણી વાર
પાંખ પ્રસારી ગીધનાં ટોળાં ચકરાવા લઈ ગયાં
વીજળી પેઠે ત્રાટકનારાં, પળમાં ગાયબ થયાં
નથી ગાયબ થતો
આ અ-ચલ કાળો પ્હાડ
આ કાળો પ્હાડ
મારુંય અપમાન કરશે હાડોહાડ ?
અરે, એ તે ક્યારે ?
આમ ક્યાં સુધી
કતારમાં ઊભાં રહેવાનું ગરદન ઝૂકાવીને ?
ક્યાં સુધી ?
ઘડીમાં કતાર આગળ ચાલે
ઘડીમાં કતાર પાછળ પણ ચાલે
યમનિયમ જ ન મળે.
આગળ ચાલી હતી કતાર એક વાર..
“મઘ્યરાત્રે
ઊંઘમાં છાપો મારી
લોખંડના પલંગની કેટકેટલી સ્પ્રિંગ્સ
કરડકટ તોડી
પિતાના અડધા અંગદેશને
જીતી લીધો હતો
રાજા પેરેલિસીસે.”
પાછળ પણ ચાલી હતી કતાર
અણચિંતવી :
“ટિક ટિક ટિક કરતી ઘડિયાળમાંથી
ટિક ટ્વેન્ટી ટિક
ટિક ટ્વેન્ટી ટિક
સંભળાયું ન સંભળાયું
ને મંથરવેગી નાનો કાંટો
ડાયલ પરથી લસર્યો.
હજીય ઘરનું ઘડિયાળ ચાલ્યા કરે છે.
ટિક ટિક ટિક
પણ એક કાંટાનું ઘડિયાળ તો શા ખપનું ?
ચક્રાકારે ત્વરિત ગતિએ એકલો હું ફરું રે
બેસ્વાદા આ મૃગજળ વિશે એકલો હું તરું રે
કાળા ઊંચા ગિરિવર, અડાબીડ ઊંડી તળેટી
ના દીઠેલા ગહનઘન આ બોગદાથી ડરું રે.”

૬.
ડરું છું
એટલે સ્તો
માતેલાં વાહનની આવ-જા હોય
એવા રસ્તા તો ઠીક
નિર્જન રસ્તા પણ
સાચવી સાચવીને ક્રોસ કરું છું.
સર્પની વાત નીકળતાં જ
ભરચક હોટલે
અસભ્ય લેખાઈને પણ
ખુરશી પર, પગ અધ્ધર ચડાવી બેસી જાઉ છું.
ચોમાસામાં સ્વીચ ઑન-ઑફ પણ કરતો નથી.
કપિલવસ્તુના રાજકુમારને કેવળ દુઃખથી જ વિમુખ રખાતો.
હું મને અતિશય સુખથી પણ વિમુખ રાખું છું.
દુઃખથી પહોંચે છે
એવો ને એટલો ઘસારો
કોષને સુખથી પણ પહોંચે છે.
કાળો પ્હાડ, તળેટી ગૂઢ
કતારમાં ઊભો દિક્મૂઢ
શું એ જ છે આ, એ જ છે
એન સિફિલિટિકા લિથારજિકા
ધ એબનોર્મલ કેસ ઓફ સ્લીપ ?
હું ઊંઘું છું એમ અનુભવી શકતો નથી.
કેવળ ઊભો છું
ઊભો છું કતારમાં ચૂપચાપ.
ઓઠ ભીડી, આંખ મીંચી
ઊભો છું.
આ ઊભા રહેવાનું એટલે
દક્ષિણ દિશામાં
ભૂગર્ભ નીચે
ને બ્રહ્માંડ જળની સપાટી પર
નર્ક નામે
કલ્પાયેલા કુંડનાં-
સાત પગથિયાં ચડવાનાં
સાત પગથિયાં ઊતરવાનાં
ને અંદર મહાદેવજીનાં દર્શન નહી કરવાનાં
અસ્ખલિત આર્તસ્વરનાં શ્રવણ કરવાનાં.
આ ઊભા રહેવાનું એટલે
કાલપુરુષથી વંચિત
એથી રોમાંચરહિત
ભુવર્લોક ને મહર્લોકની વચ્ચે વસેલી
સ્વર્ગભૂમિમાં
ચિરવસંતલ કલ્પવૃક્ષનું
એક પાંદડું ચૂંટવાનું
ને એ જ પાંદડું ચોંટાડવાનું,
આ ઊભા રહેવાનું એટલે
ક્યાંય ન પહોંચવા
નિયત સ્પૉટ પર
નિયત સમય સુધી દોડ્યા કરવાનું,
શ્વાસ ભરાઈ ભરાઈ જાય
હાંફ ચડી ચડી જાય
આંખ ફાટી ફાટી જાય
તોય દોડવાનું
ને પહોંચવાનું ક્યાંય નહીં.
થાય છે :
કચ્છપ પેઠે વેગ ઘટાડું, સંકોરું આ અંગ,
કઠણ પીઠનું બખ્તર પહેરી, લડી લઉં આ જંગ

૭.
પણ, વેગ ઘટાડયા ઘટતા નથી.
ઈચ્છયા અંગ સંકોરાતા નથી
બખ્તર માત્ર ભેદાય છે
અને છેદાય છે
સભાનતા સાથેનો મારો નાતો.
આ ચાબૂક વીંઝાતો અટકી જાય.
તો
નહીં વેગ,
નહીં આવેગ;
નહીં યમ,
નહીં નિયમ;
નહીં આશા,
નહીં ભાષા;
આ નહીં, તે નહીં,
પેલું નહીં; પે..લું પણ નહીં.
નહીં આ કાળ
નહીં તે કાળ.
તો ચાલતા આ તારા શ્વાસ અટકાવી કેમ દેતો નથી ?
શું કામ ભાષાને 'માસ્ટર કી' સમજી
આ-તે-સૌ ઈસ્કોતરા-સંદૂક ઉઘાડવા મથ્યા કરે છે ?
કાળો પ્હાડ ને ચકરાવા લેતા ગીધના
ભાષાપ્રપંચમાં ભલે તું ફસાય
પણ, આ પ્રપંચ તને બચાવી શકશે નહીં;
પાંખડીએ બેઠેલ ઝાકળ ટકશે નહીં.
દડદડ ઝાકળ પડે
કે સૂર્યતાપમાં ઊડે
જે થાય તે-
તારે તો વાટ જોવાની ચૂપચાપ :
દડદડ દડવાની
કે વગર પાંખે ઊડવાની
ને ત્યાં સુધી
એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કર
ખાધા કર
બર્થ-ડેની કેક.

તા. ૨૦-૧૨-૮૭થી ૭-૧-૯૪

***

('પરબ', એપ્રિલ-૯૪)