ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અખાના છપ્પા


અખાના છપ્પા : (૧) અખાજીકૃત છપ્પા (મુ.) છ-ચરણી (ક્વચિત્ ૮ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈના બંધને કારણે ‘છપ્પા’ નામથી ઓળખાયેલ છે. આ કૃતિસમૂહની કોઈ પણ હસ્તપ્રત ૬૫૭થી વધારે છપ્પા આપતી નથી, પરંતુ અત્યાર સુધીમાં કુલ ૭૫૫ છપ્પા મુદ્રિત થયા છે. છપ્પા ‘વેશનિંદા અંગ’ ‘ગુરુ અંગ’ એવાં નામો ધરાવતાં ૪૫ અંગોમાં વહેંચાયેલા મળે છે, પણ અંગવિભાગોમાં નજરે પડતી શિથિલતા અને યાદૃચ્છિકતા પરથી એવો તર્ક થાય છે કે છપ્પા છૂટકછૂટક સમયાંતરે લખાયા હશે અને પછી અંગોમાં ગોઠવી દેવાયા હશે. છપ્પામાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે - અનેક બારીક વિચારો વેધક રીતે આલેખાયા છે, છતાં આ કૃતિની લોકપ્રિયતા વિશેષપણે એમાંના નિષેધાત્મક ભાગ - એમાં ધાર્મિક-સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું જે તાદૃશ ચિત્રણ અને ઉગ્ર ચિકિત્સા મળે છે તેને કારણે છે. આ ચિત્રણ અને ચિકિત્સાએ અખાજીનો વ્યવહારજગતનો ગાઢ અનુભવ પ્રગટ કરી આપ્યો છે તેમ એમને હાસ્ય અને કટાક્ષની ભરપૂર સામગ્રી પૂરી પાડી છે. સમયાંતરે લખાયેલા હોઈ છપ્પામાં અખાજીની વિકસતી ગયેલી વિચારભૂમિકાનાં ચિહ્નો અહીંતહીં જોઈ શકાય છે તેમ છતાં એમની મૂળભૂત દાર્શનિક ભૂમિકા તો નિશ્ચિત અને સ્થિર છે. એ દાર્શનિક ભૂમિકાના કેન્દ્રમાં છે બ્રહ્મ - જેને તેઓ ‘વસ્તુ’ ‘આત્મા’ ‘ચૈતન્ય’ ‘સ્વામી’ એવાં નામથી પણ ઉલ્લેખે છે - તેનું જ્ઞાન. અખાજી અવારનવાર આકાશનું ઉપનામ વિવિધ રીતે પ્રયોજે છે અને આ બ્રહ્મતત્ત્વની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા સમજાવે છે. જીવ, ઈશ્વર અને જગતના તેમ જ નામ રૂપ ગુણ અને કર્મના ભેદો નિપજાવતી માયાનું સ્વરૂપ અખાજી અનેક દૃષ્ટાંતોથી સ્ફુટ કરે છે, પણ કહે છે કે માયાથી નાસવાથી કંઈ માયા નષ્ટ થતી નથી, જેમ ‘’અંધારુ નાઠે ક્યમ જાય ?” ખરો જ્ઞાની તો એ જે માયાનો ભક્ષ કરી જાય - એનું મિથ્યાત્વ પ્રમાણી લે. જીવને માયાના ફંદામાં ફસાવનાર તો મન છે. એટલે અખાજી “અ-મન” બનવાનું, અંતરે અકર્તા થઈને રહેવાનું સૂચવે છે. “જ્યમ પંખી ઓછાયો પડિયો જાળ, પોતે ઊડે અલગ નિરાળ” એમ આવા જ્ઞાનીઓ દેહ સંસારમાં વર્તતા હોવા છતાં પોતે એનાથી અલિપ્ત હોય છે. માટે જ તેમની દૃષ્ટિએ જ્ઞાનીએ સંસારને તજવો આવશ્યક નથી. ઊલટું, ૧ મણ અને ૪૦ શેરમાં ફેર નથી તેમ જ્ઞાની પુરુષને માટે બ્રહ્મતત્ત્વ અને વિશ્વમાં કંઈ ફેર નથી, સકળ લોક એ હરિનું જ રૂપ છે. એટલે “વિશ્વ ભજંતા વસ્તુ ભજાય.” અખાજી અધ્યાત્મમાર્ગમાં કર્મધર્મને - સત્કર્મને તેમ વિકર્મને - અંતરાયરૂપ ગણાવે છે. કોઈ પણ પ્રકારના કર્મથી કષાય, રંગ, મેલ ચડે છે. પોતે પોતા રૂપે રહેવું એ જ વધારે સારું છે. અણહાલ્યું જળ નીતરીને સ્વચ્છ થાય છે તેમ પોતા રૂપે રહેવાથી બ્રહ્મસ્વરૂપ સરળતાથી પામી શકાય છે. ટીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, કથાશ્રવણ, કાયાક્લેશ આ બધા બાહ્યાચારો ઉપર તો અખાજીનો કોરડો વારંવાર વીંઝાય છે. અલબત્ત, અખાજી કાયાક્લેશ આદિનો હેતુ સ્વીકારે છે કે એથી ઉન્મત્ત મન ઠેકાણે આવે અને હરિ તરફ ચિત્ત વળે, જેમ મારકણી ગાયને અંધારે બાંધીએ તો એ ટેવ ભૂલે. પણ અંધારે બાંધેલી ગાયને બગાઈ વળગે તેમ કાયાક્લેશ કરનાર યોગીને સિદ્ધિ વળગે છે ને એનો અહંરોગ વધે છે. ચીંથરાના પુરુષ જેવા - ખેતરમાંના ચાડિયા જેવા સંસારને મારવા માટે કે ચાલતાં જ હાથ અડકી જાય એમ સભરે ભરાઈ રહેલા હરિને પામવા માટે અખાજીને તો કોઈ કર્મધર્મની જરૂર જ વર્તાતી નથી. અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન છે, જેને એ ‘સૂઝ’ ‘સમજ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી પણ ઓળખાવે છે. જેમ નૌકામાં બેઠેલો માણસ શ્રમ વિના આખી પૃથ્વી ફરે તેમ સમજ આવી તેને કાયાક્લેશ કરવો ન પડે. જગતપ્રપંચમાંથી પરમેશ્વરને પણ એ સહજપણે પામી લે, જેમ વાદળખોખું કાદવમાંથી પાણી પી લે તેમ. પણ આ સમજ તે શાસ્ત્રજ્ઞાન કે પંડિતાઈ નહીં. શાસ્ત્રને તો અખાજી ૧ આંખ ગણે છે, સૂકા - અનુભવ વગરના જ્ઞાનને એ વ્યંડળમૂંછ સાથે સરખાવે છે અને પંડિતને ટાંકેલી શિલા તરીકે ઓળખાવે છે, જે પાણીમાં બૂડ્યા વિના રહેતી નથી. સાધનામાર્ગ લેખે ભક્તિનો સ્વીકાર અખાજી મર્યાદિત રૂપે જ કરે છે. વૈષ્ણવી નવધા ભક્તિ - સગુણ ભક્તિ - નો હેતુ એ સમજે છે કે જીવ “ભક્તિરસે કર્મરસ વીસરે”. પણ એ જુએ છે કે નવધાભક્તિ આદરતાં મોહવ્યાપાર મંડાય છે, ભક્તિ એક બાહ્યાચાર બની જાય છે ને ઘણી વાર દંભ કે પાખંડનું રૂપ પણ લે છે. આથી સગુણભક્તિને એ મોતીઘૂઘરી સાથે સરખાવે છે, જે મનમોહન દીસે પણ એનાથી અંતરતાપક્ષુધા શમે નહીં. આમ છતાં નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે એને અખાજી દૂધમાં સાકર ભળ્યા સાથે સરખાવે છે. અંતે તેઓ વિચારને જ સાચી ભક્તિ - બ્યાશીમો ભક્તિપ્રકાર - કહે છે અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની એકરૂપતા બતાવે છે : જગતભાવને હૃદયથી દૂર કરવો એનું નામ વૈરાગ્ય; જગતને સ્થાને સર્વત્ર હરિ દેખાય તે ભક્તિ અને સર્વત્ર હરિ દેખાતાં જીવ-બ્રહ્મનું દ્વૈતભાન જાય તે જ્ઞાન. શાસ્ત્રની ૧ આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને અખાજી ચાબખા લગાવે છે, પણ સદ્ગુરુ ચક્ષુ આંજે ત્યારે બ્રહ્મતત્ત્વનું રહસ્ય સમજાય એમ કહી સદ્ગુરુના શરણને આવશ્યક ગણાવે છે અને સદ્ગુરુ, સંત, જ્ઞાની, હરિજનનો મહિમા ગાતાં થાકતા નથી. તોપણ અખાજીની દૃષ્ટિએ ગુરુ મળી જવામાં ઇતિકર્તવ્યતા નથી. વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે - અર્થાત્ બ્રહ્મસ્વરૂપની ભાળ મળે છે. એટલે ખરો ગુરુ તો અંતર્યામી કે આત્મા છે. આત્મા તે પરમાત્મા, તેથી પરમાત્મા પણ ગુરુ. બીજી બાજુથી જ્ઞાની ગુરુ તે હરિની જ મૂર્તિ. આમ અખાજી ગુરુ-ગોવિંદ-આત્માનું એકત્વ સ્થાપિત કરે છે. છપ્પામાં વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કલિયુગ એ જાતનો ઉચ્ચાવચ કાળભેદ, અવતાર, પૂર્વજન્મ, જ્યોતિષ, ભૂતપ્રેત, અધ્યાત્મવિદ્યામાં સંસ્કૃતની પ્રતિષ્ઠા આદિ વિશેની અનેક ધાર્મિકલૌકિક માન્યતાઓ પણ અખાજીની બૌદ્ધિક ચિકિત્સાનો વિષય બની છે, જે એમનો જીવનવિમર્શ સર્વગ્રાહી હોવાનું બતાવે છે. ક્યારેક તીક્ષ્ણ કટાક્ષથી, ક્યારેક હકીકત કે અનુભવના દ્યોતક આધારથી, ક્યારેક પૌરાણિક કે લૌકિક દૃષ્ટાંતની મદદથી પણ હંમેશાં પોતાના તત્ત્વવિચારની મૂળ ભૂમિકાએથી અખાજી આવી રૂઢ માન્યતાઓની પોકળતા છતી કરે છે : “આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ-વૈષ્ણવ કીધા ધણી,” “પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ અવગત કહેવાય.” છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે. છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી આપે છે. [જ.કો.]