ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલધીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુશલધીરકુશલધીર (ઉપાધ્યાય/પાઠક/વાચક) [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વાચક કલ્યાણલાભના શિષ્ય. એમની પાસેથી ૪ રાસાત્મક કૃતિઓ મળે છે : ‘શીલવતી-ચોપાઈ’ (૨.ઈ.૧૬૬૬), ૯૧૭ ગ્રંથાગ્રની ‘રાજર્ષિ-કૃતકર્મ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૭૨), ૨૫ ઢાળ અને ૬૦૩ કડીનો ‘લીલાવતી-રાસ’ (૨.ઈ.૧૬૭૨) અને ૫ ખંડ, ૬૫ ઢાળ અને ૨૦૫૯ કડીની ‘ભોજચરિત્ર-ચોપાઈ/ભોજપ્રબંધ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૭૩/સં. ૧૭૨૯, મહા વદ ૧૩). પૃથ્વીરાજકૃત ‘કૃષ્ણવેલી’ પરનો બાલાવબોધ (૨.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર) તથા ‘રસિકપ્રિયા’ પરનું રાજસ્થાની ભાષાનું વાર્તિક (૨.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, માગશર સુદ ૧૫) આ કવિની ૨ ગદ્યરચનાઓ છે. એમણે ૩૮ કડીની ‘ઉદ્યમકર્મસંવાદ-પ્રસ્તાવન’ (૨.ઈ.૧૬૪૩), ૫૫ કડીની ‘(સોવનગરિમંડન) પાર્શ્વનાથવૃદ્ધસ્તવન’ (૨.ઈ.૧૬૫૧), ‘ચોવીશી’ (૨.ઈ.૧૬૭૩) પોતાની ગુરુપરંપરા વર્ણવતી ૨ કડીની ‘સુગુરુ-વંશાવલી’ (મુ.) અને સ્તવનાદિ પ્રકારની અન્ય કેટલીક કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, સં. અગરચંદજી નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ક.શે.]