ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીતા-૧
Jump to navigation
Jump to search
જીતા-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જીતા-મુનિ-નારાયણ એવા નામથી ઓળખાતા આ સંતકવિ હરિકૃષ્ણજીના શિષ્ય હતા. મૂળ નડિયાદના બારોટ હોવાનું કહેવાય છે. સુરત પાસે અમરોલીમાં તથા ઉતરાણમાં એમના આશ્રમ હતા. સમાધિ ઉતરાણમાં. એમના ૨૨ પદો અને ૬૪ સાખીઓ (મુ.) મળે છે. એમાં હરિભક્તિબોધ, આત્મતત્ત્વની વિચારણા ને આત્મસાક્ષાત્કારના સાધન રૂપે ધ્યાનયોગનું નિરૂપણ થયેલું છે. નિરૂપણમાં અખાની જેમ દૃષ્ટાંતોનો પ્રચુર ઉપયોગ કર્યો છે. હિંદી ગદ્યમાં સુલતાન મુઝફરશાહ પર પત્ર રૂપે લખાયેલો મનાતો ‘કાફરબોધ’ (મુ.) હિંદુ-મુસ્લિમ ધર્મવિચારની અભિન્નતાના ઉપદેશથી ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. સંતોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.); ૨. પરિચિતપદસંગ્રહ, પ્ર. સસ્તુંસાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.). સંદર્ભ : અસંપરંપરા.[કા.શા.]