ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રુક્મિણીહરણ’


‘રુક્મિણીહરણ’-૧v x [ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર] : દેવીદાસ ગાંધર્વનું ૩૦ કડવાં ને ૫૫૪ કડીઓમાં રચાયેલું આ આખ્યાનકાવ્ય (મુ.) ગુજરાતીની રુક્મિણીવિષયક કૃતિઓમાં નોંધપાત્ર લેખાય એવું છે. ભાગવતકથાને અનુસરતા આ કાવ્યમાં કવિએ પાત્ર અને પ્રસંગોનાં વર્ણનોને બહેલાવ્યાં છે, જેમાં ગુજરાતીતાના અંશો પણ ઠીકઠીક દાખલ થયાં છે. શિશુપાલ સાથે વિવાહ નક્કી થતાં રુક્મિણીના મનમાં જાગતી નિરાશાની ને કૃષ્ણવિયોગની ને પછી કૃષ્ણના પત્ર દ્વારા મળતાં સધિયારાથી થતી એની પ્રસન્નતાની મનસ્થિતિઓનાં ને લગ્નસહજ રુક્મિણીના દેહસૌન્દર્યનાં તેમ જ સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોથી આખ્યાનમાં વીર, શૃંગાર ને હાસ્યરસના નિરૂપણને સારો અવકાશ મળ્યો છે. કથાના ભાવ-અંશોને ઉપસાવી આપતા મધુર સુગેય દેશીબંધો ને ખૂબ લોકપ્રિય થયેલાં લગ્નગીતો આ આખ્યાનની મોટી વિશેષતા છે. અલંકારોનો કવિએ વ્યાપક ઉપયોગ કર્યો છે ને એમની નિરૂપણશૈલીમાં લાલિત્ય છે.[ર.સો.]