ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આખ્યાતિક સમાસો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આખ્યાતિક સમાસો : આપણાં પરંપરાગત વ્યાકરણોમાં સમાસનું આલેખન મોટે ભાગે સંસ્કૃત ભાષાના ઢાંચા પ્રમાણે આપવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાની વિલક્ષણતા તરફ બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે. આથી આખ્યાતિક સમાસોની વાત એકેય પરંપરાગત વ્યાકરણમાં જોવા મળતી નથી. હરિવલ્લભ ભાયાણીએ ‘થોડોક વ્યાકરણવિચાર’ (૧૯૬૯)માં આખ્યાતિક સમાસોની લાક્ષણિકતા તરફ સૌપ્રથમ ધ્યાન દોરીને તેનું સ્વરૂપ અને વર્ગીકરણ પ્રસ્તુત કર્યાં છે. એમને મતે ‘આખ્યાતિક સમાસ એટલે બે ક્રિયારૂપોનો સમાસ. આ ક્રિયારૂપો તે પુરુષવાચક રૂપો હોય કે કૃદન્તો હોય; બે ઘટકો એક ઘટકની જેમ વાક્યમાં વર્તતા હોવાથી તથા ઉચ્ચારદૃષ્ટિએ – ધ્વનિ સ્વરૂપની દૃષ્ટિએ – એક શબ્દ તરીકે લેવા પડે તેમ હોવાથી તેઓ ચોખ્ખા સમાસ જ છે.’ એટલે આખ્યાતિક સમાસમાં ક્રિયા + ક્રિયા = ક્રિયા અને કૃદન્ત+કૃદન્ત = કૃદન્ત એવી બે પરિસ્થિતિ મળે. આખ્યાતિક સમાસો અન્તર્કેન્દ્રી (જેનું કેન્દ્ર સમાસના ઘટકોની અંદર જ સમાયેલું હોય), સર્વપદપ્રધાન (જેના બધા ઘટકો એકસરખા પ્રધાન હોય) અને દ્વન્દ્વ (જેના બંને ઘટકોનો વાક્ય સાથે એકસરખો સંબંધ હોય) પ્રકારના હોય છે. આખ્યાતિક દ્વન્દ્વ સમાસના ઘટકો વચ્ચે પર્યાયનો (જાણીબૂઝીને), પૂરકનો (ભણીગણીને) કે વિરોધનો (આવેજાય) સંબંધ હોય છે. ઘણા આખ્યાતિક સમાસ દ્વિરુક્તિવાળા હોય છે. આ દ્વિરુક્તિ સકળ ઘટકની, સંયોજન વિનાની હોય (ખાઉંખાઉં), સંયોજન સાથેની હોય (હસાહસ), પ્રાસતત્ત્વવાળી હોય (લૂમઝૂમ) કે એક ઘટક પ્રતિધ્વનિવાળી હોય (કાપકૂપ). આખ્યાતિક સમાસનું સ્વરૂપ સમજીએ. આખ્યાતિક સમાસોના ઘટકોમાં ક્રિયાનું કોઈપણ અર્થ કે વૃત્તિ વાચકરૂપ (ખાઉંપીઉં) અથવા અવસ્થા કે પક્ષ(Aspect) વાચકરૂપ (ખાધુંપીધું) અથવા શરત કે સંકેતવાચકરૂપ (ખાનપાન) આવી શકે. આખ્યાતિક સમાસના બીજા પ્રકારમાં કૃદન્તનાં રૂપો સંયોગ પામીને જે સામાસિક ઘટક રચે તે સંજ્ઞાબોધક (વાંચવું-લખવું), વિશેષણબોધક (જીવતું-જાગતું) અને ક્રિયા-વિશેષણબોધક (ખાઈપીને) હોય. ઊ.દે.