ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘટનાલોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘટનાલોપ: આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના વિવેચનમાં સૌથી વધારે વિવાદાસ્પદ બનેલી આ સંજ્ઞા સુરેશ જોષીના કહેવા પ્રમાણે સૌપ્રથમ વલસાડ ખાતે ટૂંકી વાર્તાના એક પરિસંવાદમાં જ્યોતીન્દ્ર દવેએ પ્રચલિત કરી હતી. (જુઓ ‘આત્મને પદી’ સં. સુમન શાહ, પૃ.૬૧) સુરેશ જોષીએ ‘કિંચિત’ નામના લેખમાં વસ્તુના સાધારણીકરણ કરતાં વસ્તુના વિલીનીકરણ પર વધુ ભાર આપ્યો હતો. આ વિલીનીકરણવાળા મુદ્દાએ ઘટનાહ્રાસ, ઘટનાતિરોધાન અને છેવટે ઘટનાલોપ સુધી ચર્ચાને વિસ્તારી છે. ‘ઘટના’ શબ્દને ખોટી રીતે સમજવાને કારણે કેટલાક ગૂંચવાડા જન્મ્યા છે. આ ગેરસમજે ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસને બે વિભાગમાં વહેંચી નાખ્યો – ૧૯૫૬ પહેલાંની ગુજરાતી વાર્તા જાણે ઘટનાપ્રધાન અને ૧૯૫૬ પછીની ગુજરાતી વાર્તા જાણે ઘટનાહ્રાસ, ઘટનાતિરોધાન કે પછી ઘટનાલોપવાળી વાર્તા. પૂર્વાર્ધની વાર્તા ઊતરતી કક્ષાની અને ઉત્તરાર્ધની વાર્તા ચડિયાતી કક્ષાની એવી ગેરસમજ પણ ફેલાઈ. સુરેશ જોષી ઘટનાહ્રાસ સમજાવવા એરિસ્ટોટલ અને આનંદવર્ધનની સહાય લે છે. એરિસ્ટોટલે ટ્રેજિડીના સંદર્ભે ચર્ચા કરતાં ‘એપિસોડિક પ્લોટ’ નિકૃષ્ટકોટિની વસ્તુસંરચના છે એવું કહ્યું. આ સંજ્ઞાનો અનુવાદ ઘટનાપ્રધાન વસ્તુસંરચના કરી ના શકાય. એરિસ્ટોટલની દૃષ્ટિએ ઘટનાઓની યોગ્ય પસંદગી અનિવાર્યતા અને સંભાવનાના નિયમને વશવર્તીને થવી જોઈએ. આવું ન થાય તો વસ્તુસંરચના ‘એપિસોડિક’ બની જાય. બીજા શબ્દોમાં એરિસ્ટોટલે ક્યાંય પણ આ નિયમો પાળતી તથા અનેક ઘટનાઓવાળી વસ્તુસંરચનાને તિરસ્કારી નથી. આનંદવર્ધનના જાણીતા સૂત્ર ‘ન હિ ક્વેરિતિવૃત્ત માત્ર નિર્વહણેન કિંચિત્ પ્રયોજનમ્’નો ઉત્તરાર્ધ આવો છે. ‘ઇતિહાસાદેવ તત્સિદ્વે’ ‘કવિનું કાર્ય કંઈ ઇતિહાસનો નિર્વાહ કરવાનું નથી. એ તો ઇતિહાસથી જ સિદ્ધ થઈ જાય છે.’ આનંદવર્ધન આ નિમિત્તે એમ કહેવા માગે છે કે રસવિરોધી કશું આલેખન ન કરવું. ઐતિહાસિક વસ્તુવાળી કૃત્તિમાં પણ ઇતિહાસને વફાદાર, પણ જો એ રસવિરોધી હોય તો તે ત્યજી દેવું. રસને અનુકૂળ બીજી કથા ઉપજાવી લેવી. એરિસ્ટોટલઆનંદવર્ધનની તાત્ત્વિક ભૂમિકા સરખી છે. સ્થૂળ ઘટનાને રચનારીતિ દ્વારા, એનો સંબંધ ચરિત્ર, ભાષા, કથનકેન્દ્ર સાથે યોજવાથી ઘટનાહ્રાસ ઘટનાતિરોધાન થઈ શકે. પણ ઘટનાહ્રાસ એ ઘટનાલોપ નથી. કલ્પનપ્રતીક, કાવ્યાત્મક શૈલી યોજવાથી ઘટનાહ્રાસ થઈ જાય એ ભ્રામક માન્યતા છે. ઘટનાલોપ એ અશક્ય ઘટના છે. ઘટનાપ્રધાન વાર્તા પણ હોઈ શકે અને ઘટના પર ઓછો ભાર આપીને પણ ઉત્તમ વાર્તા રચી શકાય, પણ એનો લોપ ન થઈ શકે. શિ.પં.