ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય દર્શનશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભારતીય દર્શનશાસ્ત્ર : યથાભૂત વસ્તુસ્વરૂપનું પ્રતિપાદક જ્ઞાનશાસ્ત્ર દર્શનશાસ્ત્ર કહેવાય. તે વસ્તુતંત્ર હોઈ, પ્રમાણ અને પ્રમેયનો સંબધ થતાં વસ્તુસ્વરૂપ પ્રકટ થાય છે. દૃષ્ટા યા દૃષ્ટિ દૂષિત હોય તો કાં તો વસ્તુસ્વરૂપનું ભાન થાય જ નહિ અથવા વસ્તુસ્વરૂપ હોય તેનાથી તેનું અવળું કે જુદું જ ભાન થાય. વસ્તુસ્વરૂપ જેવું હોય તેવું સ્પષ્ટ ભાન થાય તે સમ્યક્દર્શન, વસ્તુસ્વરૂપનું અભાવ રૂપે ભાન થાય તે અજ્ઞાન અને વસ્તુસ્વરૂપનું અન્ય સ્વરૂપે ભાન થાય તે ભ્રમ અથવા વિપર્યય કહેવાય. સત્ય દૃષ્ટિ એટલે વિદ્યા યા પ્રમાણવૃત્તિ. તેના પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ છ પ્રકાર છે. અસત્યદૃષ્ટિ અથવા અવિદ્યા એટલે એક મન :સ્થિતિ, જે સંશયરૂપ દ્વિધા હોય, જે હોય તેનાથી અવળું ગ્રહણ કરનાર વિપર્યયરૂપ હોય, જે સ્વપ્નવત્ ભ્રમરૂપ હોય, જે અસદ્ગ્રહ અર્થાત્ સત્ય જાણવા છતાંય ખોટાને વળગી રહેવાના દુરાગ્રહરૂપ હોય. ભારતીય દર્શનશાસ્ત્રની વિચારધારાઓ બે ભાગમાં વહેંચાયેલી છે. વેદને પ્રમાણભૂત માની પ્રવૃત્ત થનારાં આસ્તિક દર્શનો : સાંખ્ય, યોગ, ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા – ઉત્તરમીમાંસા અને વેદને પ્રમાણભૂત ન માનીને પ્રવૃત્ત થનારાં નાસ્તિક દર્શનો : ચાર બૌદ્ધમત – સૌત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર, અને માધ્યમિક તથા જૈન અને લોકાયતિક (ચાર્વાક). આ દર્શનશાસ્ત્રોનું હેતુનિષ્ઠ વર્ગીકરણ બાદરાયણના બ્રહ્મસૂત્રમાં જોવા મળે છે. જગત-કારણ સર્વજ્ઞ બ્રહ્મ છે કે કંઈ અન્ય એ પ્રશ્ન સંદર્ભે બાદરાયણે દર્શનશાસ્ત્રનું ગવેષણાત્મક વર્ગીકરણ કર્યું હોવાનું જણાય છે. બ્રહ્મસૂત્રમાં – ૧, આત્મરૂપ કોઈ પદાર્થ ન હોતાં જડભૂતોના સંયોગના ફળ રૂપે આત્મચેતન પ્રકટતું હોવાના લોકાયતિક સ્થૂળ વિચારને સામાન્ય લોકમત સ્વરૂપે લઈ તેને સ્વતંત્ર પ્રતિપક્ષી સ્વરૂપે ન લેતાં જીવાત્માના સ્વરૂપ નિર્ણયના સંદર્ભે તેનું જુદી રીતે ખંડન કર્યું છે. ૨, જૈમિનીની પૂર્વમીમાંસામાં જીવાત્માનો સ્વીકાર હોવા છતાંય જગતનું કારણ નિત્યસિદ્ધ બ્રહ્મ ન હોતાં કેવળ અપૂર્વ (કર્મ) હોવાના મતને પૂર્વપક્ષ રૂપે લીધો છે. ૩, સાંખ્યમતમાં આત્માનું શુદ્ધત્વ સ્વીકાર્ય હોવા છતાં ય તેના અનેકત્વ અને જડપ્રધાનના સ્વતંત્ર કર્તૃત્વના મતને પ્રતિપક્ષી રૂપે લીધો છે. ૪, યોગ સાધન સ્વરૂપે સ્વીકાર્ય હોવા છતાંય તેના પ્રધાનપ્રકૃતિકારણવાદનો મત પ્રતિપક્ષી રૂપે લીધો છે. ૫, વૈશેષિક મતને તેના પરમાણુકારણવાદ અને અર્ધવૈનાશિકતાને કારણે પ્રતિપક્ષી સ્વરૂપે લીધો છે. ૬, બૌદ્ધમત પૂર્ણ વૈનાશિક અને અનાત્મવાદી પ્રતિપક્ષી સ્વરૂપે લીધો છે. ૭, આર્હતમત અનેકાન્તવાદ તથા આત્માના દેહસમાન પરિણામવાદને કારણે પ્રતિપક્ષી સ્વરૂપે લીધો છે. ૮, પાશુપત મત પરમેશ્વર જ જગતનું નિમિત્તકારણ હોવાના મુદ્દે પ્રતિપક્ષી સ્વરૂપે લીધો છે. ૯, પાગ્ચારાત્રમતે વાસુદેવ ઉપાદાન કારણ હોવા છતાં ય જીવની ઉત્પત્તિના તેણે કરેલા સ્વીકારને કારણે પ્રતિપક્ષી રૂપે લીધો છે. બાદરાયણના સમન્વયાત્મક નિષ્કર્ષ પ્રમાણે જગતનું નિમિત્ત અને ઉપાદાનકારણ સર્વભૂતાત્મા છે. તેથી એમ કહી શકાય કે દર્શનશાસ્ત્રનું બાદરાયણે કરેલું વર્ગીકરણ જગતના કારણતત્ત્વ પર કેન્દ્રિત થયેલું છે. ત્યારપછી હરિભદ્રસૂરિ અને રાજશેખરે કરેલાં વર્ગીકરણો આચાર, વિચાર પર કેન્દ્રિત છે. દર્શનશાસ્ત્રોનું વિશદ વર્ગીકરણ માધવાચાર્ય(૧૨૯૫-૧૩૮૫) વિરચિત ‘સર્વદર્શનસંગ્રહ’માં જોવા મળે છે. ઐતિહાસિકક્રમ અને આચારવિચારની ચર્ચામાં ન પડતાં તેમણે તત્ત્વવિચારમાં રહેલી સ્થૂળસૂક્ષ્મતાની ઉચ્ચાવચતાના આધારે વર્ગીકરણ કર્યું છે. ચાર્વાકથી માંડી શાંકરમત સુધીનાં દર્શનશાસ્ત્રોની એક એવી અધિક્રમિકતા[hierarchical]નું નિરૂપણ થયું છે. જેમાં ઉત્તરોત્તર વિચારધારા દ્વારા પૂર્વ-પૂર્વ વિચારધારાનું ખંડન થતાં અન્તત : શાંકરમતનું મંડન થયું છે. અહીં દાર્શનિક વ્યવસ્થા સ્વાભાવિક રીતે નિરીશ્વર અને સેશ્વર વિચારધારાઓના ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. ચાર્વાક, બૌદ્ધ અને આર્હત ત્રણ નિરીશ્વરવાદી, રામાનુજ(વિશિષ્ટાદ્વૈત) અને પૂર્ણપ્રજ્ઞ (માધવાચાર્ય) વિષ્ણુપરક સવિશેષ બ્રહ્મવાદી, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્ય (વૈશેષિક), અક્ષપાદ (ન્યાય) એ બધી શિવપરક જૈમિની અને પાણિનિ અપૌરુષેય શબ્દ બ્રહ્મવાદી, સાંખ્યયોગ, નિત્યસિદ્ધ ઈશ્વરવાદી તથા શાંકરમત અભિન્ન નિમિત્તોપાદાનકારણ રૂપે સદ્ભાવ (સત્+ભાવ) સ્વીકારનારી, નિર્વિશેષ બ્રહ્મવાદી વિચારધારા હોવાનું આ વર્ગીકરણ પરથી સમજાય છે. આ દર્શનશાસ્ત્રોની સંપૃક્ત આચારમીમાંસાઓમાંથી મુખ્યતયા ત્રણ મહાન ધર્મો : સનાતન (વૈદિક)ધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મનો ઉદ્ભવ થયો એમ કહી શકાય. તેથી વિચારધારાઓ સ્વતંત્ર હોવા છતાંય તદ્તદ્ ધર્માનુસારિણી બની રહી એમ કહી શકાય. અહીં તથ્ય એ છે કે દાર્શનિક વિચારધારાઓ સાથે સંપૃક્ત ધર્મો ત્રણ મહાન રાજપુત્રો દ્વારા પરિપુષ્ટ થયા છે. મૂળ બ્રાહ્મણોએ શ્રુતિ રૂપે સંઘરેલું ત્રયીદર્શન આજે જેટલું પ્રભાવક નથી, તેટલું એ જ શ્રુતિના સાર રૂપે યદુરાજપુત્ર શ્રીકૃષ્ણે ગાયેલું ગીતાદર્શન પ્રભાવક છે. એ જ રીતે રાજપુત્ર ગૌતમબુદ્ધનો લોકસભામાંનો સંઘની શરણાગતિનો ઉપદેશ અને રાજપુત્ર મહાવીરની વાણીથી મુખરિત બનેલો ધર્મસંદેશ આજે પણ પ્રભાવક છે. શા.જ.દ.