ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યમ વ્યાયોગ


મધ્યમ વ્યાયોગ : કવિ ભાસને નામે ગણાયેલાં તેર નાટકોના ‘નાટકચક્ર’ પૈકીનું એક એકાંકી નાટક. એમાં મુખ્ય પાત્રો છે ભીમ, તેની પત્ની હિડિમ્બા અને તેમનો પુત્ર ઘટોત્કચ. માને માટે માણસ શોધવા નીકળેલો ઘટોત્કચ વનમાંથી પસાર થતા એક વૃદ્ધ બ્રાહ્મણને તેના ત્રણ પુત્રોમાંથી એકને સોંપી દેવા કહે છે. જ્યેષ્ઠ પિતાને પ્રિય છે, કનિષ્ટ માતાને. તેથી મધ્યમ પુત્ર તેને સોંપવાનો નિર્ણય થાય છે. ભીમ ઘટોત્કચને ઓળખી કાઢી મધ્યમ યુવાનને બદલે પોતે જવા તૈયાર થાય છે. ઘટોત્કચ સાથે યુદ્ધ કરી અંતે તે સાથે જાય છે. અને ભીમ-હિડિમ્બાનું ઘણાં વર્ષો બાદ પુનર્મિલન થાય છે. કોઈ રોમાંચકતા, વિલક્ષણ ભાવવાહિતા, ઉદાત્ત વર્ણનો, પ્રભાવશાળી સંવાદો કે સમર્થ પ્રેરણાદાયી નાટ્યપ્રભાવ વિનાનું આ એક સામાન્ય કક્ષાનું નાટક ગણી શકાય. ર.બે.