ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લલિત અને લલિતેતર સાહિત્ય



લલિત અને લલિતેતર સાહિત્ય : આજે પ્રચલિત લલિત અને લલિતેતર સાહિત્ય જેવા વર્ગીકરણ પાછળ દ ક્વિન્સીએ સાહિત્યના પાડેલા ‘લિટરેચર ઑવ પાવર’ અને ‘લિટરેચર ઑવ નોલૅજ’ વર્ગનો આધાર છે. લલિત સાહિત્યનું ધ્યેય કલ્પનાશીલ, રસપ્રધાન કૃતિ રચવાનું છે. કાવ્ય, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા એના મહત્ત્વના પ્રકાર છે. તો, લલિતેતર સાહિત્યનું ધ્યેય સંશોધનાત્મક, વિચારાત્મક કે ઉપદેશાત્મક, તર્કપ્રધાન યા વસ્તુપ્રધાન કૃતિ રચવાનું છે. એમાં ધર્મ-નીતિ, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજકારણ, ઇતિહાસ-શાસ્ત્રીય લખાણોનો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્યમાં આ સંદર્ભે નવલરામે મોહનગ્રંથિમાં કલ્પનાશીલ શુદ્ધ સાહિત્યને, શોધનગ્રંથિમાં શાસ્ત્રીય લખાણોને અને બોધનગ્રંથિમાં ઉપદેશાત્મક લખાણોને આવર્યાં છે. એને અનસુરીને વિજયરાય વૈદ્યે લલિત વાઙ્મય, શાસ્ત્રીય વાઙ્મય, અને બોધન વાઙ્મય એવા સાહિત્યના ત્રણ ભેદ કર્યા છે. આમ છતાં બે ભેદને લક્ષ્ય કરીને કેટલીક સંજ્ઞાઓ ગુજરાતીમાં સૂચવાયેલી છે. ગોવર્ધનરામે ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ને ‘નિરપેક્ષ સાહિત્ય’ કહ્યું છે, તો બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર શાસ્ત્ર-સાહિત્યને ‘સાપેક્ષ સાહિત્ય’ કહ્યું છે. નરસિંહરાવ દિવેટિયાએ ‘શુદ્ધ સાહિત્ય’ અને ‘ઉપલક્ષિત સાહિત્ય’ એવી બે સંજ્ઞાઓ આપી છે અને શુદ્ધ સાહિત્યના વર્ગમાં કલ્પનાવ્યાપારથી નીપજતા સાહિત્યના નાટક, કાવ્ય વગેરે પ્રકારોનો સમાવેશ કર્યો છે. રમણભાઈ નીલકંઠે મનની લાગણી, ભાવ વગેરેનું પરિણામ દાખવતી કવિતાકલાને ‘વિકારવિષયકસાહિત્ય’ ગણ્યું છે, જ્યારે તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન વગેરેને ‘વિચારવિષયક સાહિત્ય’ ગણ્યું છે. બ. ક. ઠાકોરે ‘શુદ્ધ સાહિત્ય’ હેઠળ સઘળું સર્જનાત્મક વાઙ્મય અને ‘ઉપસાહિત્ય’ હેઠળ જીવનચરિત્રો, અનુવાદો, ઐતિહાસિક કૃતિઓ, પ્રવાસગ્રન્થો વગેરેને આવરી લીધાં છે. એમણે શુદ્ધ સાહિત્યને પ્રતિભાનું ફળ ગણ્યું છે અને સમસ્ત સાહિત્યગિરિમાં એને શિખર માત્ર માન્યું છે. ચં.ટો.