ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકનાટ્ય


લોકનાટ્ય : લોકસાહિત્યનો નાટ્યપ્રકાર. આની ભજવણી માટે ખુલ્લી જગ્યા અને ગ્રામીણ કે તળસમાજના લોકોની હાજરી હોય એટલે એની જરૂરિયાત પૂરી થાય છે. સંગીત, નૃત્ય અને અભિનય આ ત્રણ દ્વારા પુરાણવિષય કે ધર્મવિષયને લઈને ચાલતા લોકનાટ્યમાં ક્યારેક તત્કાલીન સામાજિક દૂષણો અને સ્થાનિક પરિસ્થિતિ તરફ પણ અણસાર હોય છે પણ એનું મુખ્ય લક્ષ્ય મનોરંજન રહે છે. નટો અને પ્રેક્ષકો વચ્ચે નિકટતા ખાસ્સી જોઈ શકાય છે. મોટાભાગના લોકનાટ્યમાં પુરુષો જ સ્ત્રી અને પુરુષનો પાઠ ભજવે છે. ક્યારેક પાત્રોચિત મહોરાંઓનો પણ ઉપયોગ થાય છે. સંવાદો ઘણુંખરું પ્રશ્નોત્તરી રૂપે આવે છે. તળપ્રજાની નિહિત નાટ્યશક્તિ અહીં ખપ લાગે છે. ગુજરાતીમાં ભવાઈ, બંગાળમાં યાત્રા, ઉત્તર પ્રદેશમાં નવટંકી કે રામલીલા, મહારાષ્ટ્રમાં લાવણી અને તમાશા, કન્નડમાં યક્ષગાન, તમિળનાડમાં ધરકોથ્યુ વગેરે ભારતીય લોકનાટ્યનાં સ્વરૂપો છે. ચં.ટો.