ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકમાનસવિજ્ઞાન


લોકમાનસવિજ્ઞાન : સર્વસામાન્ય સાંસ્કૃતિક વારસાની ચેતનાથી સંકળાયેલું કોઈપણ લોકમાનસ સ્વયંસ્ફૂર્ત મૂળભૂત વૃત્તિઓ, આવેગો અને અતાર્કિક જીવનરીતિનો વિશેષ રીતે સ્વીકાર કરીને ચાલે છે. આથી પ્રયોગ-પરીક્ષણ કે ચિંતનના અભિગમનો એમાં અભાવ હોય છે. એનો ઝોક ધર્મ તરફ, રહસ્યો તરફ માન્યતાઓ, શ્રદ્ધાઓ, રૂઢિઓ અને જનરીતિઓના વાસ્તવ તરફ વિશેષ રહ્યો હોય છે. એક પારિવારિક સમૂહના રૂપમાં મુખ્યત્વે સંબંધો પર એમના વ્યવહારો એકતાથી ઓતપ્રોત રહે છે. એમની જીવનશૈલી પ્રમાણમાં સરલ, સ્વાભાવિક, પારંપરિક અને ઓછી વ્યવસ્થિત હોય છે. લોકસાહિત્યની લૌકિક પરંપરામાં આ લોકમાનસનું પ્રતિબિંબ સહજ રીતે ઝિલાયેલું જોઈ શકાય છે. ચં.ટો.