ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાઙમીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાઙ્મીમાંસા(Philology) : અંગ્રેજીમાં ‘ફિલોલોજી’ શબ્દનો જે સંકુચિત અને અપકર્ષક અર્થ છે તેવો ઇટાલિયન કે જર્મનમાં નથી. ભાષાનું આ શાસ્ત્ર સાહિત્યકૃતિઓ સાથે કામ પાડે છે અને માત્ર એની ભાષા સાથે જ નહિ પણ એના ઇતિહાસઉદ્ગમ અને અર્થ સાથે પણ નિસ્બત ધરાવે છે. માટે જ ગુજરાતીમાં પણ ‘ભાષાવિજ્ઞાન’ની સામે ‘ભાષાશાસ્ત્ર’ એવી એની સંજ્ઞા રૂઢ ન કરતાં ‘વાઙ્મીમાંસા’ જેવી વ્યાપક સંજ્ઞા રૂઢ કરવી વધુ ઉચિત છે. Philology શબ્દના ઘટકોમાં Philiaનો અર્થ પ્રીતિ, આદર કે ઘનિષ્ઠ સંબંધ અને Logosનો અર્થ શબ્દ કે કૃતિ એવું સ્પષ્ટ કરી વાઙ્મીમાંસાની, ભાષા અને સાહિત્યના ઐતિહાસિક અને વસ્તુલક્ષી સત્ય પરત્વેની શ્રદ્ધાને આગળ ધરી છે. આ પછી વાઙ્મીમાંસાને વ્યાપક ક્ષેત્ર સાથે જોડી છે. વાઙ્મીમાંસા કૃતિવિવેચન અને સંપાદન તેમજ વિવરણ શૈલીગત અને છાંદસ અભ્યાસનો ઘટક છે; સાથે સાથે કૃતિ સાથેના ઘનિષ્ઠ સંબંધને ઉપસાવતી અર્થઘટન અને સાહિત્યઇતિહાસની પ્રણાલી પણ છે. એનો સંબંધ સાહિત્યિક કૃતિઓનાં તથ્યો અને સત્યોની શોધ અર્થે ઇતિહાસ, પુરાતત્ત્વવિદ્યા, પુરાલિપિવિદ્યા, પુરાલેખવિદ્યા, નૃવંશશાસ્ત્ર, ઐતિહાસિક ભાષાશાસ્ત્ર, ધર્મ અને વિવેચનસિદ્ધાન્ત સુધી વિસ્તરેલો છે. આથી જ સોસ્યૂરે સ્પષ્ટ કરેલું કે વાઙ્મીમાંસાનું કાર્ય સાહિત્યકૃતિઓને સ્થાપિત કરવાનું છે, એને અર્થઘટિત કરવાનું છે અને એના પર વિવરણ કરવાનું છે એની આ નિસ્બત અને એને સાહિત્યઇતિહાસ વિધિ રિવાજો તરફ લઈ જાય છે. બીજી બાજુ સોસ્યૂરના શિષ્ય આન્તર્વાં મેય્લરે(Antoine Meiller) ભાષાવિજ્ઞાન અને વાઙ્મીમાંસાનો સંબંધ પણ સ્પષ્ટ કરી આપેલો. ભૂતકાલીન ભાષા-પરિસ્થિતિઓને નિર્ણીત કરવા માટે ભાષાવિજ્ઞાનીએ અત્યંત યથાર્થ અને સુનિશ્ચિત વાઙ્મીમાંસાનો ઉપયોગ કરવો જોઈએ. વાઙ્મીમાંસાનું એક એક ચોકસાઈભર્યું ડગ ભાષાવિજ્ઞાની માટે નવો વિકાસ છે. આ બધું લક્ષમાં રાખીને રોમન યાકોબસને વાઙ્મીમાંસાની ઉત્તમ વ્યાખ્યા આપી છે : વાઙ્મીમાંસા એ વિલંબિતતાથી વાંચવાની કલા છે. આ રીતે વિલંબિતતાથી વાંચવાની કલા જ આપણને ભાષાસ્વરૂપોના અર્થ સાથે જોડે છે. આ ભાષાસ્વરૂપો પાછાં કોઈ ચોક્કસ સંદર્ભ સાથે સંકળાયેલા સંકેતોનાં જોડાણો પર નિર્ભર હોય છે. આમ, વાઙ્મીમાંસા માને છે કે કાંઈ નહિ તો સિદ્ધાન્તમાં સાહિત્યકૃતિને કોઈ મૂળગત અર્થ હોય છે અને આ અર્થને, સાહિત્યકૃતિ જે સંદર્ભમાં જન્મી હોય એ સંદર્ભના નિર્દેશથી સમજી શકાય છે. અલબત્ત, મૂળગત અર્થની સંપૂર્ણ પુન :પ્રાપ્તિ શક્ય નથી. વાચક સાહિત્યસામગ્રીમાં પોતાની અંગતતાનો પ્રક્ષેપ કર્યા વિના રહેવાનો નથી. છતાં વાઙ્મીમાંસા માને છે કે ઐતિહાસિક ચોકસાઈ અને વસ્તુલક્ષિતાના પરિપ્રેક્ષ્યમાં મૂળગત અર્થને ફરી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થવો જ જોઈએ. આ રીતે વાઙ્મીમાંસા કોઈ ચોક્કસ સાહિત્યકૃતિના અભ્યાસથી શરૂ કરી સંસ્કૃતિઓના વ્યાપક અભ્યાસની બૃહદ દિશામાં કાર્ય કરી શકે છે. આ તબક્કે જોનાથન કલરે એક પરિસ્થિતિ તરફ વિશેષ ધ્યાન દોર્યું છે : વાઙ્મીમાંસા સાહિત્યવિવેચન માટે કે અર્થઘટનાત્મક અને ઐતિહાસિક વિવરણ માટે પૂર્વશરત છે, આધારભૂમિકા છે એમ માની લેવું ભૂલભરેલું છે. એનાથી ઊલટું વાઙ્મીમાંસાગત સંશોધનો સાહિત્યવિવેચનની પ્રણાલિઓ તેમજ સાહિત્યવિવેચનના સ્વરૂપ અંગેના સિદ્ધાન્તો પર અને સંસ્કૃતિઓની વિભાવનાઓ પર ખાસ્સાં નિર્ભર હોય છે. ચં.ટો.