ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સિક્સ કેરેક્ટર્સ ઈન સર્ચ ઑવ એન ઑથર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિક્સ કેરેક્ટર્સ ઇન સર્ચ ઑવ એન ઑથર : ઇટાલિયન નાટ્યકાર લુઇજી પીરાન્દેલો(૧૮૬૭-૧૯૩૬)નું અતિવિખ્યાત નાટક. નાટકના પ્રારંભમાં પર્દો ઊંચકાય છે ત્યારે એક દિગ્દર્શક નાટકનું રિહર્સલ કરાવી રહ્યો છે. ત્યાં જ સ્ટેજ પર એકાએક છ લોકો ચઢી આવે છે. એમાંનો એક કહે છે કે અમે લેખકની શોધમાં નીકળેલાં પાત્રો છીએ. નાટ્યયોનિનાં આ પાત્રો મુક્તિ ઝંખે છે જે દૃશ્ય પાસે તેઓ અધૂરાં મુકાયેલાં છે તે દૃશ્યની વાત તેઓ દિગ્દર્શકને કહે છે. દિગ્દર્શક સંમત થતાં બાપ, સાવકી પુત્રી, મા, પુત્ર જે ‘પાત્રો’ છે તે પોતાની કથની કહે છે. નાટકમાં જે ‘મા’ છે તે કોઈ ક્લાર્કના પ્રેમમાં પડી હોવાથી પતિએ એને કાઢી મૂકી છે. ત્યાં એ સાવકી પુત્રી, પુત્ર અને નાની પુત્રી સાથે રહે છે. વર્ષો ગયાં, આર્થિક વિટંબણાઓથી ઘેરાયેલો પતિ (પ્રેમી) મૃત્યુ પામ્યો, એ પોતાની પુત્રીને મેડમ પેસ (લેખકની શોધમાં નથી તેવું પાત્ર) પાસે મોકલે છે. મેડમ પેસની કપડાંની દુકાન મૂળે વેશ્યાલય છે, જ્યાં પિતા અને સાવકી પુત્રીના દૈહિક સોદાની મુલાકાત ગોઠવાય છે. ત્યારે જ એકાએક પેલી પુત્રીની માનું આવી પડવું એમને એ અપકૃત્યમાંથી બચાવી લે છે. પિતા અને સાવકીપુત્રી એકમેકને ઓળખતાં ન હતાં. પ્રથમ પતિ, સાવકી પુત્રી અને પત્નીને ઘેર લાવે છે. એક દિવસ રમતાં રમતાં નાની પુત્રી તળાવમાં ડૂબી જાય છે અને તે જોતાં જ પુત્ર રીવોલ્વોરથી આત્મહત્યા કરે છે. સીધું ન કહેવાયેલું આ કથાનક વિવિધ સભ્યો સાથે સંબંધ ધરાવે છે, અને નટજૂથ એમાંથી નાટક રચવાનો પ્રયત્ન કરે છે. જેવો અભિનય દાખલ થાય છે કે સત્ય તરડાય છે. રંગભૂમિની પ્રણાલિઓ પ્રવેશ કરે છે અને કાલ્પનિક પાત્રો દત્તક બને છે. પિરાન્દેલોનાં નાટકોમાં આ પ્રકારે વાસ્તવ અને આભાસનો વિરોધ કેન્દ્રસ્થાને હોય છે. બિ.પ.