ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુરતી બોલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરતી બોલી : વડોદરા તથા ભરુચ જિલ્લાના અમુક ભાગમાં તથા સુરત, વલસાડ, નવસારી તથા ડાંગ જિલ્લાના અમુક વિસ્તારમાં આ બોલી બોલાય છે. ઉચ્ચારણની વિશેષતાઓ : ૧, બધા જ શ અને સ ને સ્થાને હ વપરાય છે. જેમકે શાક > હાક, સુરત > હુરત, શેનો > હેનો, સવાદ >> હવાદ ૨, શબ્દની વચ્ચે ન, દ, ડ પછી તરત ‘લ’ આવે તો ન, દ, ડ પણ લ તરીકે ઉચ્ચારાય છે. જેમકે નાનલો > નાલ્લો, ગાદલું > ગાલ્લું, ગાડલું > ગાલ્લું, કડલું > કલ્લું, બદલી > બલ્લી, ૩, ‘હ’નું ઉચ્ચારણ થતું નથી. જેમકે નાહી આવ્યો > નાઇ આવ્યો. અને (નાશી આવ્યોનું નાહી આવ્યો) હું > ઉ, મું. હશે > ઓહે, ૪, ક્યાંક ળને બદલે લ બોલે છે. જેમકે મળવા > મલવા, ગાળ > ગાલ, ગળી : ગલી, વળવું > વલવું, ૫, ત ને બદલે ટ અને દ ને બદલે ડ બોલવાનું વલણ છે. જેમકે તમારો > ટમારો, વાત > વાટ, દાંડિયો > ડાંડિયો, પંદર > પંડર, દીઠો > ડીઠો, ૬, ક્યાંક ટ ને બદલે ત બોલે છે જેમકે છાંટો > છાંતો, કાંટો > કાંતો છટકી ગયો > છતકી ગયો, ૭, કેટલાક શબ્દોમાં બીજો અક્ષર બેવડાવીને બોલે છે. જેમકે છતાં > છત્તાં, બેઠો બેઠો ખાય છે > બેઠ્ઠો બેઠ્ઠો ખાય છે, સાચું > સાચ્ચું, કાચો >> કાચ્ચો, ૮, ‘નાખ્યા’ જેવા શબ્દમાં ‘ન’ ને બદલે લ બોલે છે. જેમકે મારી નાખ્યા હોય તો મારી લાઈખા બોલે. વ્યાકરણની વિશેષતાઓ : ૧, હું ને સ્થાને મેં અને મેં ને સ્થાને હું વાપરે છે. જેમકે મેં આવવાનો છઉં, મેં કામ કરવાનો છઉં તથા હુંએ કામ કર્યું, મેં બોયલો. ૨, છુંને બદલે છઉં વાપરે છે. મેં આવવાનો છઉં. ૩, બોલું છું, દોડું છું, જઉં છું જેવાં વાક્યોને બદલે બોલતો છઉં, દોડતો છઉં, જતો છઉં જેવાં વાક્યો બોલે છે. ૪, નથી અને નહીં ને બદલે ની બોલે છે. જેમકે મેં ની જવાનો. ૫, બોલ્યો, કાપ્યો જેવામાં બોયલો, કાયપો એમ બોલે છે. ઉપરાંત પોયરો-પોરી, બૂહો, ટાયલો, જેવા શબ્દો વધારે વાપરે છે. યો.વ્યા.