ગુજરાતી સૉનેટકાવ્યો/ગયાં વર્ષો –
Jump to navigation
Jump to search
૨૧. ગયાં વર્ષો –
ઉમાશંકર જોશી
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો,
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.
ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં,
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દ્રષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં :
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
૨૧-૭-૧૯૫૨/૫૩