ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/જોબનિયું — લોકગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જોબનિયું

લોકગીત

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને માથાના અંબોડામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને પાઘડીના આંટામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને આંખ્યનાં ઉલાળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને હૈયાંના હિલોળામાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને હાથની હથેળીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
જોબનિયાને પગની પાનીમાં રાખો
જોબનિયું કાલ્ય જાતું રે'શે
-લોકગીત

આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?

‘ચલં ચિત્તં, ચલં વિત્તં, ચલે જીવિતયૌવને'- ચિત્ત અને લક્ષ્મી ચંચળ છે, જીવન અને જવાની તો આજે છે ને કાલે નથી.કબીર, નરસૈંયો ઇત્યાદિ મધ્યયુગના કવિઓએ કહ્યે રાખ્યું કે જુવાનીમાં છકી ન જવું, ઘડપણ ઢુંકડું છે. તો શું આ વૈરાગ્યપ્રેરક પદ છે?

ના રે ના. એકેએક પંક્તિનું કલ્પન શૃંગારસૂચક છે: માથાનો અંબોડલો, પાઘડીનો આંટો, આંખના ઉલાળા,હૈયાના હિલોળા...સુરેન ઠાકર ‘મેહુલે' સુંદર વાત કરી: ભવનાથના મેળામાં બાવાઓ ભેગા મળે પણ તરણેતરના મેળામાં જુવાનો ને જુવતીઓ ભાગ લે. આણી પા કેશમાં ધૂપેલ નાખીને આવેલી, યૌવનથી તસતસતી આયરાણીઓ હોય, ઓણી પા છેલછોગાળા આયર હોય, સામસામે ગાતાં જાય, ‘માથાના અંબોડામાં રાખો!' ‘પાઘડીના આંટામાં રાખો!'

લેટિન સૂત્ર છે,‘કાર્પે ડીએમ', જેનો ભાવાનુવાદ આમ થાય, ‘આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?' આ ક્ષણમાં જીવી લો, કલ હો ન હો.

પાઘડી સૂર્યના તાપથી બચવા ન પહેરાય, પણ જોબનના તાપને વધારવા પહેરાય. અંબોડો ઇત્યાદિ કેશકલાપ તો ‘સોળ શણગાર'માંના એક. હૈયાના હિલોળામાં જવાનો મારગ આંખના ઉલાળાથી શરૂ થાય. જોબનિયાને હથેળીમાં શી રીતે સચવાય? આદિલ મન્સૂરી કહે છે:

"એ જ હાથોમાં મૂકી છે જિંદગી
સાચવી જે ના શક્યા મહેંદીનો રંગ!"

પગની પાની પણ પ્રેમચેષ્ટા તરફ ઇશારો કરે:

"યારી-ગુલામી શું કરું તારી સનમ?
ગાલે ચૂમું કે પાનીએ તૂને સનમ?"
(કલાપી)

સ્મશાને લઈ જવાની ચીજોની યાદી વાંચીએ તો વૈરાગ્યનો ભાવ જાગે, તેમ ઘાઘરાનો ઘેર, પાઘડીનો આંટો વગેરે વાનાં વાંચીને પ્રણયના ભાવનો ઉદય થાય.આઠ પંક્તિના લોકગીતમાં આઠ વાર તાકીદ કરી છે કે જોબનિયું કાલ્ય જાતું રહેશે, જીવનને જીવી લો.

આ જ ભાવને વધુ કલાત્મકતાથી વ્યક્ત કરતું એંડ્રુ માર્વેલ (૧૬૨૧- ૧૬૭૮)નું કાવ્ય છે, ‘લજ્જાળુ પ્રેમિકાને', તેનો અંશ-

"જો સમય અમર્યાદિત હતે
તો હું તારી આંખોનું વર્ણન કર્યા કરતે સો વર્ષ સુધી
પ્રત્યેક વક્ષસ્થળને પ્રેમ કરતે બસો વર્ષ
પૂરી કાયા માટે ત્રીસ હજાર વર્ષ તો ખરાં
અકેક અંગ કાજે, અકેક યુગ
અંતિમ યુગ પછી દર્શન થતે તારા હ્રદયનું
...પણ મારી પૂંઠે સંભળાય છે
સમયનો પાંખાળો રથ,નજીક આવતો જતો
આંખો સામે દૂર દૂર સુધી પથરાયું છે
અનંતનું અફાટ રણ
આરસની કબરની અંદર નહિ ગૂંજી શકે મારાં ગીત
તેં જાળવી રાખેલા કૌમાર્યને કોરી ખાશે કીડા
કબર સુંદર અને અંગત જગા છે
પણ મને લાગે છે, એમાં કોઈ આશ્લેષ કરી શકતું નથી
માટે, તારી ત્વચા પર પ્રભાતના ઝાકળ પેઠે
યૌવન બેઠું છે,ત્યારે ચાલને કરી લઈએ પ્રણયકેલિ
શિકારી પંખીની પ્રેમી જોડીની જેમ
ઉતાવળે ફોલી ખાઈએ આપણને મળેલો સમય"

***