ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ઢોલાજી હાલ્યા ચાકરી રે — લોકગીત
લોકગીત
ઢોલાજી હાલ્યા ચાકરી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે મુને હારે તેડતા જાવ
ઢોલાજી વીંઝણો લ્યો
તલવાર સરીખી ઢોલા ઊજળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારી કેડે ઝૂલતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો
રૂમાલ સરીખી ઢોલા રેશમી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હાથમાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો
સૂડી સરીખી ઢોલા વાંકડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા ગુંજામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો
પાન સરીખી ઢોલા પાતળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હોઠે રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો
ઢોલાજી હાલ્યા ચાકરી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે મુને હારે તેડતા જાવ
ઢોલાજી વીંઝણો લ્યો
-લોકગીત
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
સૈકાઓ પહેલાંના ગામડાગામમાં પેટિયું રળવાની તક ઓછી, એટલે પરણેતરને પાછળ મૂકીને પુરુષ નગરમાં નોકરી કરવા જતો. પાછા ફરવાનો સમય નક્કી ન હોય. એકલી પડેલી પરણેતરને સાસરિયાં કનડે, માટે તે પુરુષને નોકરીએ જતાં રોકતી:
"આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !"
પરણ્યો ન રોકાય ત્યારે પરણેતર જિદ કરતી કે મનેય લઈ જાઓ સાથે. ઢોલો એટલે વર, પતિ. (રાજસ્થાન અને ઉત્તર ભારતમાં ઢોલા-મારુની પ્રેમકથા જાણીતી છે.) બાઈ માણસને સાથે કેમ લઈ જવી?
પરણેતર કારણો આપે છે- હું કંઈ જેવી તેવી નથી. રૂપાળી છું, ઊજળી છું. મ્યાનની મર્યાદામાં બદ્ધ તલવારનું રૂપ ન દેખાય, રૂપ તો નાગી તલવારનું દેખાય. અહીં શૃંગાર રસનો છાંટો ઊડે છે. ઊજળી તો ગાય પણ હોય. પરણેતર ગાય જેવી ગરીબડી નહિ પણ તલવાર જેવી તાતી છે. પરણ્યાનું રખોપું કરવા તે ‘કટિબદ્ધ' છે, કેડે ઝૂલતી આવશે.
‘રૂમાલ સરીખી રેશમી' કહીને પરણેતર સ્પર્શ સંવેદનને ઉશ્કેરે છે. હાથરૂમાલ વાતે વાતે કામ આવે- સુંવાળો હોય, ઉપયોગી પણ હોય. પરણેતર બાંયધરી આપે છે કે હું હાથમાં રમતી આવીશ. (હાથમાં સમાવું નથી, હાથમાં રમવું છે. નટખટ તો ખરી!)
સૂડીનો વળાંક સ્ત્રીની કેડના લાંક જેવો લાગે. પરણેતર સૂડી સમી ધારદાર છે. પરણ્યાના સોપારી જેવા શોખ પૂરા કરવા તે ગજવામાં સંકોડાઈને રહેવા તૈયાર છે.
પરણેતરનું જોબન નવ‘પલ્લવિત' છે, તે પાન સરીખી છમ્મલીલી છે. નવદંપતી લગ્નની પહેલી રાતે એકમેકને પાન ખવડાવે. સ્ત્રીને પુરુષના હોઠે રમવાની હોંશ છે.
કરિયાવરમાં દીકરીને વીંઝણો (ચમરી, હાથથી હલાવવાનો પંખો) આપવાનો રિવાજ હતો. ‘તમને વીંઝણો ઢોળવા સારુ મનેય લેતા જાઓ'- પરણેતરના ઉદ્ગારનો અર્થ આવો હશે, એવી અટકળ કરું છું. અથવા તો વાળુ કરતા પરણ્યાને વીંઝણો ઢોળતી પરણેતરની આ ઉક્તિ હશે.
લોકગીતો વિશે ધીરુભાઈ ઠાકરે યથાર્થ નિરીક્ષણ કર્યાં છે- તે આત્મલક્ષી નહિ પણ સર્વસ્પર્શી હોય,લોકસમુદાય તેમાં પોતાની નાડીનો ધબકાર સાંભળી શકે. મીઠા ઢાળને લીધે તે લોકસ્મૃતિમાં વસી જાય. ગાનારીઓ પોતાના અંતરા ઉમેરતી જાય જેમ કે-
"લવિંગ સરીખી ઢોલા તીખડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારા મુખડામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો"
લોકગીતોમાં આવતા ‘રાજ' ‘માણારાજ' ‘હોંકે' ‘હેજી' ‘રે લોલ' જેવા લયપૂરકોનો સ્વતંત્ર અર્થ હોતો નથી પણ તે ગીતને વધુ ગેય અને આસ્વાદ્ય બનાવે છે, હોંકે રાજ!
***